સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુદરતી આપત્તિઓ—ઈશ્વર ક્રૂર છે એની સાબિતી?

કુદરતી આપત્તિઓ—ઈશ્વર ક્રૂર છે એની સાબિતી?

અમુક લોકો શું કહે છે: “ઈશ્વર દુનિયા પર રાજ કરે છે, એટલે તે કુદરતી આપત્તિઓ લાવે છે; માટે તે ચોક્કસ ક્રૂર છે.”

બાઇબલ શું કહે છે: “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) આ “દુષ્ટ” કોણ છે? બાઇબલ તેને શેતાન તરીકે ઓળખાવે છે. (માથ્થી ૧૩:૧૯; માર્ક ૪:૧૫) કદાચ એ માનવું અઘરું લાગે, પણ જરા વિચાર કરો: આ દુનિયા પર જો શેતાન સત્તા ચલાવતો હોય, તો તે માણસોને પોતાની જેમ સ્વાર્થી, લોભી અને દૂરનું ન વિચારનારા બનવા પ્રેરે છે. એટલે જ આપણે જોઈ શકીએ છીએ કે માણસોએ પૃથ્વી પર પર્યાવરણની બરાબર સંભાળ રાખી નથી. ઘણા નિષ્ણાતો જણાવે છે કે પર્યાવરણની યોગ્ય જાળવણી થતી ન હોવાથી આપણે કુદરતી આપત્તિઓ નોતરી લઈએ છીએ, અથવા એ વધારે બગાડીએ છીએ કે પછી માણસો વધારે લાચાર હાલતમાં આવી જાય છે.

તો પછી, ઈશ્વરે શા માટે શેતાનને દુનિયા પર પોતાનો પ્રભાવ જમાવવા દીધો? એનો જવાબ માનવ ઇતિહાસની શરૂઆતમાં મળે છે. આપણા પ્રથમ માબાપે વિશ્વના શાસક ઈશ્વર સામે બંડ પોકાર્યું હતું. ત્યારથી મોટા ભાગના લોકો એમ જ કરતા આવ્યા છે. પોતાની મરજીથી ઈશ્વરની સત્તાને તરછોડી હોવાથી, દુનિયાના લોકો ઈશ્વરના દુશ્મન શેતાનના હાથમાં આવી પડ્યા. ઈસુએ એટલે જ શેતાનને “જગતનો અધિકારી” કે શાસક કહ્યો. (યોહાન ૧૪:૩૦) શું શેતાન હંમેશાં રાજ કરતો રહેશે? ના!

યહોવા * ઈશ્વર કઠોર નથી કે શેતાને ફેલાવેલા દુઃખ-દર્દની તેમને કંઈ પડી ન હોય. હકીકતમાં, માણસોના દુઃખ-દર્દ જોઈને ઈશ્વર ખૂબ દુઃખી થાય છે. ઉદાહરણ તરીકે, ઈસ્રાએલના લોકો કપરા સમયમાં આવી પડ્યા ત્યારે ઈશ્વરને કેવું લાગ્યું, એ વિશે બાઇબલ જણાવે છે: “તેમનાં સર્વ દુઃખમાં તે દુઃખી થયો.” (યશાયા ૬૩:૯) ઈશ્વરે દયા બતાવીને શેતાનની ક્રૂર સત્તાને મિટાવી દેવાની ગોઠવણ કરી છે, એ પણ જલદી જ! તેમણે પોતાના દીકરા ઈસુને હંમેશ માટે રાજા તરીકે નિયુક્ત કર્યા છે, જે ભલાઈ અને ન્યાયથી રાજ કરશે.

તમને એ કેવી રીતે અસર કરે છે: ભલે શેતાનની સત્તા કુદરતી આપત્તિઓથી લોકોને બચાવવામાં નિષ્ફળ ગઈ હોય, ઈસુનું રાજ જરૂર બચાવશે. એક વાર ઈસુએ પોતાના શિષ્યોને ભારે વાવાઝોડાંથી બચાવવા પગલાં ભર્યાં હતાં. બાઇબલ જણાવે છે: ‘તેણે પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, કે છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ.’ એટલે શિષ્યોએ કહ્યું: “આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?” (માર્ક ૪:૩૭-૪૧) આ પ્રસંગ આપણને ભરોસો અપાવે છે કે ઈસુ તેમના રાજમાં સર્વ ઈશ્વરભક્તોનું રક્ષણ કરશે.​—દાનીયેલ ૭:૧૩, ૧૪. (w13-E 05/01)

^ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ “યહોવા” છે.