યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ
બાઇબલમાં અગાઉથી જણાવ્યું હતું કે, આપણું પ્રચારકાર્ય અટકાવવાનો પ્રયાસ કરવા શેતાન આપણી સતાવણી કરશે. (યોહ ૧૫:૨૦; પ્રક ૧૨:૧૭) બીજા દેશોમાં સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? તેઓ માટે આપણે પ્રાર્થના કરી શકીએ. બાઇબલ જણાવે છે: “નેક માણસની વિનંતીની જોરદાર અસર થાય છે.”—યાકૂ ૫:૧૬.
આપણે પ્રાર્થનામાં શું માંગી શકીએ? આપણાં ભાઈ-બહેનોને હિંમતવાન અને નીડર બનવા મદદ મળે એ માટે યહોવાને પ્રાર્થના કરી શકીએ. (યશા ૪૧:૧૦-૧૩) એ પણ પ્રાર્થના કરી શકીએ કે પ્રચારકાર્ય પ્રત્યે અધિકારીઓ સારું વલણ બતાવે, જેથી આપણે “સુખ-શાંતિથી જીવી શકીએ.”—૧તિ ૨:૧, ૨.
પાઊલ અને પીતરની સતાવણી થઈ ત્યારે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ તેઓનું નામ લઈને પ્રાર્થના કરી. (પ્રેકા ૧૨:૫; રોમ ૧૫:૩૦, ૩૧) આજે, ભલે આપણે સતાવણી સહી રહેલાઓના નામ જાણતા ન હોઈએ, પણ શું તેઓનાં મંડળ, શહેર કે વિસ્તારનું નામ લઈને પ્રાર્થના કરી શકીએ?