દુનિયાનો અંત કઈ રીતે આવશે?
“તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે.”—૧ થેસ્સા. ૫:૪.
૧. જાગતા રહેવા અને સતાવણીઓનો સામનો કરવા આપણને શું મદદ કરશે?
આખી દુનિયાના લોકોને કંપાવી દે એવા બનાવો જલદી જ બનવાના છે. પૂરી થતી બાઇબલ ભવિષ્યવાણીઓ આ બાબતને સાબિત કરે છે, તેથી આપણે જાગતા રહેવાની જરૂર છે. જાગતા રહેવા આપણને શું મદદ કરશે? પ્રેરિત પાઊલ આપણને આગ્રહ કરે છે કે ‘જે અદૃશ્ય છે એના પર લક્ષ રાખીએ.’ સાચે જ, આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની, હંમેશ માટેના જીવનના ઇનામ પરથી આપણું ધ્યાન ભટકવા ન દઈએ. જોઈ શકાય છે કે આ શબ્દો લખવાનો પાઊલનો હેતુ એ હતો કે સાથી ભાઈ-બહેનોને ઉત્તેજન મળે, જેથી તેઓ વફાદારીના માર્ગે ચાલવાથી મળતા સારા ઇનામ પર ધ્યાન આપે. આમ કરવાથી, તેઓને સતાવણી અને દબાણનો સામનો કરવા પણ મદદ મળી શકે.—૨ કોરીં. ૪:૮, ૯, ૧૬-૧૮; ૫:૭.
૨. (ક) આપણી આશાને અડગ રાખવા શું કરવાની જરૂર છે? (ખ) આ અને હવે પછીના લેખમાં આપણે શેના વિષે જોવાના છીએ?
૨ પાઊલની આ સલાહમાં એક મહત્ત્વનો સિદ્ધાંત સમાયેલો છે: આપણી આશાને ડગવા ન દેવા, જે બાબતો આપણી સામે છે તેની પાર જોવું જોઈએ. એવા મહત્ત્વના બનાવો પર ધ્યાન આપવાની જરૂર છે, જે હમણાં આપણે જોઈ શકતા નથી. (હિબ્રૂ ૧૧:૧; ૧૨:૧, ૨) એટલા માટે, ચાલો આપણે ભાવિના દસ બનાવો વિષે વિચારીએ, જે હંમેશ માટેના જીવનની આપણી આશાથી જોડાયેલા છે. *
અંત આવવાની થોડી વાર પહેલાં શું બનશે?
૩. (ક) ૧ થેસ્સાલોનીકી ૫:૨, ૩માં ભાવિના કયા બનાવ વિષે જણાવ્યું છે? (ખ) રાજકીય આગેવાનો શું કરશે અને તેઓ સાથે કોણ જોડાશે?
૩ થેસ્સાલોનીકીના ભાઈ-બહેનોને લખેલા પત્રમાં, પાઊલે ભવિષ્યમાં બનનારી એક બાબત વિષે જણાવ્યું. (૧ થેસ્સાલોનીકી ૫:૨, ૩ વાંચો.) પાઊલ ‘પ્રભુના દિવસ’ તરફ ધ્યાન દોરે છે. અહીંયા જણાવેલો “પ્રભુનો દિવસ” એ સમયગાળાને બતાવે છે, જે જૂઠા ધર્મોના વિનાશથી શરૂ થશે અને આર્માગેદનના યુદ્ધમાં પૂરો થશે. જોકે, યહોવાનો દિવસ શરૂ થાય એની થોડી વાર પહેલાં, દુનિયાના નેતાઓ “શાંતિ તથા સલામતી”નો પોકાર કરશે. આ કદાચ એક ઘટના કે ઘણી બધી ઘટનાઓને દર્શાવે છે. દુનિયાના દેશો કદાચ વિચારશે કે તેઓ પોતાની અમુક મોટી સમસ્યાઓનો ઉકેલ મેળવવાની નજીક છે. ધર્મગુરુઓ વિષે શું? તેઓ આ દુનિયાનો ભાગ છે, એટલે શક્ય છે કે તેઓ પણ રાજકીય આગેવાનોને સાથ આપશે. (પ્રકટી. ૧૭:૧, ૨) ત્યારે ધર્મગુરુઓ પ્રાચીન યહુદાના જૂઠા પ્રબોધકોની જેમ વર્તશે. તેઓ વિષે યહોવા કહે છે: ‘કંઈ પણ શાંતિ ન છતાં, તેઓ શાંતિ, શાંતિ, બોલે છે.’—યિર્મે. ૬:૧૪; ૨૩:૧૬, ૧૭.
૪. આપણે શું પારખી શકીએ છીએ, જે મોટા ભાગના લોકો પારખી શકતા નથી?
૪ “શાંતિ તથા સલામતી” જાહેર કરવામાં ભલે કોઈ પણ ભાગ લે, પણ એ નિશાની હશે કે યહોવાનો દિવસ શરૂ થયો છે. એટલે પાઊલ આમ કહી શક્યા: ‘ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે. તમે સઘળા અજવાળાના દીકરા છો.’ (૧ થેસ્સા. ૫:૪, ૫) આપણે હમણાંની ઘટનાઓનું મહત્ત્વ બાઇબલમાંથી સમજી શકીએ છીએ, જે મોટા ભાગના લોકો સમજી શકતા નથી. “શાંતિ તથા સલામતી” વિષેની આ ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થશે? આપણે રાહ જોવાની જરૂર છે. તેથી, ચાલો નક્કી કરીએ કે આપણે “જાગીએ અને સાવધ રહીએ.”—૧ થેસ્સા. ૫:૬; સફા. ૩:૮.
પોતાના બચાવની ખોટી ગણતરી કરતી “રાણી”
૫. (ક) “મોટી વિપત્તિ” કઈ રીતે શરૂ થશે? (ખ) પોતાના બચાવની ખોટી ગણતરી કરનાર “રાણી” કોણ છે?
૫ એ પછી, હજુ સુધી જોયો નથી એવો કયો બનાવ બનશે? પાઊલે કહ્યું, ‘જ્યારે તેઓ કહેશે, કે શાંતિ તથા સલામતી છે, ત્યારે તેઓનો અકસ્માત નાશ થશે.’ આ ‘અકસ્માત નાશમાં’ સૌથી પહેલા “મહાન બાબેલોન” એટલે કે જૂઠા ધર્મો પર હુમલો થશે. જૂઠા ધર્મો “વેશ્યા” તરીકે પણ ઓળખાય છે. (પ્રકટી. ૧૭:૫, ૬, ૧૫) બધા જૂઠા ધર્મો પર હુમલો થશે, જેમાં કહેવાતા ખ્રિસ્તી ધર્મનો પણ સમાવેશ થાય છે. આમ, “મોટી વિપત્તિ” શરૂ થશે. (માથ. ૨૪:૨૧; ૨ થેસ્સા. ૨:૮) આ બનાવ બનશે ત્યારે ઘણા દંગ રહી જશે. શા માટે? કારણ કે એ સમય આવતા પહેલાં વેશ્યા પોતાને “રાણી” તરીકે ગણશે, જે ક્યારેય “રૂદન કરનારી નથી.” પણ તેને અચાનક ખબર પડશે કે તેણે બચાવની ગણતરી ખોટી કરી છે. તેને જાણે “એક જ દિવસમાં” એટલે કે ઝપાટાભેર મિટાવી દેવામાં આવશે.—પ્રકટી. ૧૮:૭, ૮.
૬. જૂઠા ધર્મોનો નાશ કોણ કરશે?
૬ ઈશ્વરનો શબ્દ, બાઇબલ વેશ્યા પર હુમલો કરનારને જંગલી “શ્વાપદ” કે જાનવર તરીકે ઓળખાવે છે, જેને “દશ શિંગડાં” છે. પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ જણાવે છે કે જંગલી જાનવર સંયુક્ત રાષ્ટ્રસંઘને (યુએન) દર્શાવે છે. “દશ શિંગડાં” બધી રાજકીય સત્તાઓને દર્શાવે છે કે જેઓ આ “કિરમજી રંગના [જંગલી] શ્વાપદ”ને * ટેકો આપે છે. (પ્રકટી. ૧૭:૩, ૫, ૧૧, ૧૨) એ હુમલો કેટલો વિનાશક હશે? સંયુક્ત રાષ્ટ્રસંઘના દેશો વેશ્યાની મિલકતને લૂંટી લેશે, તેનું અસલી રૂપ ઉઘાડું પાડશે, તેનો નાશ કરશે અને “અગ્નિથી તેને બાળી નાખશે.” તેને હંમેશ માટે મિટાવી દેવામાં આવશે.—પ્રકટીકરણ ૧૭:૧૬ વાંચો.
૭. જંગલી જાનવર શાને લીધે હુમલો કરશે?
૭ બાઇબલની ભવિષ્યવાણી એ પણ જણાવે છે કે જંગલી જાનવરના હુમલાની શરૂઆત શાને લીધે થશે. કોઈક રીતે યહોવા રાજકીય નેતાઓના મનમાં વિચાર મૂકશે, જેથી તેઓ વેશ્યાનો નાશ કરીને “ઈશ્વરની ઇચ્છા પૂરી કરે.” (પ્રકટી. ૧૭:૧૭) યુદ્ધને પ્રોત્સાહન આપતા ધર્મો દુનિયામાં અંધાધૂંધી ફેલાવતા રહે છે. તેથી, દેશો વિચારશે કે વેશ્યાનો નાશ કરવો પોતાના લાભમાં છે. હકીકતમાં, હુમલો કરીને સત્તાધીશો માનશે કે પોતે “એક વિચારના” છે, એટલે તેઓ આમ કરે છે. ખરું જોતા, તેઓ ઈશ્વરનો હાથો બનીને જૂઠા ધર્મોનું નામોનિશાન મિટાવી દેશે. આમ, બાજી પલટાશે અને શેતાનની દુનિયાનો એક ભાગ બીજા ભાગ પર હુમલો કરશે. શેતાન કંઈ જ કરી નહિ શકે, ફક્ત લાચાર બનીને જોયા કરશે.—માથ. ૧૨:૨૫, ૨૬.
ઈશ્વરના લોકો પર હુમલો
૮. ‘માગોગ દેશના ગોગʼનો હુમલો એટલે શું?
૮ જૂઠા ધર્મોના નાશ પછી પણ ઈશ્વરના ભક્તો “નિર્ભયપણે” અને “કોટ વગર” રહેતા હશે. (હઝકી. ૩૮:૧૧, ૧૪) રક્ષણ વિનાના લાગતા, યહોવાના ભક્તોનું શું થશે? એવું લાગે છે કે તેઓ “ઘણા લોકો”ના હુમલાનો ભોગ બનશે. એ બનાવને ઈશ્વરનો શબ્દ બાઇબલ ‘માગોગ દેશના ગોગʼના હુમલા તરીકે વર્ણવે છે. (હઝકીએલ ૩૮:૨, ૧૫, ૧૬ વાંચો.) આપણે એ હુમલાને કેવો ગણવો જોઈએ?
૯. (ક) ખ્રિસ્તીઓની મુખ્ય ચિંતા શું છે? (ખ) આપણી શ્રદ્ધા મજબૂત કરવા આપણે હમણાં કેવાં પગલાં લેવાં જોઈએ?
૯ ઈશ્વરના લોકો પર આ હુમલો થવાનો છે, એની પહેલેથી જાણ હોવાને લીધે આપણે વધારે પડતી ચિંતા કરતા નથી. એના બદલે, યહોવાનું નામ પવિત્ર મનાય અને તે જ વિશ્વના માલિક છે, એ સાબિત થાય એ આપણી મુખ્ય ચિંતા છે, નહિ કે પોતાનો બચાવ. “તમે જાણશો કે હું યહોવા છું” જેવા શબ્દો યહોવાએ ૬૦થી પણ વધારે વખત વાપર્યા છે. (હઝકી. ૬:૭) તેથી હઝકીએલની ભવિષ્યવાણીનું આ ખાસ પાસું પૂરું થાય, એની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. આપણને ભરોસો છે કે “પ્રભુ [યહોવા] તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.” (૨ પીત. ૨:૯) એ દરમિયાન, આપણી શ્રદ્ધા મજબૂત કરવાની દરેક તક આપણે વાપરવા ઇચ્છીએ છીએ, જેથી ગમે તેવી સતાવણી આવે તોપણ યહોવા માટેની આપણી વફાદારી અડગ રહી શકે. એ માટે આપણે શું કરવું જોઈએ? પ્રાર્થના કરવી જોઈએ, બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ, એના પર મનન કરવું જોઈએ અને રાજ્યની ખુશખબર બીજાઓને જણાવવી જોઈએ. એમ કરવાથી, હંમેશ માટે જીવવાની આપણી આશા “લંગર”ની જેમ અડગ રહેશે.—હિબ્રૂ ૬:૧૯; ગીત. ૨૫:૨૧.
દુનિયાના દેશોએ યહોવાને સ્વીકારવા પડશે
૧૦, ૧૧. શાનાથી ખબર પડશે કે આર્માગેદન શરૂ થઈ ગયું છે? એ સમયે શું બનશે?
૧૦ યહોવાના ભક્તો પર હુમલો કરવામાં આવશે ત્યારે, દુનિયાના લોકોને ધ્રુજાવનારો કયો બનાવ બનશે? ઈસુ અને સ્વર્ગના સૈન્યો દ્વારા યહોવા પોતાના લોકોની પડખે ઊભા રહેશે. (પ્રકટી. ૧૯:૧૧-૧૬) એ “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” એટલે કે આર્માગેદન હશે.—પ્રકટી. ૧૬:૧૪, ૧૬.
૧૧ એ યુદ્ધ વિષે યહોવાએ હઝકીએલ દ્વારા જાહેર કર્યું: “હું તરવારને હુકમ કરીને મારા સર્વ પર્વતો પર તેની [ગોગ] વિરુદ્ધ બોલાવીશ, એવું પ્રભુ યહોવા કહે છે; દરેક માણસની તરવાર તેના ભાઈની વિરુદ્ધ થશે.” જેઓ શેતાનની બાજુ છે, તેઓ ડરીને મૂંઝવણમાં મૂકાઈ જશે. તેઓ એકબીજાની વિરુદ્ધ લડશે, એટલે કે સૈનિક સૈનિકની વિરુદ્ધ ઊઠશે. જોકે, શેતાનનો પણ વિનાશ આવી રહ્યો છે! યહોવા કહે છે: ‘હું ગોગ ઉપર, તેનાં સૈન્ય ઉપર તથા તેની સાથેના ઘણી જાતના લોક ઉપર અગ્નિ તથા ગંધક વરસાવીશ.’ (હઝકી. ૩૮:૨૧, ૨૨) ઈશ્વરના આ કાર્યનું પરિણામ શું આવશે?
૧૨. દુનિયાના દેશોએ શું કરવું જ પડશે?
૧૨ દુનિયાના દેશોને ખબર પડશે કે તેઓનો વિનાશ યહોવાના હુકમથી થઈ રહ્યો છે. પછી શું થશે? પ્રાચીન મિસરના સૈનિકો લાલ સમુદ્ર પાસે ઈસ્રાએલીઓનો પીછો કરતા હતા. તેઓની જેમ શેતાનનું સૈન્ય પણ ગભરાઈને પોકારી ઊઠશે કે ‘યહોવા તેઓના પક્ષમાં રહીને લડે છે.’ (નિર્ગ. ૧૪:૨૫) હા, દુનિયાના દેશોએ યહોવાને સ્વીકારવા જ પડશે. (હઝકીએલ ૩૮:૨૩ વાંચો.) એક પછી એક બનનારી આ ઘટનાઓથી આપણે હજી કેટલા દૂર છીએ?
બીજી કોઈ જગત સત્તા ઊઠશે નહિ
૧૩. દાનીયેલે જણાવેલી મૂર્તિના પાંચમા ભાગ વિષે આપણે શું જાણીએ છીએ?
૧૩ દાનીયેલના પુસ્તકમાં આપેલી ભવિષ્યવાણી આપણને એ જોવા મદદ કરે છે સમયના પ્રવાહમાં આપણે ક્યાં છીએ. દાનીયેલે માણસની મૂર્તિ જોઈ, જે જુદી જુદી ધાતુની બનેલી હતી. (દાની. ૨:૨૮, ૩૧-૩૩) એ મૂર્તિ ઈશ્વરના લોકો પર ભૂતકાળમાં અને હમણાં મોટી અસર કરનાર, એક પછી એક આવતી જગત સત્તાઓને દર્શાવે છે. બાબેલોન, માદાય-ઈરાન, ગ્રીસ અને રોમન જગત સત્તાઓ થઈ ગઈ, છેલ્લી જગત સત્તા હમણાં ચાલી રહી છે. દાનીયેલની ભવિષ્યવાણીનો અભ્યાસ જણાવે છે કે મૂર્તિના પગની પાટલીઓ કે પંજા અને આંગળા છેલ્લી જગત સત્તાને દર્શાવે છે. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન, બ્રિટન અને અમેરિકા ખાસ ભાગીદાર બન્યા. હા, દાનીયેલની મૂર્તિમાંની પાંચમી જગત સત્તા એંગ્લો-અમેરિકન જગત સત્તા છે. મૂર્તિનો છેલ્લો ભાગ, પગના પંજા બતાવે છે કે બીજી કોઈ જગત સત્તા ઊભી થવાની નથી. લોઢા અને માટીના મિશ્રણથી બનેલા પગના પંજા અને આંગળા, નબળી પડી ગયેલી એંગ્લો-અમેરિકન જગત સત્તાને દર્શાવે છે.
૧૪. આર્માગેદન આવશે ત્યારે કઈ જગત સત્તા રાજ કરતી હશે?
૧૪ એ જ ભવિષ્યવાણી દર્શાવે છે કે ઈશ્વરના રાજ્યને રજૂ કરતી મોટી શિલા, ૧૯૧૪માં પહાડમાંથી કાપવામાં આવી. પહાડ યહોવાની સર્વોપરિતા, એટલે તે જ વિશ્વના માલિક છે એ રજૂ કરે છે. આ શિલા પોતાના નિશાન, મૂર્તિના પગના પંજા તરફ આગળ વધી રહી છે. આર્માગેદનમાં પગના પંજા અને આખી મૂર્તિનો ભૂક્કો થશે. (દાનીયેલ ૨:૪૪, ૪૫ વાંચો.) આમ, આર્માગેદન આવશે ત્યાં સુધી, એંગ્લો-અમેરિકન જગત સત્તા રાજ કરતી હશે. આ ભવિષ્યવાણી પૂરી થતા જોવી કેટલું રોમાંચક હશે! * યહોવાએ શેતાન માટે શું નક્કી કરી રાખ્યું છે?
ઈશ્વરના મુખ્ય દુશ્મનનું શું થશે?
૧૫. આર્માગેદન પછી, શેતાન અને તેના દૂતોનું શું થશે?
૧૫ પહેલા તો શેતાને પૃથ્વી પરના પોતાના આખા સંગઠનનો નાશ થતા જોવો પડશે. ત્યાર બાદ, શેતાનનો વારો આવશે. પછી શું થશે એ વિષે પ્રેરિત યોહાન જણાવે છે. (પ્રકટીકરણ ૨૦:૧-૩ વાંચો.) ઈસુ ખ્રિસ્ત એટલે કે ‘એક દૂત જેમની પાસે ઊંડાણની ચાવી હતી,’ તે શેતાન અને તેના દૂતોને પકડીને ઊંડાણમાં નાખી દે છે. ત્યાં તેઓને હજાર વર્ષ રાખવામાં આવશે. (લુક ૮:૩૦, ૩૧; ૧ યોહા. ૩:૮) એ શેતાનનું માથું છૂંદાવાની શરૂઆતને બતાવે છે. *—ઉત. ૩:૧૫.
૧૬. ‘ઊંડાણમાં’ શેતાનની કેવી હાલત હશે?
૧૬ શેતાન અને તેના દૂતોને જે ‘ઊંડાણમાં’ નાખી દેવામાં આવશે, એ શું છે? યોહાને વાપરેલા ગ્રીક શબ્દ એવેસોસનો અર્થ “બહુ ઊંડું કે અતિશય ઊંડું” થાય. એનું ભાષાંતર આમ પણ થઈ શકે, “તળિયા વગરનું કે અનંત અંધકાર.” આ જગ્યાએ યહોવા અને તેમના પસંદ કરેલા દૂત ‘જેમની પાસે ઊંડાણની ચાવી’ છે, તેઓ સિવાય કોઈ પહોંચી શકતું નથી. ત્યાં શેતાન જાણે મરણ પામ્યો હોય એમ કંઈ પણ કરી નહિ શકે, જેથી “હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ.” સાચે જ, એ “ગાજનાર સિંહ”ને ચૂપ કરી દેવામાં આવશે!—૧ પીત. ૫:૮.
શાંતિના સમય તરફ લઈ જતા બનાવો
૧૭, ૧૮. (ક) હજી જોયા નથી એવા કયા બનાવો પર આપણે વિચાર કર્યો? (ખ) આ બનાવો પછી, આપણે કેવા સમયનો આનંદ માણીશું?
૧૭ મહત્ત્વના અને દુનિયાના લોકોને ધ્રુજાવી દે, એવા બનાવો થવાની તૈયારીમાં છે. આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ કે “શાંતિ તથા સલામતી” કઈ રીતે કહેવાશે અને એ કઈ રીતે પૂરું થશે. પછી આપણે આ બનાવો બનતા જોઈશું: મહાન બાબેલોનનો વિનાશ, માગોગ દેશના ગોગનો હુમલો, આર્માગેદનનું યુદ્ધ અને શેતાન તથા તેના દૂતોનું ઊંડાણમાં નંખાવું. આ બધા બનાવો પછી, બધી દુષ્ટતા કાઢી નાખવામાં આવશે. ત્યારે આપણે જીવનના નવા પ્રકરણમાં પ્રવેશ કરીશું. ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ શરૂ થશે, જ્યાં આપણે “પુષ્કળ શાંતિમાં” આનંદ માણીશું.—ગીત. ૩૭:૧૦, ૧૧.
૧૮ અત્યાર સુધી આપણે પાંચ બનાવો જોઈ ગયા. એ સિવાય બીજા “અદૃશ્ય” બનાવો પણ છે, જેના પર આપણે ‘લક્ષ રાખવા’ માંગીએ છીએ. એ આપણે હવે પછીના લેખમાં જોઈશું. (w12-E 09/15)
^ દસ બનાવોની ચર્ચા આ અને હવે પછીના લેખમાં કરવામાં આવી છે.
^ પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકનું પાન ૨૫૧-૨૫૮ જુઓ.
^ દાનીયેલ ૨:૪૪ જણાવે છે કે ‘આ સઘળાં રાજ્યોનો નાશ કરશે.’ એ મૂર્તિના ભાગો વડે રજૂ થતાં સામ્રાજ્યો કે જગત સત્તાઓ છે. જોકે, એના જેવી ભવિષ્યવાણી બતાવે છે કે ‘આખા જગતના રાજાઓ’ યહોવા સામે ‘સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસ’ માટે ભેગા કરાશે. (પ્રકટી. ૧૬:૧૪; ૧૯:૧૯-૨૧) તેથી, મૂર્તિમાં દર્શાવેલાં સામ્રાજ્યો જ નહિ, પણ દુનિયાનાં બધાં રાજ્યો પણ આર્માગેદનમાં નાશ પામશે.
^ શેતાનનું માથું પૂરેપૂરું ક્યારે છૂંદાશે? એ ત્યારે થશે, જ્યારે એક હજાર વર્ષના અંતે શેતાન અને તેના દૂતોને “અગ્નિ તથા ગંધકની ખાઈમાં” નાખવામાં આવશે.—પ્રકટી. ૨૦:૭-૧૦; માથ. ૨૫:૪૧.