“આંખને બદલે આંખ” નિયમનો શું અર્થ થાય?
શાસ્ત્રમાંથી જવાબ
પ્રાચીન સમયમાં ઈશ્વરે મૂસા દ્વારા ઘણા નિયમો આપ્યા હતા. એમાંનો એક નિયમ હતો, “આંખને બદલે આંખ.” ઈસુએ પોતાના પહાડ પરના ઉપદેશમાં પણ એના વિશે જણાવ્યું હતું. (માથ્થી ૫:૩૮; નિર્ગમન ૨૧:૨૪, ૨૫; પુનર્નિયમ ૧૯:૨૧) એ નિયમનો અર્થ હતો કે ગુનેગારને તેના ગુના પ્રમાણે સજા આપવામાં આવે, ન વધારે કે ન ઓછી. a
એ નિયમ એવી વ્યક્તિ માટે હતો જે જાણીજોઈને બીજી વ્યક્તિને નુકસાન પહોંચાડતી. એવી વ્યક્તિ માટે મૂસાના નિયમમાં લખ્યું હતું, “હાડકાને બદલે હાડકું, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત. તેણે બીજાને જે ઈજા પહોંચાડી છે, એવી જ ઈજા તેને કરવામાં આવે.”—લેવીય ૨૪:૨૦.
“આંખને બદલે આંખ” એ નિયમ કેમ આપવામાં આવ્યો હતો?
એ નિયમથી વ્યક્તિને જાતે બીજાઓને સજા આપવાની છૂટ મળતી ન હતી. એનાથી તો ન્યાયાધીશોને મદદ મળતી, જેથી તેઓ ગુનેગારોને યોગ્ય સજા આપી શકતા, ન વધારે કે ન ઓછી.
એ નિયમથી બીજો એક ફાયદો પણ થતો. જો વ્યક્તિ કોઈને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચે તો એ નિયમ તેને એમ કરતા રોકતો. એ કઈ રીતે થતું એ વિશે નિયમશાસ્ત્રમાં સમજાવ્યું હતું. એમાં લખ્યું હતું, “બીજા ઇઝરાયેલીઓ એ વિશે સાંભળશે [કે ગુનેગારો સાથે શું થયું હતું] અને ગભરાશે. પછી તમારામાંથી કોઈ કદી એવું દુષ્ટ કામ ફરી નહિ કરે.”—પુનર્નિયમ ૧૯:૨૦.
એ નિયમ શું ઈશ્વરભક્તોને લાગુ પડે છે?
ના, ઈશ્વરભક્તો પર એ નિયમ લાગુ નથી પડતો. એ નિયમ મૂસાના નિયમનો ભાગ હતો. પણ જ્યારે ઈસુએ બલિદાન આપ્યું ત્યારે મૂસાનો નિયમ રદ થયો.—રોમનો ૧૦:૪.
પણ એ નિયમથી આપણને ઈશ્વરના વિચારો જાણવા મળે છે. દાખલા તરીકે ઈશ્વર નથી ચાહતા કે કોઈની પણ સાથે અન્યાય થાય. (ગીતશાસ્ત્ર ૮૯:૧૪) એ નિયમથી આપણે ઈશ્વરના ન્યાયનાં ધોરણો પણ જાણી શકીએ છીએ. તે ગુનેગારોને સજા કરે છે, પણ “જેટલી જરૂરી છે એટલી જ” કરે છે.—યર્મિયા ૩૦:૧૧.
એ નિયમ વિશેની અમુક ગેરસમજ
ગેરસમજ: આંખને બદલે આંખનો નિયમ કડક હતો.
હકીકત: એ નિયમ કડક ન હતો. એવું ન હતું કે ન્યાયાધીશ આમ જ કોઈને સજા આપી દેતા. એના બદલે તેઓ પૂરેપૂરી તપાસ કરતા. તેઓ જોતા કે ગુનેગારે કયા સંજોગોમાં ગુનો કર્યો છે. એટલું જ નહિ તેઓ એ પણ જોતા કે શું તેણે એ ગુનો જાણીજોઈને કર્યો છે. એ પછી જ તેને સજા આપવામાં આવતી. (નિર્ગમન ૨૧:૨૮-૩૦; ગણના ૩૫:૨૨-૨૫) એ નિયમના લીધે ન્યાયાધીશ ગુનેગારને જેટલી જરૂરી હોય એટલી જ સજા આપતા, એનાથી વધારે કડક સજા આપતા ન હતા.
ગેરસમજ: એ નિયમથી વ્યક્તિને પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા છૂટ મળતી.
હકીકત: મૂસાના નિયમમાં લખ્યું હતું, “તમે વેર ન વાળો. તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો.” (લેવીય ૧૯:૧૮) એ નિયમથી લોકોને બદલો લેવાનું ઉત્તેજન મળતું ન હતું. પણ ઈશ્વર પર ભરોસો રાખવાનું ઉત્તેજન મળતું. તેમજ તેમણે ન્યાય માટે જે ગોઠવણ કરી હતી એના પર ભરોસો રાખવાનું ઉત્તેજન મળતું.—પુનર્નિયમ ૩૨:૩૫.
a લેટીન ભાષામાં એ નિયમને લેક્સ ટાલીયોનીસ કહેવામાં આવે છે. એ નિયમ જૂના જમાનાના બીજા સમાજોમાં પણ પાળવામાં આવતો હતો.