સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, ઈશ્વર યહોવા’

‘પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, ઈશ્વર યહોવા’

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

‘પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, ઈશ્વર યહોવા’

જો તમારે યહોવા ઈશ્વરના ગુણો કે સ્વભાવ માટે એક શબ્દમાં જણાવવું હોય, તો તમે શું કહેશો? ઈસવીસન પૂર્વે આઠમી સદીમાં, પ્રબોધક યશાયાને દર્શન આપવામાં આવ્યું. એમાં તેમણે સ્વર્ગદૂતોને યહોવાના ગુણ ગાતા સાંભળ્યા. તેઓ યહોવાના એક મહત્ત્વના ગુણને દર્શાવવા જે શબ્દ વાપરતા હતા એ હતો, પવિત્રતા! યશાયાએ જે જોયું અને સાંભળ્યું, એનાથી આપણે દંગ થઈ જઈશું અને ઈશ્વર સાથે ગાઢ સંબંધ પણ બાંધી શકીશું. આપણે યશાયા ૬:૧-૩ જોઈએ એમ કલ્પના કરો કે તમે ત્યાં છો.

યશાયા શું જોઈ રહ્યા છે? યશાયા લખે છે: ‘મેં પ્રભુ યહોવાને જોયા, તે ઉચ્ચ તથા ભવ્ય રાજ્યાસન પર બેઠેલા હતા.’ (કલમ ૧) હકીકતમાં, યશાયા સૃષ્ટિના માલિક યહોવાને નજરોનજર જોઈ રહ્યા નથી. સ્વર્ગમાં શું થાય છે, એ આપણી આંખો જોઈ શકતી નથી. બાઇબલ સ્પષ્ટ રીતે જણાવે છે: “ઈશ્વરને કોઈ માણસે કદી દીઠો નથી.” (યોહાન ૧:૧૮) યશાયા દર્શન જોઈ રહ્યા છે. * તોપણ, દર્શન એટલું આબેહૂબ કે સ્પષ્ટ દેખાય છે કે યશાયા જાણે યહોવાને જોઈ રહ્યા હોય એમ મુગ્ધ થઈ ગયા છે.

યશાયા હવે જે જુએ છે, એવા દર્શનનો લહાવો કદી કોઈ માણસને મળ્યો નથી. તે લખે છે કે યહોવાની “આસપાસ સરાફો [સ્વર્ગદૂતો] ઊભા હતા: દરેકને છ છ પાંખ હતી; બેથી તે પોતાનું મુખ ઢાંકતો, બેથી પોતાના પગ ઢાંકતો અને બેથી ઊડતો.” (કલમ ૨) સરાફો સ્વર્ગદૂતોમાં બહુ ઊંચું સ્થાન ધરાવે છે. બાઇબલના લેખકોમાં ફક્ત યશાયાએ જ સરાફો વિષે લખ્યું છે. તેઓ હંમેશાં યહોવાની ઇચ્છા પ્રમાણે જવા અને એ મુજબ કરવા તૈયાર રહે છે. તેઓ પોતાનું મોં અને પગ ઢાંકે છે. આમ, જેની સેવા કરવાનો લહાવો મળ્યો છે એ સર્વશક્તિમાન માટે તેઓ ઊંડો આદર અને માન બતાવે છે.

યશાયા ફક્ત જે જુએ છે એનાથી જ નહિ, પણ જે સાંભળે છે એનાથી પણ દંગ રહી જાય છે. સ્વર્ગમાં સરાફો એકરાગે ઊંચા સ્વરે ગીત ગાય છે. યશાયા લખે છે: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોનો ઈશ્વર યહોવા.” (કલમ ૩) જે હિબ્રૂ શબ્દનું ભાષાંતર “પવિત્ર” થયું છે, એનો અર્થ ચોખ્ખાઈ અને શુદ્ધતા થાય છે. એ શબ્દનો અર્થ એમ પણ થાય કે “પાપથી પૂરેપૂરું મુક્ત અને અલગ.” એ ગીત સરાફો સતત વારાફરતી ગાતા હોઈ શકે. તેઓ “પવિત્ર” શબ્દ ત્રણ વખત ગાય છે, જે ભાર મૂકે છે કે યહોવા સૌથી પવિત્ર છે. (પ્રકટીકરણ ૪:૮) એ રીતે, તેમના સ્વભાવમાં અલગ તરી આવતો ગુણ છે, પવિત્રતા. દરેક રીતે યહોવા શુદ્ધ, નિર્મળ અને નિર્દોષ છે.

યહોવા પવિત્ર છે એ જાણીને આપણે તેમની નજીક જવા પ્રેરાઈએ છીએ. શા માટે? સત્તા ચલાવનારા માણસો ભ્રષ્ટ અને જુલમી બની શકે, જ્યારે કે યહોવામાં તો પાપનો છાંટોય નથી. તેમની પવિત્રતાથી આપણને ખાતરી મળે છે કે તે હંમેશાં સૌથી સારા પિતા, ન્યાયી શાસક અને ભેદભાવ ન રાખનાર ન્યાયાધીશ રહેશે. એટલા માટે આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે જેમનો ખાસ ગુણ પવિત્ર છે, તે ઈશ્વર આપણને કદી પણ નિરાશ કરશે નહિ. (w11-E 12/01)

[ફુટનોટ્‌સ]

^ ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ સમજાવે છે: “વ્યક્તિ જાગતી હોય એ સમયે ઈશ્વર તરફથી દર્શન મળે ત્યારે, એ તેના સજાગ મન પર જાણે છપાઈ જાય છે. પછીથી એ વ્યક્તિ એ બાબતો યાદ કરી શકે છે અને પોતાના શબ્દોમાં વર્ણવી અથવા લખી લઈ શકે છે.”—યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક.

[પાન ૩૨ પર બ્લર્બ]

યહોવા પવિત્ર છે એ જાણીને, આપણે તેમની નજીક જવા પ્રેરાઈએ છીએ