સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રાર્થના સાંભળનારની નજીક આવો

પ્રાર્થના સાંભળનારની નજીક આવો

પ્રાર્થના સાંભળનારની નજીક આવો

ઈશ્વરમાં માનવાનો દાવો કરનારા ઘણા જણાવી શકતા નથી કે તેઓની શ્રદ્ધાનું કારણ શું છે. ધર્મો શા માટે મોટા ભાગે ખરાબ હોય છે અને ઈશ્વરે કેમ દુઃખ-તકલીફો ચાલવા દીધા છે, એનો પણ જવાબ તેઓ આપી શકતા નથી. તેઓ ઈશ્વરને ઓળખતા નથી, તેથી ફક્ત પ્રાર્થના સિવાય બીજું કંઈ કરી શકતા નથી.

જોકે, તમે ઈશ્વરની વધારે નજીક જઈ શકો. તમે પોતાની શ્રદ્ધા ઈશ્વર વિષેના જ્ઞાનથી વધારી શકો. એનાથી તમે તેમને પ્રેમ કરવા અને માન આપવા પ્રેરાશો. ખરી શ્રદ્ધા પુરાવાના પાયા પર બંધાયેલી હોય છે. (હિબ્રૂ ૧૧:૧) જો તમે ઈશ્વર વિષે સત્ય શીખશો, તો તમે તેમને જાણી શકશો અને મિત્ર તરીકે વાત કરી શકશો. ચાલો કેટલીક વ્યક્તિઓના અનુભવ જોઈએ, જેઓને ઈશ્વર વિષે શંકા હતી છતાં પણ તેઓ પ્રાર્થના કરતા હતા.

પેટ્રિશીયા, જેના વિષે શરૂઆતના લેખમાં ઉલ્લેખ થયો છે, તે કહે છે: “મારા દસેક મિત્રો ધર્મ પર ચર્ચા કરતા હતા ત્યારે હું તેમની સાથે હતી. મેં તેઓને જણાવ્યું કે મારા પપ્પા જે નાસ્તિક છે, તેમની સાથે એક યહોવાના સાક્ષી અમારા ઘરે ચર્ચા કરી રહ્યા હતા. એમાંથી છટકવા હું બહાર આવતી રહી. મારા એક મિત્રએ કહ્યું, ‘મને લાગે છે કે યહોવાના સાક્ષીઓની વાતમાં દમ છે.’

બીજા એક મિત્રએ કહ્યું, ‘એ તપાસવા ચાલો આપણે તેઓની સભામાં જઈએ!’ અમે બધા સભામાં ગયા. જોકે, અમારા મનમાં શંકા હતી છતાં પણ અમુકે સભામાં જવાનું ચાલુ રાખ્યું, કેમ કે યહોવાના સાક્ષીઓ માયાળુ રીતે વર્તતા હતા.

એક રવિવારે મેં એવું કંઈક સાંભળ્યું, જેનાથી મારા વિચારો બદલાઈ ગયા. સભામાં વક્તાએ સમજાવ્યું કે આજે લોકો દુઃખ-તકલીફમાં કેમ છે. મેં પહેલાં ક્યારેય આ વાત પર ધ્યાન નહોતું આપ્યું કે હકીકતમાં માણસજાતને સંપૂર્ણ બનાવવામાં આવી હતી. પછી એક માણસના લીધે પાપ અને મરણ આવ્યું અને આખી માણસજાતમાં ફેલાયું. વક્તાએ એ પણ સમજાવ્યું કે પ્રથમ માનવીએ જે ગુમાવ્યું, એ માણસજાતને પાછું મળે એ માટે ઈસુએ મરવું પડ્યું. * (રોમનો ૫:૧૨, ૧૮, ૧૯) તરત જ, બધી વાત મારા ગળે ઉતારવા લાગી. મેં વિચાર્યું, ‘ખરેખર ઈશ્વર છે અને તે આપણી કાળજી રાખે છે.’ મેં બાઇબલ અભ્યાસ ચાલુ રાખ્યો. જલદી જ, મારા જીવનમાં પહેલી વાર મને જાણ થઈ કે હકીકતમાં ઈશ્વર છે અને તેમને હું પ્રાર્થના કરી શકું છું.”

શરૂઆતના લેખમાં એલન વિષે પણ જણાવવામાં આવ્યું હતું. તે કહે છે, “એક દિવસ યહોવાના સાક્ષીઓ મારા ઘરે આવ્યા. તેમણે પૃથ્વી પર હંમેશ માટેના જીવન વિષે જણાવ્યું, જેમાં મારી પત્નીને રસ પડ્યો અને તેણે તેઓને અંદર બોલાવ્યા. હું ચીડાયો. મહેમાનો આગળના રૂમમાં બેઠા હતા, એટલે મેં મારી પત્નીને રસોડામાં લઈ જઈને કહ્યું, ‘મૂર્ખ ન બન. આવી વાત પર તું ભરોસો કઈ રીતે મૂકી શકે!’

“મારી પત્નીએ કહ્યું, ‘તો પછી તમે જઈને તેઓને ખોટા સાબિત કરી દો.’

“હું તેઓને ખોટા સાબિત કરી ન શક્યો. તેઓ ઘણા સારા હતા. જીવનની ઉત્પત્તિ થઈ કે ઉત્ક્રાંતિ એ વિષય પર તેમણે મને પુસ્તક આપ્યું. એમાં આપેલી માહિતી એટલી સ્પષ્ટ અને ચોક્કસ હતી કે મને ઈશ્વર વિષે વધારે જાણવું યોગ્ય લાગ્યું. હું તેઓની સાથે બાઇબલ અભ્યાસ કરવા લાગ્યો. મને ખબર પડી કે હું ધર્મ વિષે પહેલાં જે વિચારતો હતો એનાથી બાઇબલ સાવ અલગ જ કહે છે. હું જેમ યહોવા વિષે શીખવા લાગ્યો, તેમ તેમની સાથે પ્રાર્થનામાં ખાસ વિષયો પર વાત કરતો. મારા સ્વભાવમાં અમુક બાબતો બરાબર ન હતી. એટલે મેં પ્રાર્થનામાં મદદ માંગી. મને પૂરી ખાતરી છે કે યહોવાએ મારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો છે.”

એન્ડ્રુ ઇંગ્લૅંડમાં રહે છે. તે કહે છે, “હું વિજ્ઞાન વિષે ચોક્કસ મત અને ઊંડો રસ ધરાવતો હતો, છતાં પણ ઉત્ક્રાંતિમાં માનતો, કેમ કે બીજા લોકો કહેતા કે એ માન્યતા સાબિત થઈ ચૂકી છે. જે ખોટી બાબતો થતી હતી એના લીધે હું ઈશ્વરમાં માનતો ન હતો.

“તોપણ, ઘણી વાર હું વિચારતો: ‘જો ઉપર ખરેખર ઈશ્વર હોય, તો મારે જીવનનો અર્થ જાણવો છે. શા માટે આટલા ગુના અને યુદ્ધો છે?’ મુશ્કેલીના સમયમાં હું કેટલીક વખત મદદ માટે પ્રાર્થના કરતો, પણ હું જાણતો ન હતો કે હું કોની સાથે વાત કરી રહ્યો છું.

“પછી યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલી પત્રિકા કોઈકે મારી પત્નીને આપી. એનો વિષય હતો, શું આ જગત બચશે? આ એ જ સવાલ હતો જે હંમેશાં મને થતો. એ પત્રિકાને લીધે હું બાઇબલ વિષે આમ વિચારવા પ્રેરાયો, ‘એમાં આપેલા જવાબો પર ધ્યાન આપવું જોઈએ?’ પછીથી હું જ્યારે વેકેશન પર ગયો ત્યારે કોઈકે મને ધ બાઇબલ—ગોડ્‌સ વર્ડ ઓર મેન્સ? * પુસ્તક આપ્યું. જ્યારે મને ખબર પડી કે બાઇબલ ખરા વિજ્ઞાનની સુમેળમાં છે, ત્યારે મને લાગ્યું કે મારે બાઇબલ વિષે વધારે શીખવું જોઈએ. એટલે જ્યારે એક યહોવાના સાક્ષીએ મને એ વિષે શીખવા પૂછ્યું, ત્યારે મેં હા પાડી. હું યહોવાના હેતુ વિષે સમજ્યો તેમ, મને અનુભવ થયો કે ઈશ્વરને એક વ્યક્તિની જેમ હું ઓળખું છું, જેની સાથે પ્રાર્થનામાં દિલ ખોલીને વાત કરી શકું.”

જેન, લંડનમાં એક પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી તરીકે મોટી થઈ. તે જણાવે છે, “ધર્મમાં ઢોંગ અને ચારે બાજુ દુઃખ-તકલીફોને લીધે મેં ધર્મ છોડી દીધો. મેં કોલેજ છોડી દીધી અને પૈસા કમાવા ગાતી તથા ગિટાર વગાડતી. એ સમયે હું પૅટને મળી. તે કૅથલિક તરીકે મોટો થયો હતો અને મારી જેમ ધર્મમાંથી તેનો પણ ભરોસો ઊઠી ગયો હતો.

“સ્કૂલ છોડી દીધેલા બીજા યુવાનિયાઓ સાથે અમે એક ખાલી પડેલા ઘરમાં રહેતા. તેઓને પૂર્વના ધર્મોમાં રસ હતો. અમે કલાકો, મોડી રાત સુધી જીવનના અર્થ વિષે ઊંડી ચર્ચાઓ કરતા. જોકે, હું અને પૅટ ઈશ્વરમાં માનતા ન હતા, છતાં પણ અમને લાગતું કે ‘જીવન આપનાર શક્તિ’ છે.

“સંગીતકાર તરીકેનું કામ શોધવા અમે ઉત્તર ઇંગ્લૅંડ રહેવા ગયા ત્યારે, અમારા દીકરાનો જન્મ થયો. એક રાતે એ બીમાર પડ્યો અને હું ઈશ્વરમાં માનતી ન હોવા છતાં, પ્રાર્થના કરવા માંડી. થોડા સમય પછી, પૅટ અને મારા સંબંધોમાં તીરાડ પડી. હું અમારા દીકરાને લઈને બીજે રહેવા ચાલી ગઈ. ફરીથી, મદદ માટે મેં પ્રાર્થના કરી, એ આશાએ કે કદાચ કોઈ મારી પ્રાર્થના સાંભળતું હોય. મને ખબર ન હતી કે પૅટે પણ એવું જ કર્યું હતું.

“એ દિવસે પછીથી યહોવાના બે સાક્ષીઓએ પૅટનો દરવાજો ખખડાવ્યો. તેઓએ તેને બાઇબલમાંથી કેટલીક વ્યવહારુ સલાહ બતાવી. પૅટે મને ફોન કર્યો અને પૂછ્યું કે આપણે સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરી શકીએ? જલદી જ અમને શીખવા મળ્યું કે ઈશ્વરને ખુશ રાખવા અમારે કાયદેસર લગ્‍ન કરવા જોઈએ. અમારા ડગુમગુ થતા સંબંધને લીધે એમ કરવું બહુ અઘરું હતું.

“પૂરી થતી બાઇબલ ભવિષ્યવાણીઓ, દુઃખ-તકલીફોનું કારણ અને ઈશ્વરના રાજ્યના અર્થ વિષે અમારે વધારે જાણવું હતું. ધીમે ધીમે અમને ખ્યાલ આવ્યો કે ઈશ્વર આપણી સંભાળ રાખે છે. અમે તેમની ઇચ્છા પ્રમાણે જીવવા માંગતા હતા. અમે લગ્‍ન કર્યા. ઈશ્વરના શબ્દ, બાઇબલના ડહાપણે અમને ત્રણ બાળકોનો ઉછેર કરવામાં મદદ કરી. અમને ખાતરી છે કે યહોવાએ અમારી પ્રાર્થનાઓ સાંભળી છે.”

પુરાવા જાતે તપાસી જુઓ

લાખો બીજા લોકોની જેમ, લેખમાં જણાવેલી વ્યક્તિઓ જૂઠા ધર્મોની છેતરપિંડી જોઈ શકી છે. અને તેઓ જાણી શક્યા કે ઈશ્વર કેમ દુઃખ-તકલીફોને ચાલવા દે છે. શું તમે જોયું કે બાઇબલની ખરી સમજને લીધે આ લોકોને ખાતરી થઈ કે યહોવા ખરેખર પ્રાર્થના સાંભળે છે?

ઈશ્વર છે એ વિષેના પુરાવા તપાસવા શું તમને ગમશે? તમને ઈશ્વર યહોવા વિષેનું સત્ય શીખવવાનું અને “પ્રાર્થનાના સાંભળનાર” નજીક જવા મદદ કરવાનું યહોવાના સાક્ષીઓને ગમશે.—ગીતશાસ્ત્ર ૬૫:૨. (w12-E 07/01)

[ફુટનોટ્‌સ]

^ ઈસુએ આપણા માટે જિંદગી કેમ કુરબાન કરી, એ વિષે વધારે માહિતી મેળવવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૫ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૧૦ પર બ્લર્બ]

“હું યહોવાના હેતુ વિષે સમજ્યો તેમ, મને અનુભવ થયો કે ઈશ્વરને એક વ્યક્તિની જેમ હું ઓળખું છું, જેની સાથે પ્રાર્થનામાં દિલ ખોલીને વાત કરી શકું”

[પાન ૯ પર ચિત્ર]

ખરી શ્રદ્ધાનો પાયો તો પુરાવા અને ઈશ્વર વિષે સત્ય જાણવાની ઇચ્છા પર બંધાયેલો છે