સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ કલમોની સમજણ

નીતિવચનો ૨૨:૬—“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ”

નીતિવચનો ૨૨:૬—“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ”

 “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.”—નીતિવચનો ૨૨:૬, નવી દુનિયા ભાષાંતર.

 “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”—નીતિવચનો ૨૨:૬, ઓ.વી. બાઇબલ.

નીતિવચનો ૨૨:૬નો અર્થ

 જે મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને ઈશ્વરને પ્રેમ કરવાનું અને તેમના નિયમો પાળવાનું શીખવે છે, તેઓ આશા રાખી શકે છે કે એવી તાલીમ તેઓનાં બાળકોને આખું જીવન મદદ કરશે.

 “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ.” એ વાક્ય આવી રીતે પણ કહી શકાય: “બાળકને સાચા માર્ગે ચલાવાનું શરૂ કરો.” નીતિવચનોના પુસ્તકમાં એવી ઘણી કલમો છે, જેમાં મમ્મી-પપ્પાને અરજ કરવામાં આવી છે કે બાળક નાનું હોય ત્યારથી તેઓ તેને ખરા-ખોટા વિશે શીખવે. (નીતિવચનો ૧૯:૧૮; ૨૨:૧૫; ૨૯:૧૫) પણ પ્રેમાળ મમ્મી-પપ્પા સમજે છે કે મોટા લોકોની જેમ બાળકો પાસે પણ પસંદગી કરવાનો હક છે. એટલે બાળકે શું કરવું જોઈએ એવું સીધેસીધું કહી દેવાને બદલે, તેઓ કારણો આપીને તેને સમજાવે છે. તેમ જ, તેને સમજુ અને જવાબદાર વ્યક્તિ બનવા મદદ કરે છે. આમ, બાળક પોતાની રીતે સારા નિર્ણયો લઈ શકે છે.—પુનર્નિયમ ૬:૬, ૭; કોલોસીઓ ૩:૨૧.

 અમુક બાઇબલ વિદ્વાનોનું માનવું છે કે એ વાક્યનો આવો અર્થ થાય છે: “બાળકને તેના સ્વભાવ પ્રમાણે શીખવ.” એવું માનવું કદાચ એકદમ વાજબી લાગે. પણ “જે માર્ગમાં ચાલવું જોઈએ” માટે હિબ્રૂ ભાષામાં જે શબ્દો વપરાયા છે એ મોટા ભાગે ખરી અને નેક રીતે જીવન જીવવાને બતાવે છે. નીતિવચનોના પુસ્તકમાં બે માર્ગ વિશે જણાવ્યું છે, જેના પર ચાલવાનું માણસો નક્કી કરી શકે છે. એક માર્ગ વિશે કહ્યું છે: ‘સારા લોકોનો માર્ગ,’ ‘બુદ્ધિનો માર્ગ’ અને ‘સત્યનો માર્ગ.’ (નીતિવચનો ૨:૨૦; ૪:૧૧; ૨૩:૧૯) બીજા માર્ગ વિશે કહ્યું છે: ‘ખરાબ લોકોનો રસ્તો,’ “મૂર્ખનો માર્ગ” અને ‘ખોટો માર્ગ.’ (નીતિવચનો ૪:૧૪; ૧૨:૧૫; ૧૬:૨૯) આમ, બાળકે “જે માર્ગમાં ચાલવું જોઈએ” એ ‘સત્યના માર્ગને’ બતાવે છે. એ જીવનનો માર્ગ છે, જે વિશે બાઇબલમાં શીખવ્યું છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

 “એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.” જ્યારે મમ્મી-પપ્પા પોતાના બાળકને ઈશ્વરનાં ન્યાયી ધોરણો વિશે શીખવે છે, ત્યારે મોટા ભાગે એવું બને છે કે બાળક આખું જીવન સાચા માર્ગે ચાલે છે. જોકે, એનો એવો અર્થ નથી કે જે બાળકને તાલીમ મળી છે, તે કદી પણ સાચા માર્ગને અથવા ઈશ્વરના નિયમોને “છોડશે” નહિ. દાખલા તરીકે, જો તે એવા લોકો સાથે મિત્રતા કેળવે જેઓ બીજાઓને ખોટાં કામ કરવાનું કહે છે, તો શું થશે? તે કદાચ “સત્યનો માર્ગ” છોડી દેશે અને ખોટું કામ કરી બેસશે. (નીતિવચનો ૨:૧૨-૧૬; ૧ કોરીંથીઓ ૧૫:૩૩) પણ બાળકોને ઈશ્વરના નિયમો પાળવાનું શીખવીને મમ્મી-પપ્પા તેઓને જીવનમાં સફળ થવાની સૌથી સારી તક આપે છે.—નીતિવચનો ૨:૧, ૧૧.

નીતિવચનો ૨૨:૬ વિશે વધારે માહિતી

 નીતિવચનો અધ્યાય ૨૨માં નાનાં નાનાં સુવાક્યો છે. એ આપણને જીવનના જુદા જુદા સંજોગોમાં ઈશ્વરની બુદ્ધિની વાતો લાગુ પાડવા મદદ કરે છે. એ સુવાક્યોમાં ભાર મૂક્યો છે કે યહોવા a સાથે સારું નામ હોવું ખૂબ જરૂરી છે. એક નમ્ર, ઉદાર અને મહેનતુ વ્યક્તિ જ એવું સારું નામ કમાઈ શકે છે. (નીતિવચનો ૨૨:૧, ૪, ૯, ૨૯) એનાથી વિરુદ્ધ, બીજી કલમોમાં જણાવ્યું છે કે ઈશ્વરના નિયમો ન પાળનાર અને ગરીબ પર જુલમ કરનાર વ્યક્તિએ ખરાબ પરિણામો ભોગવવાં પડશે.—નીતિવચનો ૨૨:૮, ૧૬, ૨૨-૨૭.

 ખરું કે, નીતિવચનો અધ્યાય ૨૨ની મોટા ભાગની કલમોમાં બાળકની તાલીમ વિશે નથી જણાવ્યું. પણ એમાં જીવનના એ માર્ગ વિશે જણાવ્યું છે, જેના પર ચાલવાથી ઈશ્વરની કૃપા અને સાચી ખુશી મેળવી શકાય છે. (નીતિવચનો ૨૨:૧૭-૧૯) બાળકને એ માર્ગે ચાલવાની તાલીમ આપીને મમ્મી-પપ્પા બતાવી આપે છે કે તેઓ પોતાના બાળકનું ભલું ચાહે છે.—એફેસીઓ ૬:૧-૩.

 નીતિવચનોના પુસ્તકની ઝલક જોવા આ વીડિયો જુઓ.

a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) આ લેખ જુઓ: “યહોવા કોણ છે?