સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે મહામારીમાં સાવચેતી રાખીને થાકી ગયા છો?

શું તમે મહામારીમાં સાવચેતી રાખીને થાકી ગયા છો?

 કોવિડ-૧૯ શબ્દ સાંભળીને તમે કદાચ કંટાળી ગયા હશો, ખરું ને? ઘણા લોકોની જેમ મહિનાઓથી સાવચેતી રાખી રાખીને તમે પણ થાકી ગયા હશો. ડોક્ટર હાન્સ ક્લૂગ વિશ્વ આરોગ્ય સંસ્થામાં યુરોપ શાખાના ડાયરેક્ટર છે. તે કહે છે, “કોવિડ-૧૯ની સામે લડત આપવા ઘણા લોકોએ મોટા મોટા ભોગ આપ્યા છે. એવા સંજોગોમાં નિરાશ થઈ જવું અને હિંમત હારી જવી એ સ્વાભાવિક છે. કેમ કે દરેક બાબતે સાવચેતી રાખીને લોકો થાકી ગયા છે.”

 જો તમને પણ એવું લાગતું હોય તો હિંમત હારશો નહિ. કેમ નહિ કે આવા ખરાબ સંજોગોનો સામનો કરવા ઈશ્વર પાસેથી સલાહ લઈએ! એ સલાહ બાઇબલમાં જોવા મળે છે. એનાથી ઘણાને મદદ મળી છે, તમને પણ મળી શકે છે.

 મહામારી વખતે સાવચેતી રાખવાના થાક વિશે જાણો

 મહામારી વખતે સાવચેતી રાખવાથી લાગતો થાક એ કોઈ બીમારી નથી. એ લોકોની માનસિક લાગણીને દર્શાવે છે. મહામારીને કારણે અણધાર્યા સંજોગો ઊભા થઈ શકે કે પછી હચમચાવી દેતા બનાવો બની શકે. એ બધું લાંબા સમય સુધી ચાલે, ત્યારે એવી લાગણી થવી સ્વાભાવિક છે. આમ તો, એવી લાગણીમાં દરેક વ્યક્તિ જુદી જુદી રીતે વર્તે છે. છતાં એના અમુક લક્ષણો સામાન્ય છે. જેમ કે:

  •   કંઈ કરવાનું મન ન થવું

  •   ભૂખની કે ઊંઘની આદતોમાં ફેરફાર થવો

  •   વાતે વાતે ચિડાઈ જવું

  •   સહેલાં હોય એવાં કામોમાં પણ મૂંઝાઈ જવું

  •   કશાય કામમાં ધ્યાન ન લાગવું

  •   જીવનમાં કોઈ આશા ન રહેવી

 એવો થાક કેમ જોખમી છે?

 મહામારી વખતે સાવચેતી રાખવામાં આવતો કંટાળો આપણી અને બીજાની સલામતીને જોખમમાં મૂકી શકે છે. આપણે જો આમ થાકી જઈશું તો કામ નહિ ચાલે. કંટાળાના લીધે આપણને એવા પગલાં ભરવાનું મન ન થાય જે કોવિડ સામે રક્ષણ આપે છે. અરે, સમય જતાં કદાચ આપણે એવું વિચારવા લાગીએ કે એ વાયરસ મારું કંઈ નહિ બગાડી શકે. આપણી આસપાસ એનો ચેપ વધી ગયો હોય અને ઘણા લોકો મરતા હોય તોપણ આપણે બેદરકાર બની શકીએ. સતત સાવચેત રહેવાથી કદાચ આપણને કંટાળો આવે અને સલામતીના નિયમોમાં બાંધછોડ કરવા લાગીએ. આમ, આપણે પોતાની અને બીજાની જિંદગી દાવ પર લગાડીએ છીએ.

 આવા અઘરા સંજોગોમાં ઘણા લોકો બાઇબલની આ સલાહમાં રહેલું ડહાપણ જોઈ શક્યા છે: “જો તું મુસીબતના દિવસે હિંમત હારી જઈશ, તો તારું બળ થોડું જ ગણાશે.” (નીતિવચનો ૨૪:૧૦) બાઇબલમાં ઈશ્વરે આપેલી સલાહની મદદથી આપણે આ મહામારી અને એના જેવા બીજા અઘરા સંજોગોનો સામનો કરી શકીએ છીએ.

 બાઇબલમાં આપેલી સલાહ અજમાવી જુઓ

  •   દૂરી રાખો પણ દિલોમાં નહિ

     બાઇબલની સલાહ: ‘સાચો મિત્ર મુસીબતના સમયે ભાઈ બની જાય છે.’—નીતિવચનો ૧૭:૧૭.

     એ સલાહ કઈ રીતે કામ કરે છે: સાચા મિત્રો એકબીજાને હિંમત અને ઉત્તેજન આપે છે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧) જ્યારે કે લાંબો સમય વ્યક્તિ એકલી રહે, તો તેને માનસિક અને શારીરિક રીતે નુકસાન થઈ શકે છે.—નીતિવચનો ૧૮:૧.

     આ અજમાવી જુઓ: તમારા મિત્રો અને સગાં-વહાલાં સાથે સંપર્કમાં રહો. એ માટે સમયે સમયે વીડિયો કોલ, ફોન, ઈ-મેઈલ અથવા મેસેજ કરી શકો. ખાસ કરીને જ્યારે તમારો દિવસ ખરાબ ગયો હોય ત્યારે કોઈ જિગરી દોસ્ત સામે દિલ ઠાલવી દો. નિયમિત રીતે દોસ્તો અને સગાંઓની ખબર-અંતર પૂછતા રહો. મહામારીનો સામનો કરવા જો તમને કોઈ સલાહ કે તરકીબ કામ લાગી હોય, તો એ વિશે બીજાઓને પણ જણાવો. જ્યારે તમારો મૂડ ખરાબ હોય કે કોઈ ચિંતા સતાવતી હોય, ત્યારે કોઈકની મદદ કરવાની કોશિશ કરો. એમ કરવાથી તમને સારું લાગશે.

  •   હાલના સંજોગોનો ફાયદો ઉઠાવો

     બાઇબલની સલાહ: “તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.”—એફેસીઓ ૫:૧૬.

     એ સલાહ કઈ રીતે કામ કરે છે: સમયનો સારો ઉપયોગ કરશો તો તમને સંજોગોનું સારું પાસું જોવા મદદ મળશે. આમ કારણ વગરની ચિંતા ટાળી શકશો.—લૂક ૧૨:૨૫.

     આ અજમાવી જુઓ: તમે જે નથી કરી શકતા એનો વિચાર કરી કરીને મૂડ ન બગાડો. કેમ નહિ કે તમે એવા કોઈ કામમાં મન લગાડો જે હાલમાં કરી શકો છો. જેમ કે, તમને લખવા-વાંચવાનો કે ગાવાનો શોખ હોય તો એમાં સમય આપી શકો. તમને ગમતાં બીજાં કામો કરી શકો. કુટુંબ સાથે સમય પસાર કરી શકો.

  •   રોજબરોજનું કામ પહેલાંની જેમ કરતા રહો

     બાઇબલની સલાહ: ‘બધું જ વ્યવસ્થિત રીતે થવું જોઈએ.’—૧ કોરીંથીઓ ૧૪:૪૦.

     એ સલાહ કઈ રીતે કામ કરે છે: મોટા ભાગના લોકોને રોજબરોજનું કામ પહેલાંની જેમ કરતા રહેવાથી ખુશી અને સંતોષ મળે છે.

     આ અજમાવી જુઓ: રોજબરોજના કામ માટે યોગ્ય સમય નક્કી કરો. સ્કૂલને લગતું કામ, નોકરીને લગતું કામ તેમજ ઘરનાં કામકાજ નક્કી કરેલા સમયે પતાવો. ઈશ્વરની વધુ નજીક જઈ શકાય એવી પ્રવૃત્તિઓ માટે પણ જરૂરથી સમય કાઢો. તંદુરસ્તી જળવાઈ રહે એવાં કામકાજ કરી શકો. જેમ કે, કસરત કરી શકો અથવા બહાર ખુલ્લામાં આંટા મારી શકો. તમારા કુટુંબના સભ્યો સાથે રમત-ગમતમાં સમય વિતાવી શકો. તમારા આ રૂટિનમાં જરૂર લાગે તો ફેરફાર પણ કરી શકો.

  •   ૠતુ પ્રમાણે ફેરફાર કરો

     બાઇબલની સલાહ: “શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે.”—નીતિવચનો ૨૨:૩.

     એ સલાહ કઈ રીતે કામ કરે છે: તમારા તન-મનને ખુશહાલ રાખવામાં તાજી હવા અને સૂર્યપ્રકાશ ખૂબ મહત્ત્વના છે. પણ તમારા વિસ્તારમાં કે અમુક મોસમમાં તમને એ બધું પૂરતા પ્રમાણમાં ન મળતું હોય.

     આ અજમાવી જુઓ: શિયાળો આવે ત્યારે વધુ સૂર્યપ્રકાશ અને તાજી હવા મળી રહે એ માટે જરૂરી ફેરફાર કરો. જેમ કે, તમારી બેસવાની કે પછી ઑફિસનાં કામકાજ કરવાની જગ્યા બદલો. ઠંડીમાં હવા-ઉજાસમાં કરી શકાય એવી પ્રવૃત્તિઓ કરો. જેમ કે, ઘર આંગણે કસરત કરો, આંટા મારો કે બગીચામાં કામ કરો. જો શક્ય હોય તો ગરમ કપડાંની ગોઠવણ પહેલેથી કરી રાખો જેથી તમે ઠંડીમાં એ પહેરીને બહાર નીકળી શકો.

     જો ઉનાળો આવી રહ્યો હોય તો થોડી વધુ સાવચેતી રાખો. કેમ કે આ મોસમમાં ઘણા લોકો ઘરની બહાર ફરવા જતા હોય છે. આવા સમયે ભીડથી બચવા માટે પહેલેથી નક્કી કરો કે ક્યાં જશો અને ક્યારે જશો.

  •   કોવિડથી બચવા સાવચેતી રાખો

     બાઇબલની સલાહ: “મૂર્ખ માણસ બેદરકાર હોય છે અને પોતાના પર વધુ પડતો ભરોસો રાખે છે.”—નીતિવચનો ૧૪:૧૬.

     એ સલાહ કઈ રીતે કામ કરે છે: કોવિડ-૧૯ એ જીવલેણ અને ચેપી રોગ છે. જો સાવચેતી નહિ રાખીએ તો આપણે પણ એ રોગનો ભોગ બની શકીએ.

     આ અજમાવી જુઓ: તમારા વિસ્તારના સ્વાસ્થ્ય કેન્દ્ર તરફથી મળતી સૂચનાઓ પાળવી બહુ જરૂરી છે. એ પાળવાનું તમે ક્યાંક ચૂકી તો નથી જતાં ને એનું ધ્યાન રાખો. યાદ રાખો કે જો તમે ચૂકી ગયા તો એની અસર તમારા પોતાના પર, તમારા કુટુંબ પર અને બીજાઓ પર થઈ શકે છે.

  •   ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરો

     બાઇબલની સલાહ: “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

     એ સલાહ કઈ રીતે કામ કરે છે: ઈશ્વર તમને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા મદદ કરી શકે છે.—યશાયા ૪૧:૧૩.

     આ અજમાવી જુઓ: ઈશ્વરે બાઇબલમાં જે વચનો આપ્યાં છે, એને દરરોજ વાંચીને ઉત્તેજન મેળવો. એમ કરવામાં બાઇબલ વાંચન માટેનો કાર્યક્રમ તમને મદદ કરી શકે છે.

 મહામારીના સમયમાં પણ યહોવાના સાક્ષીઓ ઈશ્વરની ભક્તિ કરવા ઓનલાઇન ભેગા મળે છે. એ ગોઠવણ વિશે કોઈ યહોવાના સાક્ષીને પૂછી શકો. આખી દુનિયામાં યહોવાના સાક્ષીઓ વીડિયો કોન્ફરન્સિંગથી દર અઠવાડિયાની સભાઓ ભરે છે. ઉપરાંત, વર્ષમાં એક વાર તેઓ ઈસુના મરણને યાદ કરતો પ્રસંગ અને વર્ષ દરમિયાન થતાં સંમેલન અને મહાસંમેલન પણ યોજે છે.

 યાદ રાખવા જેવી બાઇબલની કલમો

 યશાયા ૩૦:૧૫: “શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.”

 અર્થ: ઈશ્વરની સલાહ પર ભરોસો રાખવાથી મુશ્કેલ સંજોગોને સારી રીતે હાથ ધરવા અને મન શાંત રાખવા મદદ મળશે.

 નીતિવચનો ૧૫:૧૫: “દુઃખી માણસના બધા દિવસો દુઃખમાં વીતે છે, પણ ખુશ મનવાળો રોજ મિજબાની માણે છે.”

 અર્થ: સારી બાબતો પર ધ્યાન આપવાથી અઘરા સંજોગોમાં પણ તમે ખુશ રહી શકશો.

 નીતિવચનો ૧૪:૧૫: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે, પણ ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.”

 અર્થ: આ મહામારીના સમયમાં સ્વાસ્થ્ય અને સલામતીને લગતી સૂચનાઓને ચોકસાઈથી પાળો. ભલે બીજાઓ કહે કે સાવચેતી રાખવાની હવે કોઈ જરૂર નથી, તેઓની વાતોમાં આવી જશો નહિ.

 યશાયા ૩૩:૨૪: “‘હું બીમાર છું,’ એવું કોઈ કહેશે નહિ.”

 અર્થ: ઈશ્વરે વચન આપ્યું છે કે તે જલદી જ આપણને દરેક પ્રકારની બીમારીથી હંમેશ માટે છૂટકારો અપાવશે.