સ્કીપ ટુ કન્ટેન્ટ

ડાબી બાજુ: પોલૅન્ડથી આવેલી રાહતસામગ્રીને યુક્રેનના ભાઈ-બહેનો બૉક્સમાં ભરી રહ્યાં છે. જેથી એને જરૂરિયાતવાળાં ભાઈ-બહેનો સુધી પહોંચાડી શકાય. જમણી બાજુ: હોસ્ટોમેલ શહેરમાં બોમ્બમારાના કારણે એક ભાઈનું ઘર નાશ થયું

૧૩ એપ્રિલ, ૨૦૨૨
યુક્રેઇન

વધારે માહિતી #૬ | યુક્રેઇનમાં કટોકટી પણ ભાઈ-બહેનો વચ્ચે પાકો પ્રેમ

વધારે માહિતી #૬ | યુક્રેઇનમાં કટોકટી પણ ભાઈ-બહેનો વચ્ચે પાકો પ્રેમ

દુઃખની વાત છે કે યુક્રેઇનમાં ચાલતા યુદ્ધના કારણે બીજા પણ ઘણાં ભાઈ-બહેનોએ જીવ ગુમાવ્યો છે. એમાં કુલ ૨૮ યહોવાના સાક્ષીઓ ગુજરી ગયા છે.

આંતરરાષ્ટ્રીય સમાચારોના અહેવાલ પ્રમાણે, યુદ્ધના શરૂઆતના અઠવાડિયાઓમાં ખાસ કરીને કીવ નજીકના ગામોમાં સૌથી વધારે લડાઈ થઈ હતી. એ વિસ્તારમાં આશરે ૪,૯૦૦ પ્રકાશકો રહેતા હતા, જેમાંથી ૩,૫૦૦થી વધારે ભાઈ-બહેનો પોતાનું ઘર છોડીને સલામત જગ્યાએ જતાં રહ્યાં છે.

નીચે આપેલા અનુભવોમાંથી જોઈ શકીએ છીએ કે આપણાં ભાઈ-બહેનો આકરી કસોટીઓમાં પણ અડગ શ્રદ્ધા બતાવી રહ્યાં છે.

માર્કિવનાં મંડળમાં ઓલેકઝાન્ડરભાઈ એક વડીલ તરીકે સેવા આપે છે. તેમણે મધ્ય યુક્રેઇનના સલામત વિસ્તારમાં ભાગવું પડ્યું. પણ તેમના મંડળના ચાર પ્રકાશકો સાથે કોઈ વાતચીત થઈ શકતી ન હતી. એટલે તેઓને શોધવા પોતાનો જીવ જોખમમાં મૂકીને યુદ્ધના વિસ્તારમાં તે પાછા આવ્યા. તેમણે જણાવ્યું: “હું એક વાત સમજી ગયો કે યહોવા માટે તેમના ભક્તો બહુ જ કીમતી છે . . . જ્યારે હું આપણા એક પ્રકાશકના ઘરે આવ્યો, ત્યારે મેં જોયું કે તેમના ઘર પર બોમ્બમારો થયો છે. તેમના ઘરના ભોંયરાનું બારણું બંધ હતું અને ઘણી બૂમો પાડ્યા છતાં કોઈ જવાબ આપતું ન હતું. એટલે મારા ધબકારા વધી ગયા.” ઓલેકઝાન્ડરભાઈ બારણું તોડી અંદર ગયા તો જોયું કે અમુક જણ તેમને જોઈ રહ્યાં છે. એમાં આપણાં ભાઈ-બહેનો અને તેઓનાં અમુક પડોશીઓ હતાં, જેઓએ બચવા માટે ત્યાં આશરો લીધો હતો.

યારોસ્લાવભાઈ અને તેમની પત્ની (વચ્ચે) અને ઓલેકઝાન્ડરભાઈ અને તેમની પત્ની, સુરક્ષિત જગ્યાએ પહોંચ્યાં પછી સાથે જમી રહ્યાં છે.

એ ભોંયરામાં આશરો લેનાર આપણા યારોસ્લાવભાઈએ જણાવ્યું કે તેઓ જીવ બચાવવા ત્યાં આઠ દિવસ સંતાયા હતા. એ સમય યાદ કરતા તેમણે જણાવ્યું: “જીવન ટકાવી રાખવા દરરોજ અમે દરેક જણ ફક્ત થોડા બિસ્કિટ અને એક ગ્લાસ પાણી પીને ચલાવતા. પણ અમે બાઇબલ અને આપણા સાહિત્ય વાંચતા, પ્રાર્થના કરતા અને એકબીજાની હિંમત વધારતા. જ્યારે ઓલેકઝાન્ડરભાઈએ મારા નામે બૂમો પાડી, ત્યારે મને લાગ્યું કે સૈનિકો મને પકડવા આવ્યા છે. મને થયું કે બસ, હવે તો હું નહિ બચું! . . . પણ તેમણે અમને બધાને બચાવ્યા. આવા પ્રેમાળ ભાઈ-બહેનો માટે અમે યહોવાના ખૂબ આભારી છીએ. જેઓ અમારા માટે પ્રાર્થના કરે છે અને અમને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકતા જરાય અચકાતા નથી.”

પીલીપભાઈ

પીલીપભાઈ અને બીજા એક ભાઈએ નક્કી કર્યું કે તેઓ બોરોડીઆન્કામાં રહેનારા ભાઈ-બહેનોને ખોરાક આપવા જશે. ૧૭મી માર્ચે તેઓ ત્યાં જઈ રહ્યા હતા ત્યારે, સૈનિકોએ પીલીપભાઈની ગાડી અને ખોરાક જપ્ત કરી લીધા. તેઓએ બંને ભાઈઓને હાથકડી પહેરાવી અને તેઓની આંખે પટ્ટી બાંધી દીધી. પછી તેઓને એક ભોંયરાની નાની ઓરડીમાં લાવ્યા અને બીજા સાત માણસો સાથે પૂરી દીધા. બે દિવસ પછી સૈનિકોએ તેઓને એક કોટડીમાં નાખ્યા, જ્યાં ચોકીદારોએ તેઓને રાત્રે બહુ માર્યા. પીલીપભાઈ કહે છે: “મને થયું કે હવે હું બચીશ કે નહિ. એટલે મેં યહોવાને પ્રાર્થના કરી કે હું વફાદાર રહી શકું.”

એકવાર પીલીપભાઈને ચોકીદારો મારી રહ્યા હતા. એવામાં ભાઈએ જોરથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તેમણે પોતાના કુટુંબની સલામતી માટે અને મોટી ઉંમરની એ બહેનો માટે પ્રાર્થના કરી જેઓને તે ખોરાક આપવા જઈ રહ્યા હતા. આટલાં વર્ષો યહોવાની સેવામાં તેમને જે ખુશી મળી એ માટે યહોવાનો આભાર માન્યો. એ જોઈને ચોકીદારે તેમને ઓરડીમાં મોકલી દીધા. ત્યાં તેમણે પ્રાર્થના કરવાનું ચાલું રાખ્યું. તેમણે યહોવાને કહ્યું કે સૈનિકોને સમજવા મદદ કરે કે અમે સાક્ષીઓ તેઓને કોઈ નુકસાન પહોંચાડવા માંગતા નથી. બંને ભાઈઓ ચોકીદારોને બાઇબલનો સંદેશો જણાવવા લાગ્યા. બે દિવસ સુધી બંને ભાઈઓએ દરેક ચોકીદારને સંદેશો જણાવ્યો. એટલું જ નહિ, તેઓ સાથે કેદમાં એક માણસે બાઇબલના સંદેશામાં રસ બતાવ્યો અને ભાઈઓનો આભાર માન્યો. ૨૭મી માર્ચે, આપણા બે ભાઈઓ અને જે માણસે સંદેશામાં રસ બતાવ્યો હતો તેઓને છોડી મૂકવામાં આવ્યા.

સ્વીતલાનાબહેન કુંવારા છે. તે યુક્રેનના બુકા નામના શહેરમાં રહેતાં હતાં. યુદ્ધ શરૂ થયા પછી બે અઠવાડિયા સુધી તે ત્યાંથી નીકળી ન શક્યાં. એ સમય યાદ કરતા તેમણે જણાવ્યું: “યહોવા તરફથી મળતી શાંતિ આપણા માટે બહુ જરૂરી છે એ હું જાણતી હતી. પણ એનો ખરો અર્થ હું એ બે અઠવાડિયા દરમિયાન સમજી. ઈશ્વરની શાંતિ હોવાનો મતલબ એ નથી કે આપણને હંમેશાં ખબર હોય કે શું કરવું. પણ જ્યારે આપણને કોઈ રસ્તો જ ન સૂઝે, ત્યારે પૂરી રીતે યહોવા પર આધાર રાખીએ, એને સાચા અર્થમાં ઈશ્વરની શાંતિ કહેવાય.”

સ્વીતલાનાબહેન યુક્રેઇનમાં સલામત જગ્યાએ જતા હતા ત્યારે તેમની સાથે મુસાફરી કરતી એક સ્ત્રી અને તેના ભાણિયાને સાક્ષી આપી. તેઓ બધા સલામત જગ્યાએ પહોંચ્યાં ત્યારે એક સાક્ષી કુટુંબે તેઓને આવકાર આપ્યો. એ સાક્ષી કુટુંબે સ્વીતલાનાબહેન, એ સ્ત્રી અને તેના ભાણિયાને રાતે પોતાના ઘરે રાખ્યા. બીજા દિવસે એ સ્ત્રીએ સામે ચાલીને મંડળની સભામાં જોડાવા તૈયારી બતાવી. તેણે બાઇબલ અને આપણું સાહિત્ય પણ માંગ્યું. સ્વીતલાનાબહેન તે સ્ત્રી સાથે વાતચીત કરતાં રહે છે.

૧૨ એપ્રિલ, ૨૦૨૨ સુધીમાં યુક્રેઇનના અહેવાલોના આંકડા નીચે મુજબ છે. આ આંકડા આપણા સ્થાનિક ભાઈઓ તરફથી મળ્યા છે. કદાચ સાચા આંકડા વધારે હોઈ શકે, કેમ કે એ દેશના દરેક ભાગ સુધી સંપર્ક કરવો ઘણું અઘરું છે.

આપણાં ભાઈ-બહેનોને થયેલું નુકસાન

  • ૨૮ પ્રકાશકોએ જીવ ગુમાવ્યો

  • ૪૮ પ્રકાશકોને ઈજા થઈ

  • ૪૦,૭૭૮ પ્રકાશકોએ ઘરબાર છોડીને યુક્રેઇનના અન્ય સલામત વિસ્તારમાં જતાં રહેવું પડ્યું

  • ૨૭૮ ઘરો સંપૂર્ણ ધરાશાયી થઈ ગયાં

  • ૨૬૮ ઘરોને મોટું નુકસાન થયું

  • ૭૪૬ ઘરોને સામાન્ય નુકસાન થયું

  • ૧ પ્રાર્થનાઘર ધરાશાયી થઈ ગયું

  • ૯ પ્રાર્થનાઘરોને મોટું નુકસાન થયું

  • ૨૬ પ્રાર્થનાઘરોને સામાન્ય નુકસાન થયું

રાહત કાર્ય

  • ૨૭ સ્થાનિક રાહત સેવા સમિતિઓ (DRC) યુક્રેઇનમાં કામ કરી રહી છે

  • ૪૧,૯૭૪ પ્રકાશકોને DRCએ સલામત જગ્યાએ ખસેડ્યા

  • ૧૮,૦૯૭ પ્રકાશકો બીજાં ભાઈ-બહેનોની મદદથી અન્ય દેશમાં જતાં રહ્યાં