યહોવા અને ઈસુની ધીરજમાંથી શીખીએ
‘આપણા પ્રભુની ધીરજ એ તારણ છે એમ માનો.’—૨ પીત. ૩:૧૫.
૧. અમુક વિશ્વાસુ ભાઈબહેનો શાનો વિચાર કરે છે?
આપણી એક વિશ્વાસુ બહેને ઘણાં વર્ષો સુધી મુશ્કેલીઓ સહન કરી હતી. તે નમ્રતાથી પૂછે છે, “શું હું મરણ પહેલાં દુષ્ટ જગતનો અંત જોઈ શકીશ?” લાંબા સમયથી યહોવાની ભક્તિ કરનારા બીજા કેટલાક પણ એવું જ અનુભવે છે. યહોવા હાલની બધી મુશ્કેલીઓ કાઢીને બધું નવું બનાવશે, એ દિવસની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. (પ્રકટી. ૨૧:૫) શેતાનની દુનિયાનો અંત ઘણો નજીક છે, એ માનવાના આપણી પાસે ઘણા કારણો છે. છતાં પણ, એ દિવસની ધીરજથી રાહ જોવી અઘરું લાગી શકે.
૨. યહોવા જેવી ધીરજ વિષે કેવા સવાલો પર વિચાર કરીશું?
૨ બાઇબલ જણાવે છે કે આપણે ધીરજ રાખવી જ જોઈએ. અગાઉના ભક્તોની જેમ, આપણે પણ યહોવા ઈશ્વરે આપેલાં વચનો પૂરાં થતાં જોઈશું. યહોવા પોતાના સમયે એ વચનો પૂરાં કરશે, એવી પૂરી શ્રદ્ધા અને ધીરજ રાખીએ તો જ એ આશીર્વાદો મેળવી શકીશું. (હિબ્રૂ ૬:૧૧, ૧૨ વાંચો.) યહોવા પોતે પણ ધીરજ રાખતા આવ્યા છે. તે દુષ્ટતાને ગમે એ સમયે કાઢી શક્યા હોત, પણ તે ખરા સમયની રાહ જોઈ રહ્યા છે. (રોમ. ૯:૨૦-૨૪) તે કેમ આટલી ધીરજ રાખી રહ્યા છે? ઈસુ કઈ રીતે યહોવાની જેમ ધીરજ ધરવામાં દાખલો બેસાડે છે? જો યહોવા જેવી ધીરજ કેળવીએ તો કેવા ફાયદા થશે? આ સવાલોના જવાબ ધીરજ અને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરી શકે, ભલેને પછી આપણને લાગતું હોય કે યહોવા મોડું કરી રહ્યા છે.
યહોવા કેમ ધીરજ બતાવી રહ્યા છે?
૩, ૪. (ક) પૃથ્વી માટેનો પોતાનો હેતુ પૂરો કરવા યહોવાએ કેમ ધીરજ રાખી છે? (ખ) એદન બાગમાં થયેલા બળવાનો યહોવાએ કેવી રીતે જવાબ આપ્યો?
૩ ધીરજ બતાવવાની પાછળ યહોવા પાસે સારું કારણ છે. એ સાચું કે તેમની પાસે હંમેશાં આખા વિશ્વ પર સૌથી વધારે અધિકાર છે. છતાં, એદન બાગમાં થયેલાં બંડથી સ્વર્ગમાં અને પૃથ્વી પર બધાને સંડોવતા સવાલો ઊઠ્યા. યહોવા ધીરજ રાખી રહ્યા છે, કેમ કે તે જાણે છે કે એ સવાલોના યોગ્ય જવાબ આપવા માટે સમય જોઈશે. પૃથ્વી અને સ્વર્ગમાંના દરેકનાં કાર્યો અને સ્વભાવ વિષે પૂરેપૂરું જ્ઞાન ધરાવતા હોવાથી, તે જે કરે છે એ ચોક્કસ આપણા ભલા માટે છે.—હિબ્રૂ ૪:૧૩.
૪ યહોવાનો હેતુ હતો કે આદમ અને હવાનાં વંશજોથી પૃથ્વી ભરાઈ જાય. શેતાને હવાને લલચાવી અને પછી આદમે ઈશ્વરની આજ્ઞા તોડી, ત્યારે ઈશ્વરે પોતાનો હેતુ પડતો મૂક્યો નહિ. તે ગભરાઈ ન ગયા, તેમણે ઉતાવળમાં નિર્ણયો ન લીધા કે માણસજાતનું કંઈ થશે નહિ, એવું માની રાઈનો પહાડ ના કરી બેઠા. એના બદલે, તેમણે માણસો અને પૃથ્વી માટે જે હેતુ રાખ્યો હતો, એ પૂરો કરવા માટે માર્ગ તૈયાર કર્યો. (યશા. ૫૫:૧૧) પોતાનો હેતુ પૂરો કરવા અને તેમનું જ રાજ બધા માટે સૌથી સારું છે, એ સાબિત કરવા યહોવાએ પોતા પર ઘણો કાબૂ રાખ્યો છે, ઘણી ધીરજ ધરી છે. અરે, પોતાના હેતુની અમુક બાબતો સારામાં સારી રીતે પૂરી કરવા તેમણે હજારો વર્ષ સુધી રાહ જોઈ છે.
૫. યહોવાની ધીરજને લીધે આપણા માટે કેવા આશીર્વાદો શક્ય બન્યા છે?
૫ યહોવા ધીરજથી રાહ જોઈ રહ્યા છે એનું બીજું કારણ એ છે કે ઘણા લોકો હંમેશ માટેનું જીવન મેળવે. હમણાં તે “એક મોટી સભા”ને બચાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. (પ્રકટી. ૭:૯, ૧૪; ૧૪:૬) આપણા પ્રચાર કામ દ્વારા યહોવા પોતાનું રાજ્ય અને ન્યાયી ધોરણો વિષે શીખવા લોકોને આમંત્રણ આપે છે. ઈશ્વરના રાજ્યનો સંદેશ માણસજાત માટે “સુવાર્તા” એટલે કે સારા સમાચાર છે. (માથ. ૨૪:૧૪) યહોવા જેને પોતાની સમીપ લાવે છે, તે ખરું ચાહનારા સાચા મિત્રોના દુનિયાવ્યાપી મંડળનો ભાગ બને છે. (યોહા. ૬:૪૪-૪૭) આપણા પ્રેમાળ ઈશ્વર એવા લોકોને કૃપા મેળવવા મદદ આપે છે. યહોવા સ્વર્ગમાંની પોતાની સરકારના ભાવિ સભ્યોને પણ માણસજાતમાંથી પસંદ કરી રહ્યા છે. આ ભક્તો સ્વર્ગમાં પોતાની પદવી મેળવીને, વફાદાર ભક્તોને સંપૂર્ણ બનવા અને હંમેશ માટેનું જીવન મેળવવા મદદ કરશે. આમ, ધીરજથી રાહ જોતી વખતે પણ યહોવા પોતાનાં વચનો પૂરાં થાય એ માટે કામ કરી રહ્યા છે, જે આપણા ભલા માટે છે.
૬. (ક) નુહના દિવસોમાં યહોવાએ કઈ રીતે ધીરજ બતાવી હતી? (ખ) આપણા દિવસોમાં યહોવા કઈ રીતે ધીરજ ધરી રહ્યા છે?
૬ જળપ્રલય પહેલાં યહોવાએ દુષ્ટતાને જે રીતે હાથ ધરી, એના પરથી જોઈ શકાય છે કે તેમનું સખત અપમાન થાય છે ત્યારે પણ તે ધીરજ બતાવે છે. પૃથ્વી અનૈતિકતા તથા હિંસાથી ભરપૂર હતી અને માણસો સાવ બેશરમ થઈ ગયા હતા. એના લીધે યહોવા ‘હૃદયમાં દુઃખી થયા.’ (ઉત. ૬:૨-૮) એ પરિસ્થિતિ તે હંમેશ માટે ચલાવી લેવાના ન હતા. તેમણે આજ્ઞા ન પાળનાર માણસજાતનો નાશ કરવા જળપ્રલય લાવવાનું નક્કી કર્યું. ‘નુહના સમયમાં ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા,’ એની સાથે સાથે તેમણે નુહ અને તેમના કુટુંબને બચાવવાની તૈયારીઓ પણ કરી. (૧ પીત. ૩:૨૦) યોગ્ય સમયે, યહોવાએ નુહને એ નિર્ણય જણાવ્યો અને વહાણ બાંધવાનું કામ સોંપ્યું. (ઉત. ૬:૧૪-૨૨) નુહ “ન્યાયીપણાના ઉપદેશક” હતા અને તે લોકોને આવનાર વિનાશ વિષે જણાવતા હતા. (૨ પીત. ૨:૫) ઈસુએ કહ્યું કે આપણો સમય પણ નુહના સમય જેવો છે. આ દુષ્ટ દુનિયાનો અંત ક્યારે લાવવો એ યહોવાએ નક્કી કરી લીધું છે. ‘તે દહાડો તથા ઘડી’ ક્યારે આવશે એ કોઈ માણસ જાણતું નથી. (માથ. ૨૪:૩૬) હમણાં લોકોને ચેતવણી આપવાનું અને તેઓ કેવી રીતે બચી શકે એ જણાવવાનું કામ ઈશ્વરે આપણને આપ્યું છે.
૭. શું યહોવા પોતાનાં વચનો પૂરાં કરવામાં ધીમા છે? સમજાવો.
૭ એ તો ચોખ્ખું છે કે યહોવા ધીરજ રાખે છે. એનો અર્થ એમ નથી કે તે આમને આમ સમય પસાર થવા દે છે. ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે તે આપણા તરફ ધ્યાન નથી આપતા અથવા તેમને કંઈ પડી નથી. પણ જેમ જેમ આપણે ઘરડા થઈએ અથવા આ દુષ્ટ દુનિયામાં સહન કરવું પડે, તેમ તેમ એ ધ્યાનમાં રાખવું મુશ્કેલ બની શકે. આપણે કદાચ નિરાશ થઈ જઈએ અથવા એવું વિચારવા માંડીએ કે ઈશ્વર પોતાનાં વચનો પૂરાં કરવામાં ધીમા છે. (હિબ્રૂ ૧૦:૩૬) આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે ધીરજ ધરવા પાછળ તેમની પાસે યોગ્ય કારણો છે. અને તે આ સમયનો ઉપયોગ એ રીતે કરી રહ્યા છે કે પોતાના વફાદાર ભક્તોને લાભ થાય. (૨ પીત. ૨:૩; ૩:૯) ઈસુએ પણ કઈ રીતે યહોવા જેવી ધીરજ બતાવી, ચાલો એના પર ધ્યાન આપીએ.
ઈસુએ કઈ રીતે ધીરજનું ઉદાહરણ બેસાડ્યું?
૮. કેવા સંજોગોમાં ઈસુએ ધીરજ બતાવી?
૮ ઈસુ યહોવાની ઇચ્છા પ્રમાણે કરી રહ્યા છે. તે અસંખ્ય વર્ષોથી ઉત્સાહથી એમ જ કરતા આવ્યા છે. જ્યારે શેતાને બળવો કર્યો, ત્યારે યહોવાએ નક્કી કર્યું કે તેમનો એકનો એક દીકરો પૃથ્વી પર મસીહ તરીકે આવશે. જરા વિચાર કરો કે ઈસુ માટે એનો શું અર્થ થાય. તેમણે એ સમય આવે ત્યાં સુધી હજારો વર્ષ ધીરજથી રાહ જોવાની હતી. (ગલાતી ૪:૪ વાંચો.) ઈસુ એ સમયની રાહ જોઈને બેસી રહ્યા ન હતા, પણ યહોવાએ સોંપેલા કામમાં પરોવાયેલા હતા. પૃથ્વી પર આવ્યા ત્યારે તે જાણતા હતા કે ભવિષ્યવાણી મુજબ, તેમણે શેતાનના હાથે મરવું પડશે. (ઉત. ૩:૧૫; માથ. ૧૬:૨૧) તે ધીરજથી યહોવાની ઇચ્છાને વળગી રહ્યા, ભલેને પછી તેમણે ઘણાં દુઃખો સહન કરીને રિબાવું પડ્યું. તેમણે વફાદારીનું સૌથી ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું. તેમણે પોતાના પર કે પોતાની પદવી પર ધ્યાન ન આપ્યું. આપણે એ ઉદાહરણમાંથી લાભ મેળવી શકીએ છીએ.—હિબ્રૂ ૫:૮, ૯.
૯, ૧૦. (ક) યહોવા પગલાં ભરે એની રાહ જોતા ઈસુ શું કરતા આવ્યા છે? (ખ) આપણે ઈસુના વલણમાંથી શું શીખી શકીએ?
૯ સજીવન કરવામાં આવ્યા પછી, ઈસુને સ્વર્ગમાં અને ધરતી પર અધિકાર આપવામાં આવ્યો. (માથ. ૨૮:૧૮) યહોવાએ નક્કી કરેલા સમય પ્રમાણે તેમનો હેતુ પૂરો કરવા એ અધિકારનો ઈસુ ઉપયોગ કરે છે. ઈશ્વરના જમણા હાથે ઈસુએ ૧૯૧૪ સુધી ધીરજથી રાહ જોઈ કે તેમના શત્રુઓને પગનું આસન બનાવવામાં આવે. (ગીત. ૧૧૦:૧, ૨; હિબ્રૂ ૧૦:૧૨, ૧૩) તે જલદી જ શેતાનની દુનિયાનો નાશ કરવા પગલાં ભરવાનાં છે. ત્યાં સુધી, ઈસુ ધીરજથી લોકો સાથે કામ કરી રહ્યા છે અને તેઓને “જીવનના પાણીના ઝરાઓ” પાસે દોરી રહ્યા છે.—પ્રકટી. ૭:૧૭.
૧૦ તમે ઈસુના વલણમાંથી શું શીખી શકો? તે જાણતા હતા કે યહોવા પસંદ કરેલા સમયે પગલાં ભરશે. એમાં કોઈ શંકા નથી કે તેમના પિતા જે કામ સોંપે એ ઉત્સાહથી કરવા ઈસુ તૈયાર હતા. તોપણ, તેમણે ઈશ્વરના સમયની રાહ જોઈ. ઈસુએ ઈશ્વર જેવી ધીરજ બતાવી. એ જ રીતે, શેતાનની દુષ્ટ દુનિયાના અંતની રાહ જોતી વખતે આપણને ધીરજની જરૂર છે. ક્યારેય ઈશ્વર કરતાં આગળ ન દોડીએ અથવા નિરાશ હોવાને લીધે હિંમત ન હારી જઈએ. ઈશ્વર જેવી ધીરજ કેળવવા આપણે શું કરી શકીએ?
હું ઈશ્વર જેવી ધીરજ કેવી રીતે કેળવી શકું?
૧૧. (ક) શ્રદ્ધા અને ધીરજ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલી છે? (ખ) શ્રદ્ધા મજબૂત રાખવાનાં આપણી પાસે કેમ યોગ્ય કારણો છે?
૧૧ ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં, પ્રબોધકો અને બીજા વફાદાર ભક્તોએ ઉદાહરણ બેસાડ્યું હતું કે અપૂર્ણ માણસો પણ કઈ રીતે ધીરજથી સહન કરી શકે. તેઓની શ્રદ્ધા અને ધીરજ એકબીજા સાથે જોડાયેલી હતી. (યાકૂબ ૫:૧૦, ૧૧ વાંચો.) યહોવાની વાત પર તેઓને પૂરો ભરોસો ન હોત અથવા તેઓની શ્રદ્ધા ડગુમગુ હોત, તો શું એ વચનો પૂરા થવાની તેઓએ ધીરજથી રાહ જોઈ હોત? તેઓની શ્રદ્ધાની વારંવાર કપરી અને ડરાવનારી કસોટીઓ થઈ, છતાં પણ તેઓને પૂરો ભરોસો હતો કે ઈશ્વરે જે વચન આપ્યું છે એ પ્રમાણે કરશે જ. (હિબ્રૂ ૧૧:૧૩, ૩૫-૪૦) આપણી પાસે શ્રદ્ધા મજબૂત રાખવાનાં વધારે કારણો છે, કેમ કે હવે ઈસુ ‘આપણા વિશ્વાસના સંપૂર્ણ કરનાર’ છે. (હિબ્રૂ ૧૨:૨) આપણે શ્રદ્ધા રાખી શકીએ એના યોગ્ય કારણો મળે, એ માટે તેમણે ભવિષ્યવાણીઓ પૂરી કરી છે અને ઈશ્વરના હેતુઓ પ્રગટ કર્યા છે.
૧૨. આપણી શ્રદ્ધા મજબૂત કરવા શું કરી શકીએ?
૧૨ આપણી શ્રદ્ધા મજબૂત કરવા અને ધીરજ વધારવા આપણે કેવાં પગલાં લઈ શકીએ? એક મહત્ત્વની રીત એ છે કે આપણે ઈશ્વરની સલાહ લાગુ પાડીએ. દાખલા તરીકે, ઈશ્વરનું રાજ્ય તમારા જીવનમાં પ્રથમ કેમ છે એનાં કારણો પર વિચાર કરો. માથ્થી ૬:૩૩માં આપેલી સલાહ લાગુ પાડવા શું તમે વધારે પ્રયત્ન કરી શકો? એનો કદાચ એ અર્થ થાય કે પ્રચારમાં વધારે સમય કાઢવો અથવા તમારા જીવનમાં અમુક ફેરફાર કરવા. યહોવાએ હમણાં સુધીના તમારા પ્રયત્નોને જે રીતે આશીર્વાદ આપ્યો છે, એ ભૂલી ન જાવ. તેમણે કદાચ તમને નવો બાઇબલ અભ્યાસ ચલાવવા કે “ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે” એ મેળવવા મદદ કરી હશે. (ફિલિપી ૪:૭ વાંચો.) યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરવાથી જે ફાયદા તમને થયા છે, એના પર ધ્યાન રાખવાથી તમે ધીરજની વધારે કદર કરી શકશો.—ગીત. ૩૪:૮.
૧૩. શ્રદ્ધાથી કઈ રીતે ધીરજ કેળવી શકીએ એ સમજવા ઉદાહરણ આપો.
૧૩ શ્રદ્ધાથી આપણે વધારે ધીરજ કેળવી શકીએ એ સમજવા એક ઉદાહરણ જોઈએ. ખેડૂત રોપે છે, માવજત કરે છે અને કાપણી કરે છે. જ્યારે ખેડૂત ઘણી કાપણી કરે છે, ત્યારે આવતી ઋતુમાં બી રોપવા વિષે તેનો વિશ્વાસ વધે છે. અરે, તે કદાચ વધારે બી પણ રોપે. તે જાણે છે કે તેણે કાપણી સુધી ધીરજથી રાહ જોવી પડશે છતાં તે બી રોપે છે. તેને ભરોસો છે કે તે ફળ મેળવશે. એ જ રીતે, યહોવાની સલાહમાંથી શીખીએ, એ પ્રમાણે ચાલીએ અને એના સારાં પરિણામો મેળવીએ ત્યારે યહોવામાં આપણો ભરોસો વધે છે. એ જ પ્રમાણે, આપણી શ્રદ્ધા પણ વધે છે અને આવનાર આશીર્વાદોની રાહ જોવી આપણા માટે સહેલું બને છે.—યાકૂબ ૫:૭, ૮ વાંચો.
૧૪, ૧૫. દુઃખ-તકલીફોને આપણે કઈ રીતે જોવી જોઈએ?
૧૪ ધીરજ કેળવવાની બીજી રીત એ છે કે આપણે દુનિયાને અને આપણા સંજોગોને કઈ રીતે જોઈએ છીએ, એના પર વિચાર કરીએ. યહોવાની જેમ બાબતોને જોવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ તરીકે, તે માણસોની દુઃખ-તકલીફોને કઈ રીતે જુએ છે એનો વિચાર કરો. લાંબા સમયથી માણસો દુઃખ-તકલીફો સહન કરે છે એ જોઈને તે પણ દુઃખી થાય છે. પણ તે ક્યારેય એટલા બધા દુઃખી નથી થઈ જતા કે સારી બાબતો કરી ન શકે. “શેતાનનાં કામનો નાશ કરવા માટે” અને તેણે માણસજાતને પહોંચાડેલું નુકસાન દૂર કરવા યહોવાએ પોતાનો એકનો એક દીકરો મોકલ્યો. (૧ યોહા. ૩:૮) દુઃખ-તકલીફો તો થોડા સમય માટે જ છે, જ્યારે કે ઈશ્વર જે પગલાં ભરશે એ હંમેશ માટે હશે. એટલે, શેતાનની સત્તાને આધીન હાલની દુનિયાથી હિંમત ન હારી જઈએ; ક્યારે એનો અંત આવશે એ વિષે અધીરા ન થઈ જઈએ. જે અદૃશ્ય બાબતો હંમેશ માટે રહેશે, એના પર આપણે વિશ્વાસ મૂકીએ. યહોવાએ દુષ્ટતાનો અંત લાવવા માટે ચોક્કસ સમય નક્કી કર્યો છે અને તે ખરા સમયે પગલાં લેશે.—યશા. ૪૬:૧૩; નાહૂ. ૧:૯.
૧૫ આ દુનિયાના છેલ્લા મુશ્કેલ દિવસો દરમિયાન, આપણે કદાચ શ્રદ્ધાની ખાસ કસોટી અનુભવીએ. આપણે જ્યારે હિંસાનો ભોગ બનીએ અથવા આપણા સગાં-વહાલાંને દુઃખ સહન કરવું પડે, ત્યારે ગુસ્સે ના થઈએ. એના બદલે, આપણે યહોવામાં પૂરી રીતે ભરોસો બતાવવાનો નિર્ણય કરવાની જરૂર છે. આપણે અપૂર્ણ છીએ એટલે એમ કરવું સહેલું નથી. માથ્થી ૨૬:૩૯માં નોંધ્યા પ્રમાણે ઈસુએ શું કર્યું હતું, એ યાદ કરો. (વાંચો.)
૧૬. જે સમય બાકી રહ્યો છે, એમાં આપણે કેવી બાબતો કરવાનું ટાળવું જોઈએ?
૧૬ આપણને ઈશ્વર જેવી ધીરજ બતાવતા શું અટકાવી શકે? આપણું પોતાનું શંકાનું વલણ. આપણે વિચારવા માંડીએ કે યહોવાએ કહ્યું છે એ પ્રમાણે કદાચ ન થાય તો? અંત નજીક છે એ વિષે જે વ્યક્તિને પૂરેપૂરો ભરોસો ન હોય તે બીજી ગોઠવણો કરવા લાગે. બીજા શબ્દોમાં, તે વિચારવા લાગે: ‘જોઈએ કે યહોવા પોતાનાં વચનો પૂરા કરે છે કે નહિ.’ એ પછી તે ઈશ્વરના રાજ્યને પ્રથમ મૂકવાને બદલે, દુનિયામાં નામ કમાવા, પૈસા પાછળ દોડવા કે હમણાં આરામદાયક જીવન જીવવા વધારે ભણતરને મહત્ત્વ આપવા લાગે. ખરું જોતાં, શું એ શ્રદ્ધાની ખામીની સાબિતી ન કહેવાય? યાદ રાખો કે જે વફાદાર ભક્તોએ “વિશ્વાસ તથા ધીરજથી” યહોવા દ્વારા વચનો મેળવ્યાં, તેઓને અનુસરવાની પાઊલે આપણને વિનંતી કરી હતી. (હિબ્રૂ ૬:૧૨) યહોવા પોતાના હેતુ પ્રમાણે, જરૂર છે એના કરતાં વધારે આ દુષ્ટ દુનિયાને ચાલવા દેશે નહિ. (હબા. ૨:૩) એ સમય દરમિયાન, યહોવાની ભક્તિ નામ પૂરતી ન કરવી જોઈએ. એના બદલે, આપણે સાવચેત રહીએ અને ખુશખબર ફેલાવવાનું કામ ખંતથી કરીએ, જે હમણાં પણ આપણને ઘણો સંતોષ આપે છે.—લુક ૨૧:૩૬.
ધીરજ કેવા આશીર્વાદો લાવે છે?
૧૭, ૧૮. (ક) ધીરજ રાખીએ છીએ એ દરમિયાન આપણી પાસે કઈ તક રહેલી છે? (ખ) હમણાં ધીરજ બતાવવાથી આપણે કેવા આશીર્વાદો મેળવીશું?
૧૭ ઘણાં વર્ષોથી કરતા હોઈએ કે થોડા મહિનાથી, આપણે ઈશ્વરની ભક્તિ સદા કરતા રહેવા માંગીએ છીએ. ભલેને આ દુનિયાના અંતને ગમે તેટલો સમય બાકી હોય, તારણ મળે ત્યાં સુધી ધીરજ આપણને સહન કરવા મદદ કરે છે. યહોવા હમણાં આપણને તક આપે છે કે તેમણે લીધેલા નિર્ણયોમાં પૂરો ભરોસો છે એ સાબિત કરીએ. અને જરૂર પડે તો તેમના નામને લીધે સતાવણી પણ સહન કરવા તૈયાર રહીએ. (૧ પીત. ૪:૧૩, ૧૪) તારણ માટે જરૂરી ધીરજ રાખવાનું પણ યહોવા આપણને શીખવી રહ્યા છે.—૧ પીત. ૫:૧૦.
૧૮ ઈસુ પાસે પૃથ્વી પર અને સ્વર્ગમાં બધો અધિકાર છે. તેમના રક્ષણ નીચેથી તમારા પોતાના સિવાય બીજું કોઈ તમને હટાવી શકે એમ નથી. (યોહા. ૧૦:૨૮, ૨૯) ભવિષ્ય વિષે, અરે મરણ વિષે પણ ડરવાની જરૂર નથી. જે લોકો અંત સુધી ધીરજથી સહન કરશે, તેઓ બચશે. એટલે, આપણે ધ્યાન રાખીએ કે આ દુનિયા આપણને ભટકાવી ન દે અને યહોવા પર આધાર રાખતા રોકે નહિ. એના બદલે, આપણે શ્રદ્ધા મક્કમ કરવાનું અને ઈશ્વર જેમાં ધીરજ રાખી રહ્યા છે, એ સમયને સમજદારીથી વાપરવાનું નક્કી કરવું જોઈએ.—માથ. ૨૪:૧૩; ૨ પીતર ૩:૧૭, ૧૮ વાંચો. (w12-E 09/15)