સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવનમાં ખરી સફળતા શોધો

જીવનમાં ખરી સફળતા શોધો

‘તું તારો માર્ગ સફળ કરશે.’—યહો. ૧:૮.

૧, ૨. (ક) લોકોના મને સફળતા શું છે? (ખ) તમારા મને સફળતા શું છે એ કેવી રીતે પારખી શકો?

 જીવનમાં સફળ થવાનો શું અર્થ થાય? લોકોને આ પ્રશ્ન પૂછશો તો, તમને અલગ અલગ જવાબ મળશે. જેમ કે, ઘણા લોકો કહેશે કે તેમના મને સફળતા એટલે આર્થિક રીતે, નોકરી-ધંધા પર કે ઉચ્ચ શિક્ષણમાં આગવું સ્થાન હાંસલ કરવું. તો બીજાઓ માટે કુટુંબીજનો, મિત્રો અથવા સાથી કામદારો જોડે કેવા સંબંધો છે એના પર સફળતા આધારિત છે. જ્યારે કે ઈશ્વરભક્તો કદાચ મંડળની અમુક જવાબદારીઓ કે પ્રચારમાં મેળવેલાં સારાં ફળોને સફળતા ગણશે.

તમારા મને સફળતા શું છે એ જાણવા કદાચ તમે એવા લોકોનાં નામ લખી શકો, જેઓને તમે સફળ ગણો છે. એટલે કે જેઓ માટે તમને ખૂબ જ માન અને આદર છે. એ લોકોમાં કઈ એક ખૂબી સામાન્ય છે? શું તેઓ અમીર કે પ્રખ્યાત છે? શું તેઓ આગળ પડતા લોકો છે? આ પ્રશ્નોના જવાબ સારી રીતે બતાવશે કે તમારા દિલમાં શું છે અને તમારી પસંદગી અને ધ્યેયો પર એની ઊંડી અસર પડશે.—લુક ૬:૪૫.

૩. (ક) સફળ થવા યહોશુઆએ શું કરવાનું હતું? (ખ) આપણે હવે શાની ચર્ચા કરીશું?

વધારે મહત્ત્વનું એ છે કે યહોવા આપણને સફળ ગણે છે કે નહિ. કેમ કે, આપણું જીવન તેમની કૃપા પર આધારિત છે. યહોવાએ ઈસ્રાએલીઓને વચનના દેશમાં લઈ જવાની ભારે જવાબદારી યહોશુઆને આપી હતી. ત્યારે યહોવાએ તેમને કહ્યું કે મુસાના નિયમમાંથી “દિવસરાત” વાંચવું અને એમાંની આજ્ઞાઓ કાળજીપૂર્વક પાળવી. ઈશ્વરે તેમને ખાતરી આપતા કહ્યું: ‘ત્યારે જ તારો માર્ગ સફળ થશે.’ (યહો. ૧:૭, ૮) આપણે જાણીએ છીએ કે યહોશુઆ સફળ થયા હતા. આપણા વિશે શું? આપણે કેવી રીતે પારખી શકીએ કે સફળતા માટેના આપણા વિચારો, યહોવાના વિચારો જેવા જ છે? એ સમજવા ચાલો બાઇબલમાં જણાવેલા બે ઈશ્વરભક્તોના જીવન પર નજર કરીએ.

શું રાજા સુલેમાન જીવનમાં સફળ હતા?

૪. સુલેમાન સફળ હતા એવું કેમ કહી શકાય?

સુલેમાન ઘણી રીતે ખૂબ જ સફળ હતા. શા માટે? ઘણાં વર્ષો સુધી તેમણે યહોવાનો ભય રાખ્યો અને તેમની આજ્ઞાઓ પાળી. એટલે યહોવાએ તેમને ઘણા આશીર્વાદો આપ્યા. યાદ કરો જ્યારે યહોવાએ સુલેમાનને માંગવા કહ્યું, ત્યારે તેમણે ડહાપણ માંગ્યું, જેથી તે પ્રજાને દોરી શકે. એટલે ઈશ્વરે તેમને ડહાપણ અને ધનસંપત્તિથી આશીર્વાદિત કર્યા. (૧ રાજાઓ ૩:૧૦-૧૪ વાંચો.) તેમનું જ્ઞાન ‘પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાનથી અધિક હતું.’ તેમની “કીર્તિ આસપાસની સર્વ પ્રજાઓમાં પ્રસરેલી હતી.” (૧ રાજા. ૪:૩૦, ૩૧) તેમની વાર્ષિક આવકમાં ફક્ત સોનું જ આશરે ૨૨,૦૦૦ કિલો જેટલું હતું. (૨ કાળ. ૯:૧૩) તે રાજનીતિ, બાંધકામ અને વેપારમાં ઘણા હોશિયાર હતા. જ્યાં સુધી સુલેમાન ઈશ્વરને વળગી રહ્યા, ત્યાં સુધી તે સફળ સાબિત થયા.—૨ કાળ. ૯:૨૨-૨૪.

૫. સફળ લોકો વિશે સુલેમાનને કયો અહેસાસ થયો?

સુલેમાને સભાશિક્ષકના પુસ્તકમાં જે લખ્યું એ બતાવે છે કે તેમણે એમ માનવાની ભૂલ કરી નહોતી કે ધનદોલત અને નામના મેળવનારને જ સફળતા અને આનંદ મળે છે. તેમણે લખ્યું: ‘હું જાણું છું કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો અને ભલું કરવું, એ કરતાં તેઓને વાસ્તે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. વળી, દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું દાન છે.’ (સભા. ૩:૧૨, ૧૩) તેમને અહેસાસ થયો કે ઈશ્વર સાથે વ્યક્તિનો સારો સંબંધ હોય ત્યારે જ, તે એ બધાનો ખરો આનંદ માણી શકે છે. સુલેમાને ખરું જ કહ્યું: “વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.”—સભા. ૧૨:૧૩.

૬. ખરી સફળતા પારખવા સુલેમાનનું ઉદાહરણ કેવી રીતે મદદ કરે છે?

વર્ષો સુધી સુલેમાન ઈશ્વરનો ભય રાખીને ચાલ્યા. બાઇબલ જણાવે છે કે તે ‘પોતાના પિતા દાઊદના વિધિઓ પ્રમાણે ચાલીને, યહોવા પર પ્રીતિ રાખતા હતા.’ (૧ રાજા. ૩:૩) શું તમે એને ખરી સફળતા નહિ ગણો? ઈશ્વરના માર્ગદર્શનથી સુલેમાને સાચી ભક્તિ માટે ભવ્ય મંદિર બાંધ્યું અને બાઇબલનાં ત્રણ પુસ્તકો પણ લખ્યાં. કદાચ આપણે સુલેમાન જેવું કરવાની અપેક્ષા નથી રાખતા. તે ઈશ્વરને વફાદાર રહ્યા ત્યાં સુધીનું તેમનું ઉદાહરણ, આપણને ખરી સફળતા પારખવા અને એને પામવા મદદ કરે છે. ઘણા લોકો માટે આજે ધનસંપત્તિ, જ્ઞાન, માનમોભો અને સત્તા એ જ સફળતાની ચાવી છે. પણ યાદ રાખો કે ઈશ્વરની પ્રેરણાથી સુલેમાને લખ્યું હતું કે એ બધું વ્યર્થ છે. એવી બાબતો ખરેખર “પવનમાં બાચકા ભરવા” જેવી છે. તમે જોયું હશે કે પૈસાના લોભીઓ વધારે પૈસા ભેગા કરવા અથાક પ્રયત્નો કરે છે. તેમ જ, તેમની પાસે જે ધનદોલત છે, એની ચિંતા કરતા રહે છે. આખરે તો એક દિવસે તેઓની સંપત્તિ બીજાઓના હાથમાં જતી રહેશે.—સભાશિક્ષક ૨:૮-૧૧, ૧૭; ૫:૧૦-૧૨ વાંચો.

૭, ૮. ઈશ્વરને વફાદાર રહેવામાં સુલેમાન કેવી રીતે નિષ્ફળ ગયા અને એનું શું પરિણામ આવ્યું?

આપણે એ પણ જાણીએ છીએ કે સુલેમાન સમય જતાં યહોવાને વફાદાર ન રહ્યા અને તેમના માર્ગથી ભટકી ગયા. બાઇબલ જણાવે છે: ‘સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેમની પત્નીઓએ તેમનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું અને તેમનું હૃદય તેમના પિતા દાઊદના હૃદયની જેમ યહોવા ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ ન હતું. સુલેમાને યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.’—૧ રાજા. ૧૧:૪-૬.

સાચે જ યહોવા દુઃખી થયા અને સુલેમાનને કહ્યું: “તેં આ કૃત્ય કર્યું છે, ને મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તને ફરમાવ્યા હતા તે તેં પાળ્યા નથી, માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તારા ચાકરને તે આપીશ.” (૧ રાજા. ૧૧:૧૧) કેટલા અફસોસની વાત! ખરું કે સુલેમાન ઘણી રીતે સફળ હતા, પણ સમય જતાં તેમણે યહોવાને નારાજ કર્યા. ઈશ્વરને વફાદાર રહેવું એ જીવનમાં સૌથી મહત્ત્વનું છે, એમાં જ સુલેમાન નિષ્ફળ ગયા. દરેકે પોતાને પૂછવું જોઈએ કે ‘સફળ થવા માટે શું હું સુલેમાનના દાખલામાંથી મળેલા બોધપાઠને ઉપયોગમાં લઈશ?’

ખરેખરું સફળ જીવન

૯. દુનિયાની નજરે શું પાઊલ સફળ હતા? સમજાવો.

પ્રેરિત પાઊલનું જીવન સુલેમાન રાજાથી સાવ અલગ હતું. પાઊલ પાસે ન તો હાથીદાંતનું સિંહાસન હતું, ન તો તે રાજાઓ સાથે મિજબાનીઓ માણતા. એને બદલે, તેમણે તો ભૂખ, તરસ, ઠંડી અને વસ્ત્રોની અછત સહી હતી. (૨ કોરીં. ૧૧:૨૪-૨૭) ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા પછી, યહુદી ધર્મમાંથી તેમને કોઈ માન મળતું નહિ. એને બદલે, યહુદી ધર્મગુરુઓ તેમને નફરત કરવા લાગ્યા. અરે તેમને કેદમાં પૂરવામાં આવ્યા. તેમણે કોરડા, સોટી અને પથ્થરનો માર પણ ખાધો. પાઊલે કબૂલ્યું કે તેમને અને સાથી ખ્રિસ્તીઓને નિંદા, ત્રાસ અને અપમાન સહેવા પડ્યાં હતાં. તેમણે લખ્યું: “અમે હજી સુધી જગતના કચરા સરખા તથા સર્વના મેલ જેવા છીએ.”—૧ કોરીં. ૪:૧૧-૧૩.

૧૦. કેમ એવું લાગી શકે કે પાઊલે સફળ થવાની તક જતી કરી?

૧૦ પહેલાં શાઊલ તરીકે ઓળખાતા પ્રેરિત પાઊલ, યુવાન હતા ત્યારે, તેમના માટે આગળ વધવાની ઘણી તક હતી. કદાચ તેમનો જન્મ આગળ પડતા કુટુંબમાં થયો હતો. તે પ્રખ્યાત શિક્ષક ગમાલિયેલના હાથ નીચે ભણ્યા હતા. તેમણે પછીથી લખ્યું: ‘હું મારી ઉંમરના ઘણા ભાઈઓ કરતાં યહુદી ધર્મમાં વધારે પ્રવીણ હતો.’ (ગલા. ૧:૧૪) પાઊલ હિબ્રૂ અને ગ્રીક ભાષામાં કુશળ હતા. રોમના નાગરિક હોવાને લીધે તેમને એવા ઘણા હક્ક અને લહાવા મળતા, જેની લોકો ઇચ્છા રાખતા. જો તેમણે દુન્યવી નજરે સફળતા મેળવવા ચાહી હોત, તો ચોક્કસ પ્રખ્યાત થઈ શક્યા હોત. તેમ જ પૈસેટકે સદ્ધર થયા હોત. તેમ છતાં તેમણે એવી રાહ પસંદ કરી, જે તેમના કુટુંબને અને બીજાઓને પણ મૂર્ખતા લાગી હતી. પાઊલે એમ શા માટે કર્યું?

૧૧. પાઊલ માટે શું કીમતી હતું અને તેમનો ધ્યેય શું હતો? એનું કારણ શું હતું?

૧૧ પાઊલે દુનિયામાં ધનદોલત અને નામના મેળવવા કરતાં, યહોવાની કૃપા મેળવવાનું વધારે ચાહ્યું, કેમ કે તે યહોવાને પ્રેમ કરતા હતા. પાઊલ સત્યનું ખરું જ્ઞાન મેળવીને, ઈસુના બલિદાન, ખુશખબરનો પ્રચાર અને સ્વર્ગીય જીવનની આશાને કીમતી ગણવા લાગ્યા, જેને દુનિયા અવગણે છે. શેતાને મનુષ્યો પર જે આરોપ મૂક્યો હતો એ પાઊલ કદાચ જાણતા હતા. શેતાને કહ્યું હતું કે તે કોઈ પણ મનુષ્યને ઈશ્વરની ભક્તિ કરતા રોકી શકે છે. પાઊલને ખબર હતી કે શેતાનને જૂઠો સાબિત કરવામાં તે પણ ભાગ ભજવી શકે છે. (અયૂ. ૧:૯-૧૧; ૨:૩-૫) પાઊલ પર ભલે ગમે એ મુસીબતો આવી, તોપણ તે ઈશ્વરની ભક્તિ કરવામાં મક્કમ રહ્યા. સફળ થવા માંગતા મોટા ભાગના દુન્યવી લોકોમાં આ ધ્યેય હોતો નથી.

૧૨. તમે કેમ ઈશ્વર પર ભરોસો રાખવાનું પસંદ કર્યું છે?

૧૨ શું તમે પણ પાઊલની જેમ યહોવાની ભક્તિ કરવામાં મક્કમ છો? ખરું કે ઈશ્વરને વફાદાર રહેવું હંમેશાં સહેલું નથી. પણ જો એમ કરીશું તો તેમના આશીર્વાદો અને કૃપા જરૂર પામીશું. એનાથી જ વ્યક્તિને ખરી સફળતા મળે છે. (નીતિ. ૧૦:૨૨) આપણને આજે અને ભવિષ્યમાં પણ ઘણા આશીર્વાદો મળશે. (માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો.) તેથી, આપણી પાસે હરેક કારણ છે કે ‘દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ ઈશ્વર આપણા આનંદ માટે ઉદારતાથી સર્વ આપે છે,’ એમાં ભરોસો રાખીએ. આપણે એવી ‘સંપત્તિનો સંગ્રહ કરીએ,’ જે “ભવિષ્ય માટે” એવો ‘સારો પાયો બને,’ જેનાથી ‘ખરેખરા જીવન’ પર મજબૂત પકડ મેળવી શકીએ. (૧ તીમો. ૬:૧૭-૧૯) સૌ વર્ષ, હજાર વર્ષ અરે એથીયે વધારે વર્ષો પછી પણ, જ્યારે પાછળ વળીને જોઈશું તો, દિલથી કહી શકીશું કે ‘મેં સાચે જ સફળ થવાનો ખરો માર્ગ પસંદ કર્યો હતો!’

તમારી સંપત્તિ ક્યાં છે?

૧૩. ઈસુએ સંપત્તિ વિશે કઈ સલાહ આપી?

૧૩ ઈસુએ સંપત્તિ વિશે કહ્યું હતું: ‘પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને માટે સ્વર્ગમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.’—માથ. ૬:૧૯-૨૧.

૧૪. દુન્યવી સંપત્તિ ભેગી કરવામાં કેમ સમજદારી નથી?

૧૪ વ્યક્તિની પૃથ્વી પરની સંપત્તિમાં ફક્ત પૈસા નહિ, બીજી બાબતોનો પણ સમાવેશ થાય છે. સુલેમાનના જણાવ્યા પ્રમાણે એમાં માનમોભો, ખ્યાતિ કે સત્તા પણ હોઈ શકે, જેને લોકો મહત્ત્વની ગણે છે. સુલેમાને સભાશિક્ષકના પુસ્તકમાં જે મુદ્દો જણાવ્યો, એવો જ ઈસુએ પણ જણાવ્યો. એ જ કે દુન્યવી સંપત્તિ કાયમ ટકતી નથી. કદાચ આપણે પણ જોયું હશે કે સંપત્તિ નાશ થઈ જાય છે, આસાનીથી ખોવાઈ જાય છે. પ્રોફેસર એફ. ડેલ બર્નર સંપત્તિ વિશે લખે છે: “બધા જ જાણે છે કે પ્રતિષ્ઠા પલ-બે-પલ રહે છે. ગયા શનિવારનો હીરો આવતા દિવસોમાં ભૂલાઈ જશે. આ વર્ષની આર્થિક સફળતા આવતા વર્ષે ખોટમાં જશે. . . . [ઈસુને] મનુષ્ય પર પ્રેમ છે. એટલે તે લોકોને અરજ કરે છે કે પલ-બે-પલની નામના મેળવવાનું ટાળો, કેમ કે એ નકામી ચિંતા લાવે છે. એ નામના વધારે ટકતી નથી અને એ નિરાશા લાવે છે. ઈસુ એવું ચાહતા નથી કે [તેમના] શિષ્યો નિરાશ થાય.” ખરું કે મોટા ભાગના લોકો આ વિચાર સાથે સહમત થશે. પરંતુ કેટલા લોકો એ જાણીને સફળ થવા માટે પોતાનું વલણ બદલશે? શું તમે બદલશો?

૧૫. આપણે કેવી સફળતા મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ?

૧૫ અમુક ધાર્મિક ગુરુઓ એવું શીખવે છે કે સફળ થવાના પ્રયત્નો કરવા એ ખોટું છે અને એવા બધા પ્રયત્નો ટાળવા જોઈએ. પણ નોંધ કરો કે ઈસુ એવા પ્રયત્નને ખોટા ગણાવતા નથી. પણ તેમણે પોતાના શિષ્યોને ‘સ્વર્ગમાં દ્રવ્ય એકઠું’ કરવા શિખામણ આપી, કેમ કે એ નાશ પામતું નથી. આપણી પ્રથમ ઇચ્છા યહોવાની નજરે સફળ થવાની હોવી જોઈએ. ઈસુના શબ્દો યાદ અપાવે છે કે આપણે શાની પાછળ મંડ્યા રહીશું એ પસંદ કરવું આપણા હાથમાં છે. હકીકતમાં આપણા દિલમાં જે છે અને જેને આપણે મહત્ત્વનું ગણીએ છીએ, એને જ મેળવવાનો પ્રયત્ન કરીશું.

૧૬. આપણે શાની ખાતરી રાખી શકીએ?

૧૬ જો આપણે યહોવાને ખુશ કરવાનું પસંદ કરીશું અને એ માટે મહેનત કરીશું, તો ખાતરી રાખી શકીએ કે તે આપણી જરૂરિયાતો પૂરી પાડશે. કદાચ આપણે પણ પ્રેરિત પાઊલની જેમ કોઈ વાર ભૂખ્યા-તરસ્યા રહેવું પડે. (૧ કોરીં. ૪:૧૧) આપણે ઈસુની આ સલાહમાં પૂરો ભરોસો રાખી શકીએ: ‘અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ બધી બાબતો વિદેશીઓ શોધે છે; કેમ કે તમારા સ્વર્ગમાંના પિતા જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધી બાબતો પણ તમને અપાશે.’—માથ. ૬:૩૧-૩૩.

ઈશ્વરની નજરમાં સફળ થાઓ

૧૭, ૧૮. (ક) ખરી સફળતા શાના પર આધારિત છે? (ખ) ખરી સફળતા શાના પર આધારિત નથી?

૧૭ હકીકત એ છે કે દુન્યવી નજરે મળેલી ખ્યાતિ કે હોદ્દો એ ખરી સફળતા નથી. તેમ જ, મંડળમાં મળેલી જવાબદારીઓથી ખરી સફળતા માપી શકાય નહિ. એવા આશીર્વાદો શાના આધારે મળે છે? ઈશ્વરના કહેવા પ્રમાણે કરવાથી અને તેમને વફાદાર રહેવાથી. તે કહે છે: “વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે.” (૧ કોરીં. ૪:૨) આપણે વિશ્વાસુ રહેવા સખત પ્રયત્નો કરવા જોઈએ. ઈસુએ કહ્યું: “મારા નામને માટે સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.” (માથ. ૧૦:૨૨) જ્યારે ઈશ્વરના વફાદાર ભક્તોનું તારણ થશે, ત્યારે તેઓ ખરેખર સફળ થયા છે એમ સાબિત થશે!

૧૮ આપણે આગળ જોઈ ગયા તેમ, ઈશ્વરને વફાદાર રહેવું એ પ્રતિષ્ઠા, શિક્ષણ, આર્થિક સમૃદ્ધિ કે સામાજિક હોદ્દા પર આધારિત નથી. તેમ જ, બુદ્ધિ, આવડત કે ક્ષમતા પર પણ આધારિત નથી. આપણે ભલે ગમે એવી પરિસ્થિતિમાં હોઈએ તોપણ, ઈશ્વરને વફાદાર રહી શકીએ છીએ. પહેલી સદીમાં અમુક ઈશ્વરભક્તો અમીર હતા અને કેટલાક ગરીબ હતા. અમીર ભક્તોને પાઊલે સલાહ આપી કે “તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે, અને ઉદાર તથા પરોપકારી થાય.” ભલે અમીર હોય કે ગરીબ બધા ભક્તો ‘ખરેખરા જીવન’ પર મજબૂત પકડ મેળવી શકે છે. (૧ તીમો. ૬:૧૭-૧૯) આજે પણ એ ખરું છે. આપણને બધાને એકસરખી તક અને જવાબદારી મળી છે. એ જ કે આપણે વિશ્વાસુ રહીએ અને ‘ઉત્તમ કામો’ કરીએ. જો આપણે એમ કરીશું તો ઈશ્વરની નજરમાં સફળ બનીશું. તેમ જ, એ જાણીને ખુશી મળશે કે આપણે ઈશ્વરને આનંદ પમાડીએ છીએ.—નીતિ. ૨૭:૧૧.

૧૯. સફળ થવા તમે શું કરશો?

૧૯ કદાચ તમે સંજોગોને મુઠ્ઠીમાં નહિ રાખી શકો, પણ એમાં કેવી રીતે વર્તશો એ તમારા હાથમાં છે. કોઈ પણ પરિસ્થિતિમાં ઈશ્વરને વફાદાર રહેવા સખત પ્રયત્નો કરો. એ કદી વ્યર્થ નહિ જાય. ભરોસો રાખો કે યહોવા હમણાં અને કાયમ માટે પુષ્કળ આશીર્વાદો આપશે. અભિષિક્ત ખ્રિસ્તીઓને કહેલા ઈસુના શબ્દો હંમેશાં યાદ રાખજો: “તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.” (પ્રકટી. ૨:૧૦) સાચે જ, હંમેશ માટેનું જીવન મેળવવું એ જ ખરી સફળતા છે! (w12-E 12/15)