પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
મારે મરવું ન હતું!
-
જન્મ: ૧૯૬૪
-
દેશ: ઇંગ્લૅન્ડ
-
ભૂતકાળ: ખોટા રવાડે ચડેલી તરુણ માતા
મારા વિશે
મારો જન્મ પેડીંગટન શહેરમાં થયો હતો, જે લંડનનો ખીચોખીચ વસ્તીવાળો વિસ્તાર છે. હું મારી મમ્મી અને ત્રણ મોટી બહેનો સાથે રહેતી હતી. મારા પપ્પાને દારૂની લત હતી, એટલે તે ભાગ્યે જ ઘરે આવતા. તેમને અમારી કંઈ પડી ન હતી.
હું નાની હતી ત્યારે, મમ્મીએ શીખવ્યું હતું કે રોજ રાતે પ્રાર્થના કરવી જોઈએ. મારી પાસે એક નાનું બાઇબલ હતું, જેમાં ફક્ત ગીતશાસ્ત્રનું પુસ્તક હતું. મેં અમુક સૂર બનાવ્યા હતા, જેથી એને ગીતોની જેમ ગાઈ શકું. એક ચોપડીમાં મેં એક વાક્ય વાંચ્યું હતું: “એક દિવસ એવો આવશે, જેની આવતીકાલ નહિ હોય.” એ મારા દિલોદિમાગ પર છપાઈ ગયું હતું. એ શબ્દોને લીધે મારી રાતોની ઊંઘ ઊડી ગઈ હતી. આખી રાત હું ભવિષ્ય વિશે વિચારતી રહેતી. મને થતું: ‘જીવનનો ખરેખર કંઈક હેતુ તો હશે. હું શા માટે અહીં છું?’ મારે મરવું ન હતું!
મેલીવિદ્યા વિશે જાણવા મારા મનમાં ઉત્સુકતા જાગી. હું ગુજરી ગયેલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી; સ્કૂલના મિત્રો સાથે કબ્રસ્તાન જતી અને મિત્રો સાથે ભૂતપ્રેતની ફિલ્મો જોતી. એ બધું રોમાંચક હોવાની સાથે સાથે ડરામણું હતું.
હું દસ વર્ષની થઈ ત્યારથી જ ખોટા રવાડે ચડી ગઈ. મેં ધૂમ્રપાન કરવાનું શરૂ કર્યું અને જલદી જ એની બંધાણી બની ગઈ. પછીથી, મેં ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. ૧૧ વર્ષની થઈ ત્યાં સુધીમાં તો મેં દારૂ પીવાના અખતરા શરૂ કર્યા. મને દારૂનો સ્વાદ ન ગમતો, છતાં એનો નશો અનેરી મજા આપતો. મને નાચ-ગાનનો શોખ હતો. પાર્ટીઓમાં અને નાઈટ ક્લબમાં જવાનો હું એક મોકો ન છોડતી. હું ચોરી-છૂપે રાતે ઘરમાંથી સરકી જતી અને સવાર થતા પહેલાં પાછી આવી જતી. બીજા દિવસે એટલી થાકેલી હોતી કે સ્કૂલમાંથી ગાપચી મારતી. અને સ્કૂલે જઉં તોપણ, બે પીરિયડની વચ્ચે દારૂના ઘૂંટ ભરી લેતી.
એ બધાને લીધે, સ્કૂલના છેલ્લા વર્ષમાં મારા બહુ ઓછા માર્ક્સ આવ્યા. જોકે, ત્યાં સુધી મમ્મીને ખ્યાલ ન હતો કે, હું ખોટા રવાડે ચઢી ગઈ છું. મારું અસલી રૂપ સામે આવ્યું ત્યારે, તે ખૂબ ગુસ્સે થઈ અને નારાજ થઈ ગઈ. અમારી વચ્ચે મોટી તકરાર થઈ અને હું ઘર છોડીને જતી રહી. અમુક સમય સુધી હું મારા બોયફ્રેન્ડ, ટોની સાથે રહી. તે ખૂબ જ આક્રમક સ્વભાવનો હતો. તેનું કામ લૂંટફાટ કરવાનું અને ડ્રગ્સ વેચવાનું હતું. થોડા જ સમયમાં હું ગર્ભવતી થઈ અને ફક્ત ૧૬ વર્ષની ઉંમરે મેં અમારા દીકરાને જન્મ આપ્યો.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું
યહોવાના સાક્ષીઓને પહેલી વાર મળી ત્યારે, હું એક હોસ્ટેલમાં રહેતી હતી, જ્યાં કુંવારી માતાઓ અને તેઓનાં બાળકોને આશરો આપવામાં આવતો. સ્થાનિક અધિકારીઓ તરફથી ત્યાં મને એક ઓરડી આપવામાં આવી હતી. ત્યાં રહેતી અમુક યુવાન માતાઓને મળવા બે સાક્ષી બહેનો નિયમિત રીતે આવતી. એક દિવસે હું પણ તેઓની ચર્ચામાં જોડાઈ. મારો ઇરાદો તો સાક્ષીઓને જૂઠા સાબિત કરવાનો હતો. પણ, તેઓએ ધીરજથી મારા એકેએક સવાલનો જવાબ બાઇબલમાંથી આપ્યો. તેઓનો પ્રેમાળ અને માયાળુ સ્વભાવ મારા દિલને સ્પર્શી ગયો. તેથી, હું તેઓ સાથે અભ્યાસ કરવા રાજી થઈ.
થોડા જ સમયમાં હું બાઇબલમાંથી કંઈક શીખી, જેણે મારું જીવન બદલી નાંખ્યું. હું યુવાન હતી ત્યારથી જ મને મોતનો ડર લાગતો. પણ, શાસ્ત્રમાં આપેલા ઈસુના શબ્દો પરથી હું જાણી શકી કે, ગુજરી ગયેલાને જીવતા કરવામાં આવશે. (યોહાન ૫:૨૮, ૨૯) હું એ પણ શીખી કે, ઈશ્વર વ્યક્તિગત રીતે મારી કાળજી લે છે. (૧ પીતર ૫:૭) ખાસ કરીને, યિર્મેયા ૨૯:૧૧ના શબ્દો મારા દિલ પર છપાઈ ગયા. એ કહે છે: “કેમ કે જે ઇરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઇરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહિ પણ શાંતિને લગતા છે.” મને ભરોસો થવા લાગ્યો કે, હું પણ બાગ જેવી સુંદર પૃથ્વી પર કાયમ માટે જીવી શકું છું.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
યહોવાના સાક્ષીઓએ મને સાચો પ્રેમ બતાવ્યો. હું પહેલી વાર તેઓની સભામાં ગઈ ત્યારે, ભાઈ-બહેનોએ મારો પ્રેમાળ આવકાર કર્યો. બધા જ લોકો ખૂબ મળતાવડા હતા. (યોહાન ૧૩:૩૪, ૩૫) તેઓએ જે રીતે મારો આવકાર કર્યો, એ ચર્ચના લોકો કરતાં સાવ અલગ હતો. મારી હાલતની નિંદા કરવાને બદલે તેઓએ મને હૂંફ આપી. તેઓ મને સમય આપતા, મારી કાળજી લેતા, મારું ધ્યાન રાખતા અને વ્યવહારુ મદદ પણ કરતા. હું જાણે એક મોટા, પ્રેમાળ કુટુંબનો ભાગ હોઉં એવું લાગતું.
બાઇબલ અભ્યાસથી મને અહેસાસ થયો કે, ઈશ્વરના ન્યાયી સિદ્ધાંતો પ્રમાણે જીવવા મારે ઘણા ફેરફાર કરવાની જરૂર છે. ધૂમ્રપાન છોડવું મારા માટે સહેલું ન હતું. એ જ સમયે મને ખ્યાલ આવ્યો કે, અમુક પ્રકારના સંગીતને લીધે ડ્રગ્સ લેવાની મારી તલપ વધી જાય છે. તેથી, મેં એવા પ્રકારનું સંગીત સાંભળવાનું બંધ કરી દીધું. નશામાં ધૂત ન થઈ જઉં માટે મેં પાર્ટી અને નાઈટ ક્લબમાં જવાનું બંધ કર્યું. મેં એવા મિત્રો બનાવવાનું શરૂ કર્યું, જેઓના સારા વલણની મારા પર અસર થાય અને મારી જીવનઢબ સુધારવા મને મદદ મળે.—નીતિવચનો ૧૩:૨૦.
એ દરમિયાન, ટોનીએ પણ યહોવાના સાક્ષીઓ જોડે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. સાક્ષીઓએ બાઇબલમાંથી તેમના સવાલોના જવાબ આપ્યા. તેમને પણ ખાતરી થતી ગઈ કે, તે જે શીખી રહ્યા છે એ જ સત્ય છે. તેમણે જીવનમાં મોટા ફેરફારો કર્યા. જેમ કે, તેમણે તામસી મિજાજવાળા દોસ્તોની સંગત છોડી દીધી, લૂંટફાટ કરવાનું બંધ કરી દીધું અને ડ્રગ્સ લેવાનું પણ છોડી દીધું. અમે જોઈ શક્યા કે, યહોવાને ખુશ કરવા અમારે અનૈતિક કામો છોડવાની અને સારા માહોલમાં બાળકનો ઉછેર કરવાની જરૂર હતી. તેથી, ૧૯૮૨માં અમે લગ્ન કર્યું.
“હવે હું ભવિષ્યની કે મરણની ચિંતા કરીને આખી રાત પડખાં ફેરવતી નથી”
મને હજી યાદ છે કે, હું ચોકીબુરજ અને સજાગ બનો! * મૅગેઝિનમાં એવા લોકોના અનુભવો શોધતી, જેઓનો ભૂતકાળ મારા જેવો જ હતો. તેઓના દાખલામાંથી મને ઘણું ઉત્તેજન મળ્યું. મહેનત કરતા રહેવા અને હિંમત ન હારવા મને શક્તિ મળી. હું યહોવાને નિયમિત પ્રાર્થના કરતી કે, તે મારો હાથ કદી ન છોડે. જુલાઈ ૧૯૮૨માં બાપ્તિસ્મા લઈને હું અને ટોની યહોવાના સાક્ષી બન્યા.
મને કઈ રીતે ફાયદો થયો
યહોવા સાથે મિત્રતા બાંધવાને લીધે મારું જીવન બચ્યું છે. અઘરા સંજોગોમાં મેં અને ટોનીએ યહોવાની મદદનો હાથ મહેસૂસ કર્યો છે. મુશ્કેલ સંજોગોમાં અમે યહોવા પર આધાર રાખવાનું શીખ્યા છીએ. અમે મહેસૂસ કર્યું છે કે, તેમણે હંમેશાં અમને મદદ કરી છે અને અમારા કુટુંબને નિભાવી રાખ્યું છે.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.
મારાં દીકરા-દીકરીને યહોવા વિશે શીખવવાનો અમે આનંદ માણ્યો છે. હવે, ફરી એક વખત અમે એવો જ આનંદ અનુભવીએ છીએ, કારણ કે તેઓનાં બાળકો પણ યહોવાની ભક્તિમાં પ્રગતિ કરી રહ્યાં છે.
હવે હું ભવિષ્યની કે મરણની ચિંતા કરીને આખી રાત પડખાં ફેરવતી નથી. કારણ કે, હું અને ટોની અમારો પૂરો સમય ભાઈ-બહેનોને ઉત્તેજન આપવામાં વિતાવીએ છીએ. એ માટે અમે દર અઠવાડિયે યહોવાના સાક્ષીઓનાં જુદાં-જુદાં મંડળોની મુલાકાત લઈએ છીએ. તેઓની સાથે મળીને અમે બીજાઓને ઈસુમાં ભરોસો મૂકવાનું શીખવીએ છીએ, જેથી તેઓ પણ હંમેશ માટેના જીવનનો આનંદ માણી શકે.
^ ફકરો. 19 આ સાહિત્ય પણ યહોવાના સાક્ષીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે.