સ્કીપ ટુ કન્ટેન્ટ

શબને બાળવા વિશે બાઇબલ શું કહે છે?

શબને બાળવા વિશે બાઇબલ શું કહે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 શબને બાળવા વિશે બાઇબલમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું નથી. મરણ પામેલા લોકોને દફનાવવા જોઈએ કે બાળવા જોઈએ, એ વિશે બાઇબલમાં કોઈ આજ્ઞા નથી.

 બાઇબલમાં જણાવ્યું છે કે અમુક વફાદાર ઈશ્વરભક્તોએ પોતાનાં ગુજરી ગયેલાં સગાં-વહાલાંને દફનાવ્યાં હતાં. દાખલા તરીકે, ઇબ્રાહિમની પત્ની સારાહનું મરણ થયું ત્યારે, તેને દફનાવવાની જગ્યા ખરીદવા ઇબ્રાહિમે ઘણી મહેનત કરી.—ઉત્પત્તિ ૨૩:૨-૨૦; ૪૯:૨૯-૩૨.

 બાઇબલમાં એવા વફાદાર ઈશ્વરભક્તો વિશે પણ જણાવ્યું છે, જેઓએ ગુજરી ગયેલા લોકોનાં શબને બાળ્યાં હતાં. એક દાખલો જોઈએ. ઇઝરાયેલના રાજા શાઉલ અને તેમના ત્રણ દીકરાઓ યુદ્ધમાં માર્યા ગયા અને તેઓનાં શબ દુશ્મનોના વિસ્તારમાં હતાં. દુશ્મનોએ તેઓનાં શબનું ઘોર અપમાન કર્યું. પણ અમુક વફાદાર ઇઝરાયેલી લડવૈયાઓને એ વિશે ખબર પડી ત્યારે, તેઓએ શાઉલ અને તેમના ત્રણ દીકરાઓનાં શબ પાછાં મેળવ્યાં, એને બાળ્યાં અને અવશેષો દફનાવી દીધા. (૧ શમુએલ ૩૧:૮-૧૩) બાઇબલમાંથી જાણવા મળે છે કે એ ઇઝરાયેલી લડવૈયાઓએ જે કર્યું એમાં કંઈ ખોટું ન હતું.—૨ શમુએલ ૨:૪-૬.

શબને બાળવા વિશે અમુક ખોટી માન્યતાઓ

 ખોટી માન્યતા: શબને બાળવાથી શરીરનું અપમાન થાય છે.

 હકીકત: બાઇબલમાં જણાવ્યું છે કે વ્યક્તિના મરણ પછી તે ધૂળમાં ભળી જાય છે. (ઉત્પત્તિ ૩:૧૯) જ્યારે શબને દફનાવવામાં આવે છે ત્યારે સમય જતાં એ સડીને ધૂળમાં ભળી જાય છે. પણ જ્યારે શબને બાળવામાં આવે છે ત્યારે એ વહેલું ધૂળમાં ભળી જાય છે, કેમ કે છેલ્લે ફક્ત રાખ જ બચે છે.

 ખોટી માન્યતા: બાઇબલ સમયમાં જે લોકોએ ઈશ્વરની કૃપા ગુમાવી દીધી હતી, ફક્ત તેઓનાં જ શબને બાળવામાં આવ્યાં હતાં.

 હકીકત: એ સાચું છે કે અમુક બેવફા લોકોનાં શબને બાળવામાં આવ્યાં હતાં, જેમ કે આખાન અને તેના કુટુંબના લોકોનાં શબ. (યહોશુઆ ૭:૨૫) પણ ઈશ્વરની વિરુદ્ધ ગયા હોય એવા કંઈ બધા લોકોનાં શબને બાળવામાં આવતાં ન હતાં અને એવો કોઈ નિયમ પણ ન હતો. (પુનર્નિયમ ૨૧:૨૨, ૨૩) અગાઉ જોઈ ગયા તેમ, અમુક વફાદાર લોકોનાં શબને પણ બાળવામાં આવ્યાં હતાં, જેમ કે શાઉલ રાજાના દીકરા યોનાથાનનું શબ.

 ખોટી માન્યતા: જો વ્યક્તિના શબને બાળીશું તો ઈશ્વર તેને મરણમાંથી જીવતી નહિ કરી શકે.

 હકીકત: ભલે એક વ્યક્તિના શબને બાળી નાખવામાં આવ્યું હોય, દફનાવવામાં આવ્યું હોય કે પછી એ સમુદ્રમાં ડૂબી ગયું હોય અથવા પ્રાણીઓએ એને ફાડી ખાધું હોય, ઈશ્વરને એ બધાથી કોઈ ફરક પડતો નથી. (પ્રકટીકરણ ૨૦:૧૩) ઈશ્વર સર્વશક્તિમાન છે, એટલે તે સહેલાઈથી વ્યક્તિ માટે નવું શરીર ઘડી શકે છે.—૧ કોરીંથીઓ ૧૫:૩૫, ૩૮.