૨૩ માર્ચ, ૨૦૨૨
યુક્રેઇન
વધારે માહિતી #૪ | યુક્રેઇનમાં કટોકટી પણ ભાઈ-બહેનો વચ્ચે પાકો પ્રેમ
સતત બોમ્બમારા અને લડાઈ વચ્ચે જીવી રહેલા મારિયુપોલના ભાઈ-બહેનો માટે અમે દિલથી પ્રાર્થના કરીએ છીએ. દુઃખની વાત છે કે એ બોમ્બમારામાં આપણા છ ભાઈબહેનો મરણ પામ્યાં. અત્યાર સુધી યુક્રેઇનમાં કુલ દસ ભાઈ-બહેનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત, સમાચારો પ્રમાણે ગયા અઠવાડિયે એક થીયેટર પર બોમ્બ પડ્યો હતો. એમાં એક હજાર લોકો રક્ષણ લઈ રહ્યા હતા. હુમલામાં આપણા કોઈ ભાઈ-બહેનોને જાનહાનિ નથી થઈ, પણ અમુકને નાની ઈજાઓ પહોંચી છે.
આશરે ૭૫૦ ભાઈ-બહેનો મારિયુપોલમાંથી સલામત જગ્યાએ જતાં રહ્યાં છે, જ્યારે હજુ બીજાં ૧,૬૦૦ ભાઈ-બહેનો ત્યાં જ છે. એમાંના ઘણાં શહેરના પૂર્વ વિસ્તારમાં છે, જે હવે રશિયાના કબજામાં છે.
અગાઉના રિપોર્ટમાં જણાવ્યું હતું તેમ, આશરે ૨૦૦ ભાઈ-બહેનો એક પ્રાર્થનાઘર અને એક સંમેલનગૃહનાં બેઝમેન્ટમાં આશરો લઈ રહ્યાં છે. તેઓનો સંપર્ક થતાં તેઓએ જણાવ્યું:
“બોમ્બમારો થઈ રહ્યો હતો ત્યારે અમુક ભાઈ-બહેનો ખૂબ જ ડરી ગયાં હતાં. અમુક તો રડવા લાગ્યા હતાં. જ્યારે અમે બહાર ધડાકા સાંભળ્યા ત્યારે લાગ્યું કે અમે વિસ્ફોટથી કે આગથી મરી જઈશું. એક વડીલે સલાહ આપી કે રાજ્યગીતો ગાઈએ. અમે સાથે મળીને ૧૦ થી ૧૫ ગીતો ગાયાં. ધડાકાના અવાજ મોટા થતા ગયા અને બિલ્ડિંગ હલવા લાગી, તેમ અમે વધુ જોરથી ગીતો ગાયાં. પછી અમે ગીતશાસ્ત્રનો ૨૭મો અધ્યાય વાંચીને એના પર ચર્ચા કરી. બધાએ બાઇબલમાંથી પોતપોતાની મનપસંદ કલમ બતાવી, જેનાથી તેઓને હિંમત મળે છે. અમે અનુભવ્યું કે યહોવા ખરેખર ‘દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે,’ જે આપણને સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ મન શાંત રાખવા મદદ કરે છે.”—૨ કોરીંથીઓ૧:૩, ૪.
બીજાઓ માટે જતું કરનાર વડીલો અને સ્થાનિક રાહત સેવા સમિતિના ભાઈઓ (DRC) જીવના જોખમે એવા ભાઈ-બહેનો સુધી પહોંચે છે, જેઓને મદદની જરૂર છે અને તેઓને ખોરાક તેમજ દવાઓ પૂરી પાડે છે. ગોળીઓના વરસાદ અને બોમ્બથી બચવા તેઓને જમીન પર પેટે સરકતા જવું પડે છે. ભાઈ-બહેનો માટે ‘પોતાનો જીવ જોખમમાં મૂકનાર’ એ બધા માટે અમને ગર્વ છે.—રોમનો ૧૬:૪
શહેરમાં ગેસ અને લાઈટ ન હોવાથી આપણી બહેનો ચૂલો સળગાવીને જમવાનું બનાવે છે. પછી એને મોટી ઉંમરનાં અને અપંગ ભાઈ-બહેનોને પહોંચાડવામાં આવે છે. આપણા ઘણાં મિત્રોએ પોતાનાં ઘરબાર, ગાડી અને બીજી વસ્તુઓ ગુમાવી હતી. તોપણ તેઓ આભારી છે કે તેઓ ભાઈ-બહેનોનો પ્રેમ અને કાળજી અનુભવી શક્યા.
આશરો લેનાર ભાઈ-બહેનો સાથે મળીને બાઇબલ વાંચે છે અને શક્ય હોય ત્યારે બીજાઓને બાઇબલનો સંદેશો જણાવે છે. એમ કરીને તેઓ ભક્તિમાં લાગુ રહે છે.
૨૨ માર્ચ, ૨૦૨૨ સુધીમાં યુક્રેઇનના અહેવાલોના આંકડા નીચે મુજબ છે. આ આંકડા આપણા સ્થાનિક ભાઈઓ તરફથી મળ્યા છે. કદાચ સાચા આંકડા વધારે હોઈ શકે. કેમ કે એ દેશના દરેક ભાગ સુધી સંપર્ક કરવો ઘણું અઘરું છે.
આપણાં ભાઈ-બહેનોને થયેલું નુકસાન
૧૦ પ્રકાશકોએ જીવ ગુમાવ્યો
૨૭ પ્રકાશકોને ઈજા થઈ
૩૩,૧૮૦ પ્રકાશકોએ ઘરબાર છોડીને યુક્રેઇનના અન્ય સલામત વિસ્તારમાં જતાં રહેવું પડ્યું
૭૮ ઘરો સંપૂર્ણ ધરાશાયી થઈ ગયાં
૧૦૨ ઘરોને મોટું નુકસાન થયું
૪૮૪ ઘરોને સામાન્ય નુકસાન થયું
૧ પ્રાર્થનાઘર ધરાશાયી થઈ ગયું
૪ પ્રાર્થનાઘરોને મોટું નુકસાન થયું
૧૮ પ્રાર્થનાઘરોને સામાન્ય નુકસાન થયું
રાહત કાર્ય
૨૫ સ્થાનિક રાહત સેવા સમિતિઓ (DRC) યુક્રેઇનમાં કામ કરી રહી છે
૨૫,૦૬૯ પ્રકાશકોને DRCએ સલામત જગ્યાએ ખસેડ્યા
૧૪,૩૦૮ પ્રકાશકો બીજાં ભાઈ-બહેનોની મદદથી અન્ય દેશમાં જતા રહ્યા