સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અડગ રહો અને શેતાનના ફાંદાઓથી દૂર રહો

અડગ રહો અને શેતાનના ફાંદાઓથી દૂર રહો

અડગ રહો અને શેતાનના ફાંદાઓથી દૂર રહો

‘શેતાનની ચાલાકીઓની સામે દ્રઢ રહો.’—એફે. ૬:૧૧.

તમે કેવો જવાબ આપશો?

યહોવાનો ભક્ત કઈ રીતે ધનસંપત્તિની માયામાં ફસાવાથી બચી જઈ શકે?

પરણેલા ખ્રિસ્તીને વ્યભિચારના ખાડામાં પડવાથી બચી જવા શું મદદ કરી શકે?

તમે શા માટે માનો છો કે ધનસંપત્તિની માયા અને વ્યભિચારની વિરુદ્ધ અડગ રહેવાથી લાભ થાય છે?

૧, ૨. (ક) શેતાનને કેમ અભિષિક્ત ભક્તો અને “બીજાં ઘેટાં” માટે જરાય દયા નથી? (ખ) આ લેખમાં શેતાનના કયા ફાંદાઓ વિષે વાત કરીશું?

 શેતાનને મનુષ્યો માટે જરાય દયા નથી. એમાંય યહોવાના ભક્તો માટે તો ચોક્કસ નહિ જ. અરે, અભિષિક્ત ભક્તો સાથે તો તે યુદ્ધે ચઢ્યો છે. (પ્રકટી. ૧૨:૧૭) ઈશ્વરના એ અડગ ભક્તો આજે રાજ્યના પ્રચારનું કામ પૂરા જોશથી આગળ ધપાવી રહ્યા છે. તેઓએ શેતાનને આ દુનિયાના શાસક તરીકે ખુલ્લો પાડ્યો છે. શેતાનને “બીજાં ઘેટાં” માટે પણ જરાય પ્રેમ નથી, કેમ કે તેઓ અભિષિક્ત ભક્તોને પૂરો ટેકો આપે છે. તેઓ હંમેશ માટે જીવવાની આશા રાખે છે, જે આશા હવે શેતાન પાસે રહી નથી. (યોહા. ૧૦:૧૬) એમાં કંઈ નવાઈ નથી કે તે ગુસ્સાથી લાલ-પીળો થઈ ગયો છે! ભલે આપણી આશા સ્વર્ગમાં જવાની હોય કે પૃથ્વી પર રહેવાની હોય, શેતાનને આપણું ભલું કરવામાં કોઈ જ રસ નથી. એ તો ફક્ત આપણને તેનો શિકાર બનાવવા ચાહે છે.—૧ પીત. ૫:૮.

શેતાને પોતાનો ધ્યેય પૂરો કરવા, જુદા જુદા ફાંદા કે જાળ પાથર્યા છે. જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓનાં મન તેણે આંધળાં કરી દીધાં હોવાથી, તેઓ ઈશ્વર વિષેની ખુશખબર સ્વીકારતા નથી. તેમ જ, તેઓ શેતાનના ફાંદા જોઈ શકતા નથી. જેઓ રાજ્યનો સંદેશો સ્વીકારે છે, તેઓમાંના અમુકને પણ શેતાન ફસાવે છે. (૨ કોરીં. ૪:૩, ૪) અગાઉના લેખમાં જોઈ ગયા કે આપણે કઈ રીતે શેતાનના આ ત્રણ ફાંદાઓથી દૂર રહી શકીએ: (૧) બેકાબૂ વાણી, (૨) ડર અને દબાણ અને (૩) દોષિત હોવાની વધારે પડતી લાગણી. ચાલો હવે આપણે જોઈએ કે કઈ રીતે શેતાનના બીજા બે ફાંદાઓથી બચી શકીએ. એક છે ધનસંપત્તિની માયા અને બીજો છે વ્યભિચાર કરવાની લાલચ.

રૂંધી નાખતી ધનસંપત્તિની માયા

૩, ૪. આ દુનિયાની ચિંતાઓ આપણને કઈ રીતે ધનસંપત્તિની માયામાં ફસાવી શકે?

ઈસુએ પોતાના એક ઉદાહરણમાં, કાંટામાં ઊગી નીકળેલા બી વિષે જણાવ્યું. તેમણે ધ્યાન દોર્યું કે વ્યક્તિ કદાચ સંદેશો સાંભળે, “પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની [ધનની] માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.” (માથ. ૧૩:૨૨) ધનસંપત્તિની માયા આપણા દુશ્મન શેતાન તરફથી એક ફાંદો છે.

બે બાબતો ભેગી થઈને ઈશ્વરનો સંદેશો રૂંધી નાખે છે. એક છે, “આ જગતની ચિંતા.” દુનિયામાં “સંકટના વખતો” હોવાથી, આપણને ચિંતા થઈ શકે એવી ઘણી બાબતો છે. (૨ તીમો. ૩:૧) મોંઘવારી અને બેકારી વધે છે તેમ, જીવન-જરૂરી ચીજોનો ખર્ચ પૂરો પાડવો કઠિન લાગી શકે. તમે કદાચ ભાવિની ચિંતા પણ કરતા હો કે ‘હું નિવૃત્ત થાઉં પછી મારી પાસે પૂરતા પૈસા હશે?’ આવી ચિંતાને લીધે, અમુક લોકો પૈસા કમાવા પાછળ પડી જાય છે. તેઓ વિચારે છે કે પૈસા હશે તો સલામતી હશે.

૫. “દ્રવ્યની માયા” કઈ રીતે આપણને છેતરી શકે છે?

ઈસુએ બીજી બાબત “દ્રવ્યની માયા” વિષે પણ જણાવ્યું. એ અને ચિંતા ભેગા થઈને ઈશ્વરનો સંદેશો રૂંધી નાખી શકે. બાઇબલ કબૂલે છે કે “દ્રવ્ય આશ્રય છે.” (સભા. ૭:૧૨) પરંતુ, પૈસાની પાછળ લાગવાથી આપણું કંઈ ભલું નથી થવાનું. ઘણાનો જાત-અનુભવ છે કે ધનદોલત મેળવવા તેઓ જેટલા ફાંફાં મારે છે, એટલા જ એની માયામાં ફસાતા જાય છે. અરે, અમુક તો ધનદોલતના ગુલામ બની ગયા છે.—માથ. ૬:૨૪.

૬, ૭. (ક) નોકરી પર કેવા સંજોગો ઊભા થઈ શકે જે ધનવાન થવાની ઇચ્છા જગાડી શકે? (ખ) ઓવરટાઈમ કરવાની શક્યતા ઊભી થાય તો, ઈશ્વરના ભક્તે શાનો વિચાર કરવાની જરૂર છે?

તમને ધનવાન બનવાની ઇચ્છા થાય, એની કદાચ તમને ખબર પણ ન પડે. દાખલા તરીકે, આ દૃશ્યની કલ્પના કરો: નોકરી પર તમારા બૉસ તમને કહે કે “એક સારી ખબર છે! આપણી કંપનીને જબરજસ્ત કામ મળ્યું છે. એનો મતલબ કે થોડા મહિના માટે ઘણી વાર ઓવરટાઈમ કરવો પડશે. પણ એક વાત ચોક્કસ છે કે એના તમને ઘણા બધા પૈસા મળશે.” તમે એ સાંભળીને શું કરશો? તમારા કુટુંબનું ભરણ-પોષણ કરવું એ તમારી મોટી જવાબદારી છે. પણ તમારી પાસે ફક્ત એ જ જવાબદારી નથી. (૧ તીમો. ૫:૮) એવી અમુક બીજી બાબતો પણ છે, જે તમારે વિચારવી પડશે. તમારે કેટલો ઓવરટાઈમ કરવો પડશે? નોકરીને લીધે શું યહોવાની ભક્તિમાં તમારે કંઈક જતું કરવું પડશે? જેમ કે, સભાઓ અને કુટુંબ તરીકે ભક્તિની સાંજ.

નિર્ણય કરતા પહેલાં, વિચારો કે તમારા માટે શું વધારે મહત્ત્વનું છે. એ કે ઓવરટાઈમથી તમારું બૅંક બેલેન્સ વધશે? કે પછી એનાથી યહોવા સાથેના તમારા સંબંધ પર કેવી અસર પડશે? વધારે પૈસા કમાવાની અધીરાઈ, શું તમને ઈશ્વરની ભક્તિને લગતી બાબતો જીવનમાં પહેલા મૂકતા અટકાવશે? શું તમે જોઈ શકો છો કે તમે અને તમારું કુટુંબ યહોવા સાથેનો સંબંધ પાકો રાખવાનું ધ્યાન નહિ રાખો તો, પૈસાનો મોહ કેવી અસર કરી શકે છે? જો હમણાં તમે આવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા હો, તો તમે કઈ રીતે અડગ રહી શકો? ધનસંપત્તિની માયાથી રૂંધાઈ ન જવા, તમે શું કરી શકો?—૧ તીમોથી ૬:૯, ૧૦ વાંચો.

૮. બાઇબલમાંથી કયા દાખલાઓ પર વિચાર કરવાથી આપણને જાત-તપાસ કરવા મદદ મળી શકે?

ધનસંપત્તિની માયામાં ફસાઈ ન જાવ એ માટે, વખતોવખત ધ્યાન આપો કે તમે કઈ રીતે જીવો છો. આપણે કદી પણ એસાવ જેવા બનવા નથી માંગતા. તેણે પોતાના વર્તનથી બતાવ્યું કે યહોવાની ભક્તિને લગતી બાબતો તેને મન મહત્ત્વની ન હતી. (ઉત. ૨૫:૩૪; હિબ્રૂ ૧૨:૧૬) ચોક્કસ, આપણે પેલા ધનવાન માણસ જેવા પણ ન બનવું જોઈએ, જેને ઈસુએ પોતાના શિષ્ય બનવા કહ્યું; તેની મિલકત વેચીને ગરીબોમાં દાન કરવા પણ જણાવ્યું. એમ કરવાને બદલે, એ માણસ “એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.” (માથ. ૧૯:૨૧, ૨૨) તે ચાહતો હોત તો સૌથી મહાન માણસનો શિષ્ય બની શક્યો હોત. પણ અફસોસ, ધનસંપત્તિના મોહમાં ફસાયેલા એ માણસે મોટો લહાવો ગુમાવ્યો! જોજો, તમે ઈસુ ખ્રિસ્તના શિષ્ય બની રહેવાનો લહાવો ગુમાવતા નહિ!

૯, ૧૦. ધનદોલત વિષે બાઇબલ શું કહે છે?

ધનસંપત્તિની ચિંતામાં ફસાઈએ નહિ એ માટે ઈસુએ આપેલી સલાહને ધ્યાન આપીએ: “અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે; કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે.”—માથ. ૬:૩૧, ૩૨; લુક ૨૧:૩૪, ૩૫.

૧૦ ધનસંપત્તિની માયામાં પડવાને બદલે, બાઇબલ લેખક આગૂર જેવું વલણ કેળવવા મહેનત કરવાની જરૂર છે. તેમણે કહ્યું: “મને ગરીબી ન આપો કે સમૃદ્ધિ પણ નહિ. મારી જરૂરિયાત જેટલું જ આપો.” (નીતિ. ૩૦:૮, IBSI) ખરું કે આગૂર સમજતા હતા કે જીવન જીવવા થોડા પૈસા હોવા જરૂરી છે. પરંતુ, ધનદોલત એક ફાંદો છે એ પણ તે જાણતા હતા. આ દુનિયાની ચિંતા અને ધનદોલતનો મોહ આપણને ઈશ્વરની ભક્તિમાં ધીમા પાડી દઈ શકે છે. ધનદોલતની ખોટી ચિંતા તમારો સમય ખાય જઈ શકે અને તમારી શક્તિ શોષી લઈ શકે. તમારા જીવનમાં ઈશ્વરના રાજ્યને પ્રથમ રાખવાની ધગશને ઓછી કરી શકે, અરે સાવ ઠંડી પાડી દઈ શકે. એટલા માટે ધ્યાન રાખો કે શેતાને ગોઠવેલા ધનદોલતના ફાંદામાં તમે ફસાઈ ન જાઓ.—હિબ્રૂ ૧૩:૫ વાંચો.

ચતુરાઈથી છુપાવેલો ખાડો

૧૧, ૧૨. કામના સ્થળે ખ્રિસ્તી ભાઈ કે બહેન કઈ રીતે વ્યભિચારમાં પડી જઈ શકે?

૧૧ શિકારી જોરાવર પ્રાણીને પકડવા, કદાચ એ પ્રાણી વારંવાર જે રસ્તો વાપરતું હોય ત્યાં ખાડો ખોદશે. તે સામાન્ય રીતે ખાડાને લાકડીઓ અને માટીથી છુપાવી દે છે. શેતાન જેમાં સૌથી વધારે સફળ થયો છે એ ફાંદો આ ખાડા જેવો છે. એ છે વ્યભિચાર કરવાની લાલચ. (નીતિ. ૨૨:૧૪; ૨૩:૨૭) ઈશ્વરના અમુક ભક્તોએ પોતાને એવા સંજોગોમાં આવવા દીધા છે, જ્યાં સહેલાઈથી વ્યભિચારના ફાંદામાં ફસાય જવાય. આમ, તેઓ વ્યભિચારના ખાડામાં પડ્યા છે. અમુક પરણેલા ખ્રિસ્તીઓએ પણ લગ્‍ન બહાર પ્રેમ-સંબંધ બાંધીને વ્યભિચાર કર્યો છે.

૧૨ તમારા કામના સ્થળે કદાચ આવો પ્રેમ-સંબંધ બંધાઈ શકે છે. એક સર્વે જણાવે છે કે વ્યભિચાર કરનારામાંથી ૫૦ ટકા સ્ત્રીઓએ અને ૭૫ ટકા પુરુષોએ સાથે કામ કરનાર જોડે લગ્‍ન બહારનો સંબંધ રાખ્યો છે. શું તમારે વિરુદ્ધ જાતિની વ્યક્તિઓ સાથે કામ કરવું પડે છે? જો એમ હોય, તો તમારો તેઓ સાથેનો સંબંધ કેવો છે? શું તમે મર્યાદા નક્કી કરી છે કે એ સંબંધ કામ પૂરતો જ રહે અને આગળ ન વધે? દાખલા તરીકે, સાથે કામ કરનાર પુરુષ જોડે એક ખ્રિસ્તી બહેન વારંવાર વાતચીત કરતી હોય શકે. પછીથી, એ બહેન તેને એટલો અંગત મિત્ર ગણવા માંડે કે પોતાના લગ્‍નજીવનની મુશ્કેલીઓ પણ કહેવા લાગે. બીજો એક દાખલો વિચારો કે જેમાં સાથે કામ કરનાર સ્ત્રીને એક ખ્રિસ્તી ભાઈ મિત્ર બનાવે છે. પછી કદાચ તે આવું વિચારવા માંડે કે “તેને મન મારા વિચારો કિંમતી છે. મારી વાતો સાંભળે છે. તેને મારી કેટલી કદર છે. કાશ, મારી પત્ની આ રીતે વર્તે!” શું તમે જોઈ શક્યા કે આવા સંજોગોમાં ખ્રિસ્તીઓ કેટલી સહેલાઈથી વ્યભિચારના ફાંદામાં પડી શકે?

૧૩. લગ્‍ન બહારનો પ્રેમ-સંબંધ મંડળમાં કેવી રીતે પાંગરી શકે છે?

૧૩ મંડળમાં પણ આવા લગ્‍ન બહારના પ્રેમ-સંબંધ બંધાઈ શકે છે. હકીકતમાં બનેલો એક બનાવ જોઈએ. દાનીયેલ અને તેની પત્ની સારાહ * નિયમિત પાયોનિયર હતા. દાનીયેલના જણાવ્યા પ્રમાણે તે “ક્યારેય કોઈ કામની ના કહેતો નહિ.” તે દરેક લહાવાને ઉત્સાહથી ઉપાડી લેનાર વડીલ હતો. દાનીયેલ પાંચ યુવાનો સાથે બાઇબલ અભ્યાસ કરતો હતો. એમાંના ત્રણે બાપ્તિસ્મા લીધું. આ નવા ભાઈઓને ઘણી મદદની જરૂર હતી. જ્યારે દાનીયેલ યહોવાની સેવામાં વ્યસ્ત હતો, ત્યારે સારાહ મોટા ભાગે આવી મદદ પૂરી પાડતી. પછી કાયમ આવું બનવા લાગ્યું: દાનીયેલના જૂના બાઇબલ વિદ્યાર્થીઓને લાગણીમય મદદની જરૂર પડતી અને સારાહ પાસેથી એ મળતી. સારાહને લાગણીની, હૂંફની જરૂર હતી, જે દાનીયેલના બાઇબલ વિદ્યાર્થીઓ પાસેથી મળતી. ખતરનાક ફાંદો તૈયાર હતો. દાનીયેલ કહે છે કે ‘મહિનાઓ સુધી આમ કર્યા પછી, મારી પત્ની લાગણીમય રીતે અને ઈશ્વરભક્તિની બાબતે થાકી ગઈ હતી. એમાં ઓછું હોય એમ હું તેનું ધ્યાન ન રાખતો અને છેવટે મોટી આફત આવી પડી. મારા એક જૂના વિદ્યાર્થી સાથે મારી પત્નીએ વ્યભિચાર કર્યો. તે જાણે મારી નજર સામે જ ઈશ્વરની ભક્તિમાં નબળી પડી ગઈ હતી. હું મારા લહાવાઓમાં એવો ડૂબેલો હતો કે મને એ દેખાયું પણ નહિ.’ તમે આવી આફત કેવી રીતે ટાળી શકો?

૧૪, ૧૫. વ્યભિચારના ખાડાથી બચવા પરિણીત ખ્રિસ્તીઓને કઈ બાબતો મદદ કરી શકે?

૧૪ વ્યભિચારના ખાડામાં ન પડીએ, એ માટે લગ્‍ન સમયે આપેલા વચન પર વિચાર કરો. ઈસુએ કહ્યું, “ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” (માથ. ૧૯:૬) તમારા લગ્‍નસાથી કરતાં ઈશ્વરભક્તિમાં તમારા લહાવાઓ વધારે અગત્યના છે, એવું કદી ન વિચારશો. ઉપરાંત, ધ્યાન રાખો કે વારંવાર પોતાના સાથીથી દૂર બિનજરૂરી કામો પાછળ સમય ન જાય. જો એમ થાય તો એ બતાવે છે કે તમારું લગ્‍નબંધન નબળું પડી રહ્યું છે. એ કદાચ લાલચ તરફ દોરી જઈ શકે અને તમને ગંભીર પાપના ખાડામાં પાડી શકે.

૧૫ પણ જો તમે વડીલ હો તો મંડળ વિષે શું? પ્રેરિત પીતરે લખ્યું, “ઈશ્વરનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો, અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો; નીચ લોભને માટે નહિ, પણ હોંશથી કરો.” (૧ પીત. ૫:૨) મંડળના ભાઈ-બહેનોની જે જવાબદારી તમને સોંપવામાં આવી છે એ સંભાળવી જોઈએ. જોકે, તમારે ટોળાનું ધ્યાન રાખવાનું કામ પતિ તરીકેની જવાબદારીના ભોગે ન કરવું જોઈએ. એ તો જાણે તમે તમારું બધું ધ્યાન મંડળને ‘ખવડાવવા’ પાછળ આપી રહ્યા છો, જ્યારે કે ઘરે તમારું જીવનસાથી ‘ભૂખ્યું’ છે. આ તો સાવ નકામું, અરે ખતરનાક કહેવાશે. દાનીયેલ જણાવે છે કે ‘કુટુંબના ભોગે મંડળના લહાવાની જવાબદારી ઉઠાવવા સંઘર્ષ કરવો નકામું છે.’

૧૬, ૧૭. (ક) પરણેલા ખ્રિસ્તીઓ નોકરી પર કઈ રીતે સાફ બતાવી શકે કે બીજા કોઈ સાથે પ્રેમસંબંધ બાંધવામાં પોતાને જરાય રસ નથી? (ખ) વ્યભિચારથી દૂર રહેવા ખ્રિસ્તીઓને મદદ કરતી કેવી માહિતી બહાર પડી છે? દાખલો આપો.

૧૬ પરણેલા ખ્રિસ્તીઓ વ્યભિચારના ફાંદામાં ફસાય નહિ, એ માટે ચોકીબુરજ અને સજાગ બનો!માં ઘણી સારી સલાહ આપવામાં આવી છે. દાખલા તરીકે, ઑક્ટોબર ૧, ૨૦૦૬ના ચોકીબુરજમાં આ સલાહ આપવામાં આવી હતી: ‘નોકરી પર કે બીજી કોઈ પણ જગ્યાએ એવા સંજોગોથી સાવચેત રહો, જ્યાં સ્ત્રી કે પુરુષ સાથે ગાઢ દોસ્તી બંધાઈ શકે. દાખલા તરીકે, તમે નોકરી પર વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે વધારાના કલાકો પસાર કરો ત્યારે, એ કદાચ લાલચ બની શકે. પરિણીત વ્યક્તિ તરીકે તમે વાણી અને વર્તનથી સાફ બતાવો કે તમને તમારા જીવનસાથી સિવાય બીજા કોઈની સાથે પ્રેમસંબંધ બાંધવો નથી. યહોવાના એક સાક્ષી તરીકે તમે કદીયે એવાં કપડાં નહિ પહેરો જે ટાઇટ કે ટૂંકા હોય. તેમ જ તમે કદી એવાં કોઈ નખરાં નહિ કરો જેનાથી સામેની વ્યક્તિનું ધ્યાન ખેંચાય. તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારા જીવનસાથી કે બાળકોનો ફોટો રાખો. આમ તમને અને બીજાઓને યાદ રહેશે કે તમારો પરિવાર છે અને તમે તેઓને જ વફાદાર છો. જો કોઈ તમારી સાથે મીઠી મીઠી વાતો કરવા માંડે, તો તમારા શબ્દો અને વલણથી બતાવો કે તમને એ જરાય પસંદ નથી. તમે એને મજાક તરીકે પણ ચલાવી નહિ લો.’

૧૭લગ્‍નસાથીને વફાદાર રહેવું એટલે શું?” એ વિષય પર સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૯માં લેખ હતો. એમાં તમારા લગ્‍નસાથી સિવાય બીજા કોઈ સાથે જાતીય સંબંધોના સપનાં જોવા વિરુદ્ધ ચેતવણી હતી. એ લેખ સૂચવતો હતો કે તમે જો જાતીય સંબંધોના સપનાં જોતા રહેશો, તો વ્યભિચાર કરવાની શક્યતા વધી જશે. (યાકૂ. ૧:૧૪, ૧૫) જો તમે પરણેલા હો, તો થોડા થોડા સમયે તમારે અને તમારા સાથીએ ભેગા મળી આવી માહિતીની ચર્ચા કરવી સારું થશે. લગ્‍નની ગોઠવણ ખુદ યહોવાએ કરી છે અને એ પવિત્ર ગોઠવણ છે. તમે તમારા જીવનસાથી જોડે લગ્‍નજીવન વિષે વાત કરવા સમય કાઢતા હો તો, પવિત્ર બાબતોની કદર કરવાની એ એક સારી રીત છે.—ઉત. ૨:૨૧-૨૪.

૧૮, ૧૯. (ક) વ્યભિચારનાં પરિણામો કેવાં આવે છે? (ખ) લગ્‍નસાથીને વફાદાર રહેવાથી કેવા લાભ થાય છે?

૧૮ તમને અયોગ્ય પ્રેમ-સંબંધ બાંધવાની લાલચ જાગે તો, તમે શું કરશો? વ્યભિચારના ખતરનાક પરિણામોનો વિચાર કરો. (નીતિ. ૭:૨૨, ૨૩; ગલા. ૬:૭) વ્યભિચાર કરનાર વ્યક્તિ યહોવાને, પોતાના જીવનસાથીને અને પોતાને ખૂબ દુઃખી કરે છે. (માલાખી ૨:૧૩, ૧૪ વાંચો.) એનાથી વિરુદ્ધ, વિચારો કે શુદ્ધ ચાલચલણ રાખવાથી કેટલા બધા લાભ થાય છે! એવા લોકોને હંમેશાં માટેના જીવનની આશા છે. એટલું જ નહિ, તેઓ હમણાં પણ શુદ્ધ અંતઃકરણનો આનંદ માણીને સૌથી સારું જીવન જીવે છે.—નીતિવચનો ૩:૧, ૨ વાંચો.

૧૯ ગીતના એક લેખકે આમ લખ્યું: “તારા [ઈશ્વરના] નિયમ પર પ્રેમ રાખનારાને બહુ શાંતિ મળે છે; તેઓને ઠોકર ખાવાનું કંઈ કારણ નથી.” (ગીત. ૧૧૯:૧૬૫) એટલે સત્ય પર પ્રેમ રાખો; આ દુષ્ટ સમયમાં “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની [મૂર્ખની] પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો.” (એફે. ૫:૧૫, ૧૬) સાચા ભક્તો તરીકે આપણે જે માર્ગે ચાલીએ છીએ, એ માર્ગ પર શેતાને ઘણા ફાંદાઓ ગોઠવેલા છે. પરંતુ, આપણે પોતાનું રક્ષણ કરવા સારી રીતે તૈયાર છીએ. ‘દ્રઢ રહેવા’ અને ‘દુષ્ટના બળતા ભાલાઓ હોલવવા’ આપણને જેની જરૂર છે, એ બધું જ યહોવાએ આપ્યું છે.—એફે. ૬:૧૧, ૧૬. (w12-E 08/15)

[ફુટનોટ]

^ નામ બદલ્યાં છે.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્ર]

ધનદોલતની જાળ વ્યક્તિને ઈશ્વરની ભક્તિમાં આગળ વધવાથી રોકી શકે. જોજો, તમને એવું ન થાય!

[પાન ૩૨ પર ચિત્ર]

ચેનચાળા કરવા કે એને ચલાવી લેવા એ વ્યભિચાર તરફ દોરી જઈ શકે