સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા પોતાના કુટુંબને એકતામાં લાવે છે

યહોવા પોતાના કુટુંબને એકતામાં લાવે છે

યહોવા પોતાના કુટુંબને એકતામાં લાવે છે

‘હું તમને વિનંતી કરું છું કે પવિત્ર શક્તિનું ઐક્ય રાખવાને યત્ન કરો.’—એફે. ૪:૧, ૩.

તમે કેવી રીતે સમજાવશો?

ઈશ્વરની ગોઠવણનો હેતુ શું છે?

આપણે કઈ રીતે ‘પવિત્ર શક્તિનું ઐક્ય રાખીએ’ છીએ?

‘એકબીજા પ્રત્યે માયાળુ બનવા’ આપણને શું મદદ કરશે?

૧, ૨. પૃથ્વી અને મનુષ્યો માટે યહોવાનો હેતુ શું છે?

 કુટુંબ. આ શબ્દથી તમારા મનમાં શું વિચાર આવે છે? હૂંફ? ખુશી? કોઈ એક ધ્યેય પૂરો કરવા સાથે કામ કરવું? એવી એક સલામત જગ્યા, જેમાં તમારો વિકાસ થાય, શીખી શકો અને વિચારોની આપ-લે થઈ શકે? જો તમે કાળજી લેનાર કુટુંબના ભાગ હો, તો મોટા ભાગે એવું બને છે. ખુદ યહોવાએ કુટુંબની ગોઠવણ કરી છે. (એફે. ૩:૧૪, ૧૫) તેમનો હેતુ હતો કે સ્વર્ગમાં અને પૃથ્વી પરના બધા જ સલામતી, એકબીજા પર ભરોસો અને સાચી એકતા અનુભવે.

આદમ અને હવાએ પાપ કર્યું એ પછી મનુષ્યો, ઈશ્વરના કુટુંબનો ભાગ રહ્યા નહિ. પણ યહોવાનો હેતુ બદલાયો નથી. તે ખાતરી કરશે કે નવી દુનિયામાં આદમ અને હવાનાં સંપૂર્ણ સંતાનોથી આખી પૃથ્વી ભરાઈ જાય. (ઉત. ૧:૨૮; યશા. ૪૫:૧૮) તેમણે પોતાનો હેતુ પૂરો કરવા બધી જ તૈયારી કરી લીધી છે. એમાંની અમુક ગોઠવણો વિષે બાઇબલનું એફેસીનું પુસ્તક આપણું ધ્યાન દોરે છે. એ પુસ્તકનો મુખ્ય વિષય છે, એકતા. ચાલો, એમાંથી થોડીક કલમો પર વિચાર કરીએ. તેમ જ, જોઈએ કે યહોવાએ સરજન કરેલી વ્યક્તિઓને એકત્રિત કરવાના તેમના હેતુને આપણે કેવી રીતે ટેકો આપી શકીએ.

ગોઠવણ અને એનું કાર્ય

૩. એફેસી ૧:૧૦માં જણાવેલી ઈશ્વરની ગોઠવણ શું છે? એના પહેલા ભાગની શરૂઆત ક્યારે થઈ?

યહોવાનાં કાર્યો અને હેતુ હંમેશાં એકબીજાના સુમેળમાં હોય છે. સ્વર્ગમાં અને ધરતી પર રહેતા બધાને એક કુટુંબ તરીકે ભેગા કરવા ઈશ્વરે તૈયારી શરૂ કરી દીધી છે. એ તૈયારીને તે એક “વ્યવસ્થા” કે ગોઠવણ તરીકે ઓળખાવે છે. (એફેસી ૧:૮-૧૦ વાંચો.) આ ગોઠવણ પોતાનો ધ્યેય બે ભાગમાં પૂરો કરશે. પહેલો ભાગ અભિષિક્તોને તૈયાર કરે છે, જેથી તેઓ ઈસુ ખ્રિસ્તની આગેવાની નીચે સ્વર્ગમાં જીવી શકે. આ ભાગની શરૂઆત ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તમાં થઈ. એ સમયે યહોવાએ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરનારાઓને ભેગા કર્યાં. (પ્રે.કૃ. ૨:૧-૪) ખ્રિસ્તના બલિદાનને આધારે અભિષિક્તોને જીવન માટે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. તેથી, તેઓ ખુશીથી સ્વીકારે છે કે પોતે “ઈશ્વરનાં છોકરાં” તરીકે દત્તક લેવાયા છે.—રોમ. ૩:૨૩, ૨૪; ૫:૧; ૮:૧૫-૧૭.

૪, ૫. ઈશ્વરની ગોઠવણનો બીજો ભાગ કયો છે?

બીજો ભાગ એવા લોકોને તૈયાર કરે છે, જેઓ પૃથ્વી પર ખ્રિસ્તના મસીહી રાજ્યમાં નવી દુનિયામાં જીવશે. તેઓનો પહેલો ભાગ “મોટી સભા” બને છે. (પ્રકટી. ૭:૯, ૧૩-૧૭; ૨૧:૧-૫) ઈસુના હજાર વર્ષના રાજ્યમાં મરણમાંથી પાછા ઊઠેલા અબજો તેઓની સાથે ભેગા મળશે. (પ્રકટી. ૨૦:૧૨, ૧૩) લોકોને મરણમાંથી પાછા ઉઠાડવામાં આવશે, એનાથી એકતા બતાવવાની કેટલી બધી તક મળશે, એની કલ્પના કરો! હજાર વર્ષ પૂરાં થયાં પછી, ‘પૃથ્વી પરનાં વાનાં’ કે લોકોની આખરી કસોટી થશે. જે લોકો વિશ્વાસુ રહેશે, તેઓને પૃથ્વી પર ‘ઈશ્વરનાં છોકરાં’ તરીકે દત્તક લેવામાં આવશે.—રોમ. ૮:૨૧; પ્રકટી. ૨૦:૭, ૮.

ઈશ્વરની ગોઠવણના બંને ભાગ, એટલે કે સ્વર્ગ અને પૃથ્વી પરના ભાગ આજે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આપણે પોતે કઈ રીતે ઈશ્વરની ગોઠવણને ટેકો આપીએ છીએ?

‘પવિત્ર શક્તિનું ઐક્ય રાખો’

૬. બાઇબલ કઈ રીતે બતાવે છે કે ખ્રિસ્તીઓએ એકબીજા સાથે ભેગા મળવું જોઈએ?

બાઇબલ જણાવે છે કે ખ્રિસ્તીઓએ ભેગા મળવું જ જોઈએ. (૧ કોરીં. ૧૪:૨૩; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) એમાં શેનો સમાવેશ થાય છે? એવું નથી કે ફક્ત એક જગ્યાએ ભેગા મળીને અમુક સમય સાથે પસાર કરવો, જેમ કે લોકો બજારમાં કે રમતના મેદાનમાં ભેગા થઈને કરતા હોય છે. ખરી એકતાનો અર્થ એનાથી વધારે થાય છે. જ્યારે યહોવાનું માર્ગદર્શન આપણે પાળીએ છીએ અને પોતાને ઈશ્વરની શક્તિ દ્વારા ઘડાવા દઈએ છીએ, ત્યારે આપણે એવી એકતા અનુભવી શકીએ છીએ.

૭. ‘પવિત્ર શક્તિનું ઐક્ય રાખવાનો’ શું મતલબ થાય?

યહોવાએ અભિષિક્તોને ખ્રિસ્તના બલિદાનથી ન્યાયી ઠરાવીને તેમના છોકરાં તરીકે સ્વીકાર્યાં અને બીજાં ઘેટાંને ન્યાયી ઠરાવીને પોતાના મિત્ર ગણ્યા. પણ જ્યાં સુધી આપણે આ દુનિયામાં જીવીશું, ત્યાં સુધી એકબીજા વચ્ચે મતભેદો તો થવાના જ. (રોમ. ૫:૯; યાકૂ. ૨:૨૩) જો આમ ન હોત તો બાઇબલની આ સલાહની જરૂર ન હોત: “એકબીજાનું સહન કરો.” મંડળના ભાઈ-બહેનો સાથે એકતા કેવી રીતે કેળવી શકાય? આપણે ‘સંપૂર્ણ દીનતા અને નમ્રતા’ કેળવવાની જરૂર છે. વધુમાં, પાઊલ અરજ કરે છે કે આપણે ‘શાંતિના બંધનમાં પવિત્ર શક્તિનું ઐક્ય રાખવાને’ ખંતથી પ્રયત્ન કરીએ. (એફેસી ૪:૧-૩ વાંચો.) આ સલાહને પાળવાનો અર્થ થાય કે આપણે ઈશ્વરની શક્તિના માર્ગદર્શનથી દોરાઈએ. તેમ જ, એ શક્તિને આપણામાં એના ગુણો કેળવવા દઈએ. આ ગુણો સંબંધોમાં પડેલી તીરાડો પૂરે છે, જ્યારે કે દેહનાં કામ એના કરતાં વિરુદ્ધ છે, જે હંમેશાં સંબંધોમાં તીરાડો પાડે છે.

૮. દેહનાં કામો કઈ રીતે ભાગલા પાડે છે?

“દેહનાં કામ” કઈ રીતે ભાગલા પાડે છે, એના પર ધ્યાન આપો. (ગલાતી ૫:૧૯-૨૧ વાંચો.) વ્યભિચાર કરનાર વ્યક્તિ યહોવા અને મંડળથી દૂર થઈ જાય છે. લગ્‍ન બહારના આડા સંબંધો નિર્દય રીતે બાળકોને માબાપથી અને નિર્દોષ પતિ કે પત્નીને પોતાના લગ્‍નસાથીથી જુદા પાડે છે. અશુદ્ધતા વ્યક્તિને ઈશ્વર અને તેમને ચાહનારા લોકો સાથેની એકતાથી દૂર લઈ જાય છે. જેણે બે વસ્તુઓને ગુંદરથી ચોંટાડવાનો પ્રયાસ કર્યો હોય, તે જાણે છે કે બંને વસ્તુઓની સપાટી સાફ હશે, તો જ એ સરખી રીતે એકબીજા સાથે ચોંટી શકશે. બેશરમ રીતે વર્તનારા લોકો ઈશ્વરના ખરા નિયમોનો પૂરેપૂરો નકાર કરે છે. દેહનાં બીજાં દરેક કામ લોકોને એકબીજાથી અને ઈશ્વરથી દૂર લઈ જાય છે. આવું વર્તન યહોવાના સ્વભાવથી સાવ અલગ છે.

૯. આપણે ‘પવિત્ર શક્તિનું ઐક્ય રાખવાને યત્ન કરીએ’ છીએ કે નહિ, એની તપાસ કેવી રીતે કરી શકીએ?

એટલા માટે આપણે દરેકે પોતાને આ સવાલો પૂછવાની જરૂર છે: ‘શાંતિના બંધનમાં પવિત્ર શક્તિનું ઐક્ય રાખવા’ હું કેટલા પ્રયત્નો કરું છું? જ્યારે કોઈની સાથે મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે હું કેવી રીતે વર્તું છું? શું એ વિષે હું બધાને જણાવું છું, જેથી મિત્રો મારો પક્ષ લે? શું હું એવી આશા રાખું છું કે વડીલો મારા વતી જઈને તકરાર થાળે પાડે, જેથી મારે એ વ્યક્તિ સાથે સારો સંબંધ બાંધવા પ્રયત્ન કરવો ન પડે? જો મને ખબર પડે કે બીજી વ્યક્તિને મારાથી કંઈ તકલીફ છે, તો શું હું એને મળવાનું ટાળું છું, જેથી અમારે એ સમસ્યા પર વાત કરવી ન પડે?’ ઈશ્વરનો હેતુ બધાને ખ્રિસ્તમાં એકત્ર કરવાનો છે. તો પછી, શું આપણું વર્તન બતાવે છે કે આપણે એ હેતુ પ્રમાણે વર્તીએ છીએ?

૧૦, ૧૧. (ક) ભાઈ-બહેનો સાથે સારો સંબંધ રાખવો કેમ જરૂરી છે? (ખ) હળીમળીને રહેવા અને યહોવાના આશીર્વાદ મેળવવા આપણે શું કરીશું?

૧૦ ઈસુએ કહ્યું: ‘ઈશ્વરની સમક્ષ અર્પણ લાવવા માટે જો તમે મંદિરમાં વેદી આગળ ઊભા હો અને એકાએક તમને યાદ આવે કે તમારા ભાઈને તમારી વિરુદ્ધ કાંઈ છે, તો તમારું અર્પણ ત્યાં જ વેદી પાસે રહેવા દો અને જઈને માફી માગીને તેની સાથે સમાધાન કરો, પછી આવીને તમારું અર્પણ ઈશ્વર સમક્ષ લાવો. જલદી સમાધાન કરી લો.’ (માથ. ૫:૨૩-૨૫, IBSI) યાકૂબે લખ્યું: “જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.” (યાકૂ. ૩:૧૭, ૧૮) જો બીજાઓ સાથે આપણા સારા સંબંધો નહિ હોય, તો જે ખરું છે, એ નહિ કરી શકીએ.

૧૧ દાખલા તરીકે, અમુક દેશોમાં યુદ્ધો થતાં રહે છે. એવા દેશોમાં ખેડૂતોને જમીનમાં દાટેલા બૉમ્બનો ડર રાખવો પડતો ન હોય, તો ત્યાં હજી ૩૫ ટકા વધારે જમીન ખેડવામાં આવી શકે. જ્યારે એ બૉમ્બ ફૂટે છે, ત્યારે ખેડૂતો પોતાની જમીનો છોડી જાય છે. લોકોને ગામડામાં કામ નથી મળતું અને શહેરોમાં ખોરાક મેળવવું અઘરું બને છે. એવી જ રીતે, આપણો સ્વભાવ કજિયાખોર હોય, તો ખ્રિસ્તી ગુણો કેળવવા મુશ્કેલ બનશે. એને બદલે, તરત જ માફ કરીએ અને બીજાઓનું ભલું થાય એવા પ્રયત્નો કરીએ. આમ કરીને, આપણે બીજાઓ સાથે હળીમળીને રહીશું અને યહોવાના આશીર્વાદ મેળવીશું.

૧૨. વડીલો કેવી રીતે આપણને સંપમાં રહેવા મદદ કરી શકે?

૧૨ વધુમાં ખ્રિસ્તી વડીલો આપણી એકતા વધારવા મદદ કરી શકે. તેઓ આપણને ‘વિશ્વાસથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરવા’ મદદ કરે છે. (એફે. ૪:૮, ૧૩) વડીલો આપણને યહોવાની ભક્તિ કરવા મદદ કરે છે અને બાઇબલમાંથી સમજી-વિચારીને સલાહ આપે છે. આમ કરીને, તેઓ આપણને સારો સ્વભાવ કેળવતા રહેવા સહાય આપે છે. (એફે. ૪:૨૨-૨૪) શું વડીલોની સલાહમાં, તમને નવી દુનિયામાં રહેવા માટે તૈયાર કરવાના યહોવાના પ્રયત્નો જોઈ શકો છો? વડીલો, શું તમે આ જ મકસદ સાથે બીજાઓને સુધારવા પ્રયત્નો કરો છો?—ગલા. ૬:૧.

‘એકબીજા પ્રત્યે માયાળુ બનો’

૧૩. એફેસી ૪:૨૫-૩૨ની સલાહ ન પાળીએ તો, શું પરિણામ આવશે?

૧૩ એફેસી ૪:૨૫-૨૯ એવા વર્તન વિષે જણાવે છે, જેનાથી આપણે ખાસ દૂર રહેવું જોઈએ. એમાં જૂઠું બોલવાનો, ક્રોધે ભરાવાનો, આળસુ બનવાનો અને સારાં અને ઉત્તેજન આપતા શબ્દોને બદલે, અપશબ્દો બોલવાનો સમાવેશ થાય છે. જે વ્યક્તિ આ સલાહને પાળવામાં નિષ્ફળ જાય છે, તે ઈશ્વરની શક્તિની વિરુદ્ધ કામ કરે છે, કેમ કે પવિત્ર શક્તિ એકતા લાવે છે. (એફે. ૪:૩૦) શાંતિ અને સંપ લાવવા માટે, પાઊલે પછીથી જે લખ્યું એ લાગુ પાડવું પણ જરૂરી છે: “સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.”—એફે. ૪:૩૧, ૩૨.

૧૪. (ક) ‘માયાળુ બનો’ શબ્દો શું દર્શાવે છે? (ખ) માયાળુ બનવા આપણને શું મદદ કરશે?

૧૪ ‘માયાળુ બનો,’ આ શબ્દો બતાવે છે કે આપણે જેટલા માયાળુ હોવા જોઈએ, એટલા નથી હોતા. એટલે, આપણામાં સુધારો કરવાની જરૂર હોઈ શકે. બીજાની લાગણીઓ પોતાના કરતાં પહેલા રાખવા ટેવ પાડવી જોઈએ. જો એમ કરીશું, તો કેટલું સારું કહેવાશે! (ફિલિ. ૨:૪) અમુક વાર આપણે એવું કંઈક કહેવાનું વિચારીએ, જેનાથી બધા હસી પડે અથવા આપણે હોશિયાર દેખાઈએ, પણ શું એમ કરવું પ્રેમાળ ગણાશે? આ વિષે પહેલેથી વિચારીશું તો, આપણને ‘માયાળુ બનવા’ મદદ મળશે.

કુટુંબમાં પ્રેમ અને આદર બતાવતા શીખીએ

૧૫. ખ્રિસ્ત મંડળ સાથે જે રીતે વર્ત્યા, એના કયાં પાસાની વાત પાઊલ એફેસી પ:૨૮માં કરે છે?

૧૫ મંડળ સાથેના ખ્રિસ્તના સંબંધને બાઇબલ પતિ-પત્નીના સંબંધ સાથે સરખાવે છે. ખ્રિસ્તનું ઉદાહરણ પતિને સમજવા મદદ કરે છે કે તેણે પોતાની પત્નીને પ્રેમ અને માર્ગદર્શન આપવું જોઈએ. તેમ જ, તેની કાળજી રાખવી જોઈએ. ખ્રિસ્તનું ઉદાહરણ પત્નીને સમજવા મદદ કરે છે કે તેણે પોતાના પતિને આધીન રહેવું જોઈએ. (એફે. ૫:૨૨-૩૩) પાઊલે લખ્યું કે “એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.” “એ જ પ્રમાણે” કહીને પાઊલ શું જણાવતા હતા? (એફે. ૫:૨૮) આ કલમ પહેલાંના શબ્દો એ વિષે જણાવે છે. તેમણે કહ્યું: ‘ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમણે એને વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરી.’ એટલા જ માટે, પતિની એ જવાબદારી છે કે તે કુટુંબના દરેક સભ્યને યહોવા સાથે સારો સંબંધ બાંધવા મદદ કરે. આ રીતે, તે કુટુંબને ખ્રિસ્તમાં એકત્ર કરવાના યહોવાના હેતુને ટેકો આપે છે.

૧૬. માતા-પિતા જ્યારે બાઇબલની સલાહ પ્રમાણે જવાબદારી ઉપાડે છે, ત્યારે શું બને છે?

૧૬ માતા-પિતાએ યાદ રાખવું જોઈએ કે તેઓ યહોવાએ સોંપેલી જવાબદારી ઉપાડે છે. દુઃખની વાત છે કે દુનિયામાં આજે ઘણા લોકોમાં ‘પ્રેમ’ નથી. (૨ તીમો. ૩:૧, ૩) ઘણા પિતાઓ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. એના લીધે બાળકોએ નિરાશા અને દુઃખ સહેવું પડે છે. જોકે, પિતાઓને પાઊલે સલાહ આપી કે “તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફે. ૬:૪) કુટુંબમાં જ બાળકોના મન પર સૌથી પહેલા પ્રેમ અને સત્તા વિષે છાપ પડે છે. જે માબાપે આ રીતે શીખવ્યું હોય, તેઓ યહોવાની ગોઠવણ પ્રમાણે કામ કરે છે. આપણું કુટુંબ પ્રેમથી હર્યુંભર્યું બનાવીએ, જ્યાં ગુસ્સો, ક્રોધ અને કડવી વાણી હોય જ નહિ. એમ કરીને પ્રેમ બતાવવા અને સત્તાને માન આપવા વિષે આપણે બાળકોને મહત્ત્વનું શિક્ષણ આપીએ છીએ. આ તેઓને ઈશ્વરની નવી દુનિયામાં જીવવા તૈયાર કરશે.

૧૭. શેતાનની સામે લડવા આપણે શાની જરૂર છે?

૧૭ આપણે યાદ રાખીએ કે સૌથી પહેલા શેતાને આખા વિશ્વની શાંતિમાં ભંગ પાડ્યો હતો. એટલે, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાના આપણા પ્રયત્નોનો પણ તે સખત વિરોધ કરશે. આજે દુનિયામાં ઘણા લોકો શેતાનની મરજી પ્રમાણે કરે છે. જેમ કે, છૂટાછેડા વધી રહ્યા છે; લોકો લગ્‍ન કર્યા વિના સાથે રહે છે અને સજાતીય લગ્‍નો ચલાવી લેવામાં આવે છે. આજના સમાજ જેવું આપણું વર્તન કે વલણ ન બનાવીએ. આપણે તો ખ્રિસ્તને પગલે ચાલવાનું છે. (એફે. ૪:૧૭-૨૧) તેથી, આપણને “ઈશ્વરનાં સર્વ હથિયારો” સજી લેવાનું ઉત્તેજન આપવામાં આવે છે, જેથી શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે લડી શકીએ.—એફેસી ૬:૧૦-૧૩ વાંચો.

“પ્રેમમાં ચાલો”

૧૮. આપણી એકતાની ચાવી શું છે?

૧૮ યહોવાના ભક્તોની એકતાની ચાવી પ્રેમ છે. આપણું હૃદય આપણા “એક પ્રભુ,” આપણા “એક ઈશ્વર” અને એકબીજા માટેના પ્રેમથી ભરપૂર છે. એટલા માટે જ, આપણે ‘શાંતિના બંધનમાં પવિત્ર શક્તિનું ઐક્ય રાખવાનું’ નક્કી કર્યું છે. (એફે. ૪:૩-૬) ઈસુએ એવા પ્રેમ વિષે પ્રાર્થના કરી: ‘હું એકલા તેઓને માટે નહિ, પણ તેઓનાં વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે પણ વિનંતી કરું છું, કે તેઓ બધા એક થાય; હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, અને મેં તેઓને તારું નામ જણાવ્યું છે, અને જણાવીશ; જેથી જે પ્રેમથી તેં મારા પર પ્રેમ રાખ્યો છે, તે તેઓમાં રહે, અને હું તેઓમાં રહું.’—યોહા. ૧૭:૨૦, ૨૧, ૨૬.

૧૯. તમે કયો નિર્ણય લીધો છે?

૧૯ કદાચ આપણા સ્વભાવમાં એવું કંઈક હોઈ શકે, જે બદલવું આપણને અઘરું લાગે. એમ હોય તો, પ્રેમને લીધે આપણે ગીતકર્તાની જેમ પ્રાર્થના કરીએ: “તારા નામનું ભય રાખવાને મારા હૃદયને એકાગ્ર કર.” (ગીત. ૮૬:૧૧) ચાલો, પ્રેમાળ પિતા અને તેમના ભક્તોથી આપણને દૂર કરવાના શેતાનના પ્રયાસો સામે લડવાનો નિર્ણય લઈએ. આપણે કુટુંબમાં, પ્રચારમાં અને મંડળમાં ખંતથી, ‘પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરીએ અને પ્રેમમાં ચાલીએ.’—એફે. ૫:૧, ૨. (w12-E 07/15)

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્ર]

વેદી પાસે અર્પણ મૂકીને, તે પોતાના ભાઈ સાથે સમાધાન કરવા જાય છે

[પાન ૩૧ પર ચિત્ર]

માબાપો, કેવી રીતે માન બતાવવું એ બાળકોને શીખવો