સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની નજરે તમે વિશ્વાસુ કારભારી છો!

ઈશ્વરની નજરે તમે વિશ્વાસુ કારભારી છો!

“તમે પોતાના નથી.”—૧ કોરીં. ૬:૧૯.

૧. ગુલામી વિશે દુનિયામાં કેવા વિચારો સામાન્ય છે?

 લગભગ ૨,૫૦૦ વર્ષ પહેલાં એક ગ્રીક લેખકે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને ગુલામ કે દાસ બનવું પસંદ નથી. ઘણા એની સાથે સહમત થશે. ગુલામીની વાત આવે ત્યારે મનમાં કદાચ આવું ચિત્ર ખડું થાય: લોકો પર જુલમ થતો હોય, બેડીઓથી બાંધેલા હોય. તેઓની મહેનતનું ફળ, તેઓને નહિ પણ તેઓ પર જુલમ કરનારને મળે.

૨, ૩. (ક) જેઓ રાજીખુશીથી ખ્રિસ્તના ચાકર કે સેવકો બન્યા છે, તેઓ કઈ જવાબદારીનો આનંદ માણે છે? (ખ) આપણે કારભારી વિશે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?

ઈસુએ જણાવ્યું હતું કે તેમના બધા શિષ્યો નમ્ર સેવકો કે દાસ હશે. પણ દાસ તરીકે તેઓ સાથે કદી અપમાન કે જુલમથી વ્યવહાર કરવામાં આવતો નથી. તેઓને તો માન, ભરોસો અને આદર મળે છે. ઈસુએ પોતાના મરણ પહેલાં એક ‘ચાકર’ વિશે જે કહ્યું એનો વિચાર કરો. ખ્રિસ્તે જણાવ્યું હતું કે તે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ને કામ સોંપશે.—માથ. ૨૪:૪૫-૪૭.

લુકે એ જ અહેવાલ નોંધ્યો ત્યારે, નોંધ કરો કે તેમણે ‘ચાકરʼને બદલે “કારભારી” શબ્દ વાપર્યો. (લુક ૧૨:૪૨-૪૪ વાંચો.) આજે મોટા ભાગના વિશ્વાસુ ખ્રિસ્તીઓ, એ વિશ્વાસુ કારભારી વર્ગના સભ્યો નથી. તોપણ, બાઇબલ બતાવે છે કે જેઓ યહોવાની ભક્તિ કરે છે, તેઓ બધા કારભારી છે. તેઓની કઈ જવાબદારીઓ છે? એ જવાબદારીઓ વિશે આપણને કેવું લાગવું જોઈએ? એ સમજવા ચાલો એ જોઈએ કે બાઇબલના સમયમાં કારભારી શું કરતા.

કારભારી—તેઓની જવાબદારી

૪, ૫. બાઇબલના સમયના કારભારીઓ પાસે કઈ જવાબદારીઓ હતી? ઉદાહરણ આપો.

બાઇબલના સમયમાં કારભારી એક વિશ્વાસુ ચાકર ગણાતો. તેનું કામ માલિકનાં ઘર કે વેપાર-ધંધાની દેખરેખ રાખવાનું હતું. કારભારી પાસે ઘણી સત્તા હતી. તેણે માલિકનાં ઘર-કુટુંબની, પૈસા અને બીજા સેવકોની સારસંભાળ રાખવાની હતી. ઈબ્રાહીમના ચાકર અલીએઝેરના કિસ્સામાં પણ એવું જ હતું. તેમણે ઈબ્રાહીમની બધી સંપત્તિની દેખભાળ રાખવાની હતી. ઈબ્રાહીમે પોતાના દીકરા ઇસ્હાક માટે પત્ની શોધવા, કદાચ અલીએઝેરને મેસોપોટેમિયા મોકલ્યા હતા. એ ઘણી મોટી જવાબદારી હતી!—ઉત. ૧૩:૨; ૧૫:૨; ૨૪:૨-૪.

ઈબ્રાહીમના પ્રપોત્ર યુસફ, પોટીફારના ઘરની દેખરેખ રાખતા. (ઉત. ૩૯:૧, ૨, ૪) સમય જતાં, યુસફે પણ કારભારી રાખ્યો. તે ‘યુસફના ઘરની’ સંભાળ રાખતો. તે કારભારીએ યુસફના દસ ભાઈઓની પરોણાગત કરી હતી. યુસફ ચાંદીના પ્યાલાથી પોતાના ભાઈઓની કસોટી કરવા માંગતા હતા. એમાં તેમના કારભારીએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ બતાવે છે કે માલિકો પોતાના કારભારી પર ઘણો ભરોસો કરતા.—ઉત. ૪૩:૧૯-૨૫; ૪૪:૧-૧૨.

૬. વડીલોને કઈ અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે?

સદીઓ પછી, પ્રેરિત પાઊલે લખ્યું કે વડીલો ‘ઈશ્વરના કારભારી’ છે. (તીત. ૧:૭) તેઓને ‘ઈશ્વરનાં ટોળાંની’ દેખભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મંડળને જરૂરી માર્ગદર્શન આપે છે અને આગેવાની લે છે. (૧ પીત. ૫:૧, ૨) ખરું કે બધા વડીલોની જવાબદારીઓ અલગ અલગ હોય છે. જેમ કે, મોટા ભાગના વડીલો કોઈ એક મંડળમાં જવાબદારી ઉપાડે છે. પ્રવાસી નિરીક્ષકો ઘણાં મંડળોની દેખરેખ રાખે છે. જ્યારે કે શાખા સમિતિના ભાઈઓ, તેઓની દેખરેખ હેઠળના દેશોમાં આવેલા મંડળોની સંભાળ રાખે છે. તોપણ, બધા વડીલો પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ પોતાની જવાબદારી વિશ્વાસુ રહીને ઉપાડે. કેમ કે તેઓએ ઈશ્વરને ‘હિસાબ આપવાનો’ છે.—હિબ્રૂ ૧૩:૧૭.

૭. બધા જ ખ્રિસ્તીઓ કારભારી છે, એવું આપણે કેવી રીતે કહી શકીએ?

તો પછી, જેઓ વડીલો નથી એવા વિશ્વાસુ ખ્રિસ્તીઓ વિશે શું? પ્રેરિત પીતરે બધા જ ખ્રિસ્તીઓને લખેલા પત્રમાં જણાવ્યું કે “દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.” (૧ પીત. ૧:૧; ૪:૧૦) ઈશ્વરે આપણા પર અપાર કૃપા બતાવીને આપણને અનેક દાન, ક્ષમતાઓ અને આવડતો આપ્યાં છે. એ વાપરીને આપણે ભાઈ-બહેનોને મદદ કરી શકીએ છીએ. તેથી, યહોવાની ભક્તિ કરનારા બધા જ કારભારી છે. એને લીધે આપણને આદર-માન, ભરોસો અને જવાબદારીઓ મળે છે.

આપણે ઈશ્વરના છીએ

૮. આપણે કયો મહત્ત્વનો સિદ્ધાંત યાદ રાખવો જોઈએ?

આપણે બધા કારભારીએ છીએ, તો ચાલો યાદ રાખવા જેવા ત્રણ સિદ્ધાંતો તપાસીએ. પહેલો સિદ્ધાંત: આપણે બધા ઈશ્વરના છીએ અને આપણે તેમને હિસાબ આપવો પડશે. પાઊલે લખ્યું: ‘તમે પોતાના નથી; કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે.’ (૧ કોરીં. ૬:૧૯, ૨૦) આપણે યહોવાના હોવાથી, આપણી ફરજ છે કે તેમની આજ્ઞાઓ પાળીએ અને તેમની આજ્ઞાઓ ભારે પણ નથી. (રોમ. ૧૪:૮; ૧ યોહા. ૫:૩) તેમ જ, આપણે ઈસુ ખ્રિસ્તના દાસ બન્યા છીએ. પહેલાંના સમયના કારભારીની જેમ, આપણને ઘણી સ્વતંત્રતા આપવામાં આવી છે. પણ આપણી આઝાદીની એક હદ છે. આપણને જેમ કહેવામાં આવે છે તેમ જવાબદારીઓ ઉપાડીએ. આપણે યહોવાની ભક્તિમાં ભલેને કોઈ પણ લહાવાનો આનંદ કેમ ન માણતા હોઈએ, આપણે યહોવાના અને ઈસુ ખ્રિસ્તના સેવકો જ છીએ.

૯. માલિક અને ચાકરનો સંબંધ સમજાવવા ઈસુએ કયું ઉદાહરણ વાપર્યું?

ઈસુ આપણને માલિક અને ચાકર વચ્ચેના સંબંધને સમજવા મદદ કરે છે. એક વાર, તેમણે શિષ્યો સાથે વાત કરતા, ચાકરનું ઉદાહરણ વાપર્યું કે જે આખો દિવસ કામ કર્યા પછી ઘરે પાછો આવ્યો હતો. શું તેનો માલિક એમ કહેશે કે “આવીને તરત જમવા બેસ”? ના. પણ કહે છે: ‘મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને પછી તું ખાજેપીજે.’ આ ઉદાહરણથી ઈસુ પોતાના શિષ્યોને શું શીખવવા માંગતા હતા? તે જણાવે છે: “જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું, કે અમે નકામા ચાકરો છીએ; કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.”—લુક ૧૭:૭-૧૦.

૧૦. શું બતાવે છે કે યહોવા આપણા પ્રયત્નોની કદર કરે છે?

૧૦ યહોવાની ભક્તિમાં આપણે જેટલું કરીએ છીએ, એની તે કદર કરે છે. બાઇબલ આપણને ખાતરી આપે છે કે ‘ઈશ્વર તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, એને તે વિસરે એવા અન્યાયી નથી.’ (હિબ્રૂ ૬:૧૦) યહોવા આપણા ગજા બહારની અપેક્ષા રાખતા નથી. વધુમાં, તે આપણને જે કંઈ કરવાનું કહે એ આપણા ભલા માટે હોય છે. તેમની આજ્ઞાઓ બોજરૂપ નથી. ઈસુએ આપેલા ઉદાહરણમાં જોઈ ગયા તેમ, ચાકર પોતાનો સ્વાર્થ સંતોષવા મનમાની કરતો નથી. બીજા શબ્દોમાં, આપણે યહોવાને જીવન સમર્પિત કરીએ છીએ ત્યારે, તેમની મરજી પ્રમાણે જીવવાનું વચન આપીએ છીએ. ખરુંને!

યહોવા આપણી પાસેથી કેવી અપેક્ષા રાખે છે

૧૧, ૧૨. કારભારી તરીકે આપણે કયો ગુણ બતાવવાનો છે અને શાનાથી દૂર રહેવાનું છે?

૧૧ બીજો સિદ્ધાંત: કારભારી તરીકે આપણે બધાએ એક ધોરણ પ્રમાણે જીવવું જોઈએ. ખરું કે યહોવાની સંસ્થામાં અમુક જવાબદારીઓ થોડા ભાઈઓને જ આપવામાં આવે છે. તેમ છતાં, મોટા ભાગની જવાબદારીઓ બધાને સરખી છે. દાખલા તરીકે, આપણે યહોવાના સાક્ષીઓ અને ઈસુના શિષ્યો હોવાથી, સંપીને એકબીજાને પ્રેમ બતાવીએ છીએ. ઈસુએ જણાવ્યું હતું કે સાચા ખ્રિસ્તીઓની ઓળખ પ્રેમ છે. (યોહા. ૧૩:૩૫) આપણો પ્રેમ ભાઈ-બહેનો પૂરતો જ નથી. જેઓ યહોવાને ભજતા નથી તેઓને પણ પ્રેમ બતાવવા પ્રયત્નો કરીએ છીએ. આપણે દરેક એ કરી શકીએ છીએ અને કરવું જોઈએ.

૧૨ આપણી પાસે સારાં વાણી-વર્તનની પણ અપેક્ષા રાખવામાં આવે છે. આપણે એવાં વાણી-વર્તન અને જીવનશૈલીથી દૂર રહેવું જોઈએ, જેને બાઇબલ ધિક્કારે છે. પાઊલે લખ્યું: ‘વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, સજાતીય સંબંધ રાખનારાઓ, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ (૧ કોરીં. ૬:૯, ૧૦) ખરું કે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવું ઘણા પ્રયત્નો માંગી લે છે. તોપણ, એવા પ્રયત્નો વ્યર્થ નથી, એનાથી ઘણા લાભ થાય છે. જેમ કે, સારી જીવનશૈલીથી સારી તંદુરસ્તી રહે છે, બીજાઓ સાથે સારો સંબંધ જળવાઈ રહે છે. તેમ જ, યહોવા સાથે મિત્રતા પાકી બને છે.—યશાયા ૪૮:૧૭, ૧૮ વાંચો.

૧૩, ૧૪. આપણને કઈ જવાબદારી સોંપવામાં આવી છે અને એ વિશે કેવું લાગવું જોઈએ?

૧૩ આપણે આગળ જોઈ ગયા તેમ કારભારી પાસે ઘણું કામ હતું. એવી જ રીતે, આપણી પાસે પણ ઘણું કામ છે. ઈશ્વરે આપણને સત્ય જણાવ્યું છે, એ એક અમૂલ્ય ભેટ છે. ઈશ્વર આપણી પાસેથી અપેક્ષા રાખે છે કે એ સત્ય વિશે બીજાઓને પણ જણાવીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) પાઊલે લખ્યું: ‘દરેક વ્યક્તિ આપણને ખ્રિસ્તના સેવકો તથા ઈશ્વરના મર્મોના કારભારીઓ ગણે.’ (૧ કોરીં. ૪:૧) પાઊલ જાણતા હતા કે તેમની પાસે “ઈશ્વરના મર્મો,” એટલે કે બાઇબલનું સત્ય છે અને બીજાને એ શીખવવાની તેમની જવાબદારી છે. તેમના માલિક ઈસુ પણ પાઊલ પાસેથી એવી જ અપેક્ષા રાખતા હતા.—૧ કોરીં. ૯:૧૬.

૧૪ સત્ય શીખવીને આપણે બીજાઓને પ્રેમ બતાવીએ છીએ. ખરું કે આપણા બધાના સંજોગો એકસરખા નથી. આપણે બધા પ્રચારમાં એકસરખું કરી શકતા નથી. યહોવા એ સારી રીતે સમજે છે. પણ મહત્ત્વનું એ છે કે આપણે પોતાનાથી બનતું બધું જ કરીએ. આમ, યહોવા અને લોકોને નિઃસ્વાર્થ પ્રેમ બતાવી શકીશું.

વિશ્વાસુ રહેવું કેમ મહત્ત્વનું છે?

૧૫-૧૭. (ક) કારભારી વિશ્વાસુ રહે એ કેમ મહત્ત્વનું છે? (ખ) વફાદાર નહિ રહેવાના ખરાબ પરિણામો વિશે ઈસુએ કયું ઉદાહરણ આપ્યું?

૧૫ ત્રીજો સિદ્ધાંત પણ આગળના બે સિદ્ધાંતો સાથે જોડાયેલો છે: આપણે વફાદાર અને ભરોસાપાત્ર હોવા જ જોઈએ. ભલેને કારભારી પાસે સારા ગુણો અને આવડતો હોય, પણ જો તે બેદરકાર કે બેવફા હોય, તો માલિક માટે તેના સારા ગુણો પણ કંઈ કામના નહિ રહે. સારા અને સફળ કારભારી બનવા માટે વફાદારીનો ગુણ બહુ મહત્ત્વનો છે. આપણને યાદ હશે કે પાઊલે લખ્યું હતું: “દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે.”—૧ કોરીં. ૪:૨.

૧૬ આપણે વિશ્વાસુ રહીશું તો ઈશ્વરના આશીર્વાદો મેળવીશું. પણ વિશ્વાસુ નહિ રહીએ તો એ ગુમાવીશું. આ સિદ્ધાંત ઈસુએ આપેલા તાલંતના ઉદાહરણમાં સાફ જોવા મળે છે. જે વફાદાર ચાકરોએ માલિકના પૈસાથી ‘વેપાર કર્યો,’ તેઓને ઘણી શાબાશી અને આશીર્વાદો મળ્યા. માલિકે આપેલી જવાબદારી પ્રમાણે, જે ચાકરે નહોતું કર્યું, તેને ‘ભૂંડો,’ “આળસુ” અને ‘નકામો’ કહેવામાં આવ્યો. તેને આપેલું તાલંત પાછું લઈ લેવામાં આવ્યું અને તેને કાઢી મૂકવામાં આવ્યો.—માથ્થી ૨૫:૧૪-૧૮, ૨૩, ૨૬, ૨૮-૩૦ વાંચો.

૧૭ બીજા એક પ્રસંગે ઈસુએ ધ્યાન દોર્યું કે વફાદાર નહિ રહેવાના કેવાં ખરાબ પરિણામો આવે છે. તેમણે કહ્યું: ‘એક શ્રીમંત માણસ હતો. તેની પાસે એક કારભારી હતો. તેના પર તહોમત મૂકવામાં આવ્યું કે તે મિલકત ઉડાવી દે છે. માલિકે તેને બોલાવીને પૂછ્યું કે “તારે વિશે હું જે સાંભળું છું તે શું છે? તારા કારભારનો હિસાબ આપ, કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.”’ (લુક ૧૬:૧, ૨) કારભારીએ માલિકની સંપત્તિ ઉડાવી દીધી, એટલે માલિકે તેને કાઢી મૂકવાનું નક્કી કર્યું. આપણા માટે કેટલો જોરદાર બોધ! યહોવા આપણી પાસેથી જે અપેક્ષા રાખે છે, એમાં આપણે કદી અવિશ્વાસુ થવા નહિ ચાહીએ.

શું બીજાઓ સાથે પોતાની સરખામણી કરવી જોઈએ?

૧૮. બીજાઓ સાથે પોતાને કેમ સરખાવવા ન જોઈએ?

૧૮ દરેકે પોતાને પૂછવું જોઈએ કે ‘હું કેવો કારભારી છું?’ બીજાઓ સાથે પોતાની સરખામણી કરવી સારું નહિ કહેવાય. બાઇબલ આપણને સલાહ આપે છે: ‘દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિશે નહિ, પણ કેવળ પોતાને વિશે ગર્વ કરવાનું કારણ મળશે.’ (ગલા. ૬:૪) બીજાઓ યહોવાની ભક્તિમાં કેટલું કરી શકે છે, એના પર ધ્યાન આપવાને બદલે, એ જોઈએ કે આપણે કેટલું કરી શકીએ છીએ. એમ કરીશું તો આપણે અભિમાનથી ફૂલાઈ નહિ જઈએ. અરે નિરાશ પણ નહિ થઈએ. એ પણ યાદ રાખવું જોઈએ કે સંજોગો હંમેશાં બદલાતા રહે છે. જેમ કે, નબળી તંદુરસ્તી, વધતી ઉંમર અથવા ઘણી જવાબદારીઓને લીધે, કદાચ પહેલાં જેટલું ન કરી શકીએ. અથવા બની શકે કે હાલમાં, પહેલાંના કરતાં વધારે કરી શકતા હોઈએ. જો એમ હોય તો કેમ નહિ કે વધારે કરીએ?

૧૯. જો અમુક જવાબદારીઓ ન મળે, તો કેમ નારાજ થવું ન જોઈએ?

૧૯ આપણે એનો પણ વિચાર કરવો જોઈએ કે આપણી પાસે કઈ જવાબદારીઓ છે અથવા કેવી જવાબદારીની દિલથી તમન્‍ના રાખીએ છીએ. દાખલા તરીકે, કદાચ એક ભાઈને મંડળમાં વડીલ તરીકે સેવા આપવાનું મન થતું હોય અથવા સંમેલનોમાં ટૉક આપવા ચાહતા હોય. ખરું કે એ લહાવાઓ મેળવવા સખત પ્રયત્ન કરવા એ સારું કહેવાય. પણ, આપણે ધારતા હોઈએ ત્યારે એ ન મળે તો, નારાજ ન થવું જોઈએ. એમ થવાનાં કારણો કદાચ સહેલાઈથી ન સમજાય, કેમ કે અમુક લહાવા કદાચ આપણા ધારેલા સમય કરતાં મોડા મળે છે. યાદ કરો કે મુસાને લાગતું હતું કે તે મિસરમાંથી ઈસ્રાએલીઓને છોડાવવા માટે તૈયાર છે. પરંતુ, તેમણે એ માટે ૪૦ વર્ષ રાહ જોવી પડી. એનાથી તેમને જરૂરી ગુણો કેળવવા માટે પૂરતો સમય મળ્યો, જેથી તે હઠીલા અને બંડખોર લોકોને દોરી શકે.—પ્રે.કૃ. ૭:૨૨-૨૫, ૩૦-૩૪.

૨૦. યોનાથાનના ઉદાહરણમાંથી શું શીખવા મળે છે?

૨૦ બની શકે, આપણને કોઈ વાર અમુક લહાવો મળે જ નહિ. યોનાથાન સાથે પણ એવું જ થયું હતું. તે શાઊલના દીકરા હતા અને ઈસ્રાએલના રાજા બની શક્યા હોત. યોનાથાન કરતાં દાઊદ ઘણા નાના હતા, તોપણ ઈશ્વરે દાઊદને રાજા બનવા પસંદ કર્યા. એનાથી યોનાથાનને કેવું લાગ્યું? તેમણે એ ખુશીથી સ્વીકાર્યું અને પોતાનું જીવન જોખમમાં નાખીને પણ દાઊદને સાથ આપ્યો. તેમણે દાઊદને કહ્યું: ‘તું ઈસ્રાએલનો રાજા થશે, ને હું તારાથી બીજે દરજ્જે હોઈશ; અને એ તો મારા પિતા શાઊલ પણ જાણે છે.’ (૧ શમૂ. ૨૩:૧૭) આમાંથી આપણને શું શીખવા મળે છે? યોનાથાને પોતાનું સ્થાન સ્વીકાર્યું અને પોતાના પિતાની જેમ દાઊદની ઈર્ષા ન કરી. બીજાઓને મળેલા લહાવા પ્રત્યે ઈર્ષા કરવાને બદલે, આપણે બધાએ પોતાની જવાબદારીઓ ઉપાડવા પર ધ્યાન આપવું જોઈએ. આપણે ભરોસો રાખી શકીએ કે નવી દુનિયામાં યહોવા એ ધ્યાન રાખશે કે તેમના ભક્તોની યોગ્ય ઇચ્છાઓ પૂરી થાય.

૨૧. સોંપેલા કારભાર વિશે આપણને કેવું લાગવું જોઈએ?

૨૧ યાદ રાખીએ કે આપણે ઈશ્વરના કારભારી છીએ. કોઈ ગુલામ જેવા નથી, જેના પર માલિક જુલમ ગુજારતો હોય. પણ યહોવાને આપણા પર ભરોસો છે. તેમણે આપણને મહત્ત્વનું કામ સોંપીને સન્માન બતાવ્યું છે. એ કામ આ છેલ્લા સમયમાં લોકોને ખુશખબર જણાવવાનું છે. એ કામ ફરીથી ક્યારેય થશે નહિ. આપણને સોંપેલી જવાબદારીઓ ઉપાડવામાં યહોવા ઘણી છૂટ આપે છે. તેથી ચાલો વિશ્વાસુ કારભારી બનીએ. આખા વિશ્વમાં સૌથી મહાન યહોવા ઈશ્વરને ભજવાના લહાવાને મૂલ્યવાન ગણીએ! (w12-E 12/15)