યહોવાના સેવકો તરીકે આપણું જીવન
કુટુંબમાં ખુશી વધારવા તમે શું કરી શકો?
યહોવા ચાહે છે કે બધાં કુટુંબો ખુશ રહે. (ગી ૧૨૭:૩-૫; સભા ૯:૯; ૧૧:૯) પણ આ દુનિયાની ચિંતાઓને લીધે અને કુટુંબનું કોઈ સભ્ય ભૂલ કરે ત્યારે, આપણી ખુશી છીનવાઈ શકે છે. કુટુંબમાં ખુશી વધારવા દરેક સભ્ય શું કરી શકે?
પતિ પોતાની પત્નીને માન આપે છે. (૧પિ ૩:૭) તે તેની સાથે સમય વિતાવે છે. તે પત્ની પાસેથી હદ બહારની અપેક્ષા રાખતો નથી. પત્ની પોતાના પતિ અને કુટુંબ માટે જે કરે છે, એની પતિ કદર કરે છે. (કોલ ૩:૧૫) તે બતાવે છે કે તે પત્નીને ખૂબ પ્રેમ કરે છે. તે તેના વખાણ પણ કરે છે.—ની ૩૧:૨૮, ૩૧.
પત્ની પોતાના પતિને અલગ અલગ રીતોએ ટેકો આપે છે. (ની ૩૧:૧૨) તે પતિને આધીન રહે છે અને સાથ-સહકાર આપે છે. (કોલ ૩:૧૮) તે પતિ સાથે પ્રેમથી વાત કરે છે અને તેના વિશે સારું બોલે છે.—ની ૩૧:૨૬.
માબાપ પોતાનાં બાળકો સાથે સમય વિતાવે છે. (પુન ૬:૬, ૭) તેઓ બાળકોને જણાવે છે કે તેઓ બાળકોને પ્રેમ કરે છે. (માથ ૩:૧૭) શિસ્ત આપતી વખતે તેઓ પ્રેમ બતાવે છે અને સમજી-વિચારીને વર્તે છે.—એફે ૬:૪.
બાળકો માબાપને માન આપે છે અને તેઓની વાત માને છે. (ની ૨૩:૨૨) તેઓ માબાપને પોતાની લાગણીઓ અને વિચારો જણાવે છે. માબાપ શિસ્ત આપે ત્યારે એને સ્વીકારે છે અને તેઓનો આદર કરે છે.—ની ૧૯:૨૦.
તમારા કુટુંબમાં આનંદ જાળવી રાખો વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:
કુટુંબમાં આનંદ વધારવા દરેકે શું કર્યું?