સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ કલમોની સમજણ

નીતિવચનો ૩:૫, ૬—“તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ”

નીતિવચનો ૩:૫, ૬—“તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ”

 “તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર અને તે તને ખરો માર્ગ બતાવશે.”—નીતિવચનો ૩:૫, ૬, નવી દુનિયા ભાષાંતર.

 “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”—નીતિવચનો ૩:૫, ૬, ઓ.વી. બાઇબલ.

નીતિવચનો ૩:૫, ૬નો અર્થ

 મહત્ત્વનો નિર્ણય લેવાનો થાય ત્યારે પોતાના પર આધાર રાખવો ન જોઈએ. એના બદલે આપણે યહોવા a ઈશ્વરનું માર્ગદર્શન લેવું જોઈએ.

 “તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ.” ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કામ કરીને બતાવીએ છીએ કે આપણને તેમના પર ભરોસો છે. આપણે પૂરા દિલથી ઈશ્વર પર ભરોસો રાખવો જોઈએ. બાઇબલમાં ‘દિલ’ શબ્દ મોટા ભાગે એ બતાવે છે કે માણસ અંદરથી કેવો છે. એમાં માણસનાં વિચારો, લાગણીઓ, ઇચ્છાઓ અને વલણનો સમાવેશ થાય છે. એટલે પૂરા દિલથી ભરોસો રાખવાનો અર્થ એ નથી કે લાગણીમાં તણાઈ જઈને ભરોસો રાખીએ. આપણને પૂરી ખાતરી છે કે આપણા સર્જનહાર આપણું ભલું જાણે છે. એ ખાતરી હોવાને લીધે આપણે તેમના પર ભરોસો રાખીએ છીએ.—રોમનો ૧૨:૧.

 “તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” પાપી હોવાને લીધે આપણે ઘણી ભૂલો કરીએ છીએ. એટલે આપણે પોતાના વિચારો પર નહિ, ઈશ્વર પર ભરોસો રાખવો જોઈએ. જો આપણે ફક્ત પોતાના પર આધાર રાખીશું અથવા લાગણીઓમાં વહીને નિર્ણય લઈશું, તો શું થશે? કદાચ એવો નિર્ણય લઈ બેસીશું, જે શરૂઆતમાં તો સારો લાગે પણ પછીથી એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડે. (નીતિવચનો ૧૪:૧૨; યર્મિયા ૧૭:૯) ઈશ્વરની બુદ્ધિ આપણી બુદ્ધિ કરતાં અનેક ગણી ચઢિયાતી છે. (યશાયા ૫૫:૮, ૯) જ્યારે ઈશ્વરના વિચારો પ્રમાણે જીવીએ છીએ, ત્યારે સફળ થઈએ છીએ.—ગીતશાસ્ત્ર ૧:૧-૩; નીતિવચનો ૨:૬-૯; ૧૬:૨૦.

 “તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર.” આપણે જીવનના દરેક પાસામાં અને દરેક મહત્ત્વનો નિર્ણય લેતી વખતે ઈશ્વરના વિચારો જાણવા જોઈએ. એ માટે આપણે પ્રાર્થનામાં તેમનું માર્ગદર્શન માંગવું જોઈએ અને બાઇબલમાં તેમણે જે લખાવ્યું છે, એ પ્રમાણે કરવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૨૫:૪; ૨ તિમોથી ૩:૧૬, ૧૭.

 “તે તને ખરો માર્ગ બતાવશે.” ઈશ્વર આપણને કઈ રીતે ખરો માર્ગ બતાવે છે? તે આપણને તેમનાં સાચાં અને ન્યાયી ધોરણો પ્રમાણે જીવવા મદદ કરે છે. (નીતિવચનો ૧૧:૫) આમ આપણે વગર કામની મુશ્કેલીઓમાં ફસાતા નથી અને ખુશહાલ જીવન જીવીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮; યશાયા ૪૮:૧૭, ૧૮.

નીતિવચનો ૩:૫, ૬ વિશે વધારે માહિતી

 નીતિવચનોના પુસ્તકમાં એવા સિદ્ધાંતો આપ્યા છે, જેનાથી ઈશ્વર ખુશ થાય એવું જીવન જીવવા મદદ મળે છે. શરૂઆતના નવ અધ્યાય એ રીતે લખવામાં આવ્યા છે, જાણે એક પિતા પોતાના વહાલા દીકરાને સલાહ આપતા હોય. અધ્યાય ૩માં જણાવ્યું છે કે સર્જનહારની બુદ્ધિને કીમતી ગણવાથી અને તેમણે લખાવેલી બુદ્ધિની વાતોને જીવનમાં લાગુ પાડવાથી કયા ફાયદા થાય છે.—નીતિવચનો ૩:૧૩-૨૬.

a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.