સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ચમત્કારો શક્ય છે? વાંધો ઉઠાવવાનાં ત્રણ કારણો

શું ચમત્કારો શક્ય છે? વાંધો ઉઠાવવાનાં ત્રણ કારણો

શું ચમત્કારો શક્ય છે? વાંધો ઉઠાવવાનાં ત્રણ કારણો

કારણ ૧: ચમત્કારો શક્ય નથી, કેમ કે એ કુદરતના નિયમોની વિરુદ્ધ હોય છે. કુદરતી નિયમો વિષેની આપણી સમજ, વૈજ્ઞાનિકો આપણી આસપાસની દુનિયામાંથી જે શીખ્યા છે એના પર આધારિત છે. જોકે, આ નિયમો ભાષા માટેના વ્યાકરણના નિયમો જેવા છે, જેમાં અમુક અપવાદ હોઈ શકે. ખરું જોતાં, કુદરતના “નિયમો” વિષેની આપણી સમજ ખૂબ ઓછી હોઈ શકે. (અયૂબ ૩૮:૪) એક મહેનતુ વૈજ્ઞાનિકે કદાચ તેનું આખું જીવન કુદરતના અમુક નિયમનો અભ્યાસ કરવામાં કાઢ્યું હોય, પણ ફક્ત એક જ “અપવાદને” લીધે તેણે એ નિયમની સમજણને ફરીથી તપાસવી પડે. અંગ્રેજીમાં એક કહેવત આ વાતને વધુ સ્પષ્ટ કરે છે, “ફક્ત એક કાળો હંસ એ માન્યતાને ખોટી પાડે છે કે બધા હંસ સફેદ હોય.”

અધૂરી હકીકતને આધારે કોઈ મત બાંધવો કેટલું સહેલું છે, એ એક રમૂજી વાર્તા બતાવે છે. જોન લૉક (૧૬૩૨-૧૭૦૪) નામના એક લેખકે ડચ રાજદૂત અને સિયામના રાજા વિષેની વાર્તા જણાવી: પોતાના દેશ હોલેન્ડ વિષે રાજાને વર્ણન કરતા રાજદૂતે કહ્યું કે અમુક વાર હાથી પાણી પર ચાલી શકે છે. એ વાત રાજાને ગળે ઊતરી નહિ અને તેને લાગ્યું કે રાજદૂત ખોટું બોલી રહ્યો છે. જોકે, રાજદૂત એવા બનાવ વિષે જણાવી રહ્યો હતો, જે રાજાએ ક્યારેય જોયો ન હતો. રાજાને ખબર ન હતી કે જ્યારે પાણી થીજીને બરફ બની જાય, ત્યારે હાથીનું વજન ખમી શકે છે. આ વાત રાજાને અશક્ય લાગી, કેમ કે તેની પાસે પૂરી માહિતી ન હતી.

અમુક વર્ષો પહેલાં કદાચ અશક્ય લાગતી હોય, એવી આજની અમુક શોધો વિષે વિચાર કરો:

● કલાકના ૯૦૦ કિલોમીટરની (૫૬૦ માઈલ) ઝડપે, એક વિમાન આઠસોથી વધારે મુસાફરોને લઈને ન્યૂ યૉર્કથી સીધું સિંગાપુર જઈ શકે છે.

● જુદા જુદા ખંડોમાં રહેતા લોકો વિડીયો કૉન્ફરન્સથી એકબીજાને જોઈ અને વાતચીત કરી શકે છે.

● દીવાસળીની પેટી કરતાં પણ નાના સાધનમાં હજારો ગીતો સંઘરી શકાય છે.

● શરીરનાં બીજાં અંગો અને હૃદયને સર્જન બદલી શકે છે.

આવી હકીકતો પરથી આપણે શું સમજી શકીએ છીએ? એ જ કે થોડાંક વર્ષો પહેલાં, અશક્ય લાગતાં કામો માણસો આજે કરી શક્યા છે. તો પછી, જેણે આખું વિશ્વ અને એમાંનું બધું જ બનાવ્યું છે, તે ઈશ્વર ચોક્કસ અદ્‍ભુત કાર્યો કરી શકે છે. આવાં અદ્‍ભુત કાર્યો હજી આપણે પૂરી રીતે સમજી શકતા નથી કે એની નકલ કરી શકતા નથી. *ઉત્પત્તિ ૧૮:૧૪; માથ્થી ૧૯:૨૬.

કારણ ૨: લોકોનો વિશ્વાસ જીતવા બાઇબલ ચમત્કારોનો સહારો લે છે. બાઇબલ એવું કહેતું નથી કે આપણે બધા જ ચમત્કારોમાં માનીએ. એનાથી ઊલટું, બાઇબલ તો ચેતવણી આપે છે કે ચમત્કારો અને પરાક્રમી ચિહ્‍નો પર ભરોસો કરવો કે કેમ, એ વિષે ખૂબ સાવધ રહેવું જોઈએ. આ સ્પષ્ટ ચેતવણી પર ધ્યાન આપો: ‘શેતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારનાં ખોટાં પરાક્રમો, ચિહ્‍નો તથા ચમત્કારો, દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરુષ પ્રગટ થશે.’—૨ થેસ્સાલોનિકી ૨:૯, ૧૦.

ઈસુએ પણ ચેતવણી આપી હતી કે ઘણા તેમને અનુસરવાનો દાવો કરશે, પણ હકીકતમાં તેઓ સાચા શિષ્યો નહિ હોય. અમુક તો તેમને એવું પણ કહેશે કે ‘પ્રભુ, પ્રભુ! તમારે નામે અમે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો હતો, ઘણા ખરાબ દૂતોને કાઢ્યા હતા અને ઘણા ચમત્કારો કર્યા હતા!’ (માથ્થી ૭:૨૨, કોમન લેંગ્વેજ) પણ ઈસુએ જણાવ્યું કે પોતે કદી તેઓને શિષ્યો તરીકે સ્વીકારશે નહિ. (માથ્થી ૭:૨૩) આ ઉપરથી સમજી શકાય કે બધા ચમત્કારો ઈશ્વર તરફથી છે, એવું ઈસુએ શીખવ્યું ન હતું.

ઈશ્વર પોતાના ભક્તોને કહેતા નથી કે તેઓ ફક્ત ચમત્કારોને આધારે પોતાની શ્રદ્ધા બાંધે. એને બદલે, તેઓની શ્રદ્ધા હકીકતને આધારે હોવી જોઈએ.—હિબ્રૂ ૧૧:૧.

બાઇબલમાં વર્ણવેલા જાણીતા ચમત્કારોમાંના એકનો દાખલો લો. એ છે ઈસુ ખ્રિસ્તનું સજીવન થવું. આ બનાવનાં વર્ષો પછી, કોરીંથના અમુક ખ્રિસ્તીઓએ પ્રશ્ન ઊભો કર્યો કે ઈસુ સજીવન થયા હતા કે નહિ. પ્રેરિત પાઊલે એ ખ્રિસ્તીઓને કેવી રીતે મદદ કરી? શું તેમણે ફક્ત એવું કહ્યું કે “શ્રદ્ધા વધારો”? ના. ધ્યાન આપો કે તેમણે કઈ રીતે તેઓને હકીકતો યાદ દેવડાવી. તેમણે જણાવ્યું કે ‘ધર્મશાસ્ત્ર પ્રમાણે ઈસુને દાટવામાં આવ્યા, અને ત્રીજે દહાડે તેમનું ઉત્થાન થયું; અને કેફાસને તેમનું દર્શન થયું, પછી બારેને થયું; ત્યાર પછી એકી વેળાએ પાંચસો કરતાં વધારે ભાઈઓને તેમનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે.’—૧ કોરીંથી ૧૫:૪-૮.

એ ખ્રિસ્તીઓ આ ચમત્કારને માને એ મહત્ત્વનું હતું? પાઊલ આગળ કહે છે: “જો ખ્રિસ્ત ઊઠ્યો નથી, તો અમારો ઉપદેશ વ્યર્થ છે, અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે.” (૧ કોરીંથી ૧૫:૧૪) પાઊલે એ બાબતને સામાન્ય ગણી ન લીધી. ઈસુનું સજીવન થવું એ ચમત્કાર ક્યાં તો સાચો હતો અથવા ન હતો! પાઊલને ખબર હતી કે એ સાચો હતો, કેમ કે એ ચમત્કાર નજરે જોનાર ઘણા લોકો એ સમયે જીવતા હતા. હકીકતમાં, એ સાક્ષીઓએ જે જોયું હતું એને નકારવા કરતાં તેઓ મરવા તૈયાર હતા.—૧ કોરીંથી ૧૫:૧૭-૧૯.

કારણ ૩: ચમત્કારો ફક્ત કુદરતી કરામતો છે, જે વિષે અભણ લોકોને ગેરસમજ થાય છે. કેટલાક નિષ્ણાતો બાઇબલના ચમત્કારોની એવી સમજણ આપવાનો પ્રયત્ન કરે છે કે એ ફક્ત કુદરતી ઘટનાઓ હતી, જેની પાછળ ઈશ્વરનો હાથ ન હતો. તેઓ એવું માને છે કે આવા ચમત્કારો લોકોને બાઇબલ પર વધારે ભરોસો મૂકવા પ્રેરે છે. એ ખરું છે કે કેટલાક ચમત્કારો સાથે કુદરતી કરામતો સંકળાયેલી હોઈ શકે. જેમ કે, ધરતીકંપ, રોગચાળો અને જમીન ધસી પડવી. આ બધી ઘટનાઓમાં એક બાબત સામાન્ય છે. નિષ્ણાતો બાઇબલમાં નોંધવામાં આવેલા ચમત્કારોના સમયની અવગણના કરે છે.

ઉદાહરણ તરીકે, ઇજિપ્ત પર આવેલી પહેલી મરકી જેમાં નાઈલ નદીનું પાણી લોહી બની ગયું હતું, એના વિષે અમુક લોકો દલીલ કરે છે. તેઓનું માનવું છે કે ફ્લેજલેટ્‌સ નામની લાલાશ પડતી શેવાળ સાથે ધોવાઈને આવેલી લાલ માટીને લીધે એમ બન્યું હતું. જ્યારે કે બાઇબલનો અહેવાલ બતાવે છે કે નદીનું પાણી લોહીમાં બદલાઈ ગયું હતું, લાલ માટીમાં નહિ. નિર્ગમન ૭:૧૪-૨૧ ધ્યાનથી વાંચવાથી જોઈ શકાય છે કે હારુને મુસાના કહેવાથી નાઈલ નદી પર લાકડી મારી, એ સમયે આ ચમત્કાર થયો. તેથી, જો નદી કુદરતી કારણોને લીધે લોહીમાં બદલાઈ હોય, તોપણ હારુનનું નદી પર લાકડી મારવું અને એ સમયે આવું થવું એક મોટો ચમત્કાર હતો!

ચમત્કારોના સમયના મહત્ત્વ વિષે બીજું એક ઉદાહરણ જોઈએ. ઈસ્રાએલ પ્રજા વચન આપેલા દેશમાં પ્રવેશવા તૈયાર હતી ત્યારે જે બન્યું, એના ઉપર ધ્યાન આપો. તેઓનો રસ્તો યરદન નદીએ રોકી લીધો હતો, જેના બંને કાંઠે પાણી છલોછલ વહેતાં હતાં. બાઇબલ અહેવાલ આપણને જણાવે છે કે પછી શું થયું: ‘કોશ ઊંચકનારા જ્યારે યરદનની પાસે આવ્યા, ને કોશ ઊંચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પડ્યા, ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે આદામ નગર સુધી, ઢગલો થઈ ગયું.’ (યહોશુઆ ૩:૧૫, ૧૬) શું એવું ધરતીકંપ કે જમીન ધસી પડવાને લીધે થયું હતું? અહેવાલ એવું કંઈ જણાવતો નથી. પણ આ ઘટનાનો સમય એક ચમત્કાર હતો. યહોવાએ જણાવ્યું હતું એ જ સમયે એમ થયું.—યહોશુઆ ૩:૭, ૮, ૧૩.

તો પછી, શું ચમત્કાર જેવું કંઈ છે? બાઇબલનો જવાબ છે, હા. એ જણાવે છે એમ, ચમત્કારો ફક્ત કોઈ કુદરતી કરામતો નથી. તો પછી, શું એમ કહેવું વાજબી ગણાય કે ચમત્કારો અશક્ય છે, કેમ કે એ દરરોજ થતા નથી? (w12-E 08/01)

[ફુટનોટ]

^ ઈશ્વર છે કે નહિ એ વિષે જો તમને પ્રશ્ન હોય, તો આ સાહિત્ય જુઓ: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે? તથા વોઝ લાઇફ ક્રિએટેડ? અને સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૬. આ સાહિત્ય યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. આ મૅગેઝિન આપનાર વ્યક્તિને પણ તમે વધુ માહિતી માટે પૂછી શકો.