“છેલ્લા દિવસો” કે ‘અંતના સમયની’ નિશાની શું છે?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલ એવા બનાવો અને સંજોગોનું વર્ણન કરે છે જે “દુનિયાના અંતના સમયની નિશાની” છે. (માથ્થી ૨૪:૩) બાઇબલ આ સમયને “છેલ્લા દિવસો” કે ‘અંતનો સમય’ કહે છે. (૨ તિમોથી ૩:૧; દાનીયેલ ૮:૧૯) છેલ્લા દિવસો કે અંતના સમય વિશે થયેલી ભવિષ્યવાણીઓની મહત્ત્વની બાબતો નીચે જણાવી છે:
મોટા મોટા યુદ્ધો થશે.—માથ્થી ૨૪:૭; પ્રકટીકરણ ૬:૪.
દુકાળો પડશે.—માથ્થી ૨૪:૭; પ્રકટીકરણ ૬:૫, ૬.
મોટા મોટા ધરતીકંપો થશે.—લુક ૨૧:૧૧.
ચેપી રોગો ફેલાશે.—લુક ૨૧:૧૧.
ગુનાઓ વધશે.—માથ્થી ૨૪:૧૨.
માણસો પૃથ્વીને નુકસાન પહોંચાડશે.—પ્રકટીકરણ ૧૧:૧૮.
ઘણા લોકોનું વલણ ખરાબ થશે, જેમ કે “આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, . . . બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, દગાખોર, હઠીલા, અભિમાનથી ફૂલાઈ જનારા.”—૨ તિમોથી ૩:૧-૪.
લોકો “પ્રેમભાવ વગરના” બની ગયા છે એટલે કુટુંબો તૂટી રહ્યાં છે અને બાળકો ‘માબાપની આજ્ઞા પાળતા’ નથી.—૨ તિમોથી ૩:૨, ૩.
ઘણા લોકોનો ઈશ્વર માટેનો પ્રેમ ઠંડો પડી જશે.—માથ્થી ૨૪:૧૨.
ભક્તિભાવનો દેખાડો કરશે.—૨ તિમોથી ૩:૫.
બાઇબલ ભવિષ્યવાણીઓની સમજણમાં વધારો થશે, જેમાં છેલ્લા દિવસોની નિશાનીઓનો પણ સમાવેશ થાય છે.—દાનીયેલ ૧૨:૪.
રાજ્યની ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે.—માથ્થી ૨૪:૧૪.
અંતની નિશાનીઓ તરફ લોકો આંખ આડા કાન કરશે અને એની મજાક ઉડાવશે.—માથ્થી ૨૪:૩૭-૩૯; ૨ પીતર ૩:૩, ૪.
આ ભવિષ્યવાણીઓમાંથી અમુક કે મોટાભાગની જ નહિ, પણ બધી જ એક પછી એક પૂરી થશે.—માથ્થી ૨૪:૩૩.
શું આપણે “છેલ્લા દિવસો”માં જીવી રહ્યા છે?
હા. દુનિયાની પરિસ્થિતિ અને બાઇબલમાં જણાવેલી ગણતરીઓ બતાવે છે કે છેલ્લા દિવસો ૧૯૧૪માં શરૂ થયા. એ સમયે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું. રાજ્ય દ્વારા સૌથી પહેલું કામ એ થયું કે શેતાન અને તેના ખરાબ દૂતોને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. એટલે શેતાન અને તેના ખરાબ દૂતો પૃથ્વી સિવાય બીજે ક્યાંય કંઈ જ કરી શકતા નથી. (પ્રકટીકરણ ૧૨:૭-૧૨) શેતાનની ખરાબ અસરો માણસજાતના વર્તન અને કાર્યોમાં દેખાઈ આવે છે. જેના લીધે આ છેલ્લા દિવસો “સહન કરવા અઘરા” છે.—૨ તિમોથી ૩:૧.