શું શાસ્ત્રમાં કોઈ સલાહ આપી છે, જેનાથી મારું કુટુંબ સુખી બને?
શાસ્ત્રમાંથી જવાબ
હા. બાઇબલમાં સરસ સલાહ આપી છે. લાખો કુટુંબો એ સલાહ પાળીને સુખી બન્યાં છે. દાખલા તરીકે, નીચે આપેલી અમુક સારી સલાહ પર ધ્યાન આપો:
લગ્ન કાયદાકીય રીતે કરેલા હોવા જોઈએ. કાયદાકીય રીતે કરેલા લગ્નમાં એકબીજાને વચન આપવામાં આવે છે કે, જીવનભર એકબીજાને સાથ આપશે. એ સુખી કુટુંબનો પાયો છે.—માથ્થી ૧૯:૪-૬.
એકબીજાને પ્રેમ કરો અને માન આપો. જેમ તમે ચાહો છો કે તમારા સાથી તમારી સાથે વર્તે, એમ તમે પણ તેમની સાથે વર્તો.—માથ્થી ૭:૧૨; એફેસીઓ ૫:૨૫, ૩૩.
કઠોર શબ્દો ન બોલો. પ્રેમથી વાત કરો. એવા સમયે પણ જ્યારે તમારા સાથી એવું કંઈક કહે કે કરે, જેનાથી તમને દુઃખ પહોંચે. (એફેસીઓ ૪:૩૧, ૩૨) બાઇબલમાં લખ્યું છે: “નમ્ર જવાબ ક્રોધને શાંત કરે છે, પણ કઠોર શબ્દો ગુસ્સો ભડકાવે છે.”—નીતિવચનો ૧૫:૧.
એકબીજાને વફાદાર રહો. ફક્ત તમારા જીવનસાથી જોડે જ શારીરિક સંબંધ રાખો અને તેમને તમારો પ્રેમ બતાવો. (માથ્થી ૫:૨૮) બાઇબલમાં લખ્યું છે: “બધા લોકોમાં લગ્ન માનયોગ્ય ગણાય અને પતિ-પત્ની એકબીજાને બેવફા ન બને.”—હિબ્રૂઓ ૧૩:૪.
તમારા બાળકોને પ્રેમથી શીખવો. તેઓને વધારે પડતી છૂટ ન આપશો અને તેઓ સાથે વધારે પડતા કઠોર ન બનશો.—નીતિવચનો ૨૯:૧૫; કોલોસીઓ ૩:૨૧.