પવિત્ર શાસ્ત્રમાં ગર્ભપાત વિશે શું જણાવ્યું છે?
શાસ્ત્રમાંથી જવાબ
પવિત્ર શાસ્ત્રમાં “ગર્ભપાત” વિશે કોઈ સીધેસીધો નિયમ નથી આપ્યો. પણ એમાં આપેલી કલમોથી જાણવા મળે છે કે માણસોના જીવન વિશે, અરે ગર્ભમાં રહેલા બાળકના જીવન વિશે ઈશ્વરના વિચારો કેવા છે.
જીવન ઈશ્વર તરફથી ભેટ છે. (ઉત્પત્તિ ૯:૬; ગીતશાસ્ત્ર ૩૬:૯) તેમના માટે બધાનું જીવન, ગર્ભમાં રહેલા બાળકનું જીવન પણ કીમતી છે. એટલે જો કોઈ જાણીજોઈને ગર્ભમાં રહેલા બાળકને મારી નાખે, તો એ ખૂન કર્યા બરાબર છે.
ઈશ્વરે ઇઝરાયેલીઓને આ નિયમ આપ્યો હતો: “જો બે માણસો લડતા હોય અને એનાથી ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચે અને તે અધૂરા મહિને બાળકને જન્મ આપે, પણ મા કે બાળકનો જીવ ન જાય, તો ઈજા પહોંચાડનારે નુકસાની ભરી આપવી. કેટલી નુકસાની ભરી આપવી એ સ્ત્રીનો પતિ જણાવે. પછી, ન્યાયાધીશો નક્કી કરે એ પ્રમાણે પેલા માણસે નુકસાની ભરી આપવી. પણ જો મા કે બાળકનો જીવ જાય, તો એ જીવને બદલે ગુનેગારનો જીવ લેવો.”—નિર્ગમન ૨૧:૨૨, ૨૩. a
મનુષ્યનું જીવન ક્યારે શરૂ થાય છે?
જે ઘડીએ મા ગર્ભ ધારણ કરે છે, એ જ ઘડીથી ઈશ્વરની નજરે બાળકનું જીવન શરૂ થાય છે. બાઇબલમાં ઘણી વાર જોવા મળે છે કે ઈશ્વર માટે ગર્ભમાંનું બાળક ફક્ત માતાના શરીરનો ભાગ જ નહિ, પણ એક જીવતી-જાગતી વ્યક્તિ છે. ચાલો અમુક દાખલા જોઈએ.
રાજા દાઉદે પવિત્ર શક્તિની પ્રેરણાથી ઈશ્વરને કહ્યું: “તમારી આંખોએ મને ગર્ભમાં પણ જોયો હતો.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬) દાઉદનો જન્મ થયો એ પહેલાંથી જ ઈશ્વર તેમને એક વ્યક્તિ તરીકે જોતા હતા.
યર્મિયાનો જન્મ થયો એ પહેલાં જ ઈશ્વરે તેમને પ્રબોધક બનાવવાનું નક્કી કર્યું હતું. ઈશ્વરે તેમને કહ્યું: “મેં તને ગર્ભમાં રચ્યો એ પહેલાંથી હું તને જાણતો હતો, તારો જન્મ થયો એ પહેલાંથી મેં તને પવિત્ર કર્યો હતો. બધી પ્રજાઓ માટે મેં તને પ્રબોધક ઠરાવ્યો હતો.”—યર્મિયા ૧:૫.
બાઇબલના એક લેખક લૂક જે વૈદ હતા, તેમણે ગર્ભમાં રહેલા બાળક માટે અને નવા જન્મેલા બાળક માટે એક જ ગ્રીક શબ્દ વાપર્યો. —લૂક ૧:૪૧; ૨:૧૨, ૧૬.
જો કોઈએ ગર્ભપાત કરાવ્યો હોય, તો શું ઈશ્વર તેને માફ કરશે?
જેઓએ પહેલાં ગર્ભપાત કરાવ્યો હોય, કદાચ તેઓનું દિલ ડંખે. પણ જો હવે તેઓ ઈશ્વરની જેમ જીવનને કીમતી ગણતા હોય, તો તેઓ ભરોસો રાખી શકે છે કે ઈશ્વર તેઓને માફ કરશે. બાઇબલમાં લખ્યું છે: “યહોવા દયા અને કરુણા બતાવનાર છે . . . જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે, તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.” b (ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૨) જેઓને પોતાની ભૂલો પર દિલથી પસ્તાવો છે, તેઓને યહોવા માફ કરશે, જેઓએ ગર્ભપાત કરાવ્યો છે, તેઓને પણ માફ કરશે.—ગીતશાસ્ત્ર ૮૬:૫.
જો માતા કે બાળકનો જીવ જોખમમાં હોય, તોપણ શું ગર્ભપાત કરાવવો ખોટું છે?
જો ડૉક્ટર કહે કે કદાચ માતા કે બાળકને શારીરિક તકલીફો થઈ શકે છે, તો એને બહાનું બનાવીને ગર્ભપાત કરાવવો ખોટું છે. કેમ કે ગર્ભમાં રહેલા બાળકનું જીવન પણ કીમતી છે.
અમુક કિસ્સામાં ડૉક્ટર કહે કે પ્રસૂતિ વખતે ફક્ત માતા કે બાળકનો જ જીવ બચશે. એવા કિસ્સામાં યુગલે શું કરવું જોઈએ? તેઓએ પોતે નક્કી કરવું જોઈએ કે બેમાંથી કોનો જીવ બચાવશે.
a અમુક બાઇબલોમાં આ કલમોનું ભાષાંતર એ રીતે થયું છે, જેથી એવું લાગે કે ફક્ત માતાનું જીવન કીમતી છે, બાળકનું નહિ. પણ મૂળ ભાષામાં અહીં માતા કે બાળક બેમાંથી કોઈનો પણ જીવ જાય, એની વાત થઈ છે.
b શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.