વિજ્ઞાનની નજરે પણ સાચું
વિજ્ઞાનની નજરે પણ સાચું
‘શું સુબોધ [શિખામણ] તથા જ્ઞાનની ઉત્તમ વાતો મેં તને એ માટે નથી લખી, કે સત્યનાં વચનો તું નિશ્ચય જાણે, અને સત્ય વચનોથી જ તું તેને ઉત્તર આપે?’—નીતિવચનો ૨૨:૨૦, ૨૧.
બાઇબલ કઈ રીતે જુદું પડે છે? જૂનાં પુસ્તકો ઘણી વાર ભૂલભરેલા અને જોખમી વિચારો રજૂ કરતા હોય છે, જેને આજનું વિજ્ઞાન પૂરેપૂરી રીતે ખોટા સાબિત કરે છે. આજે પણ લેખકોએ પોતાનાં પુસ્તકોમાં નવી શોધ પ્રમાણે સુધારા-વધારા કરવા પડે છે. પણ બાઇબલ દાવો કરે છે કે વિશ્વને ઉત્પન્ન કરનાર, બાઇબલના લેખક છે અને તેમનો સંદેશો “સદાકાળ રહે છે.”—૧ પીતર ૧:૨૫.
એક દાખલો: મુસાનો નિયમ ઈસ્રાએલીઓને આજ્ઞા કરતો હતો કે તેઓએ મળ-મૂત્રનો નિકાલ “છાવણીની બહાર” ખાડો ખોદીને કરવાનો હતો. પછી એ ખાડો ઢાંકી દેવાનો હતો. (પુનર્નિયમ ૨૩:૧૨, ૧૩) જો તેઓ જાનવર અથવા માણસના શબને અડે તો પાણીથી શુદ્ધ થવું પડતું. (લેવીય ૧૧:૨૭, ૨૮; ગણના ૧૯:૧૪-૧૬) એ સમયે જ્યાં સુધી રક્તપિત્તિયાઓની તપાસ કરીને ખાતરી ન કરાય કે તેઓ હવે ચેપી નથી, ત્યાં સુધી તેઓને અલગ રાખવામાં આવતા.—લેવીય ૧૩:૧-૮.
આજનું વિજ્ઞાન શું જણાવે છે? બીમારી સામે લડવાની અસરકારક રીતો આ છે: મળ-મૂત્ર અને ગંદા પાણીના નિકાલની યોગ્ય સગવડ, હાથ ધોવા અને ચેપી રોગવાળાને અલગ રાખવા. રોગ નિયંત્રણ અને નિવારણ માટેનાં યુ. એસ. કેન્દ્રો (સીડીસી) પ્રમાણે, ટોઇલેટ અથવા ગટરની સારી વ્યવસ્થા ન હોય તો, “નદી-નાળાંથી ઓછામાં ઓછા ૩૦ મીટર [૧૦૦ ફૂટ] દૂર મળ-મૂત્રનો નિકાલ કરવો. પછી, એને દાટી દેવું.” વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, જ્યારે લોકો મળ-મૂત્રનો યોગ્ય રીતે નિકાલ કરે છે, ત્યારે ઝાડા-ઊલટી જેવા રોગ ૩૬ ટકા ઘટી જાય છે. બસોથી ઓછાં વર્ષો પહેલાં, ડૉક્ટરોએ શોધી કાઢ્યું કે શબને અડક્યા પછી પોતે હાથ ધોતા ન હતા, એ કારણે બીજા ઘણા દરદીઓને પણ ચેપ લગાડ્યો હતો. સીડીસી પ્રમાણે, હાથ ધોવા એ હજુ પણ “રોગો ફેલાતા અટકાવવાની સૌથી વધારે અસરકારક રીત છે.” રક્તપિત્તિયા અને બીજા રોગોવાળા લોકોને અલગ રાખવા વિષે શું? હાલમાં, સાઉદી મેડિકલ જર્નલે લખ્યું: “ચેપી રોગ ફાટી નીકળે એની શરૂઆતથી જ રોગીને એકલા અને અલગ રાખવા, એ જ ચેપી રોગને ફેલાતો અટકાવવાનો એકમાત્ર ઇલાજ છે.”
તમને શું લાગે છે? શું તમે આશા રાખશો કે કોઈ પણ પુરાણું પવિત્ર પુસ્તક આજના વિજ્ઞાનની સુમેળમાં હોય? કે પછી બાઇબલ અજોડ છે? (w12-E 06/01)
[પાન ૬ પર બ્લર્બ]
“મુસાનો નિયમ પળાતો એ સમયમાં આપેલાં સ્વચ્છતાનાં સૂચનો સાચે જ પ્રભાવ પાડનારા છે.”—ગરમ પ્રદેશની દવાઓ વિષેની પરિચય પુસ્તિકા (અંગ્રેજી), ડૉ. આલ્ડો કેસ્તેલાની અને ડૉ. આલ્બર્ટ જે. ચાલ્મર્ઝ