સ્કીપ ટુ કન્ટેન્ટ

શું પ્રાણીઓ મર્યા પછી સ્વર્ગમાં જાય છે?

શું પ્રાણીઓ મર્યા પછી સ્વર્ગમાં જાય છે?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલમાં જણાવ્યું છે કે પૃથ્વી પર જોવા મળતા સજીવોમાંથી ફક્ત અમુક મનુષ્યો જ સ્વર્ગમાં જશે. (પ્રકટીકરણ ૧૪:૧,) તેઓ ત્યાં ઈસુ સાથે રાજા અને યાજકો તરીકે રાજ કરશે. (લૂક ૨૨:૨૮-૩૦; પ્રકટીકરણ ૫:૯, ૧૦) ગુજરી ગયેલા લોકોમાંથી મોટાભાગના લોકોને બાગ જેવી સુંદર પૃથ્વી પર જીવતા કરવામાં આવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.

 બાઇબલમાં ક્યાંય નથી લખ્યું કે પાલતુ પ્રાણીઓ કે કૂતરાઓ સ્વર્ગમાં જશે. કારણ કે, પ્રાણીઓ એવાં કામો નથી કરી શકતાં, જેના લીધે તેઓને ‘સ્વર્ગનું આમંત્રણ’ આપવામાં આવે. (હિબ્રૂઓ ૩:૧) એ કામો છે, ઈશ્વરનું જ્ઞાન લેવું, તેમનામાં શ્રદ્ધા મૂકવી અને તેમની આજ્ઞા પાળવી. (માથ્થી ૧૯:૧૭; યોહાન ૩:૧૬; ૧૭:૩) ફક્ત માણસોને જ હંમેશ માટે જીવવા બનાવવામાં આવ્યા હતા. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૨૨, ૨૩) એનાથી સાફ જોઈ શકાય છે કે પ્રાણીઓ હંમેશ માટે જીવી શકતા નથી, પછી ભલેને એ સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર.

 સ્વર્ગના જીવન માટે મરણમાંથી જીવતા થવું જરૂરી છે. (૧ કોરીંથીઓ ૧૫:૪૨) મરી ગયેલાને જીવતા કરવામાં આવ્યા હોય એવા ઘણા અહેવાલો બાઇબલમાં નોંધેલા છે. (૧ રાજાઓ ૧૭:૧૭-૨૪; ૨ રાજાઓ ૪:૩૨-૩૭; ૧૩:૨૦, ૨૧; લૂક ૭:૧૧-૧૫; ૮:૪૧, ૪૨, ૪૯-૫૬; યોહાન ૧૧:૩૮-૪૪; પ્રેરિતોનાં કાર્યો ૯:૩૬-૪૨; ૨૦:૭-૧૨) એ અહેવાલો પ્રમાણે જીવતા કરવામાં આવેલા બધા જ માણસો હતા, પ્રાણીઓ નહિ.

 પ્રાણીઓ મરી જાય પછી તેઓનું શું થાય છે?

 બાઇબલમાંથી શીખવા મળે છે કે માણસો અને પ્રાણીઓ ‘સજીવ’ છે. આમ, તેઓનું જીવન એકસમાન છે. કારણ કે બંને ‘ધરતીની માટીમાંથી’ બનેલાં છે અને તેઓમાં “જીવનનો શ્વાસ” છે.—ઉત્પત્તિ ૧:૨૪; ૨:૭, ૧૯.

 બાઇબલમાં એવું પણ લખ્યું છે કે માણસો અને પ્રાણીઓનું મરણ થાય છે. (નિર્ગમન ૧૯:૧૩) મરણ પછી તેઓ માટીમાં ભળી જાય છે. (સભાશિક્ષક ૩:૧૯, ૨૦) બીજા શબ્દોમાં કહીએ તો મરણ પછી તેઓનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે. a

 શું પ્રાણીઓ પાપ કરે છે?

 ના. પાપ એટલે કે એવું કોઈ કામ, લાગણી કે વિચાર, જે ઈશ્વરનાં ધોરણોની વિરુદ્ધ છે. પાપ કરવા ખરું-ખોટું પારખવાની ક્ષમતા હોવી જોઈએ, જે પ્રાણીઓમાં હોતી નથી. તેઓ પોતાના ટૂંકા જીવન દરમિયાન પોતાની સહજ બુદ્ધિથી અથવા સ્વાભાવિક રીતે વર્તે છે. (૨ પિતર ૨:૧૨) પ્રાણીઓ પાપ કરતા નથી, છતાં તેઓનું આયુષ્ય પૂરું થાય ત્યારે તેઓ મરી જાય છે.

 શું પ્રાણીઓ સાથે ક્રૂર રીતે વર્તવું જોઈએ?

 ના. ઈશ્વરે માણસોને પ્રાણીઓ પર અધિકાર આપ્યો છે, પણ તેઓ સાથે ખરાબ રીતે વર્તવાનો હક નથી આપ્યો. (ઉત્પત્તિ ૧:૨૮; ગીતશાસ્ત્ર ૮:૬-૮) ઈશ્વર બધાં પ્રાણીઓની, અરે, નાનાં પક્ષીઓની પણ કાળજી રાખે છે. (યૂના ૪:૧૧; માથ્થી ૧૦:૨૯) તેમણે પોતાના ભક્તોને આજ્ઞા આપી છે કે તેઓ પ્રાણીઓ સાથે દયાથી વર્તે.—નિર્ગમન ૨૩:૧૨; પુનર્નિયમ ૨૫:૪; નીતિવચનો ૧૨:૧૦.

a વધારે માહિતી માટે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૨૯ જુઓ.