લાંબા સમયની બીમારીનો સામનો કરવા શું બાઇબલ મદદ કરી શકે?
શાસ્ત્રમાંથી જવાબ
હા. ઈશ્વર બીમાર લોકોની સંભાળ રાખે છે, તેઓની પરવા કરે છે. એક ઈશ્વરભક્ત વિશે બાઇબલ આમ કહે છે: “બીમારીના બિછાનામાં પણ યહોવા તેનો સાથ નિભાવશે. તમે બીમારીમાં તેની સંભાળ રાખશો.” (ગીતશાસ્ત્ર ૪૧:૩) જો તમે લાંબા સમયથી બીમારીનો સામનો કરતા હોવ, તો તમને નીચે આપેલી ત્રણ બાબતો મદદ કરશે:
૧. સહનશક્તિ માટે પ્રાર્થના કરો. ઈશ્વર એવી શાંતિ આપે છે, “જે આપણી સમજશક્તિની બહાર છે.” (ફિલિપીઓ ૪:૬, ૭) એનાથી આપણને તકલીફોનો સામનો કરવા મદદ મળે છે.
૨. ખુશ રહો. બાઇબલ કહે છે: “આનંદી હૃદય ઉત્તમ દવા છે, પણ ઉદાસ મન વ્યક્તિને કમજોર બનાવી દે છે.” (નીતિવચનો ૧૭:૨૨) રમૂજી સ્વભાવ કેળવો. એનાથી તમે ખુશ રહી શકશો અને તબિયતમાં સુધારો થશે.
૩. ભાવિ માટે આશા રાખો. આશા રાખવાથી તમે ખુશ રહી શકશો. (રોમનો ૧૨:૧૨) એ આશા કઈ છે? બાઇબલ એવા સમય વિશે જણાવે છે જ્યારે ‘કોઈ કહેશે નહિ કે, “હું બીમાર છું.”’ (યશાયા ૩૩:૨૪) આજના ડૉક્ટરો અમુક બીમારીઓનો ઇલાજ નથી શોધી શક્યા. પણ જલદી જ ઈશ્વર બધી જ બીમારીઓ કાઢી નાખશે. બાઇબલ જણાવે છે કે ઘરડાઓ જુવાન થઈ જશે, ‘તેઓનું શરીર બાળકના શરીર કરતાં વધારે તંદુરસ્ત થશે; અને તેઓનું જુવાનીનું જોમ પાછું આવશે.’—અયૂબ ૩૩:૨૫.
નોંધ: યહોવાના સાક્ષીઓને ભરોસો છે કે ઈશ્વર મદદ કરે છે. એની સાથે તેઓ બીમારી માટે જરૂરી સારવાર પણ લે છે. (માર્ક ૨:૧૭) ઇલાજ કયો હોવો જોઈએ એ અમે નથી જણાવતા. અમે માનીએ છીએ કે એ દરેકનો પોતાનો નિર્ણય છે.