સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રાર્થના સાંભળનાર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે?

પ્રાર્થના સાંભળનાર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે?

પ્રાર્થના સાંભળનાર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે?

ઘણા લોકો પ્રાર્થના કરે છે, છતાં પણ તેઓને શંકા હોય છે કે ઈશ્વર છે કે નહિ. તેઓ કેમ શંકા કરતા હોય છે? કદાચ તેઓએ દુનિયામાં ઘણી બધી તકલીફો જોઈ હોય. શું તમને ક્યારેય થયું છે કે ઈશ્વર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે?

આજે માણસો પાપી છે અને તકલીફો સહન કરે છે. શું ઈશ્વરે તેઓને હકીકતમાં એવા જ બનાવ્યા હતા? જે ઈશ્વરનો હેતુ માણસોને દુઃખી કરવાનો હોય તેમને માન આપવું અઘરું છે. પણ આનો જરા વિચાર કરો: તમે નવી કારને આજુબાજુથી જોઈ રહ્યા છો, એના વખાણ કરી રહ્યા છો. એ સમયે તમને કારની એક બાજુ નુકસાની દેખાય છે. શું તમે એમ ધારી લેશો કે કાર બનાવનારે એને એ રીતે જ બનાવી છે? બિલકુલ નહિ. તમે આ નિર્ણય પર આવશો કે કાર બનાવનારે તો એકદમ બરાબર બનાવી હતી, પણ કોઈકથી અથવા કોઈક રીતે કારને નુકસાન થયું છે.

એ જ રીતે, કુદરતમાં સારી રચના અને બધી બાબતો વ્યવસ્થિત ચાલે છે, એના આપણે વખાણ કરી રહ્યા છીએ. એ સમયે આપણું ધ્યાન અંધાધૂંધી અને ભ્રષ્ટાચાર પર જાય છે, જેના લીધે માણસજાતને નુકસાન થયું છે. આપણે ત્યારે કેવા નિર્ણય પર આવીશું? બાઇબલ શીખવે છે કે ઈશ્વરે પ્રથમ માનવ યુગલને સંપૂર્ણ બનાવ્યું હતું. પણ પછીથી તેઓએ પોતાને માથે નુકસાન વહોરી લીધું. (પુનર્નિયમ ૩૨:૪, ૫) સારા સમાચાર છે કે ઈશ્વર એ નુકસાનને સુધારશે. તેમણે વચન આપ્યું છે કે આજ્ઞા પાળનાર માણસજાતને ફરીથી સંપૂર્ણ બનાવશે. તો પછી, તે આટલા સમયથી કેમ રાહ જોઈ રહ્યા છે?

શા માટે આટલો સમય?

એનો જવાબ માણસજાત પર કોણે રાજ કરવું જોઈએ, એ મહત્ત્વના સવાલની સાથે જોડાયેલો છે. યહોવાનો હેતુ એ ન હતો કે માણસો પોતે રાજ કરે. માણસો પર રાજ કરવાનો હક ઈશ્વરનો જ છે. બાઇબલ જણાવે છે: “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયા ૧૦:૨૩) પણ દુઃખની વાત છે કે પ્રથમ યુગલે ઈશ્વરના રાજ સામે બળવો કર્યો. તેઓએ ઈશ્વરનો નિયમ તોડ્યો અને તેઓ પાપી બન્યા. (૧ યોહાન ૩:૪) પરિણામે, તેઓ સંપૂર્ણ ન રહ્યા. આમ, તેઓએ પોતાનું અને આવનારી પેઢીનું નુકસાન કર્યું.

હજારો વર્ષોથી, યહોવાએ માણસોને રાજ કરવા દીધું છે. ઇતિહાસ બતાવે છે કે માણસોમાં એમ કરવાની આવડત નથી. ઇતિહાસ બતાવે છે કે બધી માનવ સરકારો દુઃખ-તકલીફો લાવે છે. તેઓમાંની એક પણ સરકાર યુદ્ધ, ગુના, અન્યાય કે બીમારી પર જીત મેળવી શકી નથી.

ઈશ્વર કઈ રીતે નુકસાન સુધારશે?

બાઇબલ વચન આપે છે કે ઈશ્વર બહુ જલદી ન્યાયી નવી દુનિયા લાવશે. (૨ પીતર ૩:૧૩) ફક્ત એવા લોકોને એમાં રહેવાની પરવાનગી મળશે, જેઓ પોતાની મરજીથી એકબીજા માટે અને ઈશ્વર માટે પ્રેમ બતાવે છે.—પુનર્નિયમ ૩૦:૧૫, ૧૬, ૧૯, ૨૦.

બાઇબલ એમ પણ જણાવે છે કે ‘ન્યાયનો દિવસ’ જલદીથી આવી રહ્યો છે. ઈશ્વર બધા દુઃખ-તકલીફો અને એ લાવનારાઓને નાબૂદ કરી નાખશે. (૨ પીતર ૩:૭) એ પછી ઈશ્વરના પસંદ કરેલા રાજા ઈસુ ખ્રિસ્ત આજ્ઞા પાળનાર માણસો પર રાજ કરશે. (દાનીયેલ ૭:૧૩, ૧૪) ઈસુ ખ્રિસ્તનું રાજ શું કરશે? બાઇબલ મુજબ, “નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

સ્વર્ગમાંના રાજા ઈસુ ખ્રિસ્ત નુકસાનને સુધારશે. ઈશ્વર યહોવા “જીવનનો ઝરો” છે. તેમની સામે માણસોએ બળવો કર્યો ત્યાર બાદ બીમારી, ઘડપણ અને મરણ શરૂ થયા. એને પણ રાજા ઈસુ ખ્રિસ્ત કાઢી નાખશે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) જેઓ તેમનું પ્રેમાળ રાજ સ્વીકારશે તેઓને ઈસુ ખ્રિસ્ત સાજા કરશે. તેમના રાજમાં બાઇબલનાં આ વચનો સાચાં પડશે:

◼ “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.”—યશાયા ૩૩:૨૪.

◼ “તે [ઈશ્વર] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૪.

શું એ દિલાસાની વાત નથી કે ઈશ્વર જલદી જ સર્વ દુઃખ-તકલીફો કાઢીને પોતાનું વચન પાળશે? ઈશ્વરે થોડા સમય માટે દુઃખ-તકલીફોને પરવાનગી આપી છે. તોપણ, આપણે વિશ્વાસ રાખી શકીએ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે.

ઈશ્વર છે. તે તમને સાંભળી શકે છે, અરે, તમારા દુઃખ અને પીડાના ઉદ્‍ગારોને પણ સાંભળી શકે છે. તમે શંકા અને દુઃખો વગરના જીવનનો આનંદ માણો, એની ઈશ્વર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. (w12-E 07/01)