યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સંમેલનો—પ્રેમ બતાવવાની તક
દર વર્ષે સંમેલનોમાં જવાથી આપણને ઘણી ખુશી મળે છે. ઇઝરાયેલીઓની જેમ આપણને પણ સંમેલનોમાં હજારો ભાઈ-બહેનો સાથે યહોવાની ભક્તિ કરવાની તક મળે છે. આપણને યહોવા સાથે નજીકનો સંબંધ કેળવવા ત્યાં ઘણી માહિતી મળે છે. સંમેલનોમાં દોસ્તો અને સગાવહાલાઓ સાથે હળવા-મળવાનો આનંદ અનેરો હોય છે. સંમેલન માટે કદર બતાવવા આપણે ત્રણેય દિવસ હાજર રહીએ છીએ.
સંમેલનોમાં ફક્ત પોતાનો જ નહિ, આપણાં ભાઈ-બહેનોનો પણ વિચાર કરવો જોઈએ. (ગલા ૬:૧૦; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) જેમ કે, આપણે કોઈ ભાઈ કે બહેન માટે દરવાજો ખોલી શકીએ અથવા આપણને જરૂર હોય એટલી જ સીટો રોકીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણે બીજાઓનો વિચાર કરીએ છીએ. (ફિલિ ૨:૩, ૪) સંમેલનોમાં નવા દોસ્ત બનાવવાનો પણ મોકો મળે છે. કાર્યક્રમ શરૂ થતા પહેલાં અને પૂરો થયા પછી તથા રીસેસમાં આપણે ઓળખતા ન હોય એવી વ્યક્તિ સાથે વાત કરી શકીએ. (૨કો ૬:૧૩) સંમેલનોમાં આપણને એવાં ભાઈ-બહેનો મળે છે, જેઓ સાથે જીવનભરની દોસ્તી થઈ જાય છે. જ્યારે બહારના લોકો જોશે કે આપણો પ્રેમ ફક્ત વાતોમાં જ નહિ, કાર્યોમાં પણ દેખાય છે ત્યારે તેઓ શું કરશે? તેઓ પણ યહોવાની ભક્તિમાં જોડાવાનો નિર્ણય લેશે.—યોહ ૧૩:૩૫.
‘પ્રેમ કાયમ ટકી રહે છે!’ આંતરરાષ્ટ્રીય સંમેલનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
૨૦૧૯ના આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં બીજા દેશમાંથી આવેલાં ભાઈ-બહેનો માટે કેવો પ્રેમ બતાવવામાં આવ્યો?
-
યહોવાના લોકો વચ્ચેનો પ્રેમ અને એકતા કેમ અજોડ છે?
-
નિયામક જૂથના ભાઈઓએ યહોવાના લોકો વચ્ચેના પ્રેમ વિશે કઈ ખાસ વાત તરફ ધ્યાન દોર્યું?
-
જર્મની અને દક્ષિણ કોરિયામાં વિરોધ હોવા છતાં આપણાં ભાઈ-બહેનો વચ્ચે કેવો પ્રેમ જોવા મળ્યો?
-
આપણે કયો મક્કમ નિર્ણય લેવો જોઈએ?