“હું તમારી સાથે છું”
“હું તમારી સાથે છું”
“ઘણાઓ અહીંતહીં દોડશે, ને [સાચા] જ્ઞાનની વૃદ્ધિ થશે.”—દાની. ૧૨:૪.
તમારો જવાબ શું છે?
આજના સમયમાં ‘સાચું જ્ઞાન’ કઈ રીતે જાહેર થયું છે?
કઈ રીતે સત્ય સ્વીકારનારા “ઘણા” થયા છે?
કઈ રીતે ખરા જ્ઞાનનો ‘વધારો’ કરવામાં આવ્યો છે?
૧, ૨. (ક) ઈસુ આજે પોતાની પ્રજા સાથે છે અને આવનાર દિવસોમાં પણ તેઓની સાથે હશે એ આપણે કઈ રીતે જાણી શકીએ? (ખ) દાનીયેલ ૧૨:૪ પ્રમાણે, બાઇબલ ધ્યાનથી તપાસવાથી શું પરિણામ આવશે?
કલ્પના કરો કે તમે નવી દુનિયામાં છો. દરરોજ સવારે તમે નવી તાજગી અનુભવો છો અને નવા જોશમાં દિવસ શરૂ કરવા તૈયાર છો. કોઈ જાતની પીડા, બીમારીઓ હવે રહી નથી. જોવાની, સાંભળવાની, સૂંઘવાની, સ્પર્શવાની અને સ્વાદ અનુભવવાની શક્તિમાં કોઈ ખામી નથી. તમારી પાસે પુષ્કળ તાકાત છે, મજા આવે એવું કામ છે, ઘણા મિત્રો છે અને બધી ચિંતાઓ જતી રહી છે. તમારા માટે આવા બધા આશીર્વાદો લાવશે, ઈશ્વરનું રાજ્ય! આ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત પોતાની પ્રજાને ઘણા આશીર્વાદો આપશે અને યહોવા વિષે ખરું શિક્ષણ પણ આપશે.
૨ આ શિક્ષણ યહોવાના વિશ્વાસુ લોકો આખી દુનિયામાં લઈ જાય છે. એ સમયે યહોવા તેઓની પડખે છે. ઈશ્વર અને તેમના પુત્ર સદીઓથી તેમના વિશ્વાસુ લોકોને સાથ આપી રહ્યા છે. સ્વર્ગમાં ચઢી જતા પહેલાં, ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને ખાતરી આપી હતી કે તે તેઓની સાથે હંમેશાં હશે. (માથ્થી ૨૮:૧૯, ૨૦ વાંચો.) આ વચનમાં ભરોસો દૃઢ કરવા આપણે શું કરી શકીએ? આવો ૨,૫૦૦ વર્ષ જૂની, બાબેલોનમાં લખાયેલી ભવિષ્યવાણીનો ફક્ત એક ભાગ તપાસીએ. આપણે જીવીએ છીએ એ “છેલ્લા સમય” વિષે પ્રબોધક દાનીયેલે લખ્યું: “ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.” (દાની. ૧૨:૪) “અહીંતહીં દોડશે” એટલે શું? આપણા સમયમાં બનતા બનાવોને ધ્યાનમાં લેતા, એનો અર્થ થાય કે સાવચેતીથી તપાસવું. એમ કરવાથી ઘણા આશીર્વાદો આવશે. આમ, જેઓ ધ્યાનથી બાઇબલનાં વચનો તપાસે છે, તેઓ ખરા તેમ જ ચોક્કસ જ્ઞાનનો આશીર્વાદ મેળવે છે. એ ભવિષ્યવાણી એમ પણ જણાવે છે કે ઘણા લોકો ‘સાચું જ્ઞાન’ સ્વીકારશે. ઉપરાંત, એ જણાવે છે કે આ જ્ઞાનમાં ઘણો વધારો થશે. તેમ જ, એ સત્ય બધી જગ્યાએ પહોંચશે અને સહેલાઈથી એની જાણકારી મેળવી શકાશે. આ ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ છે એ તપાસવાથી આપણે શું જાણી શકીશું? એ જાણી શકીશું કે આજે કઈ રીતે ઈસુ ખ્રિસ્ત શિષ્યોને સાથ આપી રહ્યા છે. એ પણ જોઈશું કે યહોવા પોતાનાં દરેક વચનને પૂરાં કરી શકે છે.
‘સાચું જ્ઞાન’ જાહેર થશે
૩. પ્રેરિતોના મરણ પછી ‘સાચા જ્ઞાનનું’ શું થયું?
૩ ઈશ્વર વિરુદ્ધનું શિક્ષણ ફેલાશે એવું પહેલેથી જણાવવામાં આવ્યું હતું. પ્રેરિતોના મરણ પછી, એવું શિક્ષણ સાચા ખ્રિસ્તી ધર્મમાં ભળ્યું અને આગની જેમ ફેલાયું. (પ્રે.કૃ. ૨૦:૨૮-૩૦; ૨ થેસ્સા. ૨:૧-૩) એ પછી સદીઓ સુધી, જે લોકો બાઇબલ વિષે નહોતા જાણતા તેઓ માટે જ નહિ, કહેવાતા ખ્રિસ્તીઓ માટે પણ ‘સાચું જ્ઞાન’ ઘણું જ ઓછું હતું. જોકે, ખ્રિસ્તી ધર્મના આગેવાનો બાઇબલમાં માનવાનો દાવો કરતા હતા, પણ તેઓ ઈશ્વરનું અપમાન કરતો ‘દુષ્ટ દૂતોનો ઉપદેશ’ શીખવતા હતા. (૧ તીમો. ૪:૧) મોટા ભાગના લોકો ઈશ્વર વિષે સત્ય જાણતા ન હતા. ઈશ્વરના શિક્ષણ વિરુદ્ધનાં જૂઠાણાં કયાં હતાં? ઈશ્વર ત્રિએક છે, આત્મા છે અને તે અમર છે; નરક છે કે જેમાં આત્માઓ હંમેશ માટે પીડા ભોગવે છે.
૪. અમુક ખ્રિસ્તીઓએ ૧૮૭૦ના સમયગાળામાં કઈ રીતે ‘સાચું જ્ઞાન’ શોધવા મહેનત કરી?
૪ ‘છેલ્લો સમય’ શરૂ થયો એના ૪૦ વર્ષ પહેલાં, ૧૮૭૦ના સમયગાળામાં અમુક ફેરફાર થયા. પેન્સિલ્વેનિયા, અમેરિકામાં અમુક સાચા ખ્રિસ્તીઓ ભેગા થયા. તેઓ સાથે મળીને ખંતથી બાઇબલનો અભ્યાસ કરતા અને ‘સાચું જ્ઞાન’ શોધતા. (૨ તીમો. ૩:૧) તેઓ પોતાને બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાવતા. તેઓ ઈસુ ખ્રિસ્તે જણાવેલા ‘જ્ઞાની તથા ચતુર’ લોકો ન હતા, જેઓથી જ્ઞાન સંતાયેલું હતું. (માથ. ૧૧:૨૫) તેઓ એવા નમ્ર લોકો હતા, જેઓને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાની ઝંખના હતી. તેઓ ધ્યાનથી અને પ્રાર્થનાપૂર્વક બાઇબલની કલમો વાંચતા, એના ઉપર ચર્ચા કરતા અને મનન કરતા. તેઓ બાઇબલના અલગ અલગ ભાગો સરખાવતા. ઉપરાંત, આ જ રીતે બીજાઓએ કરેલા અભ્યાસની માહિતી પણ તેઓ સરખાવતા. ધીમે ધીમે, સદીઓથી સંતાયેલું સત્ય બાઇબલ વિદ્યાર્થીઓને શીખવા મળ્યું.
૫. ધી ઓલ્ડ થીઓલોજી પત્રિકાઓ બહાર પાડવાનો હેતુ શું હતો?
૫ બાઇબલ વિદ્યાર્થીઓ જે બાબતો શીખ્યા એનાથી તેઓ ઘણા ખુશ થયા, પણ અભિમાનથી ફૂલાઈ ન ગયા. તેઓએ નવી બાબત શોધી છે એવો દાવો ન કર્યો. (૧ કોરીં. ૮:૧) એના બદલે, તેઓએ ધી ઓલ્ડ થીઓલોજી નામની એક પછી એક પત્રિકાઓ બહાર પાડી. એનો હેતુ એ હતો કે લોકો બાઇબલમાં જણાવેલું સત્ય જાણે. પહેલી પત્રિકા લોકોને બાઇબલ અભ્યાસ કરવા મદદ કરતી હતી, જેથી તેઓ “માણસોના જૂઠા રીત-રિવાજો” ત્યજી શકે અને ઈસુ તથા પ્રેરિતોએ આપેલું ખરું શિક્ષણ, એટલે કે “મૂળ શિક્ષણ” સ્વીકારી શકે.—ધી ઓલ્ડ થીઓલોજી, નં. ૧, એપ્રિલ ૧૮૮૯, પાન ૩૨.
૬, ૭. (ક) ૧૮૭૦ના સમયગાળાથી કેવા વિષયો પર સત્ય સમજવા મદદ મળી છે? (ખ) કયા વિષયો પર સત્ય શીખ્યા જેની તમે ખાસ કદર કરો છો?
૬ સો વર્ષ પહેલાં સત્ય વિષે સમજણ મેળવવાની જે નાનકડી શરૂઆત થઈ ત્યારથી, કેટલી બધી અદ્ભુત બાબતો બહાર આવી છે! * આ બાઇબલ સત્ય એવું નથી કે જેનાથી કંટાળો આવે કે ધર્મશાસ્ત્રીઓ સાથે વાદવિવાદ કરવો પડે. એ તો ઉત્તેજન અને મુક્તિ આપનાર છે, જેનાથી આપણા જીવનને સાચો માર્ગ મળે છે, આશા અને આનંદ મળે છે. એ આપણને યહોવાના પ્રેમાળ ગુણો અને તેમના હેતુઓ વિષે શીખવા મદદ કરે છે. ઈસુ ખ્રિસ્ત કોણ હતા, તે પૃથ્વી પર કેમ આવ્યા, કેમ મરણ પામ્યા અને હમણાં શું કરી રહ્યા છે, એ જાણકારી પણ આ સત્ય આપે છે. આ અનમોલ સત્ય આવી બાબતો સમજવા પણ મદદ કરે છે: ઈશ્વર કેમ દુષ્ટતા ચાલવા દે છે, આપણે કેમ મરણ પામીએ છીએ, કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ અને કઈ રીતે સાચી ખુશી મેળવી શકીએ.
૭ જે ભવિષ્યવાણીઓનો અર્થ વર્ષો સુધી સંતાયેલો રહ્યો, એ હવે આપણે જાણી શકીએ છીએ. આ ભવિષ્યવાણીઓ હમણાં અંતના સમયમાં પૂરી થઈ રહી છે. (દાની. ૧૨:૯) બાઇબલમાં આવી ભવિષ્યવાણીઓ શરૂઆતથી અંત સુધી છે, ખાસ કરીને સુવાર્તાનાં પુસ્તકો અને પ્રકટીકરણના પુસ્તકમાં. આપણે જોઈ શકતા નથી એવી બાબતો સમજવા પણ યહોવાએ મદદ કરી છે. જેમ કે ઈસુને રાજ્યાસન મળ્યું, સ્વર્ગમાં લડાઈ થઈ અને શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. (પ્રકટી. ૧૨:૭-૧૨) જે બાબતો જોઈ શકીએ છીએ એ સમજવા પણ ઈશ્વર આપણને મદદ કરે છે. જેમ કે યુદ્ધો, ધરતીકંપ, રોગચાળો, ખોરાકની અછત અને દુષ્ટ લોકો જેના લીધે “સંકટના વખતો” ચાલી રહ્યા છે.—૨ તીમો. ૩:૧-૫; લુક ૨૧:૧૦,૧૧.
૮. આપણે જે જોઈએ અને સાંભળીએ છીએ એ માટે કોને મહિમા આપીએ છીએ?
૮ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “તમે જે જુઓ છો, તે જેઓની આંખો જુએ તેઓને ધન્ય છે! કેમ કે હું તમને કહું છું, કે તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવા ચાહતા હતા, પણ તેઓ તે જોવા પામ્યા નહિ; અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ચાહતા હતા, પણ તેઓ તે સાંભળવા પામ્યા નહિ.” (લુક ૧૦:૨૩, ૨૪) આજે આપણને પણ એવું જ લાગે છે. આપણે આવી બાબતો જોઈ અને સાંભળી શક્યા એ માટે યહોવાને મહિમા આપીએ છીએ. તેમ જ, ઘણા આભારી છીએ કે ઈશ્વરની શક્તિ, એટલે કે “સંબોધક” આપણને મદદ કરે છે. આ શક્તિ ઈસુને પગલે ચાલનારાઓને “સર્વ સત્યમાં” માર્ગદર્શન આપે છે. (યોહાન ૧૬:૭, ૧૩ વાંચો.) હંમેશાં ‘સાચા જ્ઞાનʼને કિંમતી ગણીએ અને બીજાઓને એ જણાવતા રહીએ.
‘ઘણા સાચું જ્ઞાન’ સ્વીકારશે
૯. આ મૅગેઝિનના એપ્રિલ ૧૮૮૧ના અંકમાં શાની જાહેરાત કરવામાં આવી હતી?
૯ ધ વૉચ ટાવરનો પહેલો અંક બહાર પડ્યો એને હજી બે વર્ષ પણ થયાં ન હતાં. એ સમયે એપ્રિલ ૧૮૮૧ના અંકમાં ૧,૦૦૦ પ્રચારકોની જરૂર છે, એમ જાહેરાત કરવામાં આવી. એ લેખમાં જણાવવામાં આવ્યું હતું: ‘જે લોકો પોતાનો અડધો અથવા એનાથી પણ વધારે સમય પ્રભુના કામમાં આપી શકે છે, તેઓ માટે અમારી પાસે એક યોજના છે... જેમ કે, પાયોનિયર કે પૂરા સમયના ખુશખબર ફેલાવનાર તરીકે તમારા સંજોગો પ્રમાણે નાનાં કે મોટાં શહેરોમાં જાઓ. * દરેક જગ્યાએ એવા ખ્રિસ્તીઓને શોધો, જેઓ ઈશ્વર માટે ઉત્સાહ ધરાવે છે પરંતુ એ ઈશ્વરના જ્ઞાન પ્રમાણે નથી. આપણા પિતાની દયાનો ખજાનો અને બાઇબલમાં આપેલાં સુંદર વચનો વિષે તેઓને જણાવો.’
૧૦. પૂરા સમયના પ્રચારકોની જાહેરાત સાંભળીને લોકોએ શું કર્યું?
૧૦ એ જાહેરાતથી દેખાઈ આવ્યું કે બાઇબલ વિદ્યાર્થીઓ જાણતા હતા કે ખરા ખ્રિસ્તીઓ માટે ખુશખબર ફેલાવવાનું કામ સૌથી મહત્ત્વનું છે. પૂરા સમયના ૧,૦૦૦ પ્રચારકોની સંખ્યા ઘણી મોટી હતી, કેમ કે ઘણા ઓછા બાઇબલ વિદ્યાર્થીઓ એ વખતે સભાઓમાં ભેગા મળતા હતા. જોકે, ફક્ત એક પત્રિકા કે મૅગેઝિન વાંચ્યા પછી, ઘણા લોકો એમાં સત્ય પારખી શક્યા. અને તેઓ જાહેરાત પ્રમાણે કરવા તૈયાર હતા. દાખલા તરીકે, બાઇબલ વિદ્યાર્થીઓએ બહાર પાડેલા ધ વૉચ ટાવરનો એક અંક અને પુસ્તિકા વાંચ્યા પછી, ૧૮૮૨માં લંડન, ઇંગ્લૅંડથી એક વાચકે આમ લખ્યું: “મને માર્ગદર્શન આપો કે કઈ રીતે અને શાનો પ્રચાર કરવો, જેથી ઈશ્વર ઇચ્છે છે એ આશીર્વાદિત કામ પૂરું થાય.”
૧૧, ૧૨. (ક) એ સમયના પાયોનિયરોનો અને આપણો હેતુ કઈ રીતે સરખો છે? (ખ) પાયોનિયરો કઈ રીતે વર્ગો કે મંડળો બનાવતા?
૧૧ ૧૮૮૫ સુધીમાં, આશરે ૩૦૦ જેટલા બાઇબલ વિદ્યાર્થીઓ પાયોનિયર તરીકે સેવા આપતા હતા. આજે જેમ આપણો મુખ્ય હેતુ ઈસુના શિષ્યો બનાવવાનો છે, એ જ હેતુ આ પૂરા સમયના સેવકોનો પણ હતો. જોકે, તેઓની રીત આપણા કરતાં અલગ હતી. આજે આપણે એક વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ કરીએ છીએ અને માર્ગદર્શન આપીએ છીએ. ત્યાર બાદ આપણે બાઇબલ વિદ્યાર્થીને અગાઉથી સ્થપાયેલા મંડળમાં આવવા આમંત્રણ આપીએ છીએ. જ્યારે કે શરૂઆતના દિવસોમાં, પાયોનિયરો પુસ્તકો આપતા અને પછી રસ ધરાવનારાઓને ભેગા કરીને વૃંદ તરીકે બાઇબલ અભ્યાસ કરતા. દરેકની સાથે વ્યક્તિગત અભ્યાસ કરવાને બદલે, પાયોનિયરો નવાં મંડળો બનાવતાં, જેને તેઓ વર્ગો કહેતા.
૧૨ દાખલા તરીકે, ૧૯૦૭માં અમુક પાયોનિયરોએ એક શહેરમાં એવા લોકોને શોધ્યા, જેઓની પાસે મિલેનિયલ ડૉન (જે સ્ટડીઝ ઈન ધ સ્ક્રીપ્ચર્સ પણ કહેવાતા હતા) નામનાં પુસ્તકો હતાં. ધ વૉચ ટાવર એવો અહેવાલ આપે છે: “આ [રસ ધરાવનારાઓ] એક સમૂહમાં તેઓમાંના એકના ઘરમાં ભેગા થયા હતા. એક પાયોનિયરે તેઓને ડિવાઈન પ્લાન ઑફ ધી એજીસ વિષય પર આખો રવિવાર સમજણ આપી. પછીના રવિવારે તેમણે તેઓને નિયમિત સભાઓમાં ભેગા મળવા ઉત્તેજન આપ્યું.” ૧૯૧૧માં ભાઈઓએ આ રીતમાં ફેરફાર કર્યો. અઠ્ઠાવન જેટલા ખાસ પ્રવાસી નિરીક્ષકોએ આખા અમેરિકા અને કૅનેડામાં જાહેર પ્રવચનો આપ્યાં. આ ભાઈઓએ પ્રવચન સાંભળવા આવેલી રસ ધરાવનાર વ્યક્તિઓનાં નામ અને સરનામા લીધાં. અને ગોઠવણ કરી કે તેઓ ઘરોમાં ભેગા મળે, જેથી નવાં “મંડળો” બને. ૧૯૧૪ સુધીમાં દુનિયા ફરતે બાઇબલ વિદ્યાર્થીઓનાં ૧,૨૦૦ જેટલાં મંડળો હતાં.
૧૩. આજે થયેલા ‘સાચા જ્ઞાનના’ ફેલાવા વિષે તમને કેવું લાગે છે?
૧૩ હવે દુનિયાભરમાં ૧,૦૯,૪૦૦ જેટલા મંડળો છે, જેમાં ૮,૯૫,૮૦૦ જેટલા ભાઈબહેનો પાયોનિયર તરીકે સેવા આપે છે. આશરે ૮૦ લાખ જેટલા લોકોએ આજે ‘સાચું જ્ઞાન’ સ્વીકાર્યું છે અને પોતાના જીવનમાં અપનાવ્યું છે. (યશાયા ૬૦:૨૨ વાંચો.) * આ બાબત ઘણી અદ્ભુત કહેવાય, કેમ કે ઈસુએ શિષ્યોને જણાવ્યું હતું કે પોતાના નામને લીધે ‘સઘળા લોકો તેઓનો દ્વેષ’ કરશે. તેમણે એ પણ જણાવ્યું કે તેમના પગલે ચાલનારાઓની સતાવણી થશે, કેદ થશે અને મારી પણ નંખાશે. (લુક ૨૧:૧૨-૧૭) જોકે, શેતાન, એના દુષ્ટ દૂતો અને વિરોધીઓ તરફથી સતાવણી છતાં, શિષ્યો બનાવવાના કામમાં ધરખમ સફળતા મળી છે. એનો યહોવાના લોકો આનંદ માણી રહ્યા છે. આજે, તેઓ “આખા જગતમાં” પ્રચાર કરી રહ્યા છે. ભલે પછી એ એકદમ ગરમ કે ઠંડોગાર પ્રદેશ હોય, પહાડ, રણ, શહેર કે દૂર દૂરનાં ગામડાં હોય. (માથ. ૨૪:૧૪) ઈશ્વરની મદદ વગર આમ થયું જ ન હોત.
‘સાચું જ્ઞાન વધશે’
૧૪. સાહિત્યના છાપકામ દ્વારા ‘સાચું જ્ઞાન’ કઈ રીતે ફેલાયું છે?
૧૪ જેઓ ખુશખબર ફેલાવે છે તેઓ દ્વારા ‘સાચા જ્ઞાનનો’ વધારો થયો છે. સાહિત્યના છાપકામ દ્વારા પણ એ જ્ઞાન વધ્યું છે. જુલાઈ ૧૮૭૯માં, બાઇબલ વિદ્યાર્થીઓએ આ મૅગેઝિનનો પહેલો અંક બહાર પાડ્યો હતો. એનું નામ હતું, ઝાયન્સ વૉચ ટાવર એન્ડ હેરલ્ડ ઑફ ક્રાઈસ્ટ્સ પ્રેઝન્સ. એક કંપની દ્વારા આ અંકની અંગ્રેજીમાં ૬,૦૦૦ પ્રતો છાપવામાં આવી. ૨૭ વર્ષના ચાર્લ્સ ટેઝ રસેલને એના તંત્રી તરીકે નીમવામાં આવ્યા. પાંચ અનુભવી બાઇબલ વિદ્યાર્થીઓ નિયમિત રીતે લેખો લખતા. હવે ચોકીબુરજ ૧૯૫ ભાષાઓમાં બહાર પડે છે. આ મૅગેઝિન દુનિયામાં સૌથી વધારે વિતરણ પામતું છે, જેના દરેક અંકની ૪,૨૧,૮૨,૦૦૦ પ્રતો બહાર પાડવામાં આવે છે. બીજા નંબરે, સૌથી વધારે વિતરણ પામતું એનું સાથી મૅગેઝિન સજાગ બનો! છે. એની ૪,૧૦,૪૨,૦૦૦ પ્રતો, ૮૪ ભાષાઓમાં બહાર પાડવામાં આવે છે. વધુમાં, દર વર્ષે આશરે દસ કરોડ પુસ્તકો અને બાઇબલો છાપવામાં આવે છે.
૧૫. આપણા છાપકામ માટે પૈસા ક્યાંથી આવે છે?
૧૫ આ ભવ્ય કામ ખુશીથી આપવામાં આવતાં દાનોથી ચાલે છે. (માથ્થી ૧૦:૮ વાંચો.) ફક્ત એ જાણીને છાપકામ સાથે સંકળાયેલા લોકો નવાઈ પામે છે, કારણ કે તેઓ જાણે છે કે મશીનો, કાગળ, શાહી અને બીજી સામગ્રી કેટલી મોંઘી છે. બેથેલના છાપખાના માટે ખરીદી કરતા એક ભાઈ જણાવે છે: “વેપારીઓ જ્યારે બેથેલના છાપખાનાની મુલાકાત લે છે, ત્યારે તેઓ નવાઈ પામે છે. તેઓને માનવામાં નથી આવતું કે ખુશીથી આપવામાં આવેલાં દાનો દ્વારા આધુનિક ટૅક્નોલૉજીથી મોટા પાયે છાપકામ થાય છે. તેઓ એનાથી પણ બહુ જ અચરજ પામે છે કે બેથેલમાં કામ કરતા ભાઈબહેનો કેટલા યુવાન અને આનંદી છે.”
પૃથ્વી ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર થશે
૧૬. ‘સાચું જ્ઞાન’ જાહેર કરવાનો હેતુ શું છે?
૧૬ ‘સાચું જ્ઞાન’ સારા હેતુ માટે વધારવામાં આવ્યું છે. ઈશ્વરની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમો. ૨:૩, ૪) યહોવા ચાહે છે કે લોકો સત્ય શીખે, જેથી તેમની યોગ્ય રીતે ભક્તિ કરી શકે અને તેમના તરફથી આશીર્વાદો મેળવી શકે. ‘સાચું જ્ઞાન’ જાહેર કરીને, યહોવાએ અભિષિક્ત ખ્રિસ્તીઓને એકઠા કર્યા છે. “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” લોકોની “મોટી સભા” પણ તે ભેગી કરી રહ્યા છે. આ લોકોને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે.—પ્રકટી. ૭:૯.
૧૭. સાચા ભક્તોમાં થયેલો વધારો શું બતાવે છે?
૧૭ પૃથ્વી પર બધી જગ્યાએ ઈશ્વરના ખરા ભક્તોની સંખ્યા છેલ્લાં ૧૩૦ વર્ષોમાં ઘણી વધી છે. આ વધારો સ્પષ્ટ રીતે બતાવે છે કે ઈશ્વર અને તેમના પસંદ કરાયેલા રાજા ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પરના સેવકોની સાથે છે. તેઓ ભક્તો માટે ગોઠવણ કરી રહ્યા છે અને તેઓને માર્ગદર્શન, રક્ષણ અને શિક્ષણ આપી રહ્યા છે. તેઓમાં થયેલો વધારો ખાતરી આપે છે કે યહોવાએ આપેલાં ભાવિ માટેનાં વચનો ચોક્કસ પૂરાં થશે જ. “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશા. ૧૧:૯) એ સમયે આખી માણસજાત કેટલા બધા આશીર્વાદો માણશે! (w12-E 08/15)
[ફુટનોટ્સ]
^ આ બે ડીવીડી જોવાથી તમને ફાયદો થશે: જેહોવાઝ વીટનેસીસ—ફેઇથ ઇન એક્શન, પાર્ટ ૧: આઉટ ઓફ ડાર્કનેસ અને જેહોવાઝ વીટનેસીસ—ફેઇથ ઇન એક્શન, પાર્ટ ૨: લેટ ધ લાઇટ શાઇન.
^ પાયોનિયર ૧૯૩૧ પહેલાં “કોલ્પોર્ચર” તરીકે ઓળખાતા હતા. ચોકીબુરજ, મે ૧૫, ૨૦૧૨, પાન ૩૧-૩૨ (અંગ્રેજી) જુઓ.
^ યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ભાગ ૨ (અંગ્રેજી), પાન ૩૨૦; ચોકીબુરજ ૨૦૦૨, જુલાઈ ૧, પાન ૧૯, ફકરો ૧૬ જુઓ.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૪ પર ચિત્ર]
શરૂઆતના બાઇબલ વિદ્યાર્થીઓ નમ્ર હતા, જેઓ ખંતથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહતા હતા
[પાન ૧૫ પર ચિત્ર]
‘સાચું જ્ઞાન’ ફેલાવવાના તમારા પ્રયત્નોની યહોવા કદર કરે છે