બાઇબલ કલમોની સમજણ
યશાયા ૪૨:૮—“હું પ્રભુ છું”
“હું યહોવા છું. એ જ મારું નામ છે. હું મારું ગૌરવ કોઈને આપતો નથી, હું મારી સ્તુતિ કોતરેલી મૂર્તિઓને આપતો નથી.”—યશાયા ૪૨:૮, નવી દુનિયા ભાષાંતર.
“હું પ્રભુ છું, પ્રભુ મારું નામ છે. હું મારો મહિમા બીજા દેવોને નહિ લેવા દઉં, તેમ મારી સ્તુતિ મૂર્તિઓને નહિ જવા દઉં.”—યશાયા ૪૨:૮, સંપૂર્ણ બાઇબલ.
યશાયા ૪૨:૮નો અર્થ
ઈશ્વર આપણને તેમનું નામ જણાવે છે. તે એ પણ જણાવે છે કે મૂર્તિઓ દ્વારા તેમની ભક્તિ કરી શકાતી નથી.
ઈશ્વરે પોતાને એક નામ આપ્યું છે, જેનું ગુજરાતીમાં સામાન્ય રીતે આવું ભાષાંતર થાય છે: “યહોવા.” a (નિર્ગમન ૩:૧૪, ૧૫) ખરું કે, જૂના કરારમાં (હિબ્રૂ-અરામિક શાસ્ત્રવચનો) ઈશ્વરનું નામ લગભગ ૭,૦૦૦ વખત વપરાયું છે, પણ અમુક બાઇબલ ભાષાંતરોમાં એ નામને બદલે “પ્રભુ” શબ્દ મૂકવામાં આવ્યો છે. એવો એક દાખલો ગીતશાસ્ત્ર ૧૧૦:૧માં જોવા મળે છે. એ કલમમાં જણાવેલી ભવિષ્યવાણી યહોવા અને ઈસુ બંનેને રજૂ કરે છે. કિંગ જેમ્સ વર્ઝન બાઇબલમાં લખ્યું છે: “પ્રભુએ [યહોવા] મારા પ્રભુને [ઈસુ] કહ્યું.” (પ્રેરિતોનાં કાર્યો ૨:૩૪-૩૬ સરખાવો.) એવી ગૂંચવણ ઊભી ન થાય એ માટે નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં “પ્રભુ” જેવા ખિતાબને બદલે ઈશ્વરનું નામ એની યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે: “યહોવાએ મારા માલિકને કહ્યું: ‘હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.’”
ઘણા વિદ્વાનોનું માનવું છે કે ઈશ્વરના નામનો અર્થ આવો થાય છે: “તે શક્ય બનાવે છે.” એ નામ ફક્ત સાચા ઈશ્વરને જ લાગુ પડે છે, કેમ કે પોતાનો હેતુ પૂરો કરવા જે જરૂરી હોય એ તે પોતે બની શકે છે અથવા પોતાના સર્જન દ્વારા શક્ય બનાવે છે.
આપણા સર્જનહાર અને સાચા ઈશ્વર હોવાને લીધે યહોવા ચાહે છે કે આપણે ફક્ત તેમની જ ભક્તિ કરીએ. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ યહોવાની ભક્તિમાં ભાગ પડાવી શકતી નથી. એ વસ્તુઓમાં મૂર્તિઓ અને પ્રતિમાઓનો સમાવેશ થાય છે.—નિર્ગમન ૨૦:૨-૬; ૩૪:૧૪; ૧ યોહાન ૫:૨૧.
યશાયા ૪૨:૮ વિશે વધારે માહિતી
યશાયા અધ્યાય ૪૨ની શરૂઆતમાં યહોવાએ ‘પસંદ કરેલા’ સેવક વિશે ભવિષ્યવાણી કરી છે. ઈશ્વરે કહ્યું કે એ સેવક “પ્રજાઓનો ઇન્સાફ કરશે.” (યશાયા ૪૨:૧) એ વચન વિશે ઈશ્વરે જણાવ્યું: “હવે હું નવા બનાવો વિશે જણાવું છું. એ બન્યા પહેલાં હું તમને એના વિશે જણાવું છું.” (યશાયા ૪૨:૯) ‘પસંદ કરેલા’ સેવક વિશેની ભવિષ્યવાણી ક્યારે સાચી પડી? સદીઓ પછી જ્યારે મસીહ કે ખ્રિસ્ત પૃથ્વી પર પોતાનું સેવાકાર્ય કરવા આવ્યા ત્યારે.—માથ્થી ૩:૧૬, ૧૭; ૧૨:૧૫-૨૧.
બીજાં બાઇબલ ભાષાંતરોમાં યશાયા ૪૨:૮
“હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.”—ઓ.વી. બાઇબલ.
“હું યાહવે છું; એ જ મારું નામ છે. હું મારા મહિમામાં અન્ય દેવોને અને મારી સ્તુતિમાં મૂર્તિઓને ભાગીદાર થવા દઈશ નહિ.”—કોમન લેંગ્વેજ.
a હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ આ ચાર હિબ્રૂ વ્યંજનોથી રજૂ કરવામાં આવે છે: ય-હ-વ-હ. અમુક ગુજરાતી ભાષાંતરોમાં ઈશ્વરનું નામ આ રીતે લખાય છે: “જીહોવા,” “યાહવે” અને “યહોવાહ.” વધારે માહિતી માટે પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતરમાં વધારે માહિતી ક-૪ જુઓ, જેનો વિષય છે: “હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ.”