સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાનના ફાંદાથી સાવધ રહો!

શેતાનના ફાંદાથી સાવધ રહો!

શેતાનના ફાંદાથી સાવધ રહો!

‘જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓ નીકળી આવે.’—૨ તીમો. ૨:૨૬.

તમે કેવો જવાબ આપશો?

જો તમે બીજાઓ પર બિનજરૂરી શંકા ઉઠાવતા હો, તો તમારે કેવી જાત-તપાસ કરવાની જરૂર છે?

ડર અને દબાણ સામે હાર ન માનવા વિષે, પીલાત અને પીતરના દાખલામાંથી તમે શું શીખી શકો?

દોષની વધારે પડતી લાગણીથી બચવા તમે શું કરી શકો?

૧, ૨. આ લેખમાં શેતાનના કયા ફાંદાઓ વિષે જોઈશું?

 શેતાન યહોવાના ભક્તોને પકડવાનો લાગ શોધતો રહે છે. એવું નથી કે તે તેઓને મારી નાખવા માગે છે, જેમ શિકારી પોતાના શિકારને મારી નાખે છે. એના બદલે, શેતાનનો મુખ્ય ધ્યેય તો પોતાના શિકારને જીવતા પકડવાનો છે, જેથી પોતે ચાહે તેમ એ વ્યક્તિનો ઉપયોગ કરી શકે.—૨ તીમોથી ૨:૨૪-૨૬ વાંચો.

પોતાના શિકારને જીવતા પકડવા, શિકારી કદાચ અમુક જાતનો ફાંદો વાપરે. તે એવું કંઈક કરશે જેનાથી પ્રાણી ખુલ્લામાં બહાર દોડી આવે, જ્યાં શિકારી તેને ફાંદામાં ફસાવી લે. અથવા તે એવો કોઈ છૂપો ફાંદો કે જાળ રાખે, જેથી પ્રાણીને ખબર ન પડે અને અચાનક એમાં ફસાય જાય. ઈશ્વરના ભક્તોને જીવતા પકડવા શેતાન એના જેવા ફાંદાઓ વાપરે છે. જો એવા ફાંદાથી બચવા માંગતા હોઈએ, તો શું કરવું જોઈએ? આપણે સાવધ રહેવું જોઈએ અને આપણી નજીકમાં શેતાનના ફાંદાઓ કે જાળ પાથરેલી છે એવી ચેતવણી મળે, તો એને સાંભળવી જોઈએ. આ લેખમાં જોઈશું કે આપણે શેતાનના ત્રણ ફાંદાઓથી કઈ રીતે સાવધ રહેવું જોઈએ, જે વાપરીને તે અમુક હદે સફળ થયો છે. આ ફાંદાઓ છે: (૧) બેકાબૂ વાણી, (૨) ડર અને દબાણ, (૩) દોષિત હોવાની વધારે પડતી લાગણી. આ પછીના લેખમાં શેતાનના બીજા બે ફાંદા કે છૂપી જાળ વિષે જોઈશું.

બેકાબૂ વાણીની આગને હોલવો

૩, ૪. જીભને કાબૂમાં ન રાખીએ તો શું પરિણામ આવી શકે છે? ઉદાહરણ આપો.

સંતાયેલા પ્રાણીઓને બહાર કાઢી લાવવા, ઘણી વાર શિકારી જંગલના અમુક ભાગને આગ લગાડતો હોય છે. પછી, નાસી છૂટતા પ્રાણીઓને તે પકડી પાડે છે. રૂપક રીતે જોતાં, શેતાન આપણા મંડળમાં પણ આગ લગાડવા માંગે છે. જો તે એમાં સફળ થાય, તો મંડળના સભ્યોને એ સલામત સ્થાનમાંથી બહાર કાઢી શકે અને તેઓ સીધા તેના સકંજામાં પકડાઈ જશે. આપણે કઈ રીતે અજાણતા તેને સાથ આપી બેસીએ અને તેની જાળમાં ફસાય જઈ શકીએ?

યાકૂબે જીભને આગ સાથે સરખાવી હતી. (યાકૂબ ૩:૬-૮ વાંચો.) જો આપણે જીભ પર કાબૂ ન રાખીએ, તો જાણે આપણે મંડળમાં આગ લગાડી શકીએ છીએ. આવું કઈ રીતે થઈ શકે? એક દૃશ્યની કલ્પના કરો: સભામાં જાહેરાત કરવામાં આવે છે કે ફલાણા બહેનને નિયમિત પાયોનિયર બનાવવામાં આવ્યા છે. સભા પછી, બે પ્રકાશકો એ જાહેરાત વિષે વાત કરે છે. એમાંથી એક ખુશ છે અને ઇચ્છે છે કે નવા પાયોનિયર બહેન સફળ થાય. જ્યારે કે બીજી વ્યક્તિ પાયોનિયર બહેનના ધ્યેય પર શંકા ઉઠાવે છે કે તે ફક્ત મંડળમાં નામ કમાવા આવું કરી રહી છે. એ બે પ્રકાશકોમાંથી તમે કોને મિત્ર તરીકે પસંદ કરશો? પોતાની વાણીથી કોણ મંડળમાં આગ લગાડી રહ્યું છે, એ સાફ દેખાઈ આવે છે.

૫. બેકાબૂ વાણીની આગ હોલવવા કેવી જાત-તપાસ કરવાની જરૂર છે?

બેકાબૂ વાણીની આગને આપણે કેવી રીતે હોલવી શકીએ? ઈસુએ કહ્યું કે “મનના [હૃદયના] ભરપૂરપણામાંથી મોં બોલે છે.” (માથ. ૧૨:૩૪) એટલે પહેલું પગલું એ છે કે આપણું હૃદય તપાસીએ. શું આપણે ખોટી લાગણીઓને અટકાવીએ છીએ, જેથી આપણી વાણીથી કોઈનું નુકસાન ન થાય? દાખલા તરીકે, આપણા સાંભળવામાં આવે કે કોઈ ભાઈ ઈશ્વરની સેવામાં અમુક લહાવા મેળવવા મહેનત કરી રહ્યો છે. ત્યારે શું એમ સ્વીકારીએ છીએ કે તેના ધ્યેયો સારા છે? કે પછી તે સ્વાર્થ માટે આમ કરી રહ્યો છે એવી શંકા કરીએ છીએ? જો આપણો સ્વભાવ શંકાશીલ હોય, તો યાદ રાખવું જોઈએ કે શેતાને ઈશ્વરના વિશ્વાસુ ભક્ત અયૂબના ધ્યેયો પર શંકા ઉઠાવી હતી. (અયૂ. ૧:૯-૧૧) આપણા ભાઈ પર શંકા કરવાને બદલે, એ વિચારવાની જરૂર છે કે આપણા મનમાં કેમ તેના માટે શંકા થઈ? એ માટે શું કોઈ યોગ્ય કારણ છે? કે પછી છેલ્લા દિવસોમાં ફેલાયેલાં પ્રેમ વગરના વલણે આપણા હૃદયમાં ઝેર ભર્યું છે?—૨ તીમો. ૩:૧-૪.

૬, ૭. (ક) એવાં અમુક કારણો કયાં છે, જેના લીધે આપણે બીજાનો વાંક કાઢતા હોઈ શકીએ? (ખ) આપણી નિંદા કરવામાં આવે ત્યારે શું કરવું જોઈએ?

આપણા મનમાં બીજાઓ માટે શંકા ઊભી કરનારાં બીજાં કારણો જોઈએ. એક કારણ એ હોઈ શકે કે આપણું કામ વધારે ધ્યાનમાં આવે એમ આપણે ઇચ્છતા હોઈએ. એટલા માટે આપણે બીજાનો વાંક કાઢીને, પોતાનું સારું દેખાડવા ચાહતા હોઈએ. અથવા આપણે જે કરવું જોઈએ એ ન કર્યું, એ માટે બહાનાં કાઢવાનો પ્રયત્ન કરતા હોઈ શકીએ. ભલે આપણે અભિમાન, અદેખાઈ કે અસલામતીને લીધે આમ કરતા હોઈએ, પરિણામ માઠું જ આવશે.

આપણને કદાચ લાગે કે અમુક વ્યક્તિનો વાંક કાઢવો વાજબી છે. કદાચ આપણે એ વ્યક્તિની બેકાબૂ વાણીના ભોગ બન્યા હોઈએ. જો એવું હોય તો જેવા સાથે તેવા થવાથી કંઈ ફાયદો નથી. એમ કરવાથી તો તમે આગમાં ઘી રેડો છો અને ઈશ્વરની નહિ, પણ શેતાનની ઇચ્છા પ્રમાણે કરો છો. (૨ તીમો. ૨:૨૬) આપણે ઈસુને અનુસરવું જોઈએ. જ્યારે તેમની નિંદા કરવામાં આવી, ત્યારે ‘તેમણે સામી નિંદા કરી નહિ.’ એના બદલે, તેમણે ‘અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા.’ (૧ પીત. ૨:૨૧-૨૩) ઈસુને પૂરો ભરોસો હતો કે યહોવા પોતાની રીતે અને પોતાના સમયે બાબતો હલ કરશે. આપણે પણ ઈશ્વર પર એવો જ ભરોસો રાખવો જોઈએ. જ્યારે આપણા શબ્દો લોકોના મનના ઘા રૂઝાવવા વાપરીએ છીએ, ત્યારે ‘શાંતિનું બંધન’ જાળવીએ છીએ જે મંડળમાં એકતા લાવે છે.—એફેસી ૪:૧-૩ વાંચો.

ડર અને દબાણના ફાંદાથી નાસી છૂટો

૮, ૯. પીલાતે કેમ ઈસુને સજા ફરમાવી?

જાળમાં ફસાયેલું પ્રાણી પોતાની આઝાદી ગુમાવે છે. એ જ રીતે જે વ્યક્તિ ડર અને દબાણના ફાંદામાં ફસાય છે, તે અમુક અંશે પોતાના જીવન પર કાબૂ ગુમાવી બેસે છે. (નીતિવચનો ૨૯:૨૫ વાંચો.) ચાલો આપણે એકબીજાથી સાવ અલગ બે વ્યક્તિઓના દાખલા જોઈએ. તેઓએ ડર અને દબાણમાં હાર માની લીધી હતી. આપણે જોઈશું કે તેઓના દાખલામાંથી શું શીખી શકીએ.

રોમન ગવર્નર પોંતિયસ પીલાત જાણતો હતો કે ઈસુ નિર્દોષ હતા. એટલે, તે તેમને કોઈ સજા કરવા માગતો ન હતો. અરે, પીલાતે એવું પણ કહ્યું કે ઈસુએ ‘મરણદંડને યોગ્ય કંઈ કર્યું નથી.’ છતાં પણ, પીલાતે તેમને મોતની સજા ફરમાવી. શા માટે? કેમ કે પીલાત લોકોના દબાણના ફાંદામાં ફસાઈ ગયો હતો. (લુક ૨૩:૧૫, ૨૧-૨૫) વિરોધીઓએ પોતાની મનમાની કરાવવા બૂમો પાડીને દબાણ મૂક્યું: “જો તું એ માણસને છોડી દે, તો તું કૈસરનો મિત્ર નથી.” (યોહા. ૧૯:૧૨) પીલાતને કદાચ ડર લાગ્યો હશે કે જો તે ઈસુનો પક્ષ લેશે તો તેણે પદવી કે કદાચ જીવનથી પણ હાથ ધોવા પડે. તેણે હાર માની લીધી અને શેતાનની ઇચ્છા પ્રમાણે કર્યું.

૧૦. પીતરે કેમ ઈસુનો નકાર કર્યો?

૧૦ પ્રેરિત પીતર ઈસુના સૌથી નજીકના મિત્ર હતા. તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે ઈસુ એ જ મસીહ છે. (માથ. ૧૬:૧૬) જ્યારે બીજા શિષ્યો ઈસુની વાતનો અર્થ સમજી ન શક્યા અને તેમને છોડીને ચાલ્યા ગયા, ત્યારે પીતર ઈસુને વળગી રહ્યા. (યોહા. ૬:૬૬-૬૯) જ્યારે દુશ્મનો ઈસુને પકડવા આવ્યા, ત્યારે પીતરે પોતાના ગુરુને બચાવવા તલવાર ચલાવી. (યોહા. ૧૮:૧૦, ૧૧) પણ સમય જતાં, પીતર ડરના ફાંદામાં ફસાયા, અરે ઈસુ ખ્રિસ્તને ઓળખવાનો પણ નકાર કર્યો. થોડા સમય માટે, પીતર માણસોની બીકથી ડરી ગયા અને હિંમત બતાવી નહિ.—માથ. ૨૬:૭૪, ૭૫.

૧૧. આપણે કેવાં દબાણોનો સામનો કરવો પડી શકે?

૧૧ ખ્રિસ્તીઓ તરીકે આપણે એવી બાબતો કરવાના દબાણની સામા થવું જોઈએ, જેનાથી ઈશ્વર નાખુશ થાય છે. સાથે કામ કરનારા કે બીજાઓ કદાચ આપણને અપ્રમાણિક બનવા કે જાતીય સંબંધો બાંધવા દબાણ કરી શકે. વિદ્યાર્થીઓને આ બાબતોમાં મિત્રો તરફથી દબાણ આવી શકે: પરીક્ષામાં ચોરી કરવી, જાતીય બાબતે ખોટાં કામ કરવાં, પોર્નોગ્રાફી, ધૂમ્રપાન, નશીલા પદાર્થો કે દારૂની લતે ચઢવું. ડર અને દબાણ આપણને એવી બાબતો કરાવી શકે જેનાથી યહોવા નાખુશ થાય. એવા ફાંદાથી નાસી છૂટવા આપણને શું મદદ કરી શકે?

૧૨. પીલાત અને પીતરના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ ચાલો આપણે જોઈએ કે પીલાત અને પીતરના દાખલામાંથી શું શીખી શકીએ. પીલાત ઈસુ વિષે બહુ જાણતો ન હતો. છતાં પણ, એ તો જાણતો હતો કે ઈસુ નિર્દોષ હતા અને તે કંઈ સામાન્ય વ્યક્તિ ન હતા. પણ પીલાત નમ્ર ન હતો અને તેણે સાચા ઈશ્વર માટે પ્રેમ ન બતાવ્યો. શેતાને સહેલાઈથી તેને જીવતો પકડ્યો. પીતર પાસે ખરું જ્ઞાન અને ઈશ્વર માટેનો પ્રેમ બંને હતા. જોકે કેટલીક વખત પીતરે નમ્રતા ન બતાવી, ડરી ગયા અને દબાણમાં આવી ગયા. ઈસુને પકડવામાં આવ્યા એ પહેલાં, પીતરે બડાઈ હાંકી હતી કે “અગર જો સઘળા ઠોકર ખાય, તો પણ હું નહિ.” (માર્ક ૧૪:૨૯) જો પીતરે ગીતના લેખકની જેમ ઈશ્વરમાં ભરોસો રાખ્યો હોત, તો એ આવનારી કસોટી માટે સારી રીતે તૈયાર હોત. ગીતના લેખકે કહ્યું, “યહોવા મારા પક્ષનો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરી શકશે?” (ગીત. ૧૧૮:૬) ઈસુ પોતાના મરણની આગલી રાત્રે પીતર અને બીજા બે પ્રેરિતોને પોતાની સાથે ગેથસેમાને બગીચામાં લઈ ગયા. સાવધ રહેવાને બદલે પીતર અને તેમના સાથીઓ ઊંઘી ગયા. ઈસુએ તેઓને જગાડ્યા અને કહ્યું, “જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.” (માર્ક ૧૪:૩૮) પણ પીતર ફરીથી ઊંઘી ગયા. ત્યાર બાદ ડર અને દબાણનો સામનો કરી ન શક્યા.

૧૩. ખોટું કરવા માટેના દબાણનો આપણે કેવી રીતે સામનો કરી શકીએ?

૧૩ પીલાત અને પીતરના દાખલામાંથી બીજો એક મહત્ત્વનો પાઠ શીખી શકીએ: ખરું જ્ઞાન, નમ્રતા, ઈશ્વર માટેનો પ્રેમ અને માણસોનો નહિ, પણ યહોવાનો ડર; આ બધી બાબતો હશે તો દબાણનો સામનો સફળતાથી કરી શકાશે. આપણી શ્રદ્ધા જો ખરા જ્ઞાનને આધારે હશે, તો પૂરી ખાતરીથી આપણી માન્યતાઓ વિષે હિંમતથી બોલી શકીશું. એનાથી આપણે દબાણનો સામનો કરી શકીશું અને માણસોની બીક પર જીત મેળવી શકીશું. તોપણ, પોતાની શક્તિ પર વધારે પડતો ભરોસો નહિ રાખીએ. એના બદલે, નમ્રતાથી સ્વીકારીશું કે આપણને દબાણોનો સામનો કરવા ઈશ્વરની શક્તિની જરૂર છે. આપણે યહોવાની શક્તિ માટે પ્રાર્થના કરવાની જરૂર છે. અને તેમના માટેનો આપણો પ્રેમ આપણને તેમના નામ અને ધોરણોને વળગી રહેવા માટે પ્રેરણા આપશે. ઉપરાંત, કસોટી આવે એ પહેલાં, એનો સામનો કરવા તૈયાર રહેવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, આપણે પોતાનાં બાળકો સાથે પ્રાર્થના કરવાની અને તેઓને તૈયાર કરવાની જરૂર છે. એનાથી જ્યારે બીજાં બાળકો ખોટાં કામ કરવા દબાણ કરશે, ત્યારે તેઓને ખબર હશે કે શું કરવું.—૨ કોરીં. ૧૩:૭. *

દોષિત હોવાની વધારે પડતી લાગણીના ફાંદાથી દૂર રહો

૧૪. જૂની ભૂલો વિષે આપણે કેવો વિચાર કરીએ, એવું શેતાન ઇચ્છે છે?

૧૪ કેટલીક વાર શિકાર જે રસ્તેથી વારંવાર પસાર થતો હોય, ત્યાં ઉપર વજનદાર લાકડું કે પથ્થર લટકાવવામાં આવે છે. એનો તાર શિકારી એ રસ્તે બાંધી દે છે. અજાણ પ્રાણી ફાંદાના તારને અડકે કે તરત લાકડું કે પથ્થર એના પર પડે અને શિકારને કચડી નાખે. દોષિત હોવાની વધારે પડતી લાગણી એ કચડી નાખતા વજન સાથે સરખાવી શકાય. જ્યારે આપણે જૂની ભૂલોને યાદ કરીએ છીએ, ત્યારે લાગી શકે કે હું “ઘણો કચડાઈ ગયો છું.” (ગીતશાસ્ત્ર ૩૮:૩-૫,  વાંચો.) શેતાન ઇચ્છે છે કે આપણે એવું વિચારીએ કે યહોવાની દયાને લાયક આપણે નથી અને તેમનાં ધોરણો પ્રમાણે જીવી શકતા નથી.

૧૫, ૧૬. વધારે પડતા દોષની લાગણીના ફાંદાથી બચવા તમે શું કરી શકો?

૧૫ તમને કચડી નાખતા આ ફાંદાથી તમે કેવી રીતે બચી શકો? જો તમે ગંભીર પાપ કર્યું હોય, તો યહોવા સાથે તમારી મિત્રતા ફરીથી બાંધવા હમણાં જ પગલાં ભરો. વડીલો પાસે મદદ માંગો. (યાકૂ. ૫:૧૪-૧૬) ભૂલને સુધારવા બનતા બધા પ્રયત્ન કરો. (૨ કોરીં. ૭:૧૧) જો તમને શિસ્ત મળે તો નિરાશ થઈ જશો નહિ. શિસ્ત ચોક્કસ બતાવે છે કે યહોવા તમને ચાહે છે. (હિબ્રૂ ૧૨:૬) નક્કી કરો કે તમે એ પાપ ફરીથી નહિ કરો અને એ પાપ તરફ દોરી જતી કોઈ પણ બાબતોથી દૂર રહેશો. પસ્તાવો કરીને પાછા ફર્યા પછી, ઈસુ ખ્રિસ્તે આપેલા બલિદાન પર ભરોસો રાખો કે એનાથી તમારી ભૂલો માફ થઈ શકે છે.—૧ યોહા. ૪:૯, ૧૪.

૧૬ કેટલાક લોકો પાપોને લીધે દોષની લાગણી અનુભવતા રહે છે. જ્યારે કે એ પાપોની માફી તેઓને મળી ચૂકી હોય છે. જો તમારા વિષે પણ એવું જ હોય, તો આ યાદ રાખો: યહોવાના વહાલા દીકરા ઈસુને જ્યારે મદદની સૌથી વધારે જરૂર હતી, ત્યારે પીતર અને બીજા પ્રેરિતો નાસી ગયા. છતાં પણ યહોવાએ તેઓને માફ કરી દીધા. એક ભાઈને વ્યભિચાર કરવાને લીધે કોરીંથ મંડળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે તેણે પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ તેને માફ કરી દીધો. (૧ કોરીં. ૫:૧-૫; ૨ કોરીં. ૨:૬-૮) બાઇબલ ગંભીર પાપ કરનારા એવા કેટલાક લોકો વિષે જણાવે છે, જેઓએ પસ્તાવો કર્યો અને ઈશ્વરે તેઓને માફ કરી દીધા.—૨ કાળ. ૩૩:૨, ૧૦-૧૩; ૧ કોરીં. ૬:૯-૧૧.

૧૭. ઈસુનું બલિદાન આપણી માટે શું કરી શકે?

૧૭ જો તમે ખરો પસ્તાવો કરો અને યહોવાની દયા સ્વીકારો, તો તે તમારાં પાપ માફ કરશે અને ભૂલી જશે. કદી એવું ન માનો કે ઈસુનું બલિદાન તમારાં પાપોને ઢાંકી નહિ શકે. એવું માનવું શેતાનના એક ફાંદામાં ફસાવા જેવું છે. ભલે શેતાન તમને ગમે તે મનાવવા ચાહતો હોય, પણ જેઓએ પાપ કર્યું છે અને પસ્તાવો બતાવ્યો છે, એ દરેકનાં પાપોને ઈસુનું બલિદાન માફી આપી શકે છે. (નીતિ. ૨૪:૧૬) આ બલિદાનમાં શ્રદ્ધા રાખવાથી, દોષની વધારે પડતી લાગણીનો તમારો બોજો હળવો થઈ શકે છે. અને તમને યહોવાની સેવા પૂરા હૃદય, મન અને જીવથી કરવા શક્તિ આપી શકે છે.—માથ. ૨૨:૩૭.

આપણે શેતાનના ફાંદાઓથી અજાણ્યા નથી

૧૮. શેતાનના ફાંદાઓથી કેવી રીતે બચી શકીએ છીએ?

૧૮ શેતાનને કંઈ પડી નથી કે આપણે કયા ફાંદામાં ફસાઈએ. એ તો આપણને ફક્ત પોતાના પંજામાં કરી લેવા માંગે છે. આપણે શેતાનના ફાંદાઓથી અજાણ નથી, એટલે તેની જાળમાં ફસાવાથી દૂર રહી શકીએ છીએ. (૨ કોરીં. ૨:૧૦, ૧૧) કસોટીઓ સહેવા ડહાપણ માટે પ્રાર્થના કરીશું તો, તેના ફાંદા કે જાળમાં પડીશું નહિ. યાકૂબે લખ્યું: “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં [ડહાપણમાં] અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વેને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.” (યાકૂ. ૧:૫) આપણી પ્રાર્થનાઓ પ્રમાણે વર્તવા, નિયમિત રીતે આપણે જાતે અભ્યાસ કરવાની અને બાઇબલની સલાહ લાગુ પાડવાની જરૂર છે. વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર વર્ગ બાઇબલ અભ્યાસ કરવા માટેનું સાહિત્ય પૂરું પાડે છે. એ સાહિત્ય શેતાનના ફાંદાઓ ખુલ્લા પાડે છે અને એનાથી બચવા આપણને મદદ કરે છે.

૧૯, ૨૦. ખરાબ બાબતોને કેમ ધિક્કારવી જોઈએ?

૧૯ પ્રાર્થના અને બાઇબલ અભ્યાસ આપણામાં સારી બાબતો માટેના પ્રેમને ઉત્તેજન આપે છે. પરંતુ, એ પણ મહત્ત્વનું છે કે ખરાબ બાબતોને ધિક્કારતા શીખીએ. (ગીત. ૯૭:૧૦) સ્વાર્થી ઇચ્છાઓ પાછળ દોડવાથી આવતાં પરિણામો પર વિચાર કરીશું તો એવી ઇચ્છાઓથી દૂર રહી શકીશું. (યાકૂ. ૧:૧૪, ૧૫) આપણે ખરાબ બાબતોને ધિક્કારતા અને સારી બાબતોને ચાહતા શીખવાની જરૂર છે. એમ કરીશું તો શેતાન જે ફાંદાઓ વાપરે છે એનાથી લલચાઈશું નહિ કેમ કે આપણે એને નફરત કરતા હોઈશું.

૨૦ આપણે કેટલા આભારી છીએ કે શેતાનના પંજામાં પકડાઈએ નહિ એ માટે ઈશ્વર મદદ કરે છે! પવિત્ર શક્તિ, બાઇબલ અને સંગઠન દ્વારા, યહોવા આપણને “ભૂંડાથી” કે દુષ્ટથી બચાવે છે. (માથ. ૬:૧૩) હવે પછીના લેખમાં બીજા બે ફાંદા વિષે જોઈશું, જે વાપરીને શેતાન ઈશ્વરના ભક્તોને જીવતા પકડવામાં સફળ થયો છે. (w12-E 08/15)

[ફુટનોટ]

^ માબાપોએ બાળકો સાથે આ માહિતી પર ચર્ચા કરવાની જરૂર છે: પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે (અંગ્રેજી) ભાગ ૨, પાન ૧૩૨-૧૩૩ ઉપર “પીયર-પ્રેશર પ્લાનર” ચાર્ટ જુઓ. તેમ જ, સજાગ બનો! ઑક્ટોબર ૨૦૦૯, પાન ૨૬-૨૯ પરનો “યુવાનો પૂછે છે” લેખ જુઓ. આ માહિતી કુટુંબ તરીકે ભક્તિની સાંજે વાપરી શકાય.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૪ પર ચિત્ર]

બેકાબૂ વાણી મંડળમાં જાણે આગ લગાડી શકે

[પાન ૨૭ પર ચિત્ર]

તમે દોષની વધારે પડતી લાગણીનો ભાર હળવો કરી શકો