સ્કીપ ટુ કન્ટેન્ટ

દારૂ વિશે બાઇબલ શું કહે છે? શું દારૂ પીવો ખોટું છે?

દારૂ વિશે બાઇબલ શું કહે છે? શું દારૂ પીવો ખોટું છે?

શાસ્ત્રમાંથી જવાબ

 યોગ્ય પ્રમાણમાં દારૂ પીવો ખોટું નથી. બાઇબલમાં જણાવ્યું છે કે દ્રાક્ષદારૂ એ ઈશ્વર તરફથી ભેટ છે, એનાથી મન ખુશ થઈ જાય છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫; સભાશિક્ષક ૩:૧૩; ૯:૭) બાઇબલમાંથી જાણવા મળે છે કે દારૂનો ઉપયોગ દવા તરીકે પણ થઈ શકે છે.—૧ તિમોથી ૫:૨૩.

 ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે દ્રાક્ષદારૂ પીધો હતો. (માથ્થી ૨૬:૨૯; લૂક ૭:૩૪) તેમણે એક લગ્‍નની મિજબાનીમાં પાણીનો દ્રાક્ષદારૂ બનાવ્યો હતો. એ ચમત્કાર તેમના અમુક પ્રખ્યાત ચમત્કારોમાંથી એક છે.—યોહાન ૨:૧-૧૦.

વધુ પડતો દારૂ પીવાના જોખમો

 એ સાચું છે કે બાઇબલમાં દ્રાક્ષદારૂ પીવાના અમુક ફાયદા વિશે જણાવ્યું છે. જોકે એમાં એ પણ જણાવ્યું છે કે વધુ પડતો દારૂ પીવો અથવા દારૂડિયાપણું ખોટું છે. એટલે જો એક ઈશ્વરભક્ત દારૂ પીવાનો નિર્ણય લે, તો તેણે હદ બહાર દારૂ ન પીવો જોઈએ. (૧ તિમોથી ૩:૮; તિતસ ૨:૨, ૩) બાઇબલમાં એવાં ઘણાં કારણો આપ્યાં છે, જેનાથી ખબર પડે છે કે કેમ વધુ પડતો દારૂ ન પીવો જોઈએ.

  •   વધુ પડતો દારૂ પીવાથી સમજી-વિચારીને કામ કરવું અને સારો નિર્ણય લેવો અઘરું બની જાય છે. (નીતિવચનો ૨૩:૨૯-૩૫) દારૂના નશામાં ધૂત વ્યક્તિ બાઇબલની આ આજ્ઞા પાળી શકતી નથી: “પોતાના શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો. તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો.”—રોમનો ૧૨:૧.

  •   વધુ પડતો દારૂ પીવાથી એક વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય છે અને તેની ‘બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે,’ એટલે કે સારું કરવાની તેની ઇચ્છા મરી જાય છે.—હોશિયા ૪:૧૧; એફેસીઓ ૫:૧૮.

  •   એનાથી વ્યક્તિ ગરીબીમાં ધકેલાય છે અને ગંભીર બીમારીઓનો ભોગ બને છે.—નીતિવચનો ૨૩:૨૧, ૩૧, ૩૨.

  •   વધુ પડતો દારૂ પીવો અને દારૂડિયાપણું ઈશ્વરને પસંદ નથી.—નીતિવચનો ૨૩:૨૦; ગલાતીઓ ૫:૧૯-૨૧.

દારૂ પીવામાં હદ વટાવી દેવી, એટલે શું?

 જ્યારે કોઈ માણસ દારૂ પીને પોતાનું અને બીજાઓનું જીવન જોખમમાં નાખે છે, ત્યારે ખબર પડે છે કે તેણે વધુ પડતો દારૂ પીધો છે. બાઇબલમાંથી આપણને જાણવા મળે છે કે દારૂડિયાપણું એટલે શું. એમાં એવા માણસનો સમાવેશ થાય છે, જે દારૂના નશામાં ધૂત હોય. એટલું જ નહિ, એમાં એવા માણસનો પણ સમાવેશ થાય છે જે દારૂ પીને એકદમ ગૂંચવાઈ જાય, લથડિયાં ખાય, કઠોર રીતે વર્તે અથવા સ્પષ્ટ રીતે બોલી ન શકે. (અયૂબ ૧૨:૨૫; ગીતશાસ્ત્ર ૧૦૭:૨૭; નીતિવચનો ૨૩:૨૯, ૩૦, ૩૩) ભલે એક માણસ દારૂડિયો ન બને, પણ કદાચ ‘વધારે પડતું પીવાથી તેનું હૃદય બોજથી દબાઈ જાય’ અને તેણે એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડે.—લૂક ૨૧:૩૪, ૩૫.

ક્યારે દારૂ ન પીવો જોઈએ?

 બાઇબલમાં જણાવ્યું છે કે અમુક સંજોગોમાં ખ્રિસ્તીઓએ જરાય દારૂ ન પીવો જોઈએ:

  •   જો બીજાઓ ઠોકર ખાવાના હોય.—રોમનો ૧૪:૨૧.

  •   જો એનાથી સરકારનો કાયદો તૂટતો હોય.—રોમનો ૧૩:૧.

  •   જો કોઈ પોતાના પર કાબૂ રાખી શકતું ન હોય. જેઓને વધુ પડતો દારૂ પીવાની લત હોય, તેઓએ એવી ઇચ્છાને કાબૂમાં રાખવા કડક પગલાં ભરવાં તૈયાર રહેવું જોઈએ.—માથ્થી ૫:૨૯, ૩૦.