સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા માફ કરે છે એનો તમારા માટે શું અર્થ રહેલો છે?

યહોવા માફ કરે છે એનો તમારા માટે શું અર્થ રહેલો છે?

‘યહોવા, દયાળુ તથા કૃપાળુ ઈશ્વર છે, મંદરોષી, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનારા છે.’—નિર્ગ. ૩૪:૬, ૭.

૧, ૨. (ક) ઈસ્રાએલીઓ માટે યહોવા કેવા ઈશ્વર સાબિત થયા? (ખ) આ લેખમાં કયા પ્રશ્નની ચર્ચા કરીશું?

 નહેમ્યાના દિવસોમાં અમુક લેવીઓએ, જાહેર પ્રાર્થનામાં સ્વીકાર્યું કે તેઓના બાપદાદાઓએ વારંવાર યહોવાની આજ્ઞાઓ ‘માની નહિ.’ તોપણ, વારંવાર યહોવાએ સાબિત કર્યું કે તે “ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, રહેમદિલ, મંદક્રોધી તથા પુષ્કળ દયાળુ ઈશ્વર” છે. નહેમ્યાના દિવસોમાં ગુલામીમાંથી પાછા ફરેલા ઈસ્રાએલીઓને, યહોવા અપાર કૃપા બતાવતા જ રહ્યા.—નહે. ૯:૧૬, ૧૭.

પોતાને પૂછી શકીએ કે ‘યહોવા માફ કરવા તૈયાર છે, એનો મારા માટે શું અર્થ થાય?’ આ મહત્ત્વના પ્રશ્નનો જવાબ મેળવવા, ચાલો વિચારીએ કે દાઊદ અને મનાશ્શે, આ બે રાજાઓને ઈશ્વરે કેવી રીતે માફ કર્યા. તેમ જ, યહોવાની માફીમાંથી તેઓએ કેવી રીતે લાભ મેળવ્યો.

દાઊદનાં ગંભીર પાપ

૩-૫. દાઊદે કયાં ગંભીર પાપ કર્યાં?

ઈશ્વરનો ડર રાખીને દાઊદ ચાલતા હતા. તોપણ, તેમણે ગંભીર પાપ કર્યાં. એમાં બે પાપનો સમાવેશ થાય છે. એક ઉરીયાહ સામે અને બીજું તેની પત્ની બાથ-શેબા સામે. એ પાપનાં દુઃખદ પરિણામો ત્રણેવને ભોગવવાં પડ્યાં હતાં. પણ, યહોવાએ જે રીતે દાઊદને સુધાર્યા, એ આપણને યહોવાના માફ કરવાના ગુણ વિશે શીખવે છે. ચાલો જોઈએ શું બન્યું હતું.

દાઊદે ઈસ્રાએલી લશ્કરને આમ્નોનના શહેર રાબ્બાહ પર ઘેરો નાખવા મોકલ્યું. એ શહેર યરુશાલેમથી ૮૦ કિલોમીટર પૂર્વમાં, યરદન નદીની પાર આવેલું હતું. એ દરમિયાન, યરુશાલેમમાં આવેલા મહેલના ધાબા પરથી દાઊદે પરિણીત સ્ત્રી, બાથ-શેબાને સ્નાન કરતા જોઈ. તેનો પતિ લશ્કર સાથે બીજે હતો. બાથ-શેબાને જોઈને દાઊદ એટલા બધા લલચાયા કે તેને પોતાના મહેલમાં મંગાવી અને તેની સાથે વ્યભિચાર કર્યો.—૨ શમૂ. ૧૧:૧-૪.

જ્યારે દાઊદને ખબર પડી કે બાથ-શેબા ગર્ભવતી થઈ છે, ત્યારે દાઊદે તેના પતિ ઉરીયાહને યરુશાલેમમાં પાછો બોલાવી લીધો. એ આશાથી કે તે બાથ-શેબા સાથે સંબંધ બાંધશે. પણ દાઊદના ઘણા પ્રયત્નો છતાં તે પોતાના ઘરે ગયો નહિ. એટલે રાજાએ ખાનગીમાં લશ્કરના સેનાપતિને પત્ર લખ્યો કે ઉરીયાહને ભીષણ ‘યુદ્ધમાં મોખરે રાખે’ અને બીજા સૈનિકોને તેની પાસેથી ખસી જવા કહે. દાઊદે જે રીતે યોજના કરી હતી એવું જ થયું. ઉરીયાહ આસાનીથી યુદ્ધમાં મરણ પામ્યો. (૨ શમૂ. ૧૧:૧૨-૧૭) રાજાએ વ્યભિચાર તો કર્યો જ, સાથે સાથે એક નિર્દોષ માણસનું ખૂન પણ કર્યું. આમ કરીને તેમણે પોતાનું પાપ વધારે ગંભીર બનાવ્યું.

દાઊદે પોતાનું વલણ બદલ્યું

૬. દાઊદે પાપ કર્યાં પછી યહોવાએ શું કર્યું? એમાંથી યહોવા વિશે આપણને શું શીખવા મળે છે?

જે બન્યું એ બધું જ યહોવાએ જોયું હતું. તેમનાથી કંઈ છૂપાઈ શકતું નથી. (નીતિ. ૧૫:૩) ખરું કે, પછીથી રાજાએ બાથ-શેબા સાથે લગ્‍ન કર્યા, ‘પણ દાઊદે જે કૃત્ય કર્યું હતું એ યહોવાની દૃષ્ટિમાં ખોટું હતું.’ (૨ શમૂ. ૧૧:૨૭) દાઊદનાં ગંભીર પાપ જોઈને, યહોવાએ શું કર્યું? તેમણે નાથાન પ્રબોધકને દાઊદ પાસે મોકલ્યા. યહોવા માફી આપનારા ઈશ્વર હોવાથી તેમણે એ પારખવા ચાહ્યું કે શાના આધારે દાઊદ પર દયા બતાવી શકાય. યહોવાની આ રીતથી શું તમને ઉત્તેજન નથી મળતું? તેમણે દાઊદને પોતાનાં પાપ કબૂલ કરવા દબાણ કર્યું નહિ. પણ નાથાનને રાજા પાસે મોકલ્યા, જેમણે વાર્તા દ્વારા જણાવ્યું કે દાઊદનાં પાપ કેટલાં ગંભીર છે. (૨ શમૂએલ ૧૨:૧-૪ વાંચો.) દાઊદની ખરી લાગણીઓ પારખવા યહોવાએ કેટલી સરસ રીત અપનાવી!

૭. નાથાને જણાવેલી વાર્તા સાંભળીને દાઊદે શું કર્યું?

રાજાને નાથાનની વાર્તામાં અન્યાય દેખાયો. વાર્તામાં જણાવેલા શ્રીમંત પર દાઊદને ક્રોધ આવ્યો અને તેમણે કહ્યું: “જીવતા યહોવાના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે.” પછી દાઊદે જણાવ્યું કે જે વ્યક્તિ સાથે અન્યાય થયો, તેને ખોટનો બદલો વાળી આપવો જોઈએ. પછી નાથાને જણાવ્યું કે “તું જ તે માણસ છે.” આ સાંભળીને રાજા ચોંકી ગયા! દાઊદને પછી કહેવામાં આવ્યું કે તેમનાં પાપને લીધે “તલવાર” તેમના ઘરમાંથી કદી દૂર થશે નહિ. તેમના કુટુંબ પર આફત આવી પડશે. તેમ જ, જાહેરમાં અપમાન સહેવું પડશે. દાઊદ પોતાનાં પાપની ગંભીરતા સમજ્યા અને તેમણે શોક કરીને પસ્તાવો કરતા કહ્યું, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.”—૨ શમૂ. ૧૨:૫-૧૪.

દાઊદની પ્રાર્થના અને ઈશ્વરની માફી

૮, ૯. ગીતશાસ્ત્ર ૫૧ કેવી રીતે દાઊદની લાગણીઓ બતાવે છે? એ આપણને યહોવા વિશે શું શીખવે છે?

દાઊદે રચેલું ગીત તેમનો દિલનો પસ્તાવો દર્શાવે છે. ગીતશાસ્ત્ર ૫૧માં સ્પષ્ટ દેખાઈ આવે છે કે દાઊદે યહોવાની આગળ પોતાનું દિલ ઠાલવીને આજીજી કરી હતી. એમાં તેમણે પોતાની ભૂલો સ્વીકારી એટલું જ નહિ, પાપનો પસ્તાવો પણ કર્યો. દાઊદ માટે યહોવા સાથેનો તેમનો સંબંધ વધારે મહત્ત્વનો હતો. તેમણે કબૂલ્યું: “તમારી વિરુદ્ધ, હા, તમારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે.” તેમણે યહોવાને આજીજી કરી કે “હે ઈશ્વર, મારામાં નવું અને શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કરો. વળી મારામાં નિર્મળ વિચારો અને પવિત્ર ઇચ્છાઓ આપો. તમારા તારણનો હર્ષ મને પાછો આપો અને તમારી આધીનતામાં જીવવાની ઇચ્છા મારામાં પ્રદિપ્ત કરો.” (ગીત. ૫૧:૧-૪, ૭-૧૨, IBSI) જ્યારે તમે યહોવાને પોતાની ભૂલો જણાવો છો, ત્યારે શું દાઊદની જેમ ખરા દિલથી અને પ્રમાણિકતાથી બધું જ કહો છો?

દાઊદનાં પાપથી ઊભાં થયેલાં દુઃખદ પરિણામોને યહોવાએ દૂર ન કર્યાં. એની અસર દાઊદના બાકીના જીવન પર થઈ. તોપણ, દાઊદે ‘રાંક અને નમ્ર હૃદયના’ બનીને પસ્તાવો કર્યો, એટલે યહોવાએ તેમને માફ કર્યા. (ગીતશાસ્ત્ર ૩૨:૫ વાંચો; ગીત. ૫૧:૧૭) મહાન ઈશ્વર બહુ સારી રીતે સમજે છે કે કઈ લાગણીઓ અને કારણોને લીધે વ્યક્તિએ પાપ કર્યું છે. મુસાના નિયમ પ્રમાણે ન્યાયાધીશો વ્યભિચારીઓને મોતની સજા કરતા. પણ યહોવાએ જાણે વચ્ચે પડીને દાઊદ અને બાથ-શેબા પર દયા બતાવી અને જીવતાં રાખ્યાં. (પુન. ૨૨:૨૨) ઈશ્વરે તેઓના દીકરા સુલેમાનને ઈસ્રાએલના રાજા બનાવ્યા.—૧ કાળ. ૨૨:૯, ૧૦.

૧૦. (ક) યહોવાએ કયાં કારણને લીધે દાઊદને માફ કર્યા હોઈ શકે? (ખ) યહોવા શાના આધારે આપણા પાપ માફ કરે છે?

૧૦ યહોવાએ દાઊદને માફ કર્યા એનું બીજું કારણ એ હોઈ શકે કે દાઊદે શાઊલ પર દયા બતાવી હતી. (૧ શમૂ. ૨૪:૪-૭) ઈસુએ સમજાવ્યું તેમ, આપણે બીજાઓ સાથે જે રીતે વર્તીએ છીએ, એવી રીતે યહોવા આપણી સાથે વર્તશે. ઈસુએ કહ્યું હતું કે “તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે; અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી અપાશે.” (માથ. ૭:૧, ૨) એ જાણીને કેટલી રાહત મળે છે કે યહોવા આપણાં પાપ માફ કરે છે, ભલે એ વ્યભિચાર કે ખૂન જેવાં ગંભીર પાપ કેમ ન હોય! જો આપણે માફ કરવાનું વલણ રાખીશું, પોતાનાં પાપ કબૂલ કરીશું અને યહોવાની નજરે પાપ જોઈને પોતાનું વલણ બદલીશું, તો જ તે આપણને માફ કરશે. પાપી વ્યક્તિ દિલથી પસ્તાવો કરે છે ત્યારે, તેને યહોવા પાસેથી ‘તાજગી’ મળે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯ વાંચો.

મનાશ્શેએ ગંભીર પાપ કર્યાં પણ પછીથી પસ્તાવો કર્યો

૧૧. મનાશ્શેએ કઈ રીતે યહોવાની નજરે જે ભૂંડું હતું એ કર્યું?

૧૧ બાઇબલના બીજા એક ઉદાહરણનો વિચાર કરો. એ બતાવે છે કે યહોવા કઈ હદ સુધી માફી આપે છે. દાઊદે રાજ કરવાનું શરૂ કર્યું એનાં ૩૬૦ વર્ષ પછી, મનાશ્શે યહુદાહના રાજા બન્યા. તેમનાં ૫૫ વર્ષનાં રાજ દરમિયાન, તેમણે કરેલી દુષ્ટતા અને ધિક્કારજનક કામોને લીધે તે જાણીતા હતા. એનાથી તેમણે યહોવાની કૃપા ગુમાવી હતી. તેમણે બઆલને માટે વેદીઓ બનાવી. “આકાશના તારામંડળને” ભજીને તેઓની સેવા કરી. અગ્‍નિમાં પોતાનાં બાળકોને ચલાવ્યાં અને મેલીવિદ્યા કરવા ઉત્તેજન આપ્યું. આમ, તેમણે ‘ધિક્કારપાત્ર કૃત્યો કરીને યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું એ કર્યું.’—૨ કાળ. ૩૩:૧-૬.

૧૨. મનાશ્શે યહોવા પાસે કેવી રીતે પાછા ફર્યા?

૧૨ સમય જતાં, મનાશ્શેને તેમના દેશમાંથી લઈ જઈને બાબેલમાં કેદ કરવામાં આવ્યા. મુસાએ ઈસ્રાએલીઓને કહેલા આ શબ્દો, કદાચ તેમને ત્યાં યાદ આવ્યા હશે: ‘જ્યારે તું સંકટમાં હોય, ને આ સર્વ વિપત્તિઓ તારા પર આવી પડી હોય, ત્યારે આખરે તું યહોવા તારા ઈશ્વરની તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશે.’ (પુન. ૪:૩૦) મનાશ્શે યહોવા પાસે પાછા ફર્યા. કેવી રીતે? તે ‘અતિશય દીન થઈ ગયા’ અને ઈશ્વરને “કાલાવાલા” કરવામાં લાગુ રહ્યા (પાન ૨૩ પર બતાવ્યું છે તેમ). (૨ કાળ. ૩૩:૧૨, ૧૩) મનાશ્શેએ પ્રાર્થનાઓમાં કેવા શબ્દો વાપર્યા હતા એનો આપણી પાસે કોઈ અહેવાલ નથી. પણ આપણે કલ્પી શકીએ કે ગીતશાસ્ત્ર ૫૧માં દાઊદે જેવા શબ્દો વાપર્યા હતા, એવા જ હોઈ શકે. ગમે એ હોય, પણ એ ખરું છે કે મનાશ્શેનું હૃદય પરિવર્તન થયું હતું.

૧૩. યહોવાએ મનાશ્શેને કેમ માફ કર્યા?

૧૩ મનાશ્શેની પ્રાર્થનાઓ સાંભળી યહોવાએ શું કર્યું? ‘તેમણે મનાશ્શેની આજીજી માન્ય કરીને તેમની વિનંતિ સાંભળી.’ દાઊદની જેમ મનાશ્શેને પણ પોતાનાં પાપની ગંભીરતા સમજાઈ અને ખરો પસ્તાવો કર્યો. એટલે જ યહોવાએ મનાશ્શેને માફ કર્યા અને ફરીથી યરુશાલેમની રાજગાદી પર બેસાડ્યા. આમ, “મનાશ્શેએ જાણ્યું કે યહોવા તે જ ઈશ્વર છે.” (૨ કાળ. ૩૩:૧૩) આ ઉદાહરણમાંથી કેટલો દિલાસો મળે છે કે દિલથી પસ્તાવો કરનારને, પ્રેમાળ ઈશ્વર માફ કરવા તૈયાર છે!

શું યહોવા હંમેશાં માફ કરે છે?

૧૪. પાપ કરનારને યહોવા માફ કરશે કે કેમ, એ શાના પરથી નક્કી થાય છે?

૧૪ આજે બહુ ઓછા ઈશ્વરભક્તોએ દાઊદ અને મનાશ્શેની જેમ ગંભીર પાપ કર્યાં છે, જેની તેઓએ માફી માંગવી પડે છે. યહોવાએ એ બે રાજાઓને માફ કર્યા હતા, એમાંથી આપણને એ સમજાય છે કે જો વ્યક્તિ દિલથી પસ્તાવો કરે, તો યહોવા ગંભીર પાપ પણ માફ કરવા તૈયાર છે.

૧૫. આપણે કેવી રીતે કહી શકીએ કે યહોવા હંમેશાં બધાનાં પાપ માફ નથી કરતા?

૧૫ ખરું કે આપણે ચોક્કસ એમ કહી ન શકીએ કે યહોવા હંમેશાં બધાનાં પાપ માફ કરે છે. એ સમજવા ચાલો આપણે દાઊદ અને મનાશ્શેના વલણ સાથે, ઈસ્રાએલ અને યહુદાહના બંડખોર લોકોનું વલણ સરખાવીએ. ઈશ્વરે નાથાનને દાઊદ પાસે મોકલીને તેમનું વર્તન સુધારવા તક આપી. દાઊદે ખુશીથી એનો લાભ લીધો. મનાશ્શેના કિસ્સામાં જ્યારે તે આકરી પરિસ્થિતિમાં આવી પડ્યા ત્યારે, તેમણે દિલથી પસ્તાવો કર્યો. જ્યારે કે ઈસ્રાએલ અને યહુદાહના રહેવાસીઓએ મોટાભાગે પસ્તાવો કર્યો નહિ. એટલે, યહોવાએ તેઓને માફ કર્યા નહિ. પ્રબોધકોને મોકલીને યહોવાએ વારંવાર તેઓનાં ખોટાં કામો વિશે પોતાના વિચારો જણાવ્યા. (નહેમ્યા ૯:૩૦ વાંચો.) અરે, બાબેલોનની ગુલામીમાંથી પાછા ફર્યા પછી પણ, યહોવાએ તેઓ માટે એઝરા યાજક અને માલાખી પ્રબોધક જેવા વિશ્વાસુ ભક્તો ઊભા કર્યા. જ્યારે એ લોકો યહોવાની ઇચ્છા પ્રમાણે કરતા, ત્યારે તેઓને આનંદ થતો.—નહે. ૧૨:૪૩-૪૭.

૧૬. (ક) મૂળ ઈસ્રાએલે પસ્તાવો ન કર્યો એનાથી તેઓએ કયાં પરિણામો ભોગવવાં પડ્યાં? (ખ) પ્રાચીન ઈસ્રાએલના વંશમાંથી આવતી કોઈ પણ વ્યક્તિ માટે કઈ તક રહેલી છે?

૧૬ ઈસુને પૃથ્વી પર સંપૂર્ણ બલિદાન આપવા મોકલ્યા બાદ, ઈસ્રાએલીઓએ ચઢાવેલાં બલિદાનો યહોવાએ સ્વીકારવાનું બંધ કર્યું. (૧ યોહા. ૪:૯, ૧૦) ઈસુ ધરતી પર હતા ત્યારે, તેમણે યહોવા પિતાની લાગણી બતાવતા કહ્યું: “ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ?” તેથી, ઈસુએ જાહેર કર્યું કે ‘જુઓ, તમારું ઘર ઉજ્જડ મૂકાયું છે,’ એટલે કે ત્યજી દેવાયું છે. (માથ. ૨૩:૩૭, ૩૮) પસ્તાવો ન કરનાર પાપી ઈસ્રાએલની જગ્યા “ઈશ્વરના ઈસ્રાએલે” લીધી. (માથ. ૨૧:૪૩; ગલા. ૬:૧૬) શું પ્રાચીન ઈસ્રાએલના વંશમાંથી આવતી કોઈ પણ વ્યક્તિને પાપની માફી મળી શકે છે? હા, મળી શકે છે. ઈસુના બલિદાનમાં અને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા બતાવીને તેઓ લાભ મેળવી શકે છે. એવા લોકોને પણ એમાંથી લાભ મેળવવાની તક મળશે, જેઓએ મરણ પહેલાં પાપનો પસ્તાવો કર્યો ન હતો. નવી દુનિયામાં એવા ઘણા લોકોને સજીવન કરવામાં આવશે.—યોહા. ૫:૨૮, ૨૯; પ્રે.કૃ. ૨૪:૧૫.

યહોવાની માફીથી લાભ મેળવો

૧૭, ૧૮. યહોવાની માફી મેળવવા શું કરીશું?

૧૭ યહોવા માફ કરવા તૈયાર છે, તો આપણે લાભ મેળવવા શું કરવું જોઈએ? દાઊદ અને મનાશ્શેની જેમ પાપનો પસ્તાવો કરવો જોઈએ. સ્વીકારવું જોઈએ કે આપણે પાપી છીએ અને યહોવાની પાસે માફી માંગવા કાલાવાલા કરવા જોઈએ. તેમ જ, આપણામાં શુદ્ધ હૃદય કેળવવા યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. (ગીત. ૫૧:૧૦) જો આપણે ગંભીર પાપ કર્યું હોય તો વડીલોની મદદ પણ માંગવી જોઈએ. (યાકૂ. ૫:૧૪, ૧૫) ભલે આપણાં પાપ કેટલાં પણ ગંભીર હોય, યહોવા કેવા છે એ જાણીને ઘણો દિલાસો મળે છે. તે “દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર; હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર” છે. યહોવા જરાય બદલાયા નથી.—નિર્ગ. ૩૪:૬, ૭.

૧૮ પસ્તાવો કરનારા ઈસ્રાએલીઓને યહોવાએ જોરદાર સરખામણી વાપરીને, વચન આપ્યું કે તેઓનાં “લાલ” રંગ જેવા પાપ પણ “હિમ” જેવા સફેદ કરી નાખશે. (યશાયા ૧:૧૮ વાંચો.) તો પછી, યહોવાની માફીનો આપણા માટે શું અર્થ થાય? જો આપણે ઈશ્વરનો આભાર માનીશું અને દિલથી પસ્તાવો કરીશું, તો આપણા પાપ અને ભૂલો પૂરેપૂરી રીતે માફ થશે.

૧૯. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૯ લોકોને માફ કરવા યહોવા તૈયાર છે. તો આપણે પણ કેવી રીતે તેમની જેમ બીજાઓને માફ કરનારા બની શકીએ? કોઈ વ્યક્તિએ ગંભીર પાપ કર્યું હોય, પણ પછીથી ખરો પસ્તાવો કરે તો, તેને ખુશીથી માફ કરવા આપણને શું મદદ કરશે? હવે પછીનો લેખ આપણને પોતાનું દિલ તપાસવા મદદ કરશે, જેથી યહોવા પિતા જેવા બની શકીએ, જે “ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છે.”—ગીત. ૮૬:૫. (w12-E 11/15)