૧ એપ્રિલ, ૨૦૨૨
યુક્રેઇન
વધારે માહિતી #પ | યુક્રેઇનમાં કટોકટી પણ ભાઈ-બહેનો વચ્ચે પાકો પ્રેમ
૨૯ માર્ચ, ૨૦૨૨ સુધીમાં મારિયુપોલ શહેરમાં બીજાં સાત ભાઈ-બહેનો મરણ પામ્યાં. યુક્રેઇનમાં અત્યાર સુધી ૧૭ ભાઈ-બહેનો મરણ પામ્યાં છે.
યુક્રેઇનમાં આપણી રાહત સેવા સમિતિઓ પુષ્કળ મહેનત કરી રહી છે. એ સમિતિના ભાઈઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને યુદ્ધવાળા વિસ્તારમાં આપણાં ભાઈ-બહેનોને શોધવા જાય છે.
દાખલા તરીકે, એ સમિતિઓમાં કામ કરતા ભાઈઓએ યુદ્ધવાળા શહેરો, ખારકીવ, કાર્માસ્ટોક, ક્રામાટોર્સ્ક, મારિયુપોલમાં ખોરાક, દવા અને બીજી જરૂરી ચીજ-વસ્તુઓ પહોંચાડી છે. એક ભાઈ તો દરરોજ પાંચસો કિલોમીટર મુસાફરી કરે છે, એ દરમિયાન રસ્તામાં ઘણા મિલેટરી ચેકપોસ્ટ આવે છે. એ ભાઈ ૨,૭૦૦ પ્રકાશકોને ખોરાક અને દવા પહોંચાડે છે.
રાહત સમિતિઓના ભાઈઓ યુદ્ધવાળા વિસ્તારોમાંથી ભાઈ-બહેનોને બહાર કાઢવાનું કામ પણ કરે છે. ચેર્નિહિવની સમિતિના એક ભાઈ કહે છે: ‘લશ્કરે ઘરો પર બોમ્બ વરસાવવાનું શરૂ કર્યું ત્યારે, અમે જાણી ગયા કે આ શહેરમાં રહેવું જોખમભર્યું છે. વડીલોએ શહેર છોડવા મદદ મળે એ માટે વ્યવસ્થા કરી હતી. વીજળી અને ઇન્ટરનેટ બંધ થઈ ગયા હતા, એટલે વડીલો શહેરમાં ફરીને પ્રકાશકોને મળીને તેઓને શહેર છોડવાની વ્યવસ્થા વિશે માહિતી આપતા હતા.’
ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા એક વ્યક્તિએ પોતાના વેન અને બસ આપ્યાં. તેણે ચેર્નોહિવ શહેરથી ૨૫૪ ભાઈ-બહેનોને બહાર કાઢ્યાં. એક વાર તો રસ્તો તૂટી ગયો હતો, એ વ્યક્તિએ મોટા મશીનો લાવીને રસ્તો સરખો કર્યો, જેથી બસ જઈ શકે. એ મદદની આપણાં ભાઈ-બહેનો ખૂબ કદર કરે છે.
આ યુદ્ધમાં જેઓએ સગાંવહાલાં અને મિત્રો ગુમાવ્યા છે, તેઓ માટે અમે દુઃખી છીએ. આપણે બધા બાઇબલના આ વચનો પૂરા થવાની રાહ જોઈએ છીએ, જ્યારે મરણ અને શોક રહેશે જ નહિ.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
૨૯ માર્ચ, ૨૦૨૨ સુધીમાં યુક્રેઇનના અહેવાલોના આંકડા નીચે મુજબ છે. આ આંકડા આપણા સ્થાનિક ભાઈઓ તરફથી મળ્યા છે. કદાચ સાચા આંકડા વધારે હોઈ શકે, કેમ કે એ દેશના દરેક ભાગ સુધી સંપર્ક કરવો ઘણું અઘરું છે.
આપણાં ભાઈ-બહેનોને થયેલું નુકસાન
૧૭ પ્રકાશકોએ જીવ ગુમાવ્યો
૩૫ પ્રકાશકોને ઈજા થઈ
૩૬,૩૧૩ પ્રકાશકોએ ઘરબાર છોડીને યુક્રેઇનના અન્ય સલામત વિસ્તારમાં જતાં રહેવું પડ્યું
૧૧૪ ઘરો સંપૂર્ણ ધરાશાયી થઈ ગયા
૧૪૪ ઘરોને મોટું નુકસાન થયું
૬૧૨ ઘરોને સામાન્ય નુકસાન થયું
૧ પ્રાર્થનાઘર ધરાશાયી થઈ ગયું
૭ પ્રાર્થનાઘરોને મોટું નુકસાન થયું
૨૩ પ્રાર્થનાઘરોને સામાન્ય નુકસાન થયું
રાહત કાર્ય
૨૭ સ્થાનિક રાહત સેવા સમિતિઓ (DRC) યુક્રેઇનમાં કામ કરી રહી છે
૩૪,૭૩૯ પ્રકાશકોને DRCએ સલામત જગ્યાએ ખસેડ્યા
૧૬,૧૭૫ પ્રકાશકો બીજાં ભાઈ-બહેનોની મદદથી અન્ય દેશમાં જતાં રહ્યાં