સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલમાં ઇચ્છામૃત્યુ વિશે શું જણાવ્યું છે?

બાઇબલમાં ઇચ્છામૃત્યુ વિશે શું જણાવ્યું છે?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલમાં ઇચ્છામૃત્યુ કે દયામૃત્યુ વિશે કંઈ જણાવ્યું નથી. a પણ એમાં જણાવ્યું છે કે જીવન અને મરણ વિશે આપણા વિચારો કેવા હોવા જોઈએ. એનાથી ખબર પડે છે કે કોઈનો જીવ લેવો ખોટું છે. પણ જો કોઈ વ્યક્તિની બચવાની આશા ન હોય, એવા સંજોગોમાં લાંબા સમય સુધી સારવાર કરાવતા રહેવી જરૂરી નથી.

 બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વર “જીવનનો ઝરો” છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૮) તેમના માટે દરેક વ્યક્તિનું જીવન ખૂબ જ કીમતી છે. એટલે ઈશ્વરને પસંદ નથી કે આપણે પોતાનો કે બીજાઓનો જીવ લઈએ. (નિર્ગમન ૨૦:૧૩; ૧ યોહાન ૩:૧૫) બાઇબલમાં જણાવ્યું છે આપણે પોતાની અને બીજાઓની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. (પુનર્નિયમ ૨૨:૮) એનાથી ખબર પડે છે કે ઈશ્વર માટે બધાનું જીવન કીમતી છે.

જે બીમારીની કોઈ સારવાર જ ન હોય એવા કિસ્સામાં શું?

 બાઇબલમાં જણાવ્યા પ્રમાણે એવી વ્યક્તિનો જીવ લેવો ખોટું છે, જેની પાસે બચવાની કોઈ આશા નથી. એ સમજવા ઇઝરાયેલના રાજા શાઉલનો દાખલો લઈએ. તે યુદ્ધમાં સખત ઘાયલ થયા હતા. તેમને એટલી પીડા થતી હતી કે તેમણે પોતાનાં હથિયાર ઊંચકનારને કહ્યું કે તેમને મારી નાખે. (૧ શમુએલ ૩૧:૩, ૪) પણ હથિયાર ઊંચકનારે એવું કરવાની ના પાડી. પછી એક માણસ ઈશ્વરના સેવક દાઉદ પાસે આવ્યો. એ માણસે ખોટો દાવો કર્યો કે તેણે શાઉલને મારી નાખીને, તેમની ઇચ્છા પૂરી કરી. એ સાંભળીને દાઉદે તેને શાઉલના લોહીનો દોષી ઠરાવ્યો. કેમ કે દાઉદ જાણતા હતા કે કોઈનો જીવ લેવો ઈશ્વરની નજરમાં ખોટું છે.—૨ શમુએલ ૧:૬-૧૬.

બચવાની કોઈ સંભાવના ન હોય એવા સંજોગોમાં પણ શું કોઈ પણ ભોગે વ્યક્તિની સારવાર કરાવતા જ રહેવું જોઈએ?

 બાઇબલમાં માણસને દયામૃત્યુ આપવા વિશે કંઈ નથી જણાવ્યું. પણ જો વ્યક્તિની બચવાની કોઈ આશા ના હોય, તોપણ શું તેની સારવાર કરાવતા રહેવું જોઈએ જેથી તે થોડું લાંબું જીવી શકે? બાઇબલમાં એવું નથી જણાવ્યું. પણ એમાં એવા વિચારો છે જે આપણને મદદ કરે છે. આપણે બધા પાપી છીએ, એટલે પાપને લીધે આપણે મરણ પામીએ છીએ. મરણ આપણો સૌથી મોટો દુશ્મન છે. (રોમનો ૫:૧૨; ૧ કોરીંથીઓ ૧૫:૨૬) પણ એનાથી ડરવાની જરૂર નથી. કેમ કે ઈશ્વરે વચન આપ્યું છે કે તે ગુજરી ગયેલા લોકોને જીવતા કરશે. (યોહાન ૬:૩૯, ૪૦) જે વ્યક્તિ જીવનની કદર કરે છે એ સૌથી સારી સારવાર કરાવશે. પણ એનો એ અર્થ નથી કે વ્યક્તિની બચવાની કોઈ સંભાવના ન હોય એવા સંજોગોમાં પણ, કોઈ પણ ભોગે તેની સારવાર કરાવતા જ રહેવું જોઈએ.

શું આત્મહત્યા એવું પાપ છે, જેની કોઈ માફી નથી?

 બાઇબલમાં નથી જણાવ્યું કે આત્મહત્યા એવું પાપ છે, જેની કોઈ માફી નથી. જોકે એ એક મોટું પાપ છે, b પણ ઈશ્વરને ખબર છે કે વ્યક્તિએ કેવા સંજોગોમાં એવું પગલું ભર્યું હતું. બની શકે કે એ સમયે તેની માનસિક સ્થિતિ સારી ના હોય, તણાવ કે ચિંતા હોય અથવા વારસાગત બીમારીના લીધે આત્મહત્યા કરવાની પ્રબળ ઇચ્છા થઈ હોય. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪) ઈશ્વર બાઇબલ દ્વારા દુઃખી લોકોને દિલાસો આપે છે. બાઇબલમાં જણાવ્યું છે, “સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” (પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫) એનાથી ખબર પડે છે કે જે લોકોએ આત્મહત્યા જેવું ગંભીર પાપ કર્યું છે, તેઓ માટે પણ એવી આશા રાખી શકાય કે તેઓ જીવતા કરાશે.

a ઇચ્છામૃત્યુને યૂથેનેશિયા પણ કહેવામાં આવે છે. એક શબ્દકોશમાં (મિરીયમ-વેબસ્ટર લર્નર્સ ડિક્ષનરી) જણાવ્યું છે કે ઇચ્છામૃત્યુ એટલે, ‘એક પીડિત વ્યક્તિને પીડામાંથી છૂટકારો અપાવવા તેનો જીવ લેવો.’ જ્યારે કોઈ દર્દી ડૉક્ટરને મરણની અરજ કરે અને જો ડૉક્ટર એમ કરે તો તેને ડૉક્ટરની સહાયથી આપેલું ઇચ્છામૃત્યુ કહેવામાં આવે છે.

b બાઇબલમાં અમુક લોકો વિશે જણાવ્યું છે જેઓએ આત્મહત્યા કરી હતી. તેઓ ઈશ્વરને વફાદાર ન હતા.—૨ શમુએલ ૧૭:૨૩; ૧ રાજાઓ ૧૬:૧૮; માથ્થી ૨૭:૩-૫.