સ્કીપ ટુ કન્ટેન્ટ

શું પ્રાર્થના કરવાથી ઈશ્વર મદદ કરશે?

શું પ્રાર્થના કરવાથી ઈશ્વર મદદ કરશે?

શાસ્ત્રમાંથી જવાબ

 હા, જો આપણી પ્રાર્થનાઓ ઈશ્વરની ઇચ્છાની સુમેળમાં હશે, તો તે આપણને મદદ કરશે. બાઇબલમાં લખ્યું છે કે અમુક ઈશ્વરભક્તોએ પ્રાર્થનામાં કહ્યું: “ઈશ્વર, મને મદદ કરો.” ઈશ્વરે તેઓની પ્રાર્થના સાંભળી. ભલે તમે કદી ઈશ્વરને પ્રાર્થના કરી ન હોય, પણ તેઓના દાખલાથી તમને પ્રાર્થના કરવાનું ઉત્તેજન મળી શકે.

  •   “હે યહોવા મારા ઈશ્વર, મને મદદ કરો. તમારા અતૂટ પ્રેમને લીધે મને બચાવી લો.”—ગીતશાસ્ત્ર ૧૦૯:૨૬.

  •   ‘હું તો લાચાર અને ગરીબ છું. તમે જ મારા મદદગાર છો, મને બચાવનાર છો.’—ગીતશાસ્ત્ર ૪૦:૧૭.

 જે લોકોએ આ કલમો લખી તેઓને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી. જે લોકો સાચા દિલથી ઈશ્વર પાસે મદદ માંગે છે, ઈશ્વર તેઓની પ્રાર્થના સાંભળે છે. એમાં “દુઃખી” અને “કચડાયેલા મનના” લોકોનો પણ સમાવેશ થાય છે.—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

 આપણે એ ચિંતા કરવાની જરૂર નથી કે ઈશ્વર આપણાથી બહુ દૂર રહે છે અને તેમને આપણી કોઈ પરવા નથી. બાઇબલમાં લખ્યું છે કે “યહોવા સર્વોચ્ચ સ્થાને બિરાજે છે, છતાં નમ્ર લોકોનું ધ્યાન રાખે છે. પણ અભિમાનીને તે પોતાનાથી દૂર જ રાખે છે.” (ગીતશાસ્ત્ર ૧૩૮:૬) ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે “તમારાં માથાંના બધા વાળ પણ ગણેલા છે.” (માથ્થી ૧૦:૩૦) ઈશ્વર તમારા વિશે બધું જ જાણે છે, તમે નથી જાણતા એવી બાબતો પણ ઈશ્વર જાણે છે. એટલે જ્યારે પણ તમને ચિંતા થાય, ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરો. તે તમને ચોક્કસ મદદ કરશે.—૧ પિતર ૫:૭.