સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈસુનો જન્મ ક્યારે થયો હતો?

ઈસુનો જન્મ ક્યારે થયો હતો?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના જન્મની કોઈ ચોક્કસ તારીખ નથી આપી, જેમ અહીં જણાવેલા પુસ્તકોમાં લખ્યું છે:

  •   “ઈસુ ખ્રિસ્તના જન્મની ચોક્કસ તારીખ વિશે કોઈ માહિતી નથી.”—ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા.

  •   “ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં દિવસે થયો હતો એ વિશે કઈ ખબર નથી.”—ઍન્સાઇક્લોપીડિયા ઓફ અર્લી ક્રિશ્ચિયાનીટી.

 બાઇબલમાં સીધેસીધું જણાવવામાં નથી આવ્યું કે ‘ઈસુનો જન્મ ક્યારે થયો હતો?’ પણ તેમના જન્મના સમયે બનેલી બે ઘટનાઓ વિશે જણાવ્યું છે. એનાથી આપણને ખબર પડે છે કે ઈસુનો જન્મ ૨૫ ડિસેમ્બરે થયો ન હતો.

શિયાળાની ૠતુમાં નહિ

  1.   નોંધણી. ઈસુના જન્મના થોડા સમય પહેલા, રાજા ઑગસ્તસે હુકમ બહાર પાડ્યો કે “આખા રાજ્યના લોકોનાં નામ નોંધવામાં આવે.” બધા જ લોકોને નોંધણી કરાવવા માટે ‘પોતપોતાનાં શહેરોમાં’ જવાનું હતું. એ માટે તેઓએ એક અઠવાડિયું કે એનાથી વધારે દિવસ મુસાફરી કરવી પડત. (લૂક ૨:૧-૩) કદાચ કર ઉઘરાવવા અને લશ્કરમાં લોકોની ભરતી કરવાના ઇરાદાથી એ હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. ભલેને વર્ષના ગમે એ સમયે હુકમ બહાર પાળવામાં આવ્યો હોય, લોકોને એ નહી ગમ્યું હોય. એમાંય જો તેઓને ઠંડીમાં નામ નોંધાવવા મોકલવામાં આવ્યા હોત, તો તેઓ સમ્રાટ પર વધુ ગુસ્સે થઈ ગયા હોત. કારણ કે ઘણાને કડકડતી ઠંડીમાં લાંબી મુસાફરી કરવી પડી હોત. એટલે નથી લાગતું કે ઑગસ્તસે ઠંડીમાં લોકોને નામ નોંધાવાનો હુકમ આપ્યો હોય.

  2.   ઘેટાં. ઘેટાંપાળકો “ખેતરમાં રહીને આખી રાત પોતાનાં ટોળાંની સંભાળ રાખતા હતા.” (લૂક ૨:૮) ડેઈલી લાઇફ ઈન ધ ટાઇમ ઓફ જીસસ પુસ્તકમાં જણાવ્યું છે કે ‘પાસ્ખાના એક અઠવાડિયાં પહેલાં’ એટલે કે મધ્ય માર્ચથી લઈને મધ્ય નવેમ્બર સુધી ઘેટાંનાં ટોળાં ખુલ્લા મેદાનમાં રહેતાં હતાં. પુસ્તકમાં એ પણ જણાવ્યું છે કે “આખા વર્ષમાં ઘેટાં મોટા ભાગે બહાર મેદાનોમાં રહેતાં. પણ ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં ઘેટાંપાળકો મેદાનોમાં પોતાના માટે છાપરું બનાવતા અને એમાં ઠંડીથી રક્ષણ મેળવતા. કારણ કે ખુશખબરના પુસ્તકોમાં (માથ્થી, માર્ક, લૂક અને યોહાન) લખ્યું છે કે ઘેટાંપાળકો ખેતરમાં પોતાનાં ઘેટાંની સાથે હતા.”

પાનખર ૠતુની શરૂઆતમાં

 ઈસુનું મરણ ઈ.સ. ૩૩, નીસાન ૧૪ પાસ્ખાના દિવસે થયું હતું. એ સમયે વસંત ૠતુ હતી. જો આપણે એ તારીખથી ઊંધી ગણતરી કરીએ, તો આપણે અંદાજો લગાવી શકીએ કે ઈસુનો જન્મ ક્યારે થયો હતો. (યોહાન ૧૯:૧૪-૧૬) ઈસુએ સાડા-ત્રણ વર્ષનું પ્રચારકામ શરૂ કર્યું ત્યારે, તે લગભગ ૩૦ વર્ષના હતા. એટલે તેમનો જન્મ ઈ.સ. પૂર્વે ૨મા પાનખર ૠતુની શરૂઆતમાં થયો હોય શકે.—લૂક ૩:૨૩.

૨૫ ડિસેમ્બરે કેમ નાતાલ ઊજવાય છે?

 ઈસુનો જન્મ ૨૫ ડિસેમ્બરે થયો હતો એનો કોઈ પુરાવો નથી. તો પછી એ દિવસે કેમ નાતાલ ઊજવવામાં આવે છે? ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જણાવે છે કે ચર્ચના આગેવાનોએ એ તારીખ એટલા માટે નક્કી કરી હશે, કેમ કે “એ તારીખે રોમનો પણ એક તહેવાર ઊજવતા હતા. તેઓ એ તહેવાર શિયાળો પૂરો થાય અને ઉનાળો બેસે ત્યારે ‘સૂર્યના જન્મ દિવસ’ તરીકે ઊજવતા હતા.” ધ ઍન્સાઇક્લોપીડિયા અમેરિકાના પ્રમાણે ઘણા વિદ્વાનો માને છે કે ચર્ચના આગેવાનોએ એ તારીખ એટલા માટે નક્કી કરી, કારણ કે “લોકો ખ્રિસ્તી ધર્મ તરફ ખેંચાય.”