આજની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરીએ
“ઈશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.”—ગીત. ૪૬:૧.
૧, ૨. લોકોએ કેવી મુશ્કેલીઓ અનુભવી છે? પણ ઈશ્વરના ભક્તો શું ચાહે છે?
આપણે મુશ્કેલીઓના સમયમાં જીવીએ છીએ. પૃથ્વી આફતોથી ઊભરાઈ રહી છે. ધરતીકંપ, સુનામી, આગ, પૂર, જ્વાળામુખી, વાવાઝોડા અને વંટોળિયા જેવી આફતો મનુષ્ય પર ત્રાટકે છે. વધુમાં, કુટુંબની સમસ્યાઓ અને અંગત તકલીફો પણ ડર અને દુઃખ લાવે છે. એ કેટલું ખરું છે કે ‘માણસો ઉપર આફતો એકાએક’ આવી પડે છે.—સભા. ૯:૧૨.
૨ ઈશ્વરના ભક્તો આવા દુઃખી બનાવોનો સારી રીતે સામનો કરતા આવ્યા છે. આ દુનિયા એના અંત તરફ જઈ રહી હોવાથી, ભાવિમાં આવનારી આફતનો સામનો કરવા આપણે દરેક તૈયાર રહેવા ચાહીશું. આપણે કેવી રીતે ચિંતામાં ડૂબી જવાને બદલે, આવી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ? આજની તકલીફોનો સામનો હિંમતથી કરવા આપણને શું મદદ કરશે?
પહેલાંના ઈશ્વરભક્તો પાસેથી શીખીએ
૩. મુશ્કેલીઓનો સામનો કરતી વખતે, રોમનો ૧૫:૪ આપણને કયો દિલાસો આપે છે?
૩ મુશ્કેલીઓ પહેલાં કરતાં આજે લોકોને વધારે અસર કરે છે. જોકે, એ મુશ્કેલીઓ મનુષ્યો માટે નવી નથી. પહેલાંના ઈશ્વરભક્તોએ જીવનની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કર્યો હતો. ચાલો, જોઈએ કે તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ.—રોમ. ૧૫:૪.
૪. દાઊદે કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો અને એમ કરવા તેમને ક્યાંથી મદદ મળી?
૪ દાઊદનો વિચાર કરો. દાઊદ પર અનેક મુશ્કેલીઓ આવી હતી. એમાંથી અમુક આ હતી: રાજાનો ક્રોધ, દુશ્મનોનો હુમલો, પત્નીઓનું અપહરણ, વફાદાર વ્યક્તિઓનો દગો અને તેમને થયેલું મનદુઃખ. (૧ શમૂ. ૧૮:૮, ૯; ૩૦:૧-૫; ૨ શમૂ. ૧૭:૧-૩; ૨૪:૧૫, ૧૭; ગીત. ૩૮:૪-૮) બાઇબલમાં નોંધેલા દાઊદના જીવન પ્રસંગો સાફ બતાવે છે કે આ બધી તકલીફોએ તેમને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હતું. તોપણ, એ તકલીફો તેમની શ્રદ્ધા ઠંડી પાડી ન શકી. તેમણે શ્રદ્ધાથી ભરપૂર થઈને કહ્યું: “યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?”—ગીત. ૨૭:૧, ગીતશાસ્ત્ર ૨૭:૫, ૧૦ વાંચો.
૫. ઈબ્રાહીમ અને સારાહને અઘરા સંજોગોમાં ટકી રહેવા ક્યાંથી મદદ મળી?
૫ ઈબ્રાહીમ અને સારાહે મોટા ભાગનું જીવન, અજાણ્યા દેશોમાં પરદેશીઓ તરીકે તંબુઓમાં ગાળ્યું. જીવન તેઓ માટે હરવખત સહેલું ન હતું. તોપણ, નજીકના દેશોના ખતરા અને દુકાળ જેવી મુશ્કેલીઓનો સામનો તેઓએ દૃઢ રહીને કર્યો. (ઉત. ૧૨:૧૦; ૧૪:૧૪-૧૬) તેઓ એમ કઈ રીતે કરી શક્યાં? બાઇબલ જણાવે છે કે ‘જે શહેરને પાયો છે, જેના યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, એની આશા ઈબ્રાહીમ રાખતા હતા.’ (હિબ્રૂ ૧૧:૮-૧૦) ઈબ્રાહીમ અને સારાહે તેઓની આગળ મૂકેલા આશીર્વાદો પર નજર રાખી અને એ સમયના જગતમાં ખેંચાઈ ન ગયા.
૬. આપણે અયૂબને કેવી રીતે અનુસરી શકીએ?
૬ અયૂબે અનહદ દબાણોનો સામનો કર્યો હતો. વિચારો કે જ્યારે તેમના જીવનમાં એક પછી એક તકલીફો આવતી હતી, ત્યારે તેમને કેવું લાગ્યું હશે. (અયૂ. ૩:૩, ૧૧) એટલું જ નહિ, મુશ્કેલીઓ પાછળનું કારણ પણ તે જાણતા ન હતા. તોપણ, તે હિંમત હાર્યા નહિ. તેમણે પોતાની પ્રમાણિકતા અને ઈશ્વરમાં શ્રદ્ધા જાળવી રાખી. (અયૂબ ૨૭:૫ વાંચો.) અનુસરવા માટે કેટલું સુંદર ઉદાહરણ!
૭. ઈશ્વરની ભક્તિમાં પાઊલને કયા અનુભવો થયા? પણ કઈ બાબત સમજવાથી ભક્તિમાં લાગુ રહેવા તેમને હિંમત મળી?
૭ પ્રેરિત પાઊલના ઉદાહરણને પણ ધ્યાન આપો. તેમણે ‘શહેર, જંગલ અને સમુદ્રનાં’ જોખમોનો સામનો કર્યો. ‘ભૂખ, તરસ, ટાઢ તથા વસ્ત્રની તંગાસ સહન કર્યાં.’ પાઊલ એ પણ જણાવે છે કે ‘એક રાતદહાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો.’ કારણ કે તે જે વહાણમાં મુસાફરી કરતા હતા, એ ભાંગી ગયું હતું. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) આ બધું થયું એ ઉપરાંત, એક વાર તે ઈશ્વરભક્તિ માટે મોતના મોંમાંથી બચી ગયા પછી પણ કેવું વલણ બતાવ્યું, એ જુઓ: ‘અમે અમારા પોતાના પર નહિ, પણ મૂએલાંને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ. તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો અને તે કરશે.’ (૨ કોરીં. ૧:૮-૧૦) પાઊલને જેટલા કડવા અનુભવો થયા, એટલા તો મોટા ભાગે કોઈને નહિ થયા હોય. તોપણ, આપણે તેમની લાગણીઓ સમજી શકીએ છીએ અને હિંમત આપનારા તેમના ઉદાહરણમાંથી દિલાસો મેળવી શકીએ છીએ.
કડવા બનાવોના દુઃખમાં ડૂબી જવાનું ટાળો
૮. આજે મુશ્કેલીઓ આપણને કેવી રીતે અસર કરી શકે? ઉદાહરણથી સમજાવો.
૮ આજની દુનિયા આફતો, પડકારો અને દબાણોથી ભરપૂર હોવાને લીધે, ઘણા લોકો એનાં બોજ નીચે દબાઈ જતાં હોય છે. અરે, કેટલાક ભાઈ-બહેનો પણ એવું અનુભવે છે. લાની * પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં પૂરા સમયની સેવાનો આનંદ માણતાં હતાં. તે જણાવે છે કે તેમને સ્તન કૅન્સર છે એવી ખબર પડી, ત્યારે તેમના ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. તે કહે છે: ‘સારવારથી મારી તબિયત વધારે બગડી ગઈ અને મારું સ્વમાન સાવ ઘટી ગયું.’ એ ઉપરાંત, લાનીએ પતિની સંભાળ પણ રાખવાની હતી, જેમનું કરોડરજ્જુનું ઑપરેશન થયું હતું. જો આપણે આવા સંજોગોમાં આવી પડીએ, તો શું કરીશું?
૯, ૧૦. (ક) શેતાનને શું કરવા ન દેવો જોઈએ? (ખ) પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૨માં જણાવેલી હકીકતનો આપણે કેવી રીતે સામનો કરી શકીએ?
૯ એ યાદ રાખવું જોઈએ કે આપણે જે તકલીફો સહીએ છીએ એનો ફાયદો ઉઠાવીને શેતાન આપણી શ્રદ્ધા નબળી પાડવા માંગે છે. તેમ છતાં, આપણો આનંદ તેને છીનવી લેવા ન દઈએ. નીતિવચનો ૨૪:૧૦ જણાવે છે: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.” આપણે બાઇબલના જે ઉદાહરણ જોઈ ગયા એના પર મનન કરવાથી, તકલીફોનો હિંમતથી સામનો કરવા મદદ મળશે.
૧૦ એ પણ યાદ રાખીએ કે આપણે બધી જ તકલીફો દૂર નહિ કરી શકીએ. કદાચ આપણને એનો અનુભવ કરવો પણ પડે. (૨ તીમો. ૩:૧૨) પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૨ જણાવે છે કે ‘આપણે ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડશે.’ મુશ્કેલીઓ તમને હિંમત બતાવવાની તક આપે છે. એટલે, હિંમત હારવાને બદલે કેમ નહિ કે ઈશ્વરની મદદ કરવાની શક્તિમાં પૂરી શ્રદ્ધા રાખો!
૧૧. જીવનની ચિંતાઓથી દબાઈ ન જઈએ એ માટે શું કરી શકીએ?
૧૧ આપણે જીવનનાં સારાં પાસાં પર ધ્યાન આપવું જોઈએ. બાઇબલ જણાવે છે કે “અંતઃકરણનો આનંદ મોઢાને પ્રફુલ્લિત કરે છે; પણ હૃદયના ખેદથી મન ભાંગી જાય છે.” (નીતિ. ૧૫:૧૩) લાંબા સમયથી ડૉક્ટરોએ શોધી કાઢ્યું છે કે સારું વિચારવાથી દર્દીઓ વહેલા સાજા થાય છે. દાખલા તરીકે, જેટલા દર્દીઓને “મીઠી ગોળીઓ” (પ્લેસિબો) આપવામાં આવી હતી, તેઓ એમ માનવા લાગ્યા કે એનાથી તેઓને ફાયદો થાય છે. બીજી બાજુ, જેટલા દર્દીઓને એમ કહેવામાં આવ્યું કે તેઓએ લીધેલી ગોળીઓથી આડઅસર થશે, ત્યારે તેઓની તબિયત બગડવા લાગી. એવી જ રીતે, જે પરિસ્થિતિ આપણે સુધારી શકતા નથી, એના પર સતત વિચારતા રહીશું તો, ખુદનું જ નુકસાન કરીશું. યહોવા આપણને “મીઠી ગોળીઓ” નથી આપતા, પણ ખરી મદદ પૂરી પાડે છે. આફતના સમયમાં પણ તે આપણને બાઇબલ, ભાઈ-બહેનોના સહારા અને પવિત્ર શક્તિ દ્વારા હિંમત પૂરી પાડે છે. એના પર વિચારવાથી આપણને ઉત્તેજન મળશે. ખરાબ બનાવો પર વિચાર કરવાને બદલે, મુશ્કેલીઓનો સામનો કરવા યોગ્ય પગલાં લો. તેમ જ, જીવનનાં સારાં પાસાં પર વિચાર કરો.—નીતિ. ૧૭:૨૨.
૧૨, ૧૩. (ક) આફતોનો હિંમતથી સામનો કરવા ભાઈ-બહેનોને ક્યાંથી મદદ મળી છે? સમજાવો. (બ) આફતના સમયમાં આપણા માટે શું મહત્ત્વનું છે, એ કઈ રીતે દેખાઈ આવે છે?
૧૨ હાલના સમયમાં ઘણા દેશો ભયંકર આફતોનો ભોગ બન્યા છે. ત્યાં રહેતાં આપણાં ભાઈ-બહેનો માટે એ આફતો સહેવી અઘરી હતી તોપણ, તેઓ હિંમત હાર્યાં નહિ. તેઓ પાસેથી આપણને શીખવા મળે છે. ૨૦૧૦ની શરૂઆતમાં ચીલીમાં વિનાશક સુનામી અને ધરતીકંપ આવ્યાં હતાં. ઘણાં ભાઈ-બહેનોનાં ઘર અને માલ-મિલકત એમાં નાશ પામ્યાં. તેમ છતાં, ભાઈ-બહેનો ઈશ્વરની ભક્તિમાં મંડ્યા રહ્યાં. સેમ્યુલ, જેમનું ઘર પૂરેપૂરું તબાહ થઈ ગયું હતું, તે આમ જણાવે છે: ‘આવી ખરાબ પરિસ્થિતિમાં પણ મેં અને મારી પત્નીએ સભાઓ અને પ્રચારમાં જવાનું છોડ્યું નહિ. હું માનું છું કે આ આદતે અમને દુઃખમાં ડૂબી જવાથી બચાવ્યા.’ બીજાં ભાઈ-બહેનોની જેમ તેઓ પણ મુશ્કેલીઓને પાછળ મૂકીને યહોવાની સેવામાં આગળ વધ્યાં.
૧૩ ૨૦૦૯ના સપ્ટેમ્બરમાં ફિલિપીન્ઝના મનિલા શહેરમાં, મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ૮૦ ટકા વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો હતો. એક ધનવાન માણસ, જેણે ઘણું બધું ગુમાવ્યું હતું, આમ કહે છે: ‘એ પૂરથી બધા લોકોને એક સરખી અસર થઈ. અમીર હોય કે ગરીબ બધા પર દુઃખ-તકલીફ આવ.’ આ આપણને ઈસુની ડહાપણભરી સલાહ યાદ અપાવે છે: “તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી.” (માથ. ૬:૨૦) માલમિલકત પર જીવન આધારિત રાખવાથી હંમેશાં નિરાશાઓ મળે છે, કેમ કે એ પલભરમાં નષ્ટ થઈ જાય છે. એટલે જ, આપણું જીવન યહોવા સાથેના સંબંધ પર આધારિત હશે તો, એ ડહાપણભર્યું કહેવાશે. ભલે ગમે તે થાય એ સંબંધ કાયમ ટકશે.—હિબ્રૂ ૧૩:૫, ૬ વાંચો.
હિંમત બતાવવાનાં કારણો
૧૪. હિંમત બતાવવાનાં આપણી પાસે કયાં કારણો છે?
૧૪ ઈસુએ કહ્યું કે પોતે સ્વર્ગમાં રાજા બનશે ત્યારે, ધરતી પર ઘણી મુશ્કેલીઓ આવશે. પણ તેમણે કહ્યું કે ‘ગભરાશો નહિ.’ (લુક ૨૧:૯) રાજા ઈસુ અને વિશ્વના સર્જનહાર યહોવા આપણી સાથે છે. એટલે, આપણી પાસે હિંમત બતાવવાનાં અનેક કારણો છે. તીમોથીને ઉત્તેજન આપતાં પાઊલે કહ્યું કે ‘ઈશ્વરે આપણને ભયનું નહિ, પણ સામર્થ્ય, પ્રેમ તથા સાવધ બુદ્ધિનું’ વલણ આપ્યું છે.—૨ તીમો. ૧:૭.
૧૫. ઈશ્વરભક્તોની શ્રદ્ધા બતાવતાં ઉદાહરણો આપો. આપણે કેવી રીતે તેઓના જેવી હિંમત બતાવી શકીએ?
૧૫ કેટલાક ઈશ્વરભક્તોએ પોતાની શ્રદ્ધા વિશે શું કહ્યું એની નોંધ કરો. દાઊદે કહ્યું: ‘યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે, અને મને સહાય મળી છે; માટે મારા હૃદયમાં અત્યાનંદ થાય છે.’ (ગીત. ૨૮:૭) પાઊલે અતૂટ શ્રદ્ધાથી આમ કહ્યું: ‘જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.’ (રોમ. ૮:૩૭) એવી જ રીતે, પોતાના મરણના અમુક સમય પહેલાં, ઈસુએ જે કહ્યું એનાથી લોકો જોઈ શક્યા કે ઈશ્વર સાથે તેમનો ગાઢ સંબંધ છે. તેમણે કહ્યું કે “હું એકલો નથી, કેમ કે બાપ મારી સાથે છે.” (યોહા. ૧૬:૩૨) ઈશ્વરભક્તોના આ શબ્દોમાંથી શું જોવા મળે છે? દરેકના શબ્દો બતાવે છે કે તેઓને યહોવામાં પૂરો ભરોસો હતો. તેઓની જેમ આપણે પણ યહોવામાં પૂરો ભરોસો કેળવીશું તો, જીવનની કોઈ પણ મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરી શકીશું.—ગીતશાસ્ત્ર ૪૬:૧-૩ વાંચો.
હિંમત વધારતી જોગવાઈનો લાભ લઈએ
૧૬. બાઇબલનો અભ્યાસ કરવો કેમ મહત્ત્વનું છે?
૧૬ આપણી હિંમત પોતા પર નહિ, પણ ઈશ્વરને વધારે ઓળખવા પર અને તેમનામાં ભરોસો રાખવા ઉપર આધારિત છે. બાઇબલનો અભ્યાસ કરીને આપણે એમ કરી શકીએ છીએ. ડિપ્રેશનથી પીડાતાં એક બહેનને ક્યાંથી મદદ મળી, એ વિશે તે આમ જણાવે છે: ‘દિલાસો આપતી બાઇબલની કલમો હું વારંવાર વાંચું છું.’ આપણને કુટુંબ તરીકે ભક્તિ કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું હતું. શું આપણે એનો લાભ લઈએ છીએ? આમ કરવાથી આપણે પણ ગીતશાસ્ત્રના એક લેખક જેવું વલણ કેળવી શકીશું. તે કહે છે કે ‘હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ એનું જ મનન કરું છું.’—ગીત. ૧૧૯:૯૭.
૧૭. (ક) કઈ જોગવાઈ આપણી હિંમત જાળવી રાખવા મદદ કરી શકે? (ખ) આપણા મૅગેઝિનમાં આવતા અનુભવોમાંથી તમને મદદ મળી હોય એ જણાવો.
૧૭ આપણી પાસે બાઇબલ આધારિત સાહિત્ય છે, જે યહોવામાં આપણી શ્રદ્ધા મજબૂત કરે છે. આપણા મૅગેઝિનમાં આવતા અનુભવોમાંથી ઘણાં ભાઈ-બહેનોને ઉત્તેજન મળ્યું છે. એશિયામાં રહેતી એક બહેનને બાયપોલર મૂડ ડિસઓર્ડર છે. તેમણે આપણા મૅગેઝિનમાં એ જ બીમારીથી પીડાતા એક ભાઈનો અનુભવ વાંચ્યો. એ ભાઈ પહેલાં મિશનરી સેવા આપતા હતા. તેમનો અનુભવ બહેનને ખૂબ ગમ્યો. બહેને લખ્યું, ‘તેમના અનુભવથી હું મારી મુશ્કેલીઓ વધુ સારી રીતે સમજી શકી અને એનાથી મને આશાનું કિરણ મળ્યું.’
૧૮. પ્રાર્થનાની જોગવાઈનો કેમ આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ?
૧૮ પ્રાર્થના આપણને કોઈ પણ સંજોગોમાં મદદ કરી શકે છે. પ્રેરિત પાઊલે પ્રાર્થનાનું મહત્ત્વ જણાવતા આમ કહ્યું: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિ. ૪:૬, ૭) શું આપણે તકલીફોનો હિંમતથી સામનો કરવા આ જોગવાઈનો પૂરો લાભ ઉઠાવીએ છીએ? બ્રિટનમાં રહેતા ઍલેક્સ નામના ભાઈ ઘણા વખતથી ડિપ્રેશનથી પીડાય છે. તે કહે છે કે ‘યહોવા સાથે પ્રાર્થનામાં વાત કરવી અને બાઇબલ દ્વારા તેમનું સાંભળવું એ જ મને જીવાડે છે.’
૧૯. સભાઓમાં જવા વિશે આપણને કેવું લાગવું જોઈએ?
૧૯ સભાઓમાં મળતી સંગત પણ એક મહત્ત્વની ગોઠવણ છે. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: ‘મારો જીવ યહોવાનાં આંગણાંની અભિલાષા રાખે છે અને તેમને માટે ક્ષીણ થાય છે.’ (ગીત. ૮૪:૨) શું આપણને પણ એવું જ લાગે છે? આપણે લાની વિશે આગળ જોઈ ગયા, તે ભાઈ-બહેનોની સંગત વિશે આમ જણાવે છે: ‘જો હું ચાહતી હોઉં કે યહોવા મને મુશ્કેલીઓ સહેવા મદદ કરે અને હું સભાઓમાં ન જઉં, તો એ કેમનું ચાલે!’
૨૦. પ્રચારમાં ભાગ લેવાથી આપણને કેવી રીતે મદદ મળે છે?
૨૦ પ્રચારમાં મંડ્યા રહેવાથી પણ હિંમત મળે છે. (૧ તીમો. ૪:૧૬) ઑસ્ટ્રેલિયામાં રહેતાં આપણાં એક બહેનને ઘણી સમસ્યાઓ છે. તે જણાવે છે: ‘મને પ્રચાર કરવાનું મન નહોતું થતું. પણ એક વડીલે મને તેમની સાથે પ્રચારમાં જવા કહ્યું અને હું ગઈ. પછી, જ્યારે પણ હું પ્રચારમાં ભાગ લેતી, ત્યારે મજા આવતી. ચોક્કસ યહોવા મને મદદ કરતા હતા.’ (નીતિ. ૧૬:૨૦) ઘણાને જોવા મળ્યું છે કે બીજાને યહોવા પર શ્રદ્ધા રાખવાનું શીખવતી વખતે, પોતાની શ્રદ્ધા પણ વધી છે. એમ કરવાથી, ભાઈ-બહેનો પોતાની સમસ્યાઓ પર નહિ, પણ મહત્ત્વની બાબતો પર ધ્યાન આપે છે.—ફિલિ. ૧:૧૦, ૧૧.
૨૧. આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીશું એની શું ખાતરી છે?
૨૧ આજે મુશ્કેલીઓ સામે ટકી રહેવા, યહોવાએ અનેક જોગવાઈ કરી છે. એ જોગવાઈઓનો પૂરો લાભ લેવાથી, વફાદાર ભક્તોના દાખલા પર મનન અને અનુકરણ કરવાથી, આપણે ચોક્કસ મુશ્કેલીઓનો સફળતાથી સામનો કરી શકીશું. આ દુષ્ટ દુનિયા ઝડપથી એનાં અંત તરફ જઈ રહી છે તેમ, નિરાશાજનક બનાવો બનશે, તોપણ આપણે પાઊલની જેમ કહી શકીશું કે ‘નીચે પટકાએલા છતાં, અમે નાશ પામ્યા નથી અને અમે નાહિંમત થતા નથી!’ (૨ કોરીં. ૪:૯, ૧૬) યહોવાની મદદ વડે આપણે પૂરી હિંમતથી આજની મુશ્કેલીઓ સામે ટકી શકીશું.—૨ કોરીંથી ૪:૧૭, ૧૮ વાંચો. (w12-E 10/15)
^ અમુક નામ બદલ્યાં છે.