૧૭ નવેમ્બર, ૨૦૨૩ | અપડેટ: ૮ ડિસેમ્બર, ૨૦૨૩
ભારત
અપડેટ—ભારતમાં થયેલા બૉમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધી આઠ લોકોએ જીવ ગુમાવ્યો
ભારતના કેરળમાં થયેલા બૉમ્બ વિસ્ફોટમાં ૭૬ વર્ષના એક ભાઈને પણ ખૂબ ઈજા થઈ હતી. શનિવાર, ર ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ તે ગુજરી ગયા. તે વડીલ તરીકે સેવા આપતા હતા અને નિયમિત પાયોનિયર હતા. એ વિસ્ફોટમાં તેમના પત્ની પણ ઘાયલ થયા હતા. દુઃખની વાત છે કે ગુરુવાર ૭ ડિસેમ્બરના રોજ તે પણ ગુજરી ગયા. તે પણ નિયમિત પાયોનિયર હતા. કાળજુ કંપાવી દે એવી આ દુર્ઘટનામાં ગુજરી જનાર ભાઈ-બહેનોનો આંકડો હવે વધીને ૮ થયો છે.
રવિવાર, ૨૯ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ ભારતના કેરળ રાજ્યમાં એક મહાસંમેલનમાં બૉમ્બ વિસ્ફોટ થયા હતા. અગાઉ આપણને જાણવા મળ્યું હતું કે એમાં આપણી ત્રણ બહેનોએ જીવ ગુમાવ્યો. ૧૨ વર્ષની જે નાની છોકરી ગુજરી ગઈ હતી, હવે તેનાં મમ્મી અને ભાઈનું પણ મરણ થયું છે. તેમ જ, બીજા એક બહેનનું પણ મોત થયું છે. વધુમાં, ૧૧ ભાઈ-બહેનો હજુ પણ હૉસ્પિટલમાં છે.
એ મહાસંમેલનમાં આવેલાં ભાઈ-બહેનોને દિલાસો અને ઉત્તેજન આપવા ભારતની શાખા કચેરીને એક ખાસ સભા રાખવાની મંજૂરી મળી. એ સભા ૪ નવેમ્બર, ૨૦૨૩ના રોજ રાખવામાં આવી હતી. સભામાં ૨૧ મંડળનાં ભાઈ-બહેનોને આમંત્રણ મળ્યું હતું, જેઓ એ મહાસંમેલનમાં હાજર હતાં. ત્યાંના જ એક પ્રાર્થનાઘરમાં એ સભા રાખવામાં આવી હતી. એમાં આશરે ૨૦૦ ભાઈ-બહેનો હાજર રહ્યાં, બીજાં ૧,૩૦૦ ઓનલાઇન જોડાયાં હતાં. જેઓ હૉસ્પિટલમાં હતાં તેઓ માટે પ્રોગ્રામ રેકોર્ડ કરવામાં આવ્યો. શાખા કચેરીના એક ભાઈએ ગીતશાસ્ત્ર ૨૩:૧ના શબ્દો પર ભાર આપીને સમજાવ્યું કે યહોવાને પોતાના દરેક ભક્તની ખૂબ ચિંતા છે. તેમણે કહ્યું: “કલમમાં ગીતના લેખકે એવું નથી કહ્યું કે યહોવા એક ઘેટાંપાળક છે અથવા જોરદાર ઘેટાંપાળક છે પણ તેમણે કહ્યું છે કે યહોવા‘મારા પાળક’ છે. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે કે યહોવા માટે આપણે દરેક ખૂબ જ કીમતી છીએ!”
બૉમ્બ વિસ્ફોટ વખતે હાજર હતા એવા એક ભાઈ જણાવે છે કે તે રાતે ઊંઘી નથી શકતા. તેમ છતાં હૉસ્પિટલમાં દાખલ થયેલાં ભાઈ-બહેનોને તે રાજીખુશીથી મદદ કરી રહ્યાં છે. તે જણાવે છે: “તેઓને યહોવા પર અતૂટ શ્રદ્ધા છે અને તેઓ સારી વાતો પર ધ્યાન આપી રહ્યાં છે, એ જોઈને તો હું મારી ચિંતાઓ જ ભૂલી ગયો. ઘણાં તો ગંભીર ઈજા અને અસહ્ય પીડામાં પણ ઉત્સાહથી રાજ્યગીતો ગાતાં હતાં.” બીજા એક ભાઈ જણાવે છે: “આપણાં એ વહાલાં ભાઈ-બહેનોને રોજિંદા જીવનમાં પાછા ફરતા કદાચ ઘણો સમય લાગશે. તેમ છતાં, મને ખાતરી છે કે ભાઈ-બહેનો તેઓને પ્રેમ બતાવતા રહેશે. મને પૂરો ભરોસો છે કે આપણા પ્રેમાળ ઈશ્વર પોતાના શક્તિશાળી હાથથી તેઓની કાળજી રાખી રહ્યા છે. એનાથી કેટલું ઉત્તેજન મળે છે!”
યહોવાના ભક્તો તરીકે આપણે બધા એકતાના બંધનમાં જોડાયેલા છીએ. આપણને એ જાણીને ઘણો દિલાસો મળે છે કે ભારતનાં આપણાં વહાલાં ભાઈ-બહેનોને યહોવા કલમના આ શબ્દો પ્રમાણે મદદ કરતા રહેશે: “તે કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે. તે તેઓના ઘા રુઝાવે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૭:૩.