સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘મને કોનો ભય લાગે?’

‘મને કોનો ભય લાગે?’

‘મને કોનો ભય લાગે?’

“જોકે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.”—ગીત. ૨૭:૩.

નીચે આપેલી કલમો પ્રમાણે, હિંમત કેળવવા તમને શું મદદ કરી શકે?

ગીતશાસ્ત્ર ૨૭:૧

ગીતશાસ્ત્ર ૨૭:૪

ગીતશાસ્ત્ર ૨૭:૧૧

૧. ગીતશાસ્ત્રનો ૨૭મો અધ્યાય આપણને શું સમજવા મદદ કરશે?

 દુનિયાની સ્થિતિ બગડી રહી છે, છતાં પણ કેમ આપણું પ્રચાર કાર્ય વધી રહ્યું છે? દુનિયામાં આર્થિક તંગી હોવા છતાં, આપણે કેમ પોતાનો સમય અને શક્તિ છૂટથી પ્રચારમાં વાપરીએ છીએ? લોકોને ભવિષ્યનો ડર સતાવે છે, પણ આપણે કેમ હિંમત રાખી શકીએ? ગીતશાસ્ત્ર ૨૭ના શબ્દો રાજા દાઊદે ઈશ્વરની પ્રેરણાથી લખ્યા છે, એમાંથી એના જવાબો મળશે.

૨. ડરને લીધે વ્યક્તિને કેવું લાગે છે? આપણને કયો ભરોસો છે?

દાઊદ એ ગીતની શરૂઆત આ શબ્દોથી કરે છે: “યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?” (ગીત. ૨૭:૧) ભય અથવા ડર, વ્યક્તિને એટલી નબળી બનાવી દે છે કે તે કંઈ જ કરી શકતી નથી. પણ જે વ્યક્તિ યહોવા પર ભરોસો રાખે છે, તેને હિંમત મળે છે અને ભય અનુભવતી નથી. (૧ પીત. ૩:૧૪) જ્યારે આપણે યહોવાને આપણા ગઢ બનાવીશું, ત્યારે આપણે ‘સહીસલામત અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહીશું.’ (નીતિ. ૧:૩૩; ૩:૨૫) એવું શા માટે?

“યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે”

૩. યહોવા કયા અર્થમાં આપણું અજવાળું છે? આપણે શું કરવાની જરૂર છે?

‘યહોવા મારું અજવાળું છે,’ એ રૂપક શું બતાવે છે? એ આપણું ધ્યાન આ હકીકત તરફ દોરે છે કે યહોવા આપણને અજ્ઞાનપણાથી અને અંધકારમાંથી બહાર લાવવા સત્ય શીખવે છે. (ગીત. ૨૭:૧) અજવાળું જોખમ અથવા નડતર જોવા આપણને મદદ કરી શકે છે, પણ એને દૂર નથી કરતું. એટલે, આપણે એ જોખમોથી બચીને ચાલવાનું છે. એવી જ રીતે, દુનિયાના બનાવોનો શું અર્થ છે, એ યહોવા આપણને જણાવે છે. એ આપણને દુષ્ટ દુનિયાનાં જોખમોથી પણ સાવધ કરે છે. તેમણે બાઇબલમાં સિદ્ધાંતો આપ્યા છે, જે હંમેશાં મદદ કરે છે. પણ એ શીખીને એને જીવનમાં લાગુ પાડવા જ જોઈએ. ગીતકર્તાએ કહ્યું: “તારી આજ્ઞાઓ મારા શત્રુઓના કરતાં મને બુદ્ધિમાન કરે છે.” અને “મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું.” જ્યારે આપણે બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડીએ છીએ, ત્યારે આપણે ખરેખર સમજદારીથી વર્તી શકીએ છીએ.—ગીત. ૧૧૯:૯૮, ૯૯, ૧૩૦.

૪. (ક) દાઊદ કેમ પૂરી ખાતરી સાથે કહી શક્યા કે ‘યહોવા મારું તારણ છે’? (ખ) યહોવા ખાસ કરીને ક્યારે આપણું તારણ બનશે?

ગીતશાસ્ત્ર ૨૭:૧ના શબ્દો બતાવે છે કે દાઊદે યાદ કર્યું હશે કે યહોવાએ તેમને પહેલાંના સમયમાં કેવી રીતે બચાવ્યા અથવા છોડાવ્યા હતા. જેમ કે, યહોવાએ તેમને “સિંહ તથા રીંછના પંજામાંથી” બચાવ્યા. કદાવર ગોલ્યાથની સામે પણ જીત અપાવી. પછીથી, રાજા શાઊલે ભાલાથી દાઊદને વીંધી નાખવાના પ્રયત્નો કર્યા, પણ દરેક વખતે યહોવાએ તેમને બચાવ્યા. (૧ શમૂ. ૧૭:૩૭, ૪૯, ૫૦; ૧૮:૧૧, ૧૨; ૧૯:૧૦) એમાં કોઈ શંકા નથી કે દાઊદ પૂરી ખાતરી સાથે કહી શક્યા: ‘યહોવા મારું તારણ છે!’ યહોવા જેમ દાઊદ માટે તારણ બન્યા હતા, તેમ ફરીથી પોતાના સેવકો માટે બનશે. કેવી રીતે? આવનાર “મોટી વિપત્તિમાંથી” તેમના ભક્તોને છોડાવીને તે એમ કરશે.—પ્રકટી. ૭:૧૪; ૨ પીત. ૨:૯.

દરેક સફળતા યાદ રાખો

૫, ૬. (ક) આપણી હિંમત વધારવામાં આપણી યાદો કયો ભાગ ભજવે છે? (ખ) યહોવા જે રીતે તેમના સેવકો સાથે વર્ત્યા, એ આપણી હિંમત કેવી રીતે વધારે છે?

હિંમત વધારવા માટે એક મહત્ત્વની બાબત વિષે ગીતશાસ્ત્ર ૨૭:૨, ૩ આપણું ધ્યાન દોરે છે. (વાંચો.) દાઊદે એવા બનાવો યાદ કર્યા, જેમાં યહોવાએ તેમને બચાવ્યા હતા. (૧ શમૂ. ૧૭:૩૪-૩૭) એ યાદોએ તેમને ભરોસો અપાવ્યો, જેથી તે ખરાબમાં ખરાબ આફતો સહી શકે. શું તમારા અનુભવોથી તમને પણ એવી જ હિંમત મળે છે? જેમ કે, શું તમે કોઈ મુશ્કેલી માટે ઘણી પ્રાર્થનાઓ કરી છે? પછી, એ સહેવા યહોવાએ તમને સમજણ અને શક્તિ આપી હોય, એ શું તમે જોયું છે? અથવા શું તમને યાદ છે કે યહોવાની ખુશીથી ભક્તિ કરવાને આડે આવતાં નડતરો કઈ રીતે દૂર થયાં? કે પછી, તેમની ભક્તિમાં વધારે કરવા માટે કેવી રીતે લહાવા મળ્યા? (૧ કોરીં. ૧૬:૯) આ યાદ કરવાથી તમારા પર કેવી અસર થાય છે? શું આ યાદો ભરોસો નથી અપાવતી કે યહોવા તમને વધારે મોટાં નડતરો કે આફતો દૂર કરવા મદદ કરશે? અથવા એમાં ટકી રહેવા પણ મદદ કરશે?—રોમ. ૫:૩-૫.

જો શક્તિશાળી સરકારો યહોવાના સાક્ષીઓના સંગઠનને મિટાવી દેવા કાવતરું ઘડે, તો શું થશે? આપણા સમયમાં ઘણા લોકોએ એવું કરવા માટે પ્રયત્ન કર્યા હતા, પણ તેઓ નિષ્ફળ ગયા છે. યહોવાએ કેવી રીતે પહેલાંના સમયમાં પોતાના ભક્તોનું રક્ષણ કર્યું હતું, એનો વિચાર કરવાથી ભવિષ્યમાં બનનાર બનાવો આપણે હિંમતથી સહી શકીશું.—દાની. ૩:૨૮.

શુદ્ધ ભક્તિની કદર કરો

૭, ૮. (ક) ગીતશાસ્ત્ર ૨૭:૪ પ્રમાણે દાઊદે યહોવા પાસે શું માંગ્યું? (ખ) યહોવાની ભક્તિ કરવા માટેની મહાન મંદિરની ગોઠવણ શું છે? એ ગોઠવણ દ્વારા કેવી રીતે ભક્તિ કરવામાં આવે છે?

હિંમત વધારવા માટેની બીજી એક મહત્ત્વની બાબત, યહોવાની ભક્તિ માટેનો આપણો પ્રેમ છે. (ગીતશાસ્ત્ર ૨૭:૪ વાંચો.) દાઊદના દિવસોમાં “યહોવાનું મંદિર” મુલાકાતમંડપ હતું. પોતાના દીકરા સુલેમાનને હાથે બનનાર મંદિર માટે ખુદ દાઊદે ઝીણવટભરી તૈયારીઓ કરી હતી. સદીઓ પછી, ઈસુએ જણાવ્યું કે યહોવા ભક્તિ સ્વીકારે એ માટે કોઈ ભવ્ય મંદિરની જરૂર નહિ પડે, જેના પર ઈશ્વરના આશીર્વાદ હોય. (યોહા. ૪:૨૧-૨૩) હિબ્રૂના ૮થી ૧૦ અધ્યાયોમાં પ્રેરિત પાઊલે મહાન મંદિરની ગોઠવણ વિષે જણાવ્યું. જ્યારે ઈસુ ૨૯ની સાલમાં બાપ્તિસ્મા પામ્યા, ત્યારે એ ગોઠવણની શરૂઆત થઈ. ત્યારે તેમણે યહોવાની ઇચ્છા પૂરી કરવા પોતાને રજૂ કર્યાં. (હિબ્રૂ ૧૦:૧૦) આ મહાન મંદિરની ગોઠવણ યહોવાએ કરી છે. એ ગોઠવણ પ્રમાણે ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકીને, આપણે યહોવા સ્વીકારે એવી ભક્તિ કરી શકીએ છીએ. કેવી રીતે? એ માટે આપણે “શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને” પ્રાર્થના કરીએ; અચકાયા વિના આપણી આશા બીજાઓને જણાવીએ; સભાઓમાં અને કુટુંબ તરીકેની ભક્તિમાં એકબીજાનો વિચાર કરીએ, ઉત્સાહ વધારીએ અને ઉત્તેજન આપીએ. (હિબ્રૂ ૧૦:૨૨-૨૫) સાચી ભક્તિ માટેની આ ગોઠવણની કદર આપણને સંકટના છેલ્લા સમયમાં મજબૂત કરે છે.

પૃથ્વી ફરતે યહોવાના વફાદાર ભક્તો પ્રચાર કાર્યમાં વધારે ભાગ લઈ રહ્યા છે. તેઓ નવી ભાષાઓ શીખે છે અને એવી જગ્યાએ રહેવા જાય છે, જ્યાં પ્રચાર કરવાની વધારે જરૂર હોય. તેઓના નિર્ણયો બતાવે છે કે તેઓ પણ ગીતકર્તાની જેમ યહોવા પાસેથી એક જ વસ્તુની ઇચ્છા રાખે છે. દાઊદ યહોવાના ‘સૌંદર્યનું અવલોકન કરવા અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરવા’ ચાહતા હતા. આજે યહોવાના ભક્તો ચાહે છે કે યહોવા તેઓને આશીર્વાદ આપે; કોઈ પણ સંજોગમાં તેઓ તેમની ભક્તિ કરવા માંગે છે.—ગીતશાસ્ત્ર ૨૭:૬ વાંચો.

ઈશ્વરની મદદ પર ભરોસો રાખો

૯, ૧૦. ગીતશાસ્ત્ર ૨૭:૧૦માં આપેલી ખાતરીનો અર્થ શું થાય?

દાઊદને યહોવાની મદદમાં પૂરો ભરોસો હતો, એના પર ભાર મૂકતા તે જણાવે છે: “મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે.” (ગીત. ૨૭:૧૦) ૧ શમૂએલના ૨૨મા અધ્યાયના બનાવોથી જોઈ શકીએ છીએ કે દાઊદના માતા-પિતાએ તેમને તજી દીધા ન હતા. જોકે, ઘણાને આજે તેઓના કુટુંબે તજી દીધા છે. એના લીધે તેઓએ ઘણું સહેવું પડે છે. તોપણ, જેઓને કુટુંબે છોડી દીધા છે, તેઓને મંડળના પ્રેમથી મદદ અને રક્ષણ મળે છે.

૧૦ જો યહોવાના સેવકોને બીજાઓ છોડી દે, તોપણ તે મદદ કરવા તૈયાર છે. તો પછી, જ્યારે બીજી કોઈ પણ મુશ્કેલી આવે, ત્યારે શું યહોવા તેઓને નહિ સંભાળે? ધારો કે આપણને ચિંતા હોય કે કુટુંબની જરૂરિયાતોને કેવી રીતે પૂરી પાડીશું, તો શું આપણે એવી ખાતરી ન રાખવી જોઈએ કે યહોવા મદદ કરશે? (હિબ્રૂ ૧૩:૫, ૬) તે તેમના દરેક વિશ્વાસુ સેવકોના સંજોગો અને જરૂરિયાતો સમજે છે.

૧૧. આપણે યહોવા પર પૂરો ભરોસો રાખીએ છીએ, એ જોઈને બીજાઓ પર કેવી અસર પડે છે? ઉદાહરણ આપો.

૧૧ લાઇબીરિયાના બહેન વિક્ટોરિયાનો અનુભવ વિચારો. તે બાઇબલ શીખવા લાગ્યા. જ્યારે તેમણે બાપ્તિસ્મા લેવા માટે પગલાં ભર્યાં, ત્યારે તે જેની સાથે રહેતાં હતાં, એ માણસે તેમને અને તેઓનાં ત્રણ બાળકોને છોડી દીધાં. ભલે તેમની પાસે રહેવા ઘર અને નોકરી ન હતી, તોપણ તેમણે બાઇબલનો અભ્યાસ કરવાનું છોડ્યું નહિ. વિક્ટોરિયાના બાપ્તિસ્મા પછી, તેમની ૧૩ વર્ષની દીકરીને પૈસાથી ભરેલું એક પાકીટ મળ્યું. લાલચ ન જાગે એ માટે તેઓએ નક્કી કર્યું કે એમાં કેટલા પૈસા છે એ નહિ ગણે. એને બદલે, તરત જ તેઓએ એ સૈનિકનો સંપર્ક કર્યો, જેનું એ પાકીટ હતું. સૈનિકે કહ્યું કે જો બધા જ લોકો યહોવાના સાક્ષીઓની જેમ પ્રમાણિક હોત, તો આખી દુનિયા વધારે સારી અને શાંતિમય હોત. યહોવાએ વચન આપેલી નવી દુનિયા વિષે વિક્ટોરિયાએ બાઇબલમાંથી સૈનિકને જણાવ્યું. વિક્ટોરિયાની પ્રમાણિકતાથી ખુશ થઈને સૈનિકે પોતાના પૈસામાંથી તેમને મોટું ઇનામ આપ્યું. સાચે જ, યહોવાના ભક્તોને પૂરેપૂરો વિશ્વાસ છે કે યહોવા તેઓની જરૂરિયાતો પૂરી કરશે. એટલે જ તેઓની છાપ પ્રમાણિક લોકો તરીકેની છે.

૧૨. પૈસાની ખોટ સહેવી પડે તોપણ, યહોવાની ભક્તિ કરતા રહીને આપણે શું સાબિત કરીએ છીએ? દાખલો આપો.

૧૨ સિયેરા લિયોન શહેરના બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક, થોમસનો વિચાર કરો કે તેમને કેવું લાગ્યું હશે. તેમણે સ્કૂલના એક શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું, પણ લગભગ એક વર્ષ સુધી પગાર ન મળ્યો. પગાર મેળવવા થોમસે સ્કૂલના અમુક કાગળિયાનું કામ પૂરું કરાવવાનું હતું. અગાઉનો અને હાલનો પગાર મેળવવા તેમણે છેલ્લે શું કરવાની જરૂર હતી? તેમણે સ્કૂલના અધિકારી, જે પાદરી હતા, તેમને મળીને વાતચીત કરવાની હતી. પાદરીએ તેમને જણાવ્યું કે યહોવાના સાક્ષીઓની માન્યતાઓ તેમના સંગઠનની માન્યતાઓની સુમેળમાં નથી. એટલા માટે તેમણે થોમસને તેમની બાઇબલ માન્યતાઓ અથવા નોકરી, એ બેમાંથી એક પસંદ કરવા દબાણ કર્યું. થોમસે એ નોકરી અને લગભગ એક વર્ષનો પગાર જતાં કર્યાં. તેમને મોબાઇલ અને રેડિયો રીપેર કરવાનું બીજું કામ મળી ગયું. આવા ઘણા દાખલાઓ બતાવે છે કે જો આપણે યહોવામાં ભરોસો રાખીએ, તો આપણી જરૂરિયાતોની કદી પણ ચિંતા કરવી નહિ પડે. યહોવા ઉત્પન્‍નકર્તા છે અને તેમણે પોતાના સેવકોનું હંમેશાં રક્ષણ કર્યું છે. એટલે, આપણને ખાતરી છે કે તે આપણી સંભાળ જરૂર રાખશે.

૧૩. જે દેશોમાં ચીજવસ્તુઓની અછત હોય, ત્યાં પ્રચાર કાર્ય કેવી રીતે વધી રહ્યું છે?

૧૩ ઘણા દેશોમાં જ્યાં જીવન અઘરું છે, ત્યાં મોટા ભાગે ભાઈ-બહેનો પ્રચાર કરવામાં વધુ ભાગ લે છે. શા માટે? એક શાખા કચેરી આમ લખે છે: “ઘણા લોકો જેઓ બાઇબલ અભ્યાસ સ્વીકારે છે, તેઓ પાસે નોકરી ન હોવાને કારણે અભ્યાસ કરવા વધારે સમય હોય છે. ભાઈ-બહેનો પાસે પણ પ્રચાર કરવા વધારે સમય હોય છે. ખાસ તો જ્યાં પરિસ્થિતિ વધારે ખરાબ છે, ત્યાંના લોકોને એ સમજાવવું અઘરું નથી પડતું કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છે. તેઓ પોતે જ તેમની આસપાસની પરિસ્થિતિ જોઈ શકે છે.” એક મિશનરી ભાઈ જે ૧૨ વર્ષથી એવા દેશમાં પ્રચાર કરી રહ્યા છે, જ્યાં દરેક પ્રકાશક આશરે ત્રણથી વધારે બાઇબલ અભ્યાસો ચલાવે છે. તે ભાઈ લખે છે: “ઘણા પ્રકાશકો સાદું જીવન જીવતા હોવાથી, બહુ ઓછી બાબતો તેઓનું ધ્યાન ભટકાવે છે. તેઓ પાસે પ્રચાર કાર્ય અને બાઇબલ અભ્યાસ ચલાવવા મોટા ભાગે વધારે સમય હોય છે.”

૧૪. મોટા ટોળાને કઈ રીતે ઈશ્વરનું રક્ષણ મળી શકે?

૧૪ યહોવાએ વચન આપ્યું છે કે તેમના ભક્તોને એક સંગઠન તરીકે મદદ કરશે, રક્ષણ કરશે અને છોડાવશે. આપણને ભરોસો છે કે તે પોતાનું વચન ચોક્કસ પાળશે. (ગીત. ૩૭:૨૮; ૯૧:૧-૩) “મોટી વિપત્તિમાંથી” બચનાર ટોળું ખરેખર મોટું હશે. (પ્રકટી. ૭:૯, ૧૪) આમ, બાકી રહેલા છેલ્લા દિવસોમાં એ ટોળાને કોઈ ખતમ ન કરી દે, એ માટે ઈશ્વર તેઓનું રક્ષણ કરશે. તેઓને એ બધું જ પૂરું પાડવામાં આવશે, જેનાથી તેઓ સતાવણી સહી શકે અને યહોવા સાથેનો પોતાનો સંબંધ સાચવી શકે. મોટી વિપત્તિના છેલ્લા ભાગ સુધી યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરશે.

“હે યહોવા, તારો માર્ગ મને શીખવ”

૧૫, ૧૬. ઈશ્વર આપણને જે શીખવે છે, એને લાગુ પાડવાથી કેવા ફાયદા થાય છે? દાખલો આપી સમજાવો.

૧૫ હિંમત જાળવી રાખવા આપણને ઈશ્વર પાસેથી સતત માર્ગદર્શન લેતા રહેવાની જરૂર છે. દાઊદની વિનંતીમાં એ જોઈ શકાય છે: “હે યહોવા, તારો માર્ગ મને શીખવ; અને મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગમાં દોરી જા.” (ગીત. ૨૭:૧૧) આ પ્રાર્થના પ્રમાણે વર્તવાનો અર્થ થાય કે યહોવાના સંગઠન દ્વારા મળતા બાઇબલના માર્ગદર્શનને આપણે પૂરેપૂરું ધ્યાન આપીએ. આપણે જે શીખીએ એ તરત લાગુ પાડીએ. દાખલા તરીકે, ઘણાએ સાદું જીવન જીવવાની સારી સલાહને લાગુ પાડી છે. તેઓએ પોતાનું દેવું ચૂકવી દીધું છે અને એવી વસ્તુઓ વેચી નાખી છે, જેની તેઓને જરૂર નથી. એટલે, જ્યારે દુનિયાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ, ત્યારે તેઓ પાસે પૈસાને લગતી ઓછી સમસ્યાઓ હતી. આમ, પોતાને પોસાય નહિ એવી વસ્તુઓનું દેવું ચૂકવવાના બોજ નીચે તેઓ દબાઈ ગયા નથી. એને બદલે, તેઓ છૂટથી વધારે પ્રચાર કરે છે. આપણે દરેકે પોતાને પૂછવું જોઈએ: ‘ભલે મારે કંઈ જતું કરવું પડે તોપણ, બાઇબલ અને વિશ્વાસુ ને બુદ્ધિમાન ચાકર તરફથી મળેલા સાહિત્યમાંથી વાંચેલું બધું શું હું તરત જ લાગુ પાડું છું?’—માથ. ૨૪:૪૫.

૧૬ આપણે સાચા માર્ગ પર ચાલીએ એ માટે યહોવાને માર્ગદર્શન આપવા દઈએ ત્યારે, ડરવાનું કોઈ કારણ રહેતું નથી. અમેરિકાના એક નિયમિત પાયોનિયરે એવી નોકરી માટે અરજી કરી, જેનાથી તે અને તેમનું આખું કુટુંબ પૂરા સમયની સેવા કરી શકે. તેમના સુપરવાઇઝરે જણાવ્યું કે કૉલેજની ડિગ્રી વિના એ નોકરી કદી પણ મેળવી નહિ શકે. જો તમારી સાથે આવું થાય તો તમને કેવું લાગે? ઉચ્ચ શિક્ષણને બદલે પૂરા સમયની સેવા પસંદ કરવાનો, શું તમને અફસોસ થયો હોત? બે અઠવાડિયા પછી, તે સુપરવાઇઝરને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા. નવા સુપરવાઇઝરે ભાઈને તેમના ધ્યેયો વિષે પૂછ્યું. ભાઈએ તરત જ સમજાવ્યું કે તે અને તેમના પત્ની પૂરા સમયની સેવા આપતા યહોવાના સાક્ષીઓ છે અને એ સેવા ચાલુ રાખવા ચાહે છે. આપણા ભાઈ કંઈક વધારે જણાવે એ પહેલાં જ સુપરવાઇઝરે કહ્યું: “મને થતું હતું કે તમે કંઈક અલગ છો! જ્યારે મારા પિતા મરણ-પથારી પર હતા, ત્યારે યહોવાના બે સાક્ષીઓ આવીને તેમની સાથે દરરોજ બાઇબલ વાંચતા હતા. એ સમયે મેં વચન લીધું કે જ્યારે પણ યહોવાના સાક્ષીઓને મદદ કરવાની તક મળશે, ત્યારે હું ચોક્કસ કરીશ.” બીજી સવારે ભાઈને એ જ નોકરી મળી, જે પહેલા સુપરવાઇઝરે તેમને આપવાની મના કરી હતી. સાચે જ, જો આપણે ઈશ્વરના રાજ્યને પ્રથમ રાખીએ, તો આપણી જીવન-જરૂરી બધી ચીજો પૂરી કરવાનું વચન યહોવા ચોક્કસ પાળશે.—માથ. ૬:૩૩.

શ્રદ્ધા અને આશા મહત્ત્વની છે

૧૭. ભાવિમાં જે બનવાનું છે, એનો હિંમતથી સામનો કરવા શું મદદ કરશે?

૧૭ શ્રદ્ધા અને આશા મહત્ત્વની છે, એના પર ભાર મૂકતા દાઊદ જણાવે છે: “આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો હું નિર્ગત થઈ જાત.” (ગીત. ૨૭:૧૩) ઈશ્વરે આપેલી આશા અને ગીતશાસ્ત્ર ૨૭માં જણાવેલી બાબતો ન જાણતા હોત તો, આપણું જીવન કેવું હોત? ચાલો, આ છેલ્લા સમયમાં આપણે યહોવાને પૂરી ખાતરીથી નિયમિત પ્રાર્થના કરતા રહીએ કે તે શક્તિ અને હિંમત આપે. તેમ જ, આર્માગેદન તરફ લઈ જતા બનાવોમાં ટકી રહેવા મદદ કરે.—ગીતશાસ્ત્ર ૨૭:૧૪ વાંચો. (w12-E 07/15)

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

યહોવાએ કરેલા બચાવની યાદોએ દાઊદને હિંમત આપી

[પાન ૨૫ પર ચિત્ર]

પૈસાની તંગીને લીધે આવતી મુશ્કેલીને, શું આપણે પ્રચારમાં વધુ કરવાની એક તક ગણીએ છીએ?