સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા પોતાના આનંદી લોકોને ભેગા કરે છે

યહોવા પોતાના આનંદી લોકોને ભેગા કરે છે

“લોકોને, એટલે પુરુષોને તથા સ્ત્રીઓને તથા બાળકોને, તથા તારી ભાગળોમાં રહેનાર તારો જે પરદેશી, તેઓને એકઠા કરજે.”—પુન. ૩૧:૧૨.

૧, ૨. યહોવાના લોકોનાં સંમેલનોનાં કયાં પાસાઓ પર ધ્યાન આપવું જોઈએ?

 ઘણાં વર્ષોથી, આંતરરાષ્ટ્રીય અને ડિસ્ટ્રીક્ટ સંમેલનો યહોવાના સાક્ષીઓના આપણા સમયના ઇતિહાસનું ખાસ પાસું બની રહ્યાં છે. આપણામાંના ઘણા આવા આનંદી પ્રસંગોમાં હાજર રહ્યા છીએ. અરે, કદાચ વર્ષોથી આવા ઘણા પ્રસંગોમાં જતા હોઈશું.

હજારો વર્ષો પહેલાં, ઈશ્વરના લોકો પણ પવિત્ર સંમેલનોમાં ભેગા મળતા હતા. આપણે હવે જોઈશું કે બાઇબલ સમયમાં કેવાં સંમેલનો થતાં હતાં. તેમ જ, એ પણ જોઈશું કે એ સંમેલનો કઈ રીતે આજનાં સંમેલનો જેવાં હતાં. એ પણ શીખીશું કે એમાં હાજર રહેવાના કેવા ફાયદા છે.—ગીત. ૪૪:૧; રોમ. ૧૫:૪.

બાઇબલ સમયનાં અને આજનાં મહત્ત્વનાં સંમેલનો

૩. (ક) બાઇબલમાં નોંધાયેલા યહોવાના લોકોના પ્રથમ સંમેલનમાં શું બન્યું? (ખ) ઈસ્રાએલીઓને ભેગા કરવા કઈ ગોઠવણ કરવામાં આવી?

બાઇબલમાં નોંધાયેલી પહેલી મોટી સભા સિનાઈ પર્વતની તળેટીમાં ભેગી થઈ હતી. ત્યાં ઈશ્વરના લોકો ભક્તિ વિષેના માર્ગદર્શન માટે ભેગા મળ્યા હતા. સાચી ભક્તિના ઇતિહાસમાં એ બનાવ ખૂબ મહત્ત્વપૂર્ણ હતો. એ રોમાંચક પ્રસંગ હાજર થયેલા લોકો ક્યારેય ભૂલી ન શકે એવો હતો, જ્યાં યહોવાએ તેઓને નિયમો આપતી વખતે પોતાની શક્તિનો પરચો આપ્યો. (નિર્ગ. ૧૯:૨-૯, ૧૬-૧૯; નિર્ગમન ૨૦:૧૮; પુનર્નિયમ ૪:૯, ૧૦ વાંચો.) ઈશ્વરે એ પછી ઈસ્રાએલીઓ સાથે કરેલા વ્યવહારમાં આ બનાવ સૌથી અનોખો હતો. થોડાક જ સમયમાં, યહોવાએ પોતાના લોકોને ભેગા કરવા માટેની એક ગોઠવણ કરી. યહોવાએ મુસાને ચાંદીનાં બે રણશિંગડાં બનાવવા માટે આજ્ઞા આપી. આ રણશિંગડાં વગાડીને “આખી જમાત”ને “મુલાકાતમંડપના દ્વાર પાસે” ભેગી કરવાની હતી. (ગણ. ૧૦:૧-૪) જરા કલ્પના કરો કે એવા પ્રસંગોએ લોકોમાં કેટલો ઉત્સાહ હશે!

૪, ૫. મુસા અને યહોશુઆએ રાખેલાં સંમેલનો કેમ મહત્ત્વનાં હતાં?

ચાળીસ વર્ષની અરણ્યની મુસાફરીના લગભગ અંત ભાગમાં મુસાએ બધા ઈસ્રાએલીઓને ભેગા કર્યા. નવી પ્રજાના ઇતિહાસની આ કટોકટીની પળ હતી. તેઓ વચનના દેશમાં જવા માટે તૈયાર હતા. યહોવાએ તેઓની માટે શું કર્યું છે અને હજુ શું કરશે, એ લોકોને જણાવવાનો મુસા માટે યોગ્ય સમય હતો.—પુન. ૨૯:૧-૧૫; ૩૦:૧૫-૨૦; ૩૧:૩૦.

કદાચ, આ જ સંમેલનમાં મુસાએ ઈશ્વરના લોકો માટે નિયમિત સંમેલનોની ગોઠવણ, તેમ જ શિક્ષણ વિષે વાત કરી હતી. સાબ્બાથ વર્ષોમાં માંડવા પર્વ દરમિયાન, પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ઈસ્રાએલીઓ સાથે રહેતા પરદેશીઓએ સભામાં એવી જગ્યાએ ભેગા મળવાનું હતું, જે યહોવા પસંદ કરતા. શા માટે? ‘એ માટે કે તેઓ સાંભળે તથા શીખે, ને યહોવા ઈશ્વરથી બીએ, ને આ નિયમનાં સર્વ વચનો પાળે તથા અમલમાં મૂકે.’ (પુનર્નિયમ ૩૧:૧, ૧૦-૧૨ વાંચો.) આમ, ઈશ્વરના લોકોના ઇતિહાસની શરૂઆતમાં જ એ દેખીતું હતું કે તેઓએ યહોવાના માર્ગદર્શન અને હેતુઓ વિષે શીખવા, વારંવાર ભેગા થવાનું હતું. એ સમયનો વિચાર કરો જ્યારે ઈસ્રાએલીઓએ વચનનો દેશ મેળવી લીધો હતો, પણ હજુયે વિધર્મી દેશોથી ઘેરાયેલા હતા. યહોવાને વફાદાર રહેવાના નિર્ણયને મજબૂત કરવા યહોશુઆએ ઈસ્રાએલીઓને ભેગા કર્યા હતા. એના જવાબમાં, લોકોએ વચન આપ્યું કે તેઓ યહોવાની જ ભક્તિ કરશે.—યહો. ૨૩:૧, ૨; ૨૪:૧, ૧૫, ૨૧-૨૪.

૬, ૭. હમણાંના સમયમાં કેવાં મહત્ત્વનાં સંમેલનો થઈ ગયાં?

યહોવાના લોકોના આજના ઇતિહાસમાં પણ મહત્ત્વનાં સંમેલનો થયાં છે. આ પ્રસંગોએ ઈશ્વરભક્તિને લગતી પ્રવૃત્તિઓ અને શાસ્ત્રવચનોની સમજણમાં મોટા ફેરફારો જણાવવામાં આવ્યા હતા. (નીતિ. ૪:૧૮) પ્રથમ વિશ્વયુદ્ધ પછી, બાઇબલ વિદ્યાર્થીઓએ પહેલું મોટું સંમેલન ૧૯૧૯માં સીદાર પોઈન્ટ, ઓહાયો, અમેરિકામાં રાખ્યું હતું. ત્યાં ૭,૦૦૦ જેટલા લોકો ભેગા થયા હતા. એ વખતે દુનિયાભરમાં પ્રચાર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ૧૯૨૨માં, એ જ જગ્યાએ નવ દિવસનું સંમેલન ભરાયું. ત્યારે એ ઝુંબેશ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો. જોસેફ એફ. રધરફર્ડે ધ્યાનથી સાંભળતા શ્રોતાઓને અરજ કરી: “પ્રભુના વફાદાર અને ખરા સાક્ષીઓ બનો. બાબેલોનનું નામોનિશાન મિટાવી દેવામાં આવે ત્યાં સુધી લડતા રહો. સંદેશો દૂર દૂર સુધી ફેલાવો. દુનિયાને એની જાણ થવી જ જોઈએ કે યહોવા ઈશ્વર છે અને ઈસુ ખ્રિસ્ત રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે. આજનો દિવસ મહત્ત્વનો છે. જુઓ, રાજા રાજ કરે છે! તમે તેમના પ્રચારકો છો. એટલે, રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો.” ત્યાં હાજર રહેલા અને દુનિયા ફરતેના ઈશ્વરના લોકોએ આ સલાહ ખુશીથી વધાવી લીધી.

કોલંબસ, ઓહાયો, અમેરિકામાં ૧૯૩૧માં બાઇબલ વિદ્યાર્થીઓએ ખૂબ જ ખુશીથી “યહોવાના સાક્ષીઓ” નામ અપનાવ્યું. ત્યાર પછી ૧૯૩૫માં વૉશિંગ્ટન ડી.સી.માં ભાઈ રધરફર્ડે “મોટી સભા”ની ઓળખ આપી, જે પ્રકટીકરણમાં જણાવ્યા પ્રમાણે ‘રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલી હતી.’ (પ્રકટી. ૭:૯-૧૭) ૧૯૪૨માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ભાઈ નાથાન એચ. નૉરે “શાંતિ—શું એ કાયમ રહી શકે?” વિષય પર રોમાંચક ભાષણ આપ્યું. એમાં તેમણે પ્રકટીકરણના ૧૭મા અધ્યાયમાંનું “કિરમજી રંગનું શ્વાપદ” ઓળખાવ્યું અને સૂચવ્યું કે યુદ્ધ પછી હજી પણ ઘણું પ્રચાર કામ કરવાનું છે.

૮, ૯. શા માટે અમુક સંમેલનો હૃદયને સ્પર્શી જાય એવાં હતાં?

ક્લીવલૅન્ડ, ઓહાયોમાં “આનંદી દેશો” વિષય પર ૧૯૪૬માં સંમેલન રાખવામાં આવ્યું હતું. ત્યાં ભાઈ નોરે “ફરીથી બાંધકામ અને વધારો કરવાની મુશ્કેલીઓ” વિષય પર આપેલું પ્રવચન ખાસ ધ્યાન આપવા જેવું હતું. એ પ્રવચનને લીધે લોકોમાં જાગેલા ઉત્સાહ વિષે, ત્યાં હાજર રહેલી એક વ્યક્તિએ લખ્યું: “એ સાંજે મને પણ પ્લેટફોર્મ પર રહેવાનો લહાવો મળ્યો હતો. ભાઈએ પ્રચાર કાર્ય વિષે અને પછી બ્રુકલિન બેથેલ ઘર અને ફેક્ટરી મોટી કરવાની યોજના વિષે જણાવ્યું. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ તાળીઓના ગડગડાટથી એને વારંવાર વધાવી લીધું. પ્લેટફોર્મ પરથી કોઈનો ચહેરો જોઈ શકાતો ન હતો, પણ તેઓનો આનંદ અનુભવી શકાતો હતો.” ૧૯૫૦માં, ન્યૂ યૉર્ક સીટીમાં આંતરરાષ્ટ્રીય સંમેલન રાખવામાં આવ્યું હતું. ત્યાં હાજર રહેલાઓ ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સ મેળવીને ઘણા ખુશ થયા. એ આજની ભાષાના એવા બાઇબલનો પહેલો ભાગ હતું, જેમાં ઈશ્વરનું નામ મૂળ જગ્યાએ પાછું મૂકવામાં આવ્યું.—યિર્મે. ૧૬:૨૧.

અમુક દેશોમાં લાંબા ગાળા સુધી સતાવણી કે પ્રતિબંધ ચાલ્યો. એ દેશોમાં યહોવાએ પોતાના વફાદાર સાક્ષીઓને ભેગા કર્યા હોય એવાં સંમેલનો હૃદયને સ્પર્શી જાય તેવાં હતાં. એડોલ્ફ હિટલરે જર્મનીમાંથી યહોવાના સાક્ષીઓને મિટાવી દેવાની કસમ ખાધી હતી. ૧૯૫૫માં ન્યૂરેમ્બર્ગના મેદાનમાં સંમેલન રાખવામાં આવ્યું, જ્યાં પહેલાં હિટલર અને તેના સાથીઓ ભેગા થતા હતા. આ મેદાન ૧,૦૭,૦૦૦ લોકોથી ઉભરાઈ ગયું હતું. હાજર રહેલા ઘણા લોકો ખુશીનાં આંસુ રોકી શક્યા ન હતા! ૧૯૮૯માં પોલૅન્ડમાં રાખવામાં આવેલા “દૈવી ભક્તિભાવ” વિષય પરનાં ત્રણ સંમેલનોમાં ૧,૬૬,૫૧૮ લોકો હાજર રહ્યા હતા. એમાંના મોટા ભાગના એ સમયના સોવિયત યુનિયન અને ચેકોસ્લોવેકિયા તથા પૂર્વ યુરોપના બીજા દેશોમાંથી હતા. એમાંના અમુકે તો ઈશ્વરના લોકોને પહેલાં ક્યારેય ૧૫ કે ૨૦ની સંખ્યા કરતાં વધારે ભેગા થયેલા જોયા ન હતા. ૧૯૯૩માં કિયેફ, યુક્રેઇનમાં “દૈવી શિક્ષણ” આંતરરાષ્ટ્રીય સંમેલન રાખવામાં આવ્યું હતું. એ સમયના આનંદની જરા કલ્પના કરો, જ્યારે ૭,૪૦૨ વ્યક્તિઓએ બાપ્તિસ્મા લીધું. યહોવાના સાક્ષીઓમાં નોંધાયેલી બાપ્તિસ્માની એ સૌથી મોટી સંખ્યા છે!—યશા. ૬૦:૨૨; હાગ્ગા. ૨:૭.

૧૦. કયાં સંમેલનો તમને ખાસ યાદ છે અને શા માટે?

૧૦ કદાચ તમારા માટે પણ અમુક ડિસ્ટ્રીક્ટ કે આંતરરાષ્ટ્રીય સંમેલનો કદી ન ભૂલાય એવાં હશે. શું તમને તમારું પહેલું સંમેલન કે તમે બાપ્તિસ્મા લીધું એ સંમેલન યાદ છે? ઈશ્વરભક્તિમાં તમારા માટે એ મહત્ત્વના પ્રસંગો છે. આ યાદોને સંઘરી રાખો!—ગીત. ૪૨:૪.

આનંદ કરવાના નિયમિત પ્રસંગો

૧૧. પ્રાચીન ઈસ્રાએલમાં ઈશ્વરે કેવાં નિયમિત પર્વોની ગોઠવણ કરી હતી?

૧૧ યહોવા ઈસ્રાએલી લોકો પાસેથી ચાહતા હતા કે તેઓ દર વર્ષે ત્રણ વાર પર્વોમાં ભેગા મળે. એ પર્વો કયાં હતાં? બેખમીર રોટલીનું પર્વ, અઠવાડિયાઓનું પર્વ (પછીથી પેન્તેકોસ્ત કહેવાયું) અને માંડવા પર્વ. આ વિષે ઈશ્વરે આજ્ઞા આપી હતી કે “તારામાંના દરેક પુરુષે વર્ષમાં ત્રણ વાર પ્રભુ યહોવાની આગળ હાજર થવું.” (નિર્ગ. ૨૩:૧૪-૧૭) આ પર્વો ઈશ્વરભક્તિમાં ઘણાં મહત્ત્વનાં છે, એવું સમજનારા કુટુંબના શિર આખા કુટુંબ સાથે પર્વમાં જતા.—૧ શમૂ. ૧:૧-૭; લુક ૨:૪૧, ૪૨.

૧૨, ૧૩. દર વર્ષે થતાં પર્વો ઘણા ઈસ્રાએલીઓ માટે કેટલાં મહત્ત્વનાં હતાં?

૧૨ ઈસ્રાએલી કુટુંબ માટે એ મુસાફરી કેવી હશે એનો જરા વિચાર કરો. ઉદાહરણ તરીકે, યુસફ અને મરિયમને નાઝરેથથી યરૂશાલેમ જતા ૧૦૦ કિલોમીટર (૬૦ માઇલ) મુસાફરી કરવી પડતી. નાનાં બાળકો સાથે આવી મુસાફરી ચાલીને પૂરી કરતા તમને કેટલો સમય લાગે? બાળક તરીકે, ઈસુએ યરૂશાલેમની મુસાફરી કરી એ પ્રસંગમાંથી જાણવા મળે છે કે સગાં અને ઓળખીતાઓ ટોળાંમાં જતાં હોઈ શકે. સાથે મુસાફરી કરવી, રાંધવું તથા અજાણી જગ્યાએ ઊંઘવાની યોગ્ય ગોઠવણ કરવી એ કેવો અનુભવ હશે! જોકે, ઈસુ જેવાં ૧૨ વર્ષનાં બાળકો પણ અમુક રીતે છૂટથી ફરી શકે એવા સલામત સંજોગો હતા. જરા વિચાર કરો કે એ કેવું યાદગાર હશે, ખાસ કરીને યુવાનો એ ભૂલ્યા નહિ હોય!—લુક ૨:૪૪-૪૬.

૧૩ ઈસ્રાએલીઓ પોતાના વતનથી દૂર વિખેરાઈ ગયા હતા ત્યારે, તેઓએ પર્વમાં હાજર રહેવા બીજા દેશોમાંથી આવવું પડતું. ઈસવીસન ૩૩ના પેન્તેકોસ્તમાં, ઘણા યહુદીઓ અને યહુદી બનેલાઓ યરૂશાલેમ આવ્યા. તેઓ ઇટાલી, લિબિયા, ક્રીટ, એશિયા માઈનોર, મેસોપોટેમિયા જેવી જગ્યાએથી આવ્યા હતા.—પ્રે.કૃ. ૨:૫-૧૧; ૨૦:૧૬.

૧૪. દર વર્ષે થતાં પર્વોમાંથી ઈસ્રાએલીઓ કેવો લાભ મેળવતા?

૧૪ વિશ્વાસુ ઈસ્રાએલીઓ માટે આવી મુસાફરી કરવાનું સૌથી મહત્ત્વનું કારણ અને ધ્યેય એ હતો કે તેઓ બીજા હજારો ભક્તો સાથે યહોવાની ભક્તિ કરી શકતા. પર્વોમાં હાજર રહેનારાઓ પર કેવી અસર પડતી? એનો જવાબ માંડવા પર્વ વિષે યહોવાએ પોતાના લોકોને આપેલા માર્ગદર્શનમાં જોવા મળે છે: “તારા પર્વમાં તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો. યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં તારા ઈશ્વરના માનમાં તું સાત દિવસ સુધી પર્વ પાળ; કેમ કે યહોવા તારો ઈશ્વર તારી સર્વ ઊપજમાં, તથા તારા હાથના સર્વ કામમાં તને આશીર્વાદ દેશે, ને તું બહુ જ આનંદ કરશે.”—પુન. ૧૬:૧૪, ૧૫; લુક ૧૧:૨૮ વાંચો.

આપણા સમયનાં સંમેલનોની શા માટે કદર કરવી જોઈએ?

૧૫, ૧૬. સંમેલનોમાં હાજર રહેવા તમારે કેવી બાબતો જતી કરવી પડી છે? એમ કરવું કેમ લાભકારક છે?

૧૫ પહેલાંનાં પર્વોએ ઈશ્વરના આજના લોકો માટે કેટલું સુંદર ઉદાહરણ બેસાડ્યું છે! જોકે, સદીઓ વીતી એમ ઘણી બધી બાબતો બદલાઈ છે, પણ સંમેલનોની મહત્ત્વની બાબતો બદલાઈ નથી. બાઇબલના સમયમાં, ભક્તોએ પર્વોમાં હાજર રહેવા કંઈક જતું કરવું પડતું. આજે પણ ઘણા એમ કરે છે. પણ એવા પ્રયત્નો કરવાના લાભો ઘણા છે. એ પ્રસંગો ઈશ્વરની ભક્તિ માટે પહેલાં પણ મહત્ત્વના હતા અને આજે પણ છે. આવાં સંમેલનો ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખવા જરૂરી માહિતી અને સમજણ પૂરી પાડે છે; જે શીખ્યા એ લાગુ પાડવા પ્રેરણા આપે છે; મુશ્કેલીઓથી દૂર રહેવા મદદ કરે છે. ઉપરાંત, આપણી ચિંતા વધારનારી બાબતો ટાળવાનું ઉત્તેજન આપે છે. આપણને ખુશી આપનારી બાબતોને જીવનમાં પહેલી મૂકવાની દોરવણી આપે છે.—ગીત. ૧૨૨:૧-૪.

૧૬ સંમેલનમાં હાજર રહેનારાઓને હંમેશાં આનંદ મળે છે. ૧૯૪૬ના એક મોટા સંમેલન પરનો અહેવાલ જણાવે છે: “હજારો સાક્ષીઓને એકસાથે બેઠેલા જોવા એક રોમાંચક વાત હતી. વધારે આનંદની વાત એ હતી કે યહોવાની સ્તુતિ કરવા, હજારો લોકો રાજ્યનાં આનંદી ગીતો, મોટા ઑરકેસ્ટ્રા સાથે એકરાગે ગાતા હતા.” અહેવાલ આગળ જણાવે છે: “સંમેલનમાં હાજર રહેનારાઓએ સ્વયંસેવક સેવા વિભાગમાં નામ નોંધાવ્યું હતું, જેથી દરેક વિભાગમાં પૂરતા કામ કરનારા હોય. તેઓએ પોતાના સાથી સાક્ષીઓની સેવા કરવાનો આનંદ મેળવવા એમ કર્યું હતું.” શું તમે પણ ડિસ્ટ્રીક્ટ કે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં એવો જ ઉત્સાહ અનુભવો છો?—ગીત. ૧૧૦:૩; યશા. ૪૨:૧૦-૧૨.

૧૭. હમણાંના સમયમાં સંમેલનોની ગોઠવણમાં કેવો ફેરફાર થયો છે?

૧૭ સંમેલનોનું જે રીતે આયોજન કરવામાં આવે છે, એમાં અમુક બાબતો બદલાઈ છે. દાખલા તરીકે, કેટલાક ઈશ્વરભક્તોને યાદ હશે કે એક સમયે સંમેલનો આઠ દિવસ સુધી ચાલતાં! સવાર, બપોર અને સાંજનાં સત્રો હતાં. એ કાર્યક્રમમાં પ્રચાર કામનો સમાવેશ થતો હતો. અમુક ભાગ સવારે નવ વાગે શરૂ થતા અને મોટે ભાગે રાતે નવ વાગ્યા સુધી સત્રો ચાલતાં. સ્વયંસેવકો લાંબો સમય કામ કરીને ઘણી મહેનત કરતા, જેથી હાજર રહેનારાઓને સવારનો નાસ્તો, બપોર તથા સાંજનું ભોજન મળી શકે. હવે, સંમેલનનો કાર્યક્રમ ટૂંકો હોય છે અને દરેક જણ પહેલેથી પોતાનું ભોજન તૈયાર કરીને લઈ આવે છે, જેથી ઈશ્વરના શિક્ષણ પર તેઓ પૂરું ધ્યાન આપી શકે.

૧૮, ૧૯. સંમેલનોમાં તમે કયા ભાગની ખૂબ રાહ જુઓ છો? શા માટે?

૧૮ સંમેલનમાં હંમેશાં એવો ભાગ હોય છે, જેની આપણે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. એમાં “વખતસર ખાવાનું” મળવાથી બાઇબલની ભવિષ્યવાણીઓની અને એના શિક્ષણની સમજણ વધે છે. ફક્ત પ્રવચનો દ્વારા જ નહિ, સંમેલનમાં બહાર પડતાં નવાં સાહિત્ય દ્વારા પણ એવી સમજણ મળે છે. (માથ. ૨૪:૪૫) નમ્ર લોકોને શાસ્ત્રનું સત્ય શીખવવા મોટા ભાગે આ સાહિત્ય મદદ કરે છે. ઉત્સાહ વધારનારા બાઇબલ આધારિત નાટકો યુવાનો અને મોટી ઉંમરના ભાઈબહેનોને પોતાના ધ્યેયો તપાસવા પ્રેરે છે. ઉપરાંત, આ દુનિયાના વિચારોના દબાણ સામે પોતાનું રક્ષણ કરવા મદદ આપે છે. એ જ રીતે, બાપ્તિસ્માનું પ્રવચન બધાને પોતાના જીવનમાં મહત્ત્વનું શું છે, એ જોવાની તક પૂરી પાડે છે. તેમ જ, યહોવાને કરેલા સમર્પણની નિશાની તરીકે બીજાઓને બાપ્તિસ્મા લેતા જોવાનો આનંદ અનુભવીએ છીએ.

૧૯ સંમેલનો સાચી ભક્તિમાં વર્ષોથી મદદ પૂરી પાડે છે. એનાથી, યહોવાના આનંદી લોકો મુશ્કેલ સંજોગોમાં પણ તેમની યોગ્ય રીતે ભક્તિ કરી શકે છે. આવાં સંમેલનો ઈશ્વરભક્તિમાં ઉત્સાહ વધારે છે; નવા મિત્રો બનાવવાની તક આપે છે; આખી દુનિયામાં ફેલાયેલા આપણા કુટુંબની કદર કરવા મદદ કરે છે. સંમેલન એક મુખ્ય રીત છે, જેનાથી યહોવા પોતાના લોકોનું ધ્યાન રાખે છે અને આશીર્વાદ આપે છે. આપણે દરેક ચાહીએ છીએ કે કોઈ પણ સંમેલનનો એકેય ભાગ ચૂકીએ નહિ.—નીતિ. ૧૦:૨૨. (w12-E 09/15)