યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ભરોસો રાખો કે તમે દુનિયાના અંતમાંથી બચી જશો
યહોવા આ દુનિયાના લોકો સાથે બહુ ધીરજથી વર્તે છે. પણ તે હંમેશાં ધીરજથી નહિ વર્તે. બહુ જલદી જ જૂઠા ધર્મોનો નાશ કરવામાં આવશે. દેશોનો સમૂહ ઈશ્વરના લોકો પર હુમલો કરશે. એ સમયે આર્માગેદનની લડાઈમાં દુષ્ટ લોકોનો નાશ કરવામાં આવશે. આવી મોટી મોટી અને રોમાંચક ઘટનાઓ જોવા આપણે કેટલા આતુર છીએ!
આજે આપણે મોટી વિપત્તિ વિશે બધું જ જાણતા નથી. આપણે જાણતા નથી કે એ ક્યારે શરૂ થશે અથવા કયા કારણોને લીધે સરકારો ધર્મો પર હુમલો કરશે. એ પણ ખબર નથી કે ઈશ્વરના લોકો પર દેશોનો હુમલો કેટલા સમય સુધી ચાલશે અથવા તેઓ કેવી રીતે હુમલો કરશે. આપણે એ પણ જાણતા નથી કે યહોવા આર્માગેદન વખતે કેવી રીતે દુષ્ટ લોકોનો નાશ કરશે.
પણ ભાવિમાં જે બનાવો બનવાના છે એનો આપણે હિંમતથી સામનો કરી શકીએ એ વિશે બાઇબલમાં જણાવ્યું છે. જેમ કે, બાઇબલથી આપણને ખબર પડે છે કે આપણે ‘છેલ્લા દિવસોના’ છેલ્લા સમયમાં જીવીએ છીએ. (૨તિ ૩:૧) આપણે જાણીએ છીએ કે જૂઠા ધર્મો પર હુમલો કરવાનો સમય ‘ઓછો કરવામાં’ આવશે, જેથી સાચા ધર્મનો નાશ ન થાય. (માથ ૨૪:૨૨) આપણને ખબર છે કે યહોવા પોતાના લોકોને બચાવશે. (૨પિ ૨:૯) એ પણ ખબર છે કે યહોવાએ આર્માગેદન વખતે યુદ્ધ લડવા જેમને પસંદ કર્યા છે તે ન્યાયી અને શક્તિશાળી છે. તે આ યુદ્ધમાં દુષ્ટ લોકોનું નામનિશાન મિટાવી દેશે અને મોટા ટોળાને બચાવશે.—પ્રક ૧૯:૧૧, ૧૫, ૧૬.
ભાવિમાં જે બનાવો બનશે એના લીધે “ભય અને ચિંતાથી લોકોના હોશ ઊડી જશે.” પણ આપણે ડરવાની જરૂર નથી. યહોવાએ પહેલાંના દિવસોમાં પોતાના લોકોને બચાવ્યા અને તેમનો ઉપયોગ કરીને ભાવિ વિશે માહિતી આપી. આપણે એ માહિતી વાંચીને એના પર મનન કરી શકીએ છીએ. એમ કરીને આપણે એ સમયે ‘માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહી શકીશું’ અને ભરોસો રાખી શકીશું કે આપણો ઉદ્ધાર નજીક છે.—લૂક ૨૧:૨૬, ૨૮.