બાઇબલ કલમોની સમજણ
૨ તિમોથી ૧:૭—‘ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક બનાવતી નથી’
“ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક નહિ, પણ હિંમતવાન, પ્રેમાળ અને સમજદાર બનાવે છે.”—૨ તિમોથી ૧:૭, નવી દુનિયા ભાષાંતર.
“કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા [અથવા, વલણ] નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા [અથવા, વલણ] આપ્યો છે.”—૨ તિમોથી ૧:૭, ઓ.વી. બાઇબલ.
૨ તિમોથી ૧:૭નો અર્થ
જે ખરું છે એ કરવા ઈશ્વર એક વ્યક્તિને હિંમત આપી શકે છે. ઈશ્વર નથી ચાહતા કે કોઈ પણ વ્યક્તિ ડરપોક બને. કેમ કે ડરના લીધે એક વ્યક્તિ ઈશ્વર ખુશ થાય એવાં કામો કરતા અચકાઈ શકે છે.
ચાલો જોઈએ કે ડર દૂર કરવા ઈશ્વરની પવિત્ર શક્તિ કઈ રીતે મદદ કરે છે.
“હિંમતવાન.” ઈશ્વરભક્તો ખતરનાક દુશ્મનો અને અઘરા સંજોગો હોવા છતાં પૂરી હિંમતથી ઈશ્વરની ભક્તિ કરતા રહી શક્યા છે. તેઓ ડરના લીધે પીછેહઠ કરતા નથી. (૨ કોરીંથીઓ ૧૧:૨૩-૨૭) એ શાના લીધે શક્ય બન્યું છે? એ વિશે પ્રેરિત પાઉલે કહ્યું: “કેમ કે ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.” (ફિલિપીઓ ૪:૧૩) ઈશ્વર પોતાના ભક્તોને “તાકાત” આપી શકે છે, જેથી તેઓ ગમે એવા સંજોગોનો સામનો કરી શકે. એ “તાકાત માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.”—૨ કોરીંથીઓ ૪:૭.
“પ્રેમાળ.” ઈશ્વરભક્તો પોતાના ઈશ્વરને ખૂબ જ પ્રેમ કરે છે. એ પ્રેમને લીધે તેઓ હિંમત બતાવે છે અને ઈશ્વરની નજરમાં જે ખરું છે, એ જ કરે છે. તેઓ સાથી ભાઈ-બહેનોને પણ ખૂબ પ્રેમ કરે છે. એટલે કપરામાં કપરા સંજોગોમાં પણ તેઓ પોતાનો નહિ, પણ બીજાઓનો વિચાર કરે છે.—યોહાન ૧૩:૩૪; ૧૫:૧૩.
“સમજદાર” કે સમજુ. બાઇબલમાં સમજદાર કે સમજુ એવી વ્યક્તિને બતાવે છે, જે બાઇબલને આધારે સારા નિર્ણયો લે છે. સમજદાર વ્યક્તિ અઘરા સંજોગોમાં પણ શાંત રહે છે અને ઉતાવળિયો નિર્ણય લેતી નથી. નિર્ણયો લેતી વખતે તે વિચારે છે કે એ સંજોગ વિશે ઈશ્વરના વિચારો કયા છે. કેમ કે બીજાઓ શું વિચારશે એના કરતાં ઈશ્વર સાથેનો સંબંધ તેના માટે વધારે કીમતી છે.
૨ તિમોથી ૧:૭ વિશે વધારે માહિતી
બીજો તિમોથી નામનું બાઇબલનું પુસ્તક એક પત્ર છે. એ પત્ર પ્રેરિત પાઉલે તિમોથીને લખ્યો હતો, જે તેમના વહાલા મિત્ર અને સાથે કામ કરનાર હતા. એ પત્રમાં પાઉલે યુવાન તિમોથીને પ્રેમથી ઉત્તેજન આપ્યું કે તે સેવાકાર્યમાં સખત મહેનત કરતા રહે. (૨ તિમોથી ૧:૧, ૨) તિમોથી કદાચ શરમાળ સ્વભાવના હતા. એના લીધે તે કદાચ મંડળમાં અમુક જવાબદારીઓ નિભાવતા અચકાઈ શકતા હતા. (૧ તિમોથી ૪:૧૨) પણ પાઉલે તિમોથીને યાદ અપાવ્યું કે તેમને એક ખાસ ભેટ મળી હતી. એ ભેટ કઈ હતી? મંડળમાં ખાસ સોંપણી. તેમણે તિમોથીને અરજ કરી કે તે મંડળમાં નિરીક્ષક તરીકેનો પોતાનો અધિકાર વાપરતા, પ્રચારકામ કરતા અને પોતાની શ્રદ્ધાને લીધે દુઃખો સહેતા અચકાય નહિ.—૨ તિમોથી ૧:૬-૮.
ખરું કે એ શબ્દો તિમોથી માટે લખવામાં આવ્યા હતા, પણ ઈશ્વરની ભક્તિ કરવા માંગતા બધા લોકોને એ શબ્દોથી આ ખાતરી મળે છે: ભલે ગમે એવી અડચણો આવે, પણ ઈશ્વરની ભક્તિ કરતા રહેવા જે જરૂરી છે એ બધું ઈશ્વર તેઓને પૂરું પાડશે.