બાઇબલ કલમોની સમજણ
નીતિવચનો ૧૭:૧૭—“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે”
“સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.”—નીતિવચનો ૧૭:૧૭, નવી દુનિયા ભાષાંતર.
“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિવચનો ૧૭:૧૭, ઓ.વી. બાઇબલ.
નીતિવચનો ૧૭:૧૭નો અર્થ
સાચા મિત્રો ભરોસાપાત્ર હોય છે. સગાં ભાઈ-બહેનની જેમ તેઓ વફાદાર હોય છે અને પોતાના મિત્રોની સારી સંભાળ રાખે છે. ખાસ કરીને, મુશ્કેલીના સમયમાં તેઓ સાથ નિભાવે છે.
“સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે.” આ વાક્યનું આ રીતે પણ ભાષાંતર થઈ શકે છે: “મિત્રો હંમેશાં પ્રેમ બતાવે છે.” “પ્રેમ” માટે જે હિબ્રૂ શબ્દ વપરાયો છે, એમાં વ્યક્તિને લાગણી બતાવવા કરતાં કંઈક વધારે સમાયેલું છે. એ એવા નિ:સ્વાર્થ પ્રેમને રજૂ કરે છે, જે કાર્યો દ્વારા બતાવવામાં આવે છે. (૧ કોરીંથીઓ ૧૩:૪-૭) એવો પ્રેમ બતાવતા મિત્રો એકબીજાને વફાદાર રહે છે. ભલે તેઓ વચ્ચે ગેરસમજણ ઊભી થાય અથવા તેઓનાં જીવનમાં તકલીફો આવે, તેઓની દોસ્તી તૂટતી નથી. (નીતિવચનો ૧૦:૧૨) વધુમાં, એક દોસ્તના જીવનમાં કંઈક સારું બને ત્યારે, બીજો દોસ્ત તેની ઈર્ષા કરતો નથી. એના બદલે તે તેની જોડે ખુશ થાય છે.—રોમનો ૧૨:૧૫.
“મુસીબતના સમયે [સાચો મિત્ર] ભાઈ બની જાય છે.” આ નીતિવચન એક હકીકત પર ધ્યાન દોરે છે: સગાં ભાઈ-બહેનો એકબીજાની બહુ નજીક હોય છે. એટલે દોસ્તને તેની મુશ્કેલીમાં મદદ કરવા બનતું બધું કરીએ છીએ ત્યારે, તેના માટે સગા ભાઈ કે બહેન બની જઈએ છીએ. વધુમાં, કસોટીઓ કે મુશ્કેલીઓને લીધે દોસ્તીનું બંધન જરાય નબળું પડતું નથી. એ તો વધારે ગાઢ બનતું જાય છે, કેમ કે એ સમયે એકબીજા માટેનાં પ્રેમ અને માન વધે છે.
નીતિવચનો ૧૭:૧૭ વિશે વધારે માહિતી
નીતિવચનોના પુસ્તકમાં બુદ્ધિની વાતોને થોડા શબ્દોમાં, પણ જોરદાર રીતે લખવામાં આવી છે. એ વાચકોને વિચારતા કરી દે છે. રાજા સુલેમાને મોટા ભાગનું પુસ્તક લખ્યું છે. એ જમાનામાં હિબ્રૂ કવિતા લખવાની જે રીત હતી, એ રીત સુલેમાને વાપરી છે. એમાં શબ્દોનો પ્રાસ બેસાડવામાં આવતો ન હતો. એને બદલે, પંક્તિઓમાં સરખા વિચારો રાખવામાં આવતા જેમાં બીજી પંક્તિ પહેલી પંક્તિના વિચારમાં ઉમેરો કરતી અથવા પંક્તિઓના વિચારો એકબીજાથી વિરુદ્ધ રાખવામાં આવતા. નીતિવચનો ૧૭:૧૭માં જોવા મળે છે કે બીજી પંક્તિ પહેલી પંક્તિના વિચારમાં ઉમેરો કરે છે. નીતિવચનો ૧૮:૨૪માં જોવા મળે છે કે બીજી પંક્તિ પહેલી પંક્તિ કરતાં એકદમ વિરુદ્ધ છે. એ કલમમાં લખ્યું છે: “એવા મિત્રો છે, જે એકબીજાને બરબાદ કરવા તૈયાર હોય છે, પણ એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.”
નીતિવચનો ૧૭:૧૭ લખતી વખતે સુલેમાનને કદાચ તેના પિતા દાઉદ અને શાઉલ રાજાના દીકરા યોનાથાનની પાકી દોસ્તી યાદ આવી હશે. (૧ શમુએલ ૧૩:૧૬; ૧૮:૧; ૧૯:૧-૩; ૨૦:૩૦-૩૪, ૪૧, ૪૨; ૨૩:૧૬-૧૮) ખરું કે, દાઉદ અને યોનાથાન એકબીજાનાં સગાં ન હતા. પણ તેઓનો સંબંધ સગા ભાઈઓ કરતાં પણ વધારે ગાઢ હતો. યોનાથાને પોતાના વહાલા યુવાન મિત્ર માટે જીવ પણ જોખમમાં મૂક્યો. a
બીજાં બાઇબલ ભાષાંતરોમાં નીતિવચનો ૧૭:૧૭
“સાચો મિત્ર હંમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા ભાઈ જન્મ્યો છે.”—IBSI.
“મિત્ર સદા મિત્ર જ રહે છે; તે આફતસમયનો બંધુ છે.”—સંપૂર્ણ બાઇબલ.
“સાચો મિત્ર સર્વસમયે મિત્રતા જાળવે છે, અને વિપત્તિકાળે મદદે આવવા માટે તો ભાઈ જન્મ્યો છે.”—કોમન લેંગ્વેજ.
નીતિવચનોના પુસ્તકની ઝલક જોવા આ વીડિયો જુઓ.
a આ લેખ જુઓ: “બહાદુર અને વફાદાર યોનાથાન.”